સાત્વિક સ્વરૂપની મનની જાગૃતિ એટલે પ્રજ્ઞાાની
માનવી જીવન એટલે અનેક પ્રકારના સંબંધોના નિબંધની રચના એવી રચનામાં મનનો મહાભૂતોની પ્રકૃતિ સાથેનો સંબંધ હોવાંથી, માત્ર વ્યક્તિગત સંબંધોના નિબંધ નથી લખાતા, પણ પ્રકૃતિની દરેક કૃતિઓ સાથેના પરસ્પર સંબંધોમાં મન બંધાતું રહે છે. સંબંધોમાં મન બંધાતું રહે અથવા એક સંબંધને છોડી બીજા સંબંધમાં બંધાતુ જાય. મનોમન સંબંધો રૂપી નિબંધના લખાણ સતત લખાતા રહે અને તે છે દરેક માનવીના કર્મસંસ્કારોની લિપિ. કર્મસંસ્કારો એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના લીધે વસ્તુ,વ્યક્તિ, વાતાવરણ તથા પ્રકૃતિના પદાર્થો સાથેના નિબંધો લખાતા રહે છે. તેથી કોઈ પણ માનવી એવું ન કહી શકે કે, મારો કોઈની સાથે સંબંધ નથી.’
દરેક માનવીનો જન્મ સંબંધની રચનાત્મક ક્રિયાથી થયો છે. નવ મહિના અને નવ દિવસ સુધીના સમયમાં ‘મા’ના ગર્ભમા રહીને ‘મા’ના વહાલભર્યા સંબંધની પ્રતીતિ થાય છે, તે સમયમાં જ પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રીતને દરેક જીવાત્મા ‘મા’ના ગર્ભમાં માણે છે અને સાથે સાથે માતા-પિતાના ઉમંગભર્યા પ્રેમને પણ ઝીલે છે. આમ પોતાના શરીર સાથેનો સંબંધ બંધાયો ત્યારે શરીરનો વિકાસ દોઢ મહિનાનો હતો અને શરીર સાથે જીવ સંબંધ બાંધી શક્યો, કારણ પ્રભુ સાથેનો આત્મીય સંબંધ અકબંધ હતો. નવ મહિના સુધી માતાના ગર્ભ સાથેનો, એટલે કે માતાના શરીર સાથેનો વહાલભર્યો સંબંધ બંધાયો હોવાથી, જીવને માનવ શરીરની પ્રાપ્તિ થાય છે. માતાના ગર્ભ સાથેનો સંબંધ છૂટી જાય, ત્યારે જન્મ રૂપે આકારિત જગતમાં પ્રવેશ થાય અને આકારિત જગતની અનેક કૃતિઓ તથા પ્રકૃતિના પદાર્થો સાથેના સંબંધોની ગાથા પછી રચાતી જાય. આ સંબંધિત રચનાત્મક ક્રિયાઓના લીધે જ માતાના ગર્ભમાં માનવ શરીરના આકારની રચના જ્યારે શરૂ થઈ, ત્યારે રચનાત્મક અણગીન ક્રિયાઓ પ્રભુની ઊર્જા શક્તિના લીધે થતી રહી. શરીરના જન્મથી મૃત્યુ સુધીના જીવનમાં ઊર્જાની ચેતનાના લીધે રચનાત્મક ક્રિયાઓ અવિરત થતી રહે છે.
બાળક મોટું થાય પછી બોલતાં, ચાલતાં, ઓળખતાં શીખે અને અનેક પ્રકારના સંબંધોના તાર ગૂંથાતા જાય. પરિવાર સાથેના વ્યક્તિગત સંબંધો, પ્રકૃતિ જગતની અનેક કૃતિઓ તથા વસ્તુઓ સાથેના સંબંધોનું જીવન જેમ જેમ જિવાતું જાય; તેમ તેમ પ્રારબ્ધગત કર્મસંસ્કારો અનુસાર તન-મનના દેહનો ઉછેર થતો જાય. આમ પોતાના શરીરના આકાર સાથે બંધાયેલું મન, પોતાની કે બીજાની ઓળખ શરીરના બાહ્ય દેખાવથી ઓળખે છે. તેથી પોતે શરીર છે એવી અજ્ઞાનભરી માન્યતામાં બંધાઈને માનવી જીવે છે. એવાં જીવનમાં સીમિત લૌકિક વિચારોથી કેટલીયે પરિસ્થિતિ કે આકારિત કૃતિઓ સાથે સંબંધ બંધાતા રહે છે. સંબંધિત જીવનની પ્રતિકૂળ કે સાનુકૂળ ઘટનાઓ સાથે સંલગ્ન થઈને સુખ-દુઃખનો અનુભવ મન કરતું રહે છે. આવું જીવન સૌ કાઈ જીવે છે અને તે સહજ છે. પરંતુ તળવયથી જો માતા-પિતાની તથા શિક્ષકોની છત્રછાયામાં અજ્ઞાની માન્યતાની જાણકારી મળે, તો યુવાન વયે મન પોતે જ સત્ જ્ઞાન તરફ ઢળતું જાય અને તન-મનના દેહનો ઉયોગી હેતુ સમજાય.
સંબંધિત વિચારોમાં ફરતાં રહેતાં મનની વૃત્તિ મુસાફર જેવી છે. મુસાફર જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ફરતો રહે; તેમ સંસારી મન પણ એક સંબંધિત વિચારથી બીજા વિચારોમાં ફરતું રહે છે. વિચારોમાં ફરતાં મનને કદી થાક લાગતો નથી. એવાં મનને જો આધ્યાત્મિક ચિંતનમાં ફરવાનું કહેવામાં આવે, તો એને ફણવાનો કંટાળો આવે છે. એ બહાના કાઢે કે અત્યારે અનુકૂળ પરિસ્થિતિ નથી એટલે જ્ઞાન-ભક્તિના સત્સંગનો મારી પાસે સમય નથી. સત્સંગ માટે સમય નથી કારણ વ્યવહારિક જીવનની વ્યસ્તતા છે. પરંતુ વ્યસ્ત જીવનમાં જો બહારગામ જવાનું નક્કી કરે, તો કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ બાધક ન લાગે અને બહારગામ જવાનો કંટાળો પણ નહિ લાગે. પ્રતિકૂળ પરિસ્થિતિની મુશ્કેલીઓને જેમ માનવી બહારગામના સ્થળે ભૂલી શકે છે અને મોજ-શોખમાં સમય પસાર કરી શકે છે,ત મ મન જો કેળવાય સાત્ત્વિક વિચારોના અભ્યાસથી, તો જ્ઞાન-ભક્તિના સત્સંગમાં, પોતાની મુશ્કેલીઓને ભૂલીને એકાગ્રતાથી તે શ્રવણ ભક્તિમાં સ્થિત થઈ શકે છે. મનુષ્ય જન્મની શ્રેષ્ઠતાનું તથશ દુર્લભતાનું તાત્પર્ય સંતો, યોગીઓ વારંવાર દર્શાવતાં રહે છે. જેથી જીવંત જીવનના યથાર્થ મર્મને માનવી જાણીને સમજી શકે. માર્મિક સમજ અનુસાર જો જીવન જિવાય, તો પ્રભુ સાથેની એક્માતાના આત્મીય સંબંધની અનુભૂતિને માણી શકાય. જિજ્ઞાસુ ભક્ત જીવંત જીવનનો મર્મ જાણે છે, કે જીવવું એટલે આકારિત શરીરની સંગમાં રહીને, દસ ઈન્દ્રિયોના સહારે જે વ્યવહારિક સંસારી જીવન જિવાય એમાં અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્તિનો રાહ સાત્ત્વિક વર્તનથી મળતો જાય. દસ ઈન્દ્રિયોના સંબંધથી દુન્યવી સ્તરે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ મન કરતું રહે છે. એવા અનુભવમાં મનનો સાત્ત્વિકભાવ જાગૃત હોય, તો સ્વયંના સ્વ સ્વરૂપની પ્રતીતિ થતી જાય. મન પર પથરાયેલું અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ પછી જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે વિલીન થતું જાય. સદાચરણની સુવાસ મનોમન પ્રસરતાં, દુન્યવી વસ્તુ, વ્યક્તિ, કે પદાર્થોનો અનુભવ કરવાનો મોહ ઘટતો જાય અને અનુભવ કરાવનાર પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરવાની તરસ પ્રબળ થતી એવી તરસ સ્વરૂપે પ્રભુ સાથેના આત્મીય સંબંધનો તાર પ્રજ્વલિત થાય અને તે કારણ કોઈ કાળે કે કોઈ પણ સંજોગોમાં તે તૂટી શકે એક નથી. એવા શાશ્વત સંબંધને ભક્ત માણે, ત્યારે અંતર ભક્તિ સ્વરૂપે એની મનોવૃત્તિઓ વ અનુભૂતિમાં ધ્યાનસ્થ થાય તેથી ભક્ત સદા ગૌરવપૂર્વક જણાવે કે..,
તોડ્યો તોડાય નહિ સાંધ્યો સંધાય નહિ, એવો સંબંધ છે નાથ...
પારણામાં ઝૂલતાં કે હિંડોળે હીંચતા, છોડ્યો નથી તારો હાથ...
અંતરની ભક્તિ કરી જન્મ લીધો છે અહીંયાં, મારે રહેવું છે તારી સાથ,
સમજાવે સમજે નહિ નખરાળો નાથ મારો, આજે કરવો છે સંગાથ...
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા