મૌનમાં સ્મરણ - રટણનું પણ મૌન થાય
આપણે સૌ દ્વૈત (બે) પ્રકારની પ્રકૃતિનું જીવન જીવીએ છીએ. અર્થાત્ બે પ્રકારની ભિન્ન સ્થિતિનું દૈહિક જીવન છે. જગતમાં અનેક પ્રકારની આકૃતિઓ છે. એટલે પ્રકૃતિ જગતની વિવિધ અભિવ્યક્તિ અનુભવાય છે. બે પ્રકારની ભિન્નતાના લીધે મન દરેક પરિસ્થિતિનું તોલમાપ કરે અને તેની સરખામણી કરીને તફાવત જાણવાનો પ્રયત્ન કરે. પરંતુ વાસ્તવિક્તા એવી છે કે મનની મૂળભૂત સ્થિતિ અભિન્ન આત્મ સ્વરૂપની હોવાંથી માનવીનું મન ભિન્નતાને જાણી શકે છે. તેથી આ જગતની કોઈપણ પ્રકારની સ્થિતિના તફાવતને, કે ભિન્નતાની અસમતોલતાને જાણી શકવાની સમર્થતા મન ધરાવે છે. મનની આવી સમર્થતા હોવાં છતાં તે સ્વયંની સમતોલ તટસ્થ સ્થિતિને ધારણ કરી શકતું નથી. કારણ કે તે લોકિક જગતના સીમિત પદાર્થોને ભોગવવાની આસક્તિમાં બંધાયેલું રહે છે. તેથી મનનો સ્વભાવ સમતોલ હોવાં છતાં અતૃમ ઈચ્છાઓના આવરણને લીધે અસમતોલ થઈ, દ્વેત પ્રકૃતિની ભિન્નતામાં આસક્ત રહે છે. એવાં આસક્ત મનને પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ થતી નથી.
એવાં આસક્ત મનને જો પ્રભુ કૃપા સ્વરૂપે સત્સંગનો મહિમા સમજાય તો શ્રવણ, અધ્યયનથી એટલું સમજાય, કે પ્રકૃતિ જગત એટલે જ સતત પરિવર્તનની ક્રિયા. એવી પરિવર્તનની ક્રિયા સ્વરૂપે દરેક આકૃતિઓ કે તન-મનની દેહધારી સ્થિતિ વૃદ્ધિ-વિકાસને ધારણ કરે છે. આ સતત થતી ક્રિયાનો આશય જો સમજાય, તો સરખામણી કર્યા કરતી ભેદભાવની મનોષ્ટિ બદલાતી જાય. પછી અપરિવર્તનશીલ આત્મસ્વરૂપને જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગે. મનોમન સમજ શક્તિના તાર પછી પ્રજ્વલિત થતાં જાય અને આત્મસાત થતું જાય કે આત્માની સમતોલતા છે અને સમતોલ સ્વરૂપની સમાનતામાં કોઈ ભિન્નતાના ભેદ નથી. આમ મન જેમ જેમ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં તરતાં સ્વમય ચિંતનથી કેળવાતું જશે, તેમ તેમ લોકિક વ્યવહારમાં ઓછાં શબ્દો બોલવાની ટેવ પડશે. વધારે પડતાં શબ્દોનું ઉચ્ચારણ ત્યારે કરવું પડે, જ્યારે સમજ શક્તિનો અભાવ હોય. અથવા પોતે જે જાણે છે તે જ સાચું છે, તે પુરવાર કરવાની મથામણ હોય, અથવા બીજાને ફોન સમજી પોતે કરાપાર છે એવાં અભિમાનનો કો ફ્લાવવાનું ગમતું હોય,
વાણીનું મૌન થાય, એટલે કે બિનજરૂરી શબ્દોનું ઉચ્ચારણ ઓછું થાય, ત્યારે જ સ્વયંની પ્રતીતિ કરાવતી જ જ્ઞાન-ભક્તિની સરિતામાં સહજતાથી તરતાં રહેવાય. જેટલી તરવાની સહજતા, તેટલી મનની સૂક્ષ્મ સમજની પરિપક્વતા. પછી આધ્યાત્મિક અંતરયાત્રા અટક્યાં વગર થયાં કરે અને પરિપક્વ મનને સમજાતું જાય કે, ‘‘સતત સરતી સમયની ગતિ, તે જ છે સતત પરિવર્તનની પ્રક્રિયા, જેના પરિણામ રૂપે દેહધારી જીવંત જીવન જીવી શકાય છે. એટલે જીવનમાં ઉતાર-ચઢાવની જે ઘટમાળ આવે છે, તે પણ બદલાતી રહે છે. વળી જે પણ ઘટનાઓ મારા જીવનમાં ઘટે છે, તે મેં જ કરેલા કર્મોના પરિણામ છે. એટલે કોઈપણ સ્થિતિની સરખામણી કરવાને બદલે એમાં સમાયેલી આત્મીય ચેતનાની જો પ્રતીતિ કરું, તો એ સ્થિતિ રૂપે પ્રગટ થયેલી આત્મીય ગુણોની ઊર્જાના સ્પંદનો ધારણ થાય. એવાં પાવન સ્પંદનોથી કંઠ ઈન્દ્રિય પછી પ્રભુની સ્તુતિમાં લીન રહે અને ભેદભાવની મનોદૃષ્ટિ ઓગળતી જાય.’’ જિજ્ઞાસુ ભક્તની આવી સમજ શક્તિ વધતી જાય અને વાણીના મૌન સ્વરૂપે સાત્ત્વિક ભાવની જાગૃતિ તરફ પ્રયાણ થતું જાય.
વાણીના મૌન સાથે મનના વિચારોનું મૌન પણ સંકળાયેલું છે. એટલે જિજ્ઞાસુ ભક્ત દરેક પરિસ્થિતિના ઉતાર-ચઢાવમાં સારી કે ખરાબ એવાં લેબલ લગાડ્યાં વગર પોતાનું કર્તવ્ય કરતો રહે છે. ઘટના મુજબ કર્તવ્ય કરવું પડે છે એમાં પોતાના કર્મસંસ્કારોના હિસાબ પૂરા થાય છે. એવાં હકારાત્મક ભાવની સમતોલતાથી અંતર મનની સુલભતા ધારણ થતી જાય અને મૌન સ્થિતિની ગરિમા (પ્રતિભા) જળવાતી જાય. વ્યવહારિક કાર્યો કરતી વખતે જો ઓછું બોલાય, તો મોનની સમતોલતા અનુભવાય. સ્વયંનું આત્મ સ્વરૂપ સમતોલ, અપરિવર્તનશીલ, શાશ્વત, સચ્ચિદાનંદ સ્વરૂપની ચેતના છે અને તેનું સાત્ત્વિક ભાવનું સંવેદન વિચારોના મોનથી ધારણ થાય. અર્થાત્ આત્મ સ્વરૂપની સમતોલ સમાનતા છે મૌન સ્વરૂપની ચેતના. આ ચેતનાની આત્મીયતામાં જ્ઞાની ભક્તનું અસ્તિત્વ મૌન ગતિથી ગતિમાન થાય, ત્યારે એનું અસ્તિત્વ દિવ્ય પ્રીતની ચેતનામાં એકરૂપ થાય. તે પોતે દિવ્ય પ્રીતને અર્પણ કરતો ઘડો બની જાય અને તે ઘડો પ્રીત ભાવથી છલકાય, ત્યારે બીજા જિજ્ઞાસુઓને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતું માર્ગદર્શન મળતું જાય. જ્ઞાની ભક્ત માર્ગદર્શન રૂપે પ્રવચન ન કરે, એ તો પોતે જ પ્રભુ પ્રીતમાં ધ્યાનસ્થ રહે અને પ્રભુની સ્તુતિ ભજનમાં તલ્લીન રહે, ત્યારે એવી સ્વ ભક્તિની તલ્લીનતાનું સાંનિધ્ય જે માણે તેનામાં આત્મીય ચેતનાની ઊર્જાનું પૂરણ સ્વયંભૂ થતું જાય. જેનામાં પૂરણ થાય તેની સંકુચિત મનોદષ્ટિ આપમેળે વિશાળ થતી જાય. જ્ઞાની ભક્તની મૌન સ્થિતિમાં એવાં વિચારોના ભેદ ન હોય કે આ જિજ્ઞાસુ છે કે નહીં. એ તો જેને મળે તેને પ્રભુની અભિવ્યક્તિ રૂપે પ્રેમભાવથી સ્વીકારે. એવાં સ્વીકારમાં પ્રભુ પ્રીતના દિવ્ય સ્પંદનો પ્રસરે. તે સ્પંદનોનું દાન ઝીલનાર જો શંકા-સંદેહ વગર વાણીના મોનથી ઝીલે, તો એનાં મનમાં સુષુપ્ત રહેલો હૃદયભાવ જાગૃત થાય. પછી તે જિજ્ઞાસુ ભક્તને પ્રેમનો દેખાડ કરવો ન પડે. કારણ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં નિઃસ્વાર્થ પ્રેમનો, એટલે કે દિવ્ય પ્રીતની ચેતનાનો સ્પર્શ ન થવાથી, બનાવટી પ્રેમનો દેખાડ કરવાનું બંધ થાય અને વાણીના મોનથી પ્રેમની અભિવ્યક્તિ થતી જાય. વાણીના મૌનમાં પ્રેમની પ્રતીતિ થાય, ત્યારે મનની મૌન સ્થિતિ પ્રગટતી જાય; મૌનનો મહિમા અનુભવાય અંતરગમનમાં અને અંતર ભક્તિ સ્વરૂપે વિચારોની આવનજાવન શાંત થાય; મૌન રૂપે પ્રેમ અખૂટ વિહાતો જાય અને નિઃસ્વાર્થ પ્રેમનો ઘડો છલકાય મોનના ઉત્તરાયણમાં; મનના મૌનમાં સ્મરણ-રટણનું પણ મૌન થાય, ત્યારે આત્મીય પ્રભુત્વ સ્વયંભૂ પ્રગટતું જાય.
સંકલનકર્તા-મનસ્વિની કોટવાલા