મારા ભવનો પાર ઉતારો
શહેરી જીવન એટલે આધુનિક સાધનોની સુખસગવડતા તથા અનેક પ્રકારની પ્રવૃત્તિઓની વ્યસ્તતા. પરંતુ શહેરની સુવિધાજનક નિરાંત હોવાં છતાં માનવી મેળવેલી સુખ સગવડતાને શાંતિથી ભોગવી શકતો નથી. કારણ જે વસ્તુઓની, કે વ્યક્તિગત સંબંધોની પ્રાપ્તિ છે, તે પોતાની ઈચ્છા મુજબની માનવીને નથી લાગતી, અધવા ઈચ્છા મુજબની પરિસ્થિતિ હોય છતાં સંબંધિત વ્યક્તિઓ સાથે મનમેળ ન હોય, અથવા જે પ્રાપ્ત સ્થિતિ છે તેને ભોગવ્યાં પછી એની ખોટ કે ઉણપ ન રહે, તે માટે વધુને વધુ પ્રાપ્ત કરવા માટેની મહેનતમાં માનવી પ્રસન્નતા, ઉત્સાહ, કે ઉમંગથી ભોગવતો નથી. એટલે સદીઓથી માનવી એવી શાંતિને શોધે છે, જ્યાં શરીરની તંદુરસ્તી સાથે પોતે એશોઆરામથી ભૌતિક પદાર્થોને ભોગવી શકે. એવી શોધમાં એક સત્યને માનવી ભૂલી જાય છે, કે શરીરના સાધનની તંદુરસ્તી માટે મનનું સાત્ત્વિક આચરણનું સ્વાસ્થ્ય જરૂરી છે. કારણ મનનો જેવો સ્વભાવ હોય અને વૃત્તિ-વિચારોની પ્રતિક્રિયા હોય, તેવાં નકારાત્મક રસાયણોના પ્રવાહથી અંગોની પ્રક્રિયા થતાં શરીરનું આરોગ્ય કથળતું જાય છે. અર્થાત્ રાગ, દ્વેષ, લોભ, ઈર્ષ્યા, ક્રોધ, અદેખાઈ વગેરે સંકુચિત વૃત્તિ-વિચારોના સ્વભાવની અસર શરીરના અંગોની પ્રક્રિયા પર થાય છે. સંકુચિત અહંકારી સ્વભાવના લીધે રોગી જંતુઓ સક્રિય થાય, જે શરીરના આરોગ્યને અસ્થિર કરે છે.
માનવીના સ્વભાવની જેવી પ્રકૃતિ, તેવી હોય શરીરના આરોગ્યની સ્થિતિ. તેથી મનની સાત્ત્વિક સ્વાસ્થ્યની જાગૃતિનો રાહ જ્ઞાની ભક્તો વારંવાર દર્શાવતાં રહે છે. જેથી જીવંત જીવનની અલભ્યતાને માનવી માણી શકે અને જે આશયથી માનવી જન્મ ધારણ કર્યો છે તે પૂરો થઈ શકે. સાત્ત્વિક સ્વભાવની કેળવણી માટે જ્ઞાની ભક્તોએ બે વસ્તુસ્થિતિની મહત્તા દર્શાવી, તે છે વાણી પર સંયમ અને મનમાં સમાધાન ભાવની વિશાળતા. આ બન્ને સ્થિતિ જો આત્મસાત થાય, તો ભક્તની જેમ કોઈપણ સંજોગોમાં પ્રસન્નતાનું અન્ન આરોગવા મળે અને એકબીજા સાથે પ્રેમભાવથી જીવન જીવાય. વાણીનો સંયમિત ઉપયોગ થાય, ત્યારે બિનજરૂરી શબ્દોના ઉચ્ચાર વગર કાર્ય થતાં, હકારાત્મક વૃત્તિની નિર્મળતા ખીલતી જાય છે, પરંતુ તે માટે નકામા વધારાના શબ્દો ન બોલવાની, કે એકની એક વાતનું પુનરાવર્તન ન કરવાની ટેવ પાડવી જોઈએ,
માનવી મોટેભાગે પ્રતિક્રિયાના વર્તનથી વ્યવહારિક જીવનના કાર્યો કરે છે. વાતવાતમાં ગુસ્સે થઈને ઉશ્કેરાઈ જવાનાં સ્વભાવથી સંબંધોમાં પ્રેમને બદલે કડવાશ-કંકાસ વધે છે. મારું-તારું-પરાયું એવાં ભેદભાવનાં વર્તનને લીધે સહિયારું કે એકબીજા સાથે હળીમળીને સમાધાનપૂર્વક જીવવાનું માનવીને મુશ્કેલ લાગે છે. અહંકારી સ્વભાવનો આડંબર હોય, ત્યારે વાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ હોય અને ‘હું કહું તે જ સાચું છે’ એવા હઠીલા સ્વભાવથી તર્કબદ્ધ દલીલોથી વાણીનું ઉચ્ચારણ થાય. વાણીના પ્રહારથી બદલો લેવાની વૃત્તિ વધે છે. ગમે તેટલો નિકટનો સંબંધ હોય, પણ ન બોલવાના શબ્દો બોલાય ત્યારે સંબંધ રૂપી વૃક્ષના મૂળ વાણીની કુહાડીથી કપાઈ જાય છે. વાણીથી જ એકબીજા સાથેના સંબંધો બંધાય છે અને કટુ વાણીથી જ સંબંધો દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે. તેથી વાણીનો સુયોગ્ય ઉપયોગ થવો જોઇએ. બીજાના મનને ઘાયલ કરે એવાં કડવા શબ્દોનું ઉચ્ચારણ જો યોગ્ય નથી, તો પ્રેમભાવ વગરની વાણી પણ પોકળ હોય છે. તેની અસર થતી નથી. તેથી શિક્ષક જ્યારે પ્રેમભાવની લાગણી વગર ભણાવે છે, ત્યારે વિદ્યાર્થીને સમજાતું નથી અને ભણવાનું ગમતું નથી.
આમ દરેકના જીવનમાં વાણીની ઉપયોગી મહત્ત્વતા છે. ભકતની જેમ જો તટસ્થભાવથી વાણીનો ઉપયોગ થાય, તો જીવંત જીવન રૂપે મળેલું સૌંદર્ય માણી શકાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ કરવા માટે સ્તુતિ કે ભજનના ગુંજન માટે વાણીનો સદુપયોગ થાય. તે માટે જ્ઞાન-ભક્તિનાં સત્સંગથી મનને કેળવવું જરૂરી છે. રાગ દ્વેષાત્મક સંકુચિત માનસની જેટલી અસ્થિરતા, તેટલી વધુ કેળવણીની આવશ્યકતા. તેથી મહિનામાં માત્ર બે વાર સત્સંગમાં હાજરી આપીએ, તો મનની અજ્ઞાની પ્રકૃતિનું પરિવર્તન સહજ થતું નથી. મનની ભીતરનું આત્મીય ગુણોનું સૌંદર્ય ત્યારે પ્રગટે, જ્યારે પોતાના અનુકારી સંચિત સ્વભાવના અવરીય અનુભવાય ગુરુના સાનિધ્યમાં તે સૌંદર્યના સાત્ત્વિક પ્રભાવનો અનુભવ થાય ત્યારે પોતાની ભૂલોનો, કે અવરોધક સ્વભાવનો પસ્તાવો થાય. એવો પસ્તાવો થાય તો ધીરે ધીરે છતાં મક્કમતાથી કીડીના સ્વભાવની જેમ મનની પ્રકૃતિને બદલવાનો પુરુષાર્થ થાય. કીડીને કદી સાકરની સુગંધ પારખવાનો પુરુષાર્થ કરવો પડતો નથી, એટલે કે સાકરનું સ્મરણ કરીને કીડી સાકર તરફ પ્રયાણ કરતી નથી. એ તો સાકરની મીઠાશને માણવા જ્યાં સાકર હોય ત્યાં દોડીને પહોંચી જાય. તે સાકરનો સ્વાદ માત્ર પોતે ન માળે, પણ માણીને બીજી કીડી પણ માણી શકે તે હેતુથી સાકરના કણને ઊંચકીને લઈ જવાનો પુરુષાર્થ કરે છે. સાકરનો કણ ભારે છે કે હલકો એવાં વિચાર વગર પુરુષાર્થ થતો હોવાથી, બીજાને મીઠાશ અર્પણ કરવા માટે અટક્યાં વગર કીડી પુરુષાર્થ કરે છે. જ્યાં અટક્યાં વગરનો પુરુષાર્થ હોય, ત્યાં જ શ્રદ્ધાનું આસન દઢ હોય અને ત્યાં જ શંકા સંદેહ વગરની ગતિ પુરુષાર્થની ક્રિયાને સફળતા અર્પે છે. કીડીને પુરુષાર્થ કરવાનો કંટાળો કે આળસ નથી, તેથી થાકીને આરામ લેવા માટે વચ્ચે તે ક્યાંય અટકતી નથી. જ્ઞાન-ભક્તિની અંતરયાત્રા અટક્યાં વગર ત્યારે થાય, જ્યારે પ્રેમભાવથી, શરણભાવથી અધ્યયન થાય. સામાન્ય રૂપે માનવી ભયથી પ્રાર્થના કરે છે. જેથી પોતાની મુશ્કેલી કે દુઃખથી મુક્ત થવાય. ભક્તની જેમ નિઃસ્વાર્થ પ્રેમથી ભક્તિના રંગે રંગાઈ જવાય, તો આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતનો સાક્ષાત્કાર થઈ શકે. પ્રભુ પ્રીતની ચેતનાને શોધવાની નથી. હું તે જ છું તેની અનુભૂતિ ભક્તિભાવથી થાય, ત્યારે ભીતરનું ચેતનાનું સૌંદર્ય સ્વયંભૂ પ્રગટતું જાય. તે માટે પ્રભુને વિનંતિ કરીએ કે, સાત્ત્વિક ભાવનો રંગ લગાડો, જેથી આત્માની ભૂખ નિઃસ્વાર્થ ભક્તિભાવથી સંતોષી શકાય.
રંગમાં રંગેલું જીવન, તારા રંગમાં રંગાવો,
મારું મન કાન્હામાં લાવો, એનો રંગ છે અનેરો,
કાન્હા તારો રંગ છે મીઠો, સંસાર છે સૌ જુઠો,
આત્માને ભૂખ્યો રાખી અમે પેટ ભરીએ છીએ...
જીવન રહ્યું છે થોડું, મીઠાશ એમાં લાવો,
તારો સાક્ષાત્કાર કરાવો, મારા ભવનો ભાર ઉતારો, મારા પાપનો ભાર ઉતારો...
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા