Article Details

મને તારો છે એક આધાર

સાત્ત્વિક ભાવની જાગૃતિમાં પ્રજ્ઞા બુદ્ધિનું તેજ જેમ જેમ પ્રગટતું જાય, તેમ તેમ તેજસ્વી બુદ્ધિથી સૂક્ષ્મ સૃષ્ટિનું રહસ્ય ગ્રહણ થતું જાય અને સાત્ત્વિક ગુણોનું સદાચરણ ધારણ થતું જાય. તેથી ભક્તનું અંતઃકરણ (મન-બુદ્ધિ-ચિત્ત) જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક ભાવથી રંગાતું જાય અને સોહમ્ ભાવથી વિશાળ થતું જાય. એટલે એવું નથી કે બધું કામકાજ છોડીને એ તીર્થયાત્રા કર્યા કરે, અથવા સવાર-બપોર-સાંજ મંદિરમાં માત્ર ભજન કીર્તન કરતો રહે. ભક્ત કદી સ્થૂળ લોકિક જગત કે સૂક્ષ્મ અલૌકિક સૃષ્ટિની સરખામણી કરી ભેદ ન જુએ, પણ સત્ દર્શન રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીને સોહમ્ ભાવ રૂપે અનુભવે. સર્વે પદાર્થ કે સૂક્ષ્મ કૃતિઓની ભીતરમાં પ્રભુની આત્મીય ચેતના છે અને તેનાં લીધે જ પદાર્થ કે કૃતિની હસ્તી છે. આ સત્યને પચાવ્યું હોવાંથી, પોતાની જવાબદારીના સંસારી કાર્યો અકર્તાભાવથી થતાં રહે એવી સજાગતાથી ભક્ત જીવે છે. અકર્તાભાવ એટલે જ અહંકારી વૃત્તિઓનું સમર્પણ. ‘હું કર્તા નથી કરાવનાર પ્રભુની ચેતના છે’ એવાં સમર્પણભાવની જાગૃતિ છે ભક્તિ ભાવની ઉન્નત તિ.

 

સમર્પણભાવની જાગૃતિ રૂપે મનોમન નિશ્ચયાત્મક બુદ્ધિથી એકરાર થાય, કે પ્રભુ તો ઊર્જાની ચેતના સ્વરૂપે પોતાનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ અર્પણ કરતાં રહે છે. પ્રભુનું ગુણિયલ ધન જો સંપૂર્ણ રૂપે અર્પણ થતું હોય, તો પછી કર્તાભાવનો અહંકાર શું કામનો? અહંકારી વિચારોનું કે વાણીનું ચાતુર્ય શું કામનું? અહંકારી સ્વભાવના અવરોધથી પ્રભુ સાથેની એક્યતાને, પ્રભુની દિવ્ય પ્રીતને માણી શકાય એવી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. ભક્તને જેમ જેમ પ્રભુ સાથેનાં આત્મીય સંબંધની પ્રતીતિ થતી જાય, તેમ તેમ જીવંત જીવનનો મહિમા સમજાતો જાય, કે માનવી જીવન રૂપે સૌને તક મળી છે પોતાના કર્મ-સંસ્કારોના આવરણને ઓગાળવાની. અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મ સંસ્કારોને જો સાત્ત્વિક ભાવની જાગૃતિથી તૃપ્તિનો રાહ મળતો જાય, તો તૃપ્તિમાં જ મનુષ્ય જીવનની અણમોલ સ્થિતિ અનુભવી શકાય. અતૃપ્ત વૃત્તિઓ જો તૃપ્તિના વર્તનમાં ન ફેરવાય, તો તે અતૃસ વૃત્તિઓનાં બીજા નવીન જાળા ગૂંથાતા રહે છે અને કર્મ સંસ્કારોનું આવરણ વધતું જાય છે.

 

મન પોતે નિરાકારિત હોવાં છતાં, પોતે આકારિત શરીર છે એવી માન્યતાથી જીવે છે. મનની એવી અજ્ઞાનતાના લીધે અતૃમ વૃત્તિઓ તૃપ્તિના વર્તનમાં ફેરવાતી નથી. અજ્ઞાની મન આકારોના રૂપ-રંગના ભેદભાવમાં અટવાયેલું રહે છે અને રૂપિયા, વસ્તુ, વો, ઘરનાં રાચરચીલાં વગેરે દુન્યવી પરિસ્થિતિને પ્રાપ્ત કરવાની મહેનત કરતું રહે છે. ભેદભાવની અજ્ઞાનતાના લીધે ઇચ્છિત પદાર્થોને ભોગવતી વખતે ઘણીવાર પદાર્થમાં ખોટ જણાય અથવા રાગ-દ્વેષાત્મક સ્વભાવના લીધે ભોગ્ય પદાર્થને મન શાંતિથી માણી શકતું નથી. એટલે અતૃપ્ત વૃત્તિઓ તૃપ્તિના વર્તનમાં ફેરવાતી નથી અને અતૃમ ઈચ્છા વૃત્તિઓનાં નવીન જાળા ગૂંથાતાં રહે છે. જો સાત્ત્વિક ભાવની જાગૃતિનો અણમોલ પ્રભુ પ્રસાદ ધારણ થાય, તો ઈચ્છાવૃત્તિઓને તૃપ્તિ મળતી જાય અને મનની ભીતરમાં સુષુપ્ત રહેલું આત્મીય ચેતનાનું પ્રભુત્વ પ્રકાશિત થાય. પરંતુ મોટેભાગે માનવી જીવંત જીવનના આ સત્યથી અપરિચિત રહે છે. એટલે અહંકારી વર્તનથી સ્વચ્છંદી થઈ, આકારિત જગતનાં ભોગ્ય પદાર્થોને વારંવાર ભોગવવાના મોહમાં જીવે છે.

 

અહંકારી સ્વભાવનો કચરો દૂર કરવા માટે, અથવા મનની કાળાશ દૂર કરવા માટે, મનને જ્ઞાન-ભક્તિનાં સત્સંગથી સ્વચ્છ કરવું પડે. જેમ એંઠી થાળીને આપણે પહેલાં સાબુથી ધોઈને સ્વચ્છ કરીએ છીએ. કદી એંઠી થાળીમાં જમતાં નથી, તો મન રૂપી થાળીમાં જે રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારોનો એઠવાડો (ગંદકી) ભવોથી ભેગો થયેલો છે, તેમાં પ્રભુત્વ ક્યાંથી પ્રકાશિત થાય...?? જમી લીધા પછી થાળીને સાબુથી ધોતાં પહેલાં જો એમાં એઠવાડ (વધેલો ખોરાક) હોય, તો એને પહેલાં પાણીથી સાફ કરવો પડે. પછી કડક બ્રશથી (સ્ક્રબર) સાબુ દ્વારા ઘસીએ તો ચીકાશ નીકળી જાય અને પાણીથી સાબુ નીકળી જતાં થાળી સ્વચ્છ થઈ જાય.  સ્વચ્છ થાળી હોય તો જ બીજીવાર જમવા માટે તેનો ઉપયોગ થઈ શકે. મનને સ્વચ્છ કરવા માટે પણ પહેલાં જૂનાં રૂઢિગત સંકુચિત વિચારોનો એઠવાડો સાફ કરવા માટે, શ્રવણ ભક્તિ સાથે આધ્યાત્મિક શબ્દોનો ભાવાર્થ સમજવાનો પુરુષાર્થ કરવો પડે. પછી સાબુ રૂપી સ્વમય ચિંતનમાં મન સ્થિત થાય. પરંતુ ચિંતનમાં મનને સ્થિત કરવું સરળ નથી. તેથી કડક બ્રશ જેવો સંકલ્પ જોઈએ અને સંકલ્પ અનુસારનું શંકા-સંદેહ વગરનું વર્તન જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ધારણ થાય. પછી મનનો એઠવાડ દૂર થતાં દેઢ શ્રદ્ધા રૂપી પાણીથી સાત્ત્વિક વિચારોનું (સાબુ) પણ જ્યારે મૌન થાય, ત્યારે સાત્ત્વિક ભાવની જાગૃતિ સ્વયંભૂ પ્રગટતી જાય. ભાવની જાગૃતિ રૂપે નિર્મળ પ્રેમની મન રૂપી થાળીની સ્વચ્છતામાં પ્રભુની પ્રાણ શક્તિનું સંવેદન ઘારણ થતું જાય. પ્રભુ સાથેની એક્યતામાં એકરૂપ થવાની તરસ પછી એટલી વધતી જાય કે ભીતરમાં એક તડપ જાગે, કે ક્યારે શ્વાસે શ્વાસે પ્રભુ મિલન માણવા મળે..? પરંતુ ઘણીવાર પ્રારબ્ધગત સંસ્કારોના લીધે સંસારી કાર્યોની શેરીમાં ક્યારેક ફરવું પડે, ત્યારે પ્રભુ મિલનની પળ ચૂકી જવાય. એટલે ભક્ત અકળાઈ જાય, કે આ જન્મમાં પ્રભુમાં સમાઈ જવાની એકમ ગતિનું દાન જો ધારણ ન થાય, તો જીવવાનો અર્થ શું? તેથી જ ભક્ત વારંવાર પ્રભુને શરણભાવથી વિનંતિ કરતો રહે કે,  મને છોડશો નહીં ઘનશ્યામ, હું તો છોડી રહ્યો સંસાર, મને તારો છે એક જ આધાર, હું તો છોડી રહ્યો સંસાર... સાંકડી સંસારી શેરી ને ગંદી ગલીઓમાંથી, કાઢો પ્રભુ મને બહાર... ભવભવની આશાઓ લઈ જન્મ લીધો છે અહીંયાં, મળવા તને ઘનશ્યામ... તું કહે તે માન્ય મને કાલાવાલા કરું પ્રભુ, મળશો ક્યારે હવે શ્યામ...

મને છોડશો નહીં ઘનશ્યામ, હું તો છોડી રહ્યો સંસાર,

મને તારો છે એક જ આધાર, હું તો છોડી રહ્યો સંસાર...

સાંકડી સંસારી શેરી ને ગંદી ગલીઓમાંથી, કાઢો પ્રભુ મને બહાર...

 ભવભવની આશાઓ લઈ જન્મ લીધો છે અહીંયાં, મળવા તને ઘનશ્યામ...

 તું કહે તે માન્ય મને કાલાવાલા કરું પ્રભુ, મળશો ક્યારે હવે શ્યામ...

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા