મૌન સ્વયં સમાધિમાં સરી પડે
દ્રૌપદીએ જો વાણીનો યથાર્થ ઉપયોગ કર્યો હોત, એટલે કે અપમાનજનક શબ્દોની વાચાથી પ્રતિક્રિયા દર્શાવી ન હોત, તો મહાભારતનું યુદ્ધ નહીં થતું. અર્થાત્ વાણીના મૌનથી ભવિષ્યની પ્રતિકૂળ ઘટનાઓના પ્રારબ્ધની અસર ઓછી થઈ શકે છે. ‘આંધળાનો પુત્ર આંધળો હોય’ એવું કહીને દુર્યોધનનું અપમાન કરવાના દ્રૌપદીના વર્તનમાં કટાક્ષયુક્ત જે પ્રતિક્રિયા હતી, તેનાં લીધે દુર્યોધનના મનમાં વેરભાવની બદલો લેવાની વૃત્તિ જન્મી હતી. ધિક્કાર અને ભેદભાવથી થતી ઉગ્ર બોલાચાલીમાં ઘણીવાર એકબીજાને મારી નાખવાની વિકૃતિ જન્મે છે. કંકાશભરી વાણીની ઉગ્રતાથી મનની સાત્ત્વિક ભાવની પ્રકૃતિ કુંઠિત થઈ જાય છે અને તે સર્જનાત્મક વિચારો વગરની, વિવેકી દૃષ્ટિની બુદ્ધિ વગરની દરિદ્રતા લાવે છે. એવાં દરિદ્ર મનને કદી સમજાતું નથી, કે માનવી જીવનનો હેતુ છે એકબીજા સાથે હળીમળીને પ્રેમભાવથી જીવવાનો.
જીવંત જીવનનો જે શ્રેયિત હેતુ છે, તે કલ્યાણકારી હેતુથી જિજ્ઞાસુ ભક્ત જીવન જીવે છે અને મનની સાત્ત્વિક ગુણોની સુસંસ્કારી સંસ્કૃતિનો ઉજાગર થાય એવાં સ્વમય ચિંતનમાં સ્થિર થવાનો તે પુરુષાર્થ કરે છે. સ્વમય ચિંતનની સહજતા વાણીના મોનથી ધારણ થતી જાય. વાણીનું મૌન થતાં સંસારી વૃત્તિ-વિચારોનો અવરોધ ઓછો થતો જાય. પછી મનનું મૌન કરાવતી અંતરભક્તિમાં ધ્યાનસ્થ થવાય, તે છે અંતર યાત્રાની શરૂઆત. મનનું મૌન થવું સરળ નથી. જેમ જેમ સંસારી વિચારો ઓછા થતાં જાય, બિનઉપયોગી શબ્દોનાં ઉચ્ચાર ઓછાં થતાં જાય, તેમ તેમ વિચારોની હારમાળા ઓછી ગૂંથાતા મનની બેટરીનો વપરાશ પણ ઓછો થાય. અર્થાત્ ઓછા વિચારોની શાંતિમાં ઊર્જા શક્તિનો સંચય થાય અને આત્મીય ચેતનાની તેજોમય ઊર્જાના તરંગો ધારણ થતાં જાય. પછી ‘હું દેઉં છું’ એવાં અજ્ઞાનને વિલીન કરાવતી સોહમ્ ભાવની જાગૃતિ તરફ પ્રયાણ થાય.
મનનું મોન એટલે જ સંપૂર્ણ સમર્પણ ભાવની જાગૃતિ. અહંકારી વૃત્તિ-વિચારોનું સંપૂર્ણ સમર્પણ થાય અને સોહભાવની જાગૃતિ અનુભવાય, ત્યારે ઊર્જાની ચેતનાના અવનવા તરંગોની પ્રકાશિત અનુભૂતિ થાય. આત્માના તાત્ત્વિક ગુણોના અનેક સ્તરો છે. તે અંતર સ્તરોની ઊર્જા જે સુષુપ્ત રહી હતી, એ સમર્પણ ભાવની જાગૃતિથી ગતિમાન થાય, એટલે કે ઊર્ધ્વગતિના ચક્રોની ઊર્જા ગતિમાન થાય. એવી ગતિમાન ઊર્જાની ચેતનાના સ્પંદનોને ભક્ત અનુભવે, ત્યારે એનાં મનની શાંત સ્થિતિ હોય. મનની શાંત સ્થિતિ માટે જ વાણીનું મૌન જરૂરી છે. પછી મનનું મૌન થાય ત્યારે સ્વાનુભવ રૂપે પ્રતીતિ થાય, કે હૃદય જેમ સતત ધબકે છે અને શરીરમાં સર્વત્ર લોહી અખંડ ગતિથી ફરતું રહે છે, તેમ મગજ પણ ધબકે છે, એટલે જ શરીરના દરેક અંગોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ થયાં કરે છે. મગજ રૂપી બેટરીના લીધે શરીરમાં ઊર્જાની ચેતનાનું પ્રસરણ શક્ય બને છે. મૌન સ્થિતિની સ્થિરતામાં, વિચારો વગરની શાંત અંતરધ્યાનસ્થ સ્થિતિમાં મગજની સતત થતી ક્રિયાના ધબકારા સંભળાય.
ધબકારે ધબકારે હરિ ફરે છે, એ તો હરતાં ફરતાં સ્વયંની અનામી વાતો કરતાં રહે;
વાતવાતમાં સમાધિની શાંતિ પ્રસરાવે અને સમાધિના સમત્વ ભાવમાં બ્રહ્મજ્ઞાન અર્પે;
જ્ઞાન સાથે અનંત યુગોના ભાવનું મૌન કરાવે અને મૌન સ્વયં સમાધિમાં સરી પડે;
પછી અનંત સમાધિની પેલીપાર રમણ કરાવે અને પ્રભુત્વ ભોગનો આનંદ ધરે.
મનનું મૌન થવાનું શરૂ થાય, ત્યારે સાત્ત્વિક વિચારોના ભાવાર્થની શીતળ ધારા વહે, જ્યાં ઈચ્છાવૃત્તિઓ તૃપ્તિરૂપે વિરામ કરે. મૌનની આવી શાંત અનેરી પળનું દાન ગોપીઓને શ્રીકૃષ્ણ અર્પણ કરતાં હતાં, તે અનેરી પળ, એ જ હતી રાસની સૂક્ષ્મ ગતિ અને તે જ છે સમાધિની શાંત અવસ્થા. એ પળનો આનંદ લૂંટ્યા પછી ગોપીઓને વારંવાર રાસની અણમોલ ગતિમાં સ્થિત થવાની અધીરાઈ રહેતી. મનોમન તે શ્રીકૃષ્ણ ચૈતન્યને વંદન કરતી રહેતી અને સંવાદ રૂપે વિનંતિ કરતી કે, “હે કાન્હા, પ્રીતનો રંગ લગાડ્યો તે અને મુજમાં ધારણ થયું તારું નામ, તેથી રટણ થાય તારું નામ સહજતાથી અને હવે તું મુજને કહે છે કે, કર વાણીનું મૌન, મનનું મૌન. પરંતુ મૌનની સ્થિતિમાં ન થાય સ્મરણ તારા નામનું, જે મને ગમે નહીં. મારું હૈયું તો બેચેન બની, રાસની ગતિમાં ગતિમાન થવા અધીર બને. જો વાણીનું મૌન રાખું તો પનઘટ પર આવીને તોડાવે તું અને પાછું મોન કરવાનું પણ તું જ કહે છે. પળેપળે તારા સુવચનોનો ભાવાર્થ બદલાતો જાય. તારી નિત્ય નવીનતાની નૈતિનેતિ ગતિ અને પ્રભુત્વ પ્રસ્તુતિની લીલાને જાણું છું. કહેને કાન્હા, હું શું કરું, જેથી મનનું મૌન થાય અને ‘હું” તુજમાં સમાઈ જાય.’ અંતરભાવથી પ્રભુ સાથે સંવાદ થાય, એટલે કે આત્મીય ચેતનાની ગતિ ધારણ થતાં મૌન સ્થિતિનો ઉદય થતો જાય. કારણ એવાં સંવાદમાં નથી સંસારી ઈચ્છાઓ કે માંગણીઓના વિચારો અને નથી ત્યાં બીજી વ્યક્તિ સાથેની આધ્યાત્મિક વિચારણા. એવાં સંવાદમાં વાચાના શબ્દોની આપ-લે ન હોય, પણ સ્વયંના આત્મ સ્વરૂપનું સંવેદન ધારણ થતું હોય. અંતરભાવની જાગૃતિ સ્વયંના સંવેદનને ધારણ કરે, ત્યારે ઊર્જાની ચેતનાના શ્વેત પ્રકાશમાં અસ્તિત્વ એકરૂપ થાય. અંતરભાવની તરંગિત ઊર્જાના વહેણને ઝીલવા, એના વિદ્યુતિ સ્પંદનો ધારણ કરવા સહેલ નથી. ભક્તની આત્મ સ્થિત યોગી મતિ તે સ્પંદનોને ઝીલે, ત્યારે એની વિદ્યુતિ શક્તિ રૂપે આત્મીય ચેતનાની દિવ્યતા પ્રકાશિત થાય, જે સાંનિધ્ય લેનારા બીજા જિજ્ઞાસુઓના મનનું શુદ્ધિકરણ કરાવે. શ્રીકૃષ્ણ ચૈતન્યની યોગી મતિના સાંનિધ્યમાં ગોપીઓ આત્માની એકમ ગતિને ધારણ કરતી હતી. એકમ ગતિની જાગૃતિથી શ્વાસે શ્વાસે પ્રભુની પ્રકાશિત પ્રીતનો સહવાસ માણતી હતી. જેમાં મૌનની સમાધિ સ્થિતિનો ઉજાગર સ્વયંભૂ થતો જાય. મૌનની શાંત સ્થિતિ વિશે આટલું સંક્ષિપ્તમાં જાણ્યાં પછી જો એવી શાંતિનો અનુભવ કરવાની તરસ જાગે, તો સમજી જવું કે જ્ઞાન-ભક્તિની અંતર યાત્રાના સંસ્કારો જાગૃત થયાં છે, જે વિચારોની ડાળીઓને સાત્ત્વિક ભાવની જાગૃતિથી ઝૂકાવવા માટે ભક્તિભાવમાં મનને સહજતાથી અંતરધ્યાનસ્થ કરાવે અને જીવંત જીવનના શ્રેષિત હેતુને સાધ્ય કરાવે.
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા