પ્રભુ એટલે મંદિરમાં વસેલો સીમિત દેખાવ નહીં
કોઈ પણ માનવીની ઓળખ એનાં વિચારોનાં તથા વાણીના વર્તનથી થાય. મોટેભાગે આપણે ઓળખ રૂપે આકારિત શરીરના બાહ્ય દેખાવને જોઈએ અને નામ, અટક, સરનામુ, જ્ઞાતિ વગેરેથી પરિચિત થઈએ. દરેક માનવીના વિચારો અલગ હોય છે, કારણ દરેકના અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો ભિન્ન હોય છે. તેથી દરેક માનવીના કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદાં જુદાં પ્રકારની હોવાથી આપણાં સોની ઓળખ એકસરખી હોતી નથી. પ્રેમ કે લાગણીની અભિવ્યક્તિથી પણ ઓળખ થાય અને રાગ-દ્વેષ-લોભ-મોહ ક્રોધ વગેરે વૃત્તિના સ્વભાવથી પણ થાય. આવી ઓળખાણની ખાણનું ધન લોકિક, કે સામાજિક વ્યવહારમાં કામનું છે. પરંતુ અલૌકિક જગતની સૂક્ષ્મતામાં જો પ્રેમભાવનું કે સમર્પણભાવની સાત્ત્વિકતાનું ધન હોય, તો એવાં સાત્ત્વિક ગુણોનાં ધનની ઓળખાણથી આત્મીય અંતર સ્તરોમાં સહજ વિહાર થતો જાય. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિમાં બાળપણથી મનની ખીલવણીના સંસ્કારી સિંચનની ઘણી મહત્તા છે. જેથી મનનું માનસ ભાવની ગુણિયલતાને ધારણ કરી શકે.
મનની ખીલવણી એટલે મન જે આત્મીય ચેતનાનો અંશ છે, તે અંશમાં આત્માના સાત્ત્વિક ગુણો રૂપી બીજ સુષુપ્ત રૂપે સમાયેલાં છે. તે ગુણિયલ બીજ સાત્ત્વિક વર્તન રૂપે ખીલે, તે છે મનની ખીલવણી અને એવી ખીલવણી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાથી થાય, ત્યારે જાગૃતિના સંચાર રૂપે સદાચરણ ધારણ થાય. જેમ બીજમાંથી કળી ખીલે અને છોડ ખીલતો જાય અને તે માટે પાણી, સૂર્યપ્રકાશ, ખાતર વગેરેથી માવજત કરવી પડે. એ જ રીતે મનની સાત્ત્વિકભાવની ખીલવણી માટે સાત્ત્વિક વિચારોનું ચિંતન થવું જોઈએ. શ્રવણ, અધ્યયન, કીર્તન, વગેરેથી ચિંતનની સહજતા ધારણ થતી જાય અને તે માટે પાણી, ખાતર, સૂર્યપ્રકાશ પણ જોઈએ. આ બધું જ મેળવવા માટે કોઈ દુકાનમાં જવું ન પડે, પણ પ્રકૃતિ જગતમાં કુદરતી રીતે તે મળી જાય છે.
પ્રકૃતિ જગત આપણને સતત અર્પણ કરે છે. અર્પણ કરેલી કુદરતી વસ્તુઓ કે પરિસ્થિતિઓનું જો યોગ્ય રીતે સંકલન કરીએ, તો બીજમાંથી ક્ળી અને કળીમાંથી છોડ જેમ આપમેળે ઊગે છે; તેમ મનની ભીતરમાં સમાયેલાં સાત્ત્વિક ગુણોનાં બીજને ખીલવવા માટે ભક્તિભાવથી, સમર્પણભાવથી, અકર્તાભાવથી, પ્રેમભાવથી સ્વમય ચિંતન રૂપે સંકલન થવું જોઈએ. સ્વમય ચિંતનથી થયેલાં સંકલનમાં ઈન્દ્રિયગમ્ય નાશવંત પદાર્થોને ભોગવવાનું આકર્ષણ ઘટતું જાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થતી જાય. એવી પ્રતીતિ રૂપે મારું-તારુંનો ભેદભાવ અને એકબીજા સાથે સરખામણી કરવાનો સ્વભાવ બદલાતો જાય, ત્યારે અંતરની સૂક્ષ્મતા કે વિશાળતાથી પરિચિત થતાં જવાય. સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં મન સ્થિત થઈ શકે, જો બાળપણથી માતા-પિતાની સંગમાં મન કેળવાતું જાય. કેળવાયેલાં સંસ્કારી વર્તનને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની લગની સહજ લાગે છે.
સંસ્કારી મનને તર્કબદ્ધ વિચારણાથી કે દૃષ્ટાંતોથી જીવંત જીવનનો મહિમા સમજાવવો ન પડે. કારણ ન પરિવારના સંસ્કારી વાતાવરણમાં સમજ શક્તિ આપમેળે ખીલતી જાય છે. વાસ્તવમાં આપણે સૌ બાળપણથી રોજબરોજની વિવિધ પ્રવૃત્તિઓને યોગ્ય રીતે કરવાનું શીખ્યાં હતાં. ધીમે ધીમે શરીરની ઉંમર પ્રમાણે, શાળા-કોલેજના અભ્યાસની કેળવણીથી મનનો ઉછેર થતો ગયો. રોજબરોજની પ્રવૃત્તિઓથી તેન છી 10 રત ઘડાતું ગયું. ઘડતર રૂપે તન-મનની પ્રકૃતિથી જાણકાર થવું જરૂરી છે. કારણ મનનું જોડાણ આકારિત શરીર સાથે છે જેવો સ્વભાવ તેવું શરીરનું આરોગ્ય. આ હકીકતના જો સ્વીકાર થાય, તો સ્વભાવનું પરિવર્તન કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન થાય અને જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ મન ઢળતું જાય. માનવી મન સદાચરણ તરફ સહજ ઢળતું નથી, કારણ સાત્ત્વિક વિચારોના અધ્યયનને અટકાવતો રાગ દ્વેષાત્મક વર્તનનો મોહ છૂટતો નથી. સ્વયંને જાણવાની જિજ્ઞાસા જ્યારે જાગે છે, ત્યારે સાત્ત્વિક વિચારો અનુસારનું પરોપકારી વર્તન સહાયભૂત થાય છે. પરોપકારી સ્વભાવમાં અર્પણ કરવાની ભાવના હોય, જે બીજાના દોષ ન જુએ તથા શંકા, કે વહેમના વિચારોથી મુક્ત રહે, ત્યારે પ્રભુની આત્મીય ચેતના સર્વે કૃતિમાં છે એવાં સમભાવથી જીવન જિવાય. અર્પણભાવની, નિર્દોષભાવની, સમત્વભાવની ખીલવણીમાં આકારોની વિભિન્નતાના ભેદ પછી વિસારાતાં જાય અને અભેદ આત્માનાં સત્ દર્શનમાં ઓતપ્રોત થતાં જવાય. મન પછી બની જાય ભાવની જાગૃતિનું ગુણિયલ આસન. તે કદી ઉચ્ચ-નિમ્ન કક્ષાના જાતિ ભેદમાં ન અટવાય, પણ સૌ જીવંત દેહધારી કૃતિઓ પ્રભુની છત્રછાયામાં વીંટળાઈને જીવે છે, પ્રભુની આત્મીય ચેતનાના ધનમાં આળોટે છે, જે સર્વેને શ્વાસ રૂપે પ્રાપ્ત થયાં કરે છે. એવા એકમભાવની સુમેળતાથી ભક્ત જીવે અને બીજા માનવીમાં સ્વયંને જાણવાની, પ્રભુની પ્રતીતિ કરવાની જિજ્ઞાસાને જ્ઞાન-ભક્તિના સત્સંગથી જગાડે છે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા