Article Details

પ્રભુ ભક્તિની પરખ મનને થાય છે

 

વાણીને વિરામ આપીએ તો મનના વિચારો ધીમે ધીમે શાંત થતાં જાય છે. કોઈની સાથે ઝઘડો થાય કે વાદવિવાદથી બોલાચાલી થાય, પછી એની સાથે બોલીએ નહીં, એવા અબોલાને વિરામ ન કહેવાય. ન કામનાં કે જરૂરિયાત વગરના શબ્દોનું ઉચ્ચારણ જેમ જેમ ઓછું થતું જાય, તેમ તેમ વાણીના મૌન માટેની, વાણીને વિરામ આપવા માટેની યાત્રાનો આરંભ થાય. જ્યાં સુધી દેહની આસક્તિ છે, દેહ સાથેના જીવનમાં ગૂંથાયેલાં રહેવાય છે, ત્યાં સુધી વાણીને-વાચાને મહત્તા આપીને માનવી પોતાના કાર્યો કરે છે. પરંતુ હું દેહ નથી એ સત્ દર્શનને ભક્તએ ગ્રહણ કર્યું હોવાથી, તે જરૂરિયાત વગરનાં શબ્દોની વાચા ઉચ્ચારતો નથી. ભક્ત પોતાની જવાબદારીના કાર્યો પ્રભુ સ્મરણ રૂપે કરે છે. કારણ સૂક્ષ્મ સમજના તાર એના મનમાં દંડતાથી ગૂંથાતા રહે છે. એટલે પ્રભુ સાથેના આત્મીય સંબંધને, પ્રભુની સાક્ષાત્ હાજરીને તે અનુભવે છે.

હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું એ વાસ્તવિકતા ગ્રહણ થાય તો સમજાય, કે શરીર હાડકાંઓનું માળખું છે, જેનો માનવ આકારનો દેહ દેખાય છે. શરીરના દરેક અવયવ હાડકાવાળા છે, માત્ર જીભમાં હાડકું નથી, જીભની ક્રિયા નમનભાવથી થાય છે. તે પ્રત્યેક પળે નમે છે એ જાણીને ભક્તની પણ એ જ અભિલાષા હોય કે, “હું પ્રભુ, શબ્દોના ઉચ્ચાર માટે, કે અન્નને ચાવવા માટે જો જીભની ક્રિયા વંદનભાવથી થતી હોય, તો મારી વાચા રૂપે આપની સ્તુતિ પ્રગટવી જોઈએ. મારી વાચા રૂપે આપના નામ-સ્મરણની સુવાસ ન પ્રગટે તો પળે પળે અર્પણ થતી શ્વાસની ચેતનાને હું વેડફી નાખું છું. આપનું સ્મરણ નથી તો જીવંત જીવન રૂપે સ્વયંની સ્મૃતિ નહીં થાય તે હું જાણું છું. તેથી આપણાં આત્મીય સંબંધની ઐક્યતાનું વિસ્મરણ ન થાય તે માટે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહું છું. હું તરતો નથી પણ તરાવનાર આત્મીય ચેતના તરાવે છે. એની પ્રતીતિ વાણીના વિરામથી થતી રહે છે.’’

ભક્તનું સંસારી જીવન ગમે તેટલું વ્યસ્ત હોય, છતાં વિસ્મરણ ન થાય એવું સ્મરણ એનાં મનમાં અંકિત રહે છે. એવું સ્મરણ ત્યારે અંકિત થાય જ્યારે વ્યવહારમાં વાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય. બિનજરૂરી શબ્દોનો ઉચ્ચાર જેટલો ઓછો થાય તેટલો પ્રભુ સ્મરણનો સમય મળે. શબ્દોના ઉચ્ચારમાં ઊર્જા શક્તિ વપરાઈ જાય, પણ વાણીના વિરામમાં ઊર્જા શક્તિનો સંચય થતાં પ્રભુ નામનાં સ્મરણમાં મન સરળતાથી ઓતપ્રોત થાય. વાણીના વિરામથી સ્વમય ચિંતનમાં મન સહજતાથી સ્થિર થાય અને સ્વયંના સંસ્મરણો રૂપે પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થાય. સ્વયંના સંસ્મરણોની તાજગીમાં જ્ઞાનેન્દ્રિયો સજાગ થાય, ત્યારે પ્રભુ નામનું માત્ર ઉચ્ચારણ નથી થતું પણ સાત્ત્વિક ભાવનું સંવેદન ધારણ થાય છે. તેથી જ ભક્ત વાણીની મહત્તા જાણીને વાણીનો યથાર્થ ઉપયોગ કરે છે. વાણીના ઉપયોગથી વિચારોની, લાગણીની અભિવ્યક્તિ થાય, પણ એવી અભિવ્યક્તિમાં અહંકારી વૃત્તિની દુર્ગંધ હોય તો પ્રભુએ અર્પણ કરેલી જીભ, વાચા, કે કંઠનું અપમાન થાય છે. એટલે જ સાત્ત્વિક ભાવની ગુણિયલતા વિચાર વર્તન રૂપે પ્રગટતી નથી.

ભક્ત તો દેહના દરેક અવયવોની ક્રિયા રૂપે આત્મીય ચેતનાની અભિવ્યક્તિને સ્વીકારે. જેમ જીભના આધારે તીખું, ખાટું-મીઠું વગેરે સ્વાદની પરખ થાય છે, તેમ પ્રભુ સ્મરણ નથી થતું કે પ્રભુ ભક્તિમાં મન મગ્ન નથી થતું, એની પરખ મનને થાય છે. જે મણે મનને પરખ રૂપે પસ્તાવો થાય ત્યારે રાગ દ્વેષના વર્તનની વાણીનો પશ્ચાત્તાપ થાય. જીભથી રાગ-દ્વેષ, લોભ, ઈર્ષ્યા, ક્રોધની વાચાનું ઉચ્ચારણ જો વારંવાર થયાં કરે, તો એવી જ વાચા-વર્તનનું પુનરાવર્તન થતું રહે છે, એવાં મનથી પ્રભુ નામની સ્તુતિ નથી થતી, કે ભજનોનું ગુંજન સહજ થતું નથી. પરંતુ એવા મનને જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગનો સ્પર્શ થાય, ત્યારે એને પ્રભુ સ્મરણનો મહિમા જો સમજાય, તો સ્મરણમાં લીન થવાની પછી તડપ જાગે. એવી તડપ રૂપે સ્વયંને જાણવાની જિજ્ઞાસા વધતી જાય અને ઈન્દ્રિયગમ્ય વિષયોની પાછળ દોડવાનું ઓછું થાય. બિનજરૂરી શબ્દોનું ઉચ્ચારણ બંધ થાય ત્યારે વાણીનો વ્યભિચાર ન થાય. શારીરિક, માનસિક કે આધ્યાત્મિક વિકાસને અવરોધે એવાં કાર્યને કે પ્રવૃત્તિને વ્યભિચાર કહેવાય. જ્યાં વ્યભિચારની અનીતિ નથી, ત્યાં આચાર-વિચારમાં ભાવની સાત્ત્વિકતા સહજ પ્રગટતી જાય અને પ્રભુ સ્તુતિના અક્ષર શબ્દોની વાણીનું કે જ્ઞાન-ભક્તિમાં તરાવતાં પથ પદોની વાણીનું સ્વયંભૂ સ્ફુરણ પ્રગટતું જાય.

 

સ્વયંભૂ વાણીની ધારાથી અંતરવિહાર થાય અને વિધાતા પોતે ભક્તને વાણીનો હાર પહેરાવે;

ભક્તની વાણીના કારને જે જિજ્ઞાસુ સ્વીકારે, તેનાં અજ્ઞાની મનની પછી હાર થાય;

મનની હારમાં શુદ્ધિકરણની હારમાળા ગૂંથાય, ત્યારે સંસારી વાણીનું મૌન થતું જાય;

વાણીના મૌનથી કર્મસંસ્કારોના આવરણને ઓગાળતી જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં રહેવાય.

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું એટલે સાત્ત્વિક ભાવની ગુણિયલતા ધારણ થવી. પછી ભાવની અંતર સમાધિમાં મન આપમેળે સ્થિર થતાં વિચારો શાંત થતાં જાય અને સ્વાનુભૂતિના પ્રકાશિત દર્શનને ધારણ કરાવતું અંતર બળ જાગૃત થતું જાય. આમ સંસારી વાણીનું મોન થતાં અંતરની વાણીના સૂર સ્વયંભૂ પ્રગટતાં જાય. પ્રભુની અંતર વાણીના સાત્ત્વિક તરંગો જ્યારે જિજ્ઞાસુ માનવીને સ્પર્શે ત્યારે ભક્તિભાવથી જીવવાની લગનીને જગાડે છે. એવી લગનીના લીધે માનવીને સતત લગોલગ રહેતી પ્રભુની ચેતનાના અણસારા મળે. અણસારામાં દેહધારી જીવનનો અને પ્રભુ સાથેના આત્મીય સંબંધનો સાર પરખાય, ત્યારે શબ્દોની વાચાનું વળગણ છૂટતું જાય અને વાણીના મોન સ્વરૂપે ભાવનું સંવેદન ધારણ કરાવતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા