Article Details

ભક્તિભાવનું સદાચરણ સ્વયંભૂ જાગૃત થાય છે

પરિવારના સભ્યોનું ભરણપોષણ કરતો ગૃહસ્થી માનવી, મોટેભાગે પોતાની જવાબદારીના કાર્યો કરવામાં વ્યસ્ત રહે છે. રોજબરોજના વ્યવસાયિક કાર્યો કરવામાં સમય સજ્જ પસાર થઈ જાય છે અને શરીરની ઉંમર વધતી જાય છે. શરીરની ઉંમર સાથે જો મનનું માનસ વિશાળ થાય, સાત્ત્વિકગુણોથી ખીલતું જાય, તો મનુષ્ય જન્મનો ફેરો સફળ થાય. પરંતુ દૈનિક જીવનનાં કાર્યોની વ્યવસ્તતામાં, જોઈએ એટલાં પ્રમાણમાં મનનો વિકાસ થતો નથી. એટલે મારું-તારું-પરાયુંની સાંકળમાં બંધાઈને, માત્ર દૈહિક સ્તરનું જીવન માનવી જીવે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિના સાત્ત્વિક સંસ્કારોને સમયે સમયે પ્રદર્શિત કરતી સંત કે યોગી મતિ, તહેવારોની ઉજવણીના મહિમા ગૃહસ્થી મનને દર્શાવતાં રહે છે. જેથી સદાચરણના માર્ગે ભક્તિભાવની નિષ્ઠાથી પ્રયાણ થઈ શકે.

 

સામાન્ય રૂપે માનવી એવું સમજે છે કે શ્રાવણ મહિનો એટલે પુણ્ય ભેગું કરવાનો સમય. પરંતુ માત્ર પરંપરાગત ઉજવણીની વિધિઓ કરવાથી કે ઉપવાસ પુણ્ય ભેગું ન થાય. ઉપવાસથી શરીરની શુદ્ધિ કદાચ થઈ શકે, પણ રાગદ્વેષાત્મક અહંકારી સ્વભાવની શુદ્ધિ તો જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાંથી જ થઈ શકે. અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં લીધે રાગ-દ્વેષના વિચારોમાં મન બંધાયેલું રહે છે. એવાં બંધાયેલા મનનું અજ્ઞાની માનસ ઉપવાસ કરે, પણ મનનો ઉપવાસ થતો નથી. એકવાર ફરાળ ખાઈને જે ઉપવાસ થાય, તેમાં ઈર્ષ્યા, ક્રોધ, લોભ, શંકા વગેરે નકારાત્મક અહંકારી સ્વભાવનો ઉપવાસ થતો નથી. એટલે મનની ભીતરમાં સુષુપ્ત રહેલું સાત્ત્વિક ગુણોનું પુણ્ય જાગૃત થતું નથી. પુણ્ય એટલે પ્રભુના પાવન ગુણોની સાત્ત્વિકતાનો યોગ થવો અને એવી સાત્ત્વિક યોગની જાગૃતિ મનમાં સુષુપ્ત રહે, તે છે રાગ-દ્વેષાત્મક પાપ વૃત્તિનું વર્તન. વાસ્તવમાં વધતે ઓછે અંશે માનવી મનમાં પાપ વૃત્તિ હોય છે. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહેવાથી પુણ્ય વૃત્તિનો ઉદય સાત્ત્વિક ગુણોની જાગૃતિ રૂપે જેમ જેમ થાય, તેમ તેમ રાગ-દ્વેષાત્મક પાપ વૃત્તિનો અસ્ત થાય છે.

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતાં આધ્યાત્મિક સત્સંગની લગની જ્યારે જાગે છે. ત્યારે પુણ્યોદયની સાત્ત્વિકતા ઘારણ થાય અને અજ્ઞાની માનસનો અહંકાર વિલીન થવાની શરૂઆત થાય. પરંતુ તે માટે મનને વારંવાર જ્ઞાન-ભક્તિની ધારામાં ઝબોળવું પડે. અર્થાત્ શ્રવણ ભક્તિ સ્વરૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને તે ભાવાર્થ અનુસારનું વર્તન પ્રેમભાવની સુમેળતાથી ધારણ થતું જાય, તે છે શાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવું. જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિના સદાચરણની મહત્તાને જાણે છે એટલે પોતાની જવાબદારીના કાર્યો તે સાત્ત્વિકભાવની નિષ્ઠાથી, એટલે કે અર્તાભાવની સમતોલતાથી કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. જેથી સદાચારી વિચાર-વર્તનનો ઘડો મન બની શકે અને તે ઘડાની છાલકથી બીજા માનવીમાં ભક્તિભાવની જાગૃતિના સંસ્કાર જાગી શકે. ભક્ત કદી સાત્ત્વિક વિચારોની સમજૂતીથી, કે આધ્યાત્મિક શબ્દોની સમજૂતીથી જ્ઞાન ભક્તિની સરિતામાં ન તરે. એ તો પ્રેમભાવની સહજતાથી, જ્ઞાતા ભાવના સંવેદનથી અંતરની સૂક્ષ્મતા તરફ પ્રયાણ કરતો રહે.

 

ભક્તિભાવનું સદાચરણ સ્વયંભૂ જાગૃત થાય છે. તેથી ભક્ત એક પંખીની જેમ જ્ઞાન-ભક્તિની બે પાંખો સાથે અંતરની સૂક્ષ્મતામાં વિહાર કરતો રહે છે. ભક્ત માટે અંતર વિહાર મુશ્કેલ નથી. કારણ તે પ્રભુ સાથેની ઐક્યતાની, પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ, સંસારી કે આધ્યાત્મિક કાર્યો કરતી વખતે કરતો રહે છે. આત્મીય સંબંધની પ્રતીતિ કરવી, એટલે ભક્તના મનમાં પ્રભુની તંત્મીય દિવ્ય ચેતનાનો સ્વીકાર સ્પષ્ટતાથી થયો હોવાંથી, તે કોઈ પણ કાર્ય કરતી વખતે અનુભવે કે, “જેનાં આધારે જીવું છું તેની જ શક્તિથી કાર્યોની પ્રક્રિયા થઈ શકે છે. તે દિવ્ય ઊર્જાની શક્તિની સાક્ષાત્ હાજરીના લીધે શરીરની જીવંત સ્થિતિ છે અને મન સાર-અસારની વિવેકી દૃષ્ટિથી વિચારી શકે છે. જેમ હું પ્રભુની છત્રછાયામાં જીવું છું, તેમ સર્વે જીવંત કૃતિઓ પણ જીવે છે. પ્રભુની દિવ્ય ચેતનાના સાંનિધ્યમાં જ કર્મસંસ્કારોનું આવરણ છેદાય એવી ભક્તિભાવની દિવ્ય શક્તિ આપમેળે જાગૃત થાય છે.''  ભક્તની જેમ જ્ઞાન-ભક્તિની નિષ્ઠાથી જીવવા માટે સામાન્ય મનની કક્ષાને થોડો પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કરવાની આળસ કે કંટાળો ત્યારે ન આવે, જ્યારે પ્રભુ સાથેના આત્મીય સંબંધનો સ્વીકાર થાય તથા સ્વીકાર રૂપે શ્રવણ, અધ્યયનની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન સ્થિત થતું જાય. ઘણીવાર આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાનો સમય, વ્યવસાયિક કાર્યોની વ્યસ્તતાને લીધે મળતો નથી એવાં બહાના કાઢી મન પુરુષાર્થ કરવાનું ટાળે છે. વાસ્તવમાં મન જો એકવાર નિશ્ચય કરે, તો જે કરવું છે તે કરવાનો સમય મળી રહે છે. સંસારી પ્રવૃત્તિઓમાં સમય બાધક નથી લાગતો, પણ સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જો સમય બાધક લાગે, તો તે અહંકારી મનની પલાયન વૃત્તિ છે. આરંભમાં સત્સંગની પ્રવૃત્તિ માટેનો સમય કાઢવા માટે સંસારી પ્રવૃત્તિને છોડવી પડે. અધ્યયનથી અને શ્રવણ ભક્તિથી સત્- અસત્નો ભેદ સમજાય, પછી સંસારી પ્રવૃત્તિઓ કરતી વખતે જ મન સજાગ રહે છે અને રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા વગેરે અહંકારી વૃત્તિ-વિચારોનો અવરોધ ઓછો થાય એવાં નિર્મળ, સમતોલ, રાગ-દ્વેષના નકારાત્મક સ્વભાવનું પરિવર્તન થાય. ધીમે ધીમે માત્ર આકારિત કૃતિઓને જોતી મનોદષ્ટિ બદલાતી જાય અને પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતી સમ્યક્ દૃષ્ટિ જાગૃત થતી જાય. એટલે ભક્ત સદા પ્રભુને પ્રાર્થના કરતો રહે કે..

 

“હે નાથ, તમે છો એટલે મારું અસ્તિત્વ ઘડાયું, એ આપની કૃપાથી જણાયું;

પરંતુ હુંની હસ્તી જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી આપના સાત્ત્વિક ગુણો સુષુપ્ત રહે છે;

કૃપા કરી હું ને ઓગાળતી આપની ભવ્ય ભગવત્ શક્તિનું દાન અર્પો;

જેથી અંતર ભક્તિની સૂક્ષ્મતામાં, આપના દિવ્ય દર્શનથી હું વિલીન થાય.

 

સંકલનકર્તા – મનસ્વિની કકોટવાલાતા