Article Details

મારી અહંકારવૃત્તિ ઓગળે અને...

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું ચિંતન જ્યારે ગુરુના સાંનિધ્યમાં થાય, ત્યારે સાત્ત્વિક મતિનું પરમાર્થી બળ ધારણ થાય. ગુરુનું સાંનિધ્ય એટલે બપોરના બળબળતા તડકામાં, વિશાળ ઘટાદાર વૃક્ષની શીતળ છત્રછાયા મનમાં મોટેભાગે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષ્યા જેવી વૃત્તિ-વિચારોનો બળબળતો તડકો હોય છે. એવી નકારાત્મક વૃત્તિના લીધે અતૃપ્તિ, ખોટ, ઉણપ રૂપી ગરમીથી મન અકળાઈ જાય છે. એવાં અકળાયેલા મનને સાત્ત્વિક ભાવની છત્રછાયા મળે, ત્યારે તેને શાંતિની પ્રસન્નતાનો અણસાર મળે. ગુરુની એવી શીતળ છત્રછાયાની સુમધુર ક્ષણોમાં મનનું શુદ્ધિકરણ થતું જાય અને જીવંત જીવનનો હેતુ સિદ્ધ કરાવતો ભક્તિભાવ જાગૃત થતો જાય. આધ્યાત્મિક સત્સંગની પ્રવૃત્તિ રૂપે મનને સંતૃપ્તિનો અનુભવ થાય. કારણ ભવોથી પાતાના સ્વ સ્વરૂપની અનુભૂતિ માટે મન ઝૂરે છે. સ્વયંને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ ત્યારે તૃપ્ત થાય, જ્યારે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતું સ્વમય ચિંતન થાય.

 

ચિંતન સ્વરૂપે મનનું અજ્ઞાની માનસ ઓગળતું જાય, ત્યારે સ્વયંની ભાળ રૂપે આકારોના મોહમાં જડાયેલાં વિચારો, હું શરીર છું એવી આકારિત વૃત્તિઓની છાય ભૂંસારી જાય. ચિંતનની નિષ્ઠામાં સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે સ્વભાવ બદલાતો જાય. પ્રેમભાવથી એકબીજા સાથે સહજ વ્યવહાર થાય. પ્રેમભાવની સાત્ત્વિકતાનું વહેણ જેમ જેમ વહેતું જાય, તેમ તેમ અહંકારી ગર્વનો કાદવ વિલીન થતો જાય. તેથી જ જિજ્ઞાસુ ભક્ત વારંવાર પ્રભુને વિનંતિ કરતો રહે કે,‘ મારી અહંકારી વૃત્તિઓ ઓગળે એવાં સાત્ત્વિકભાવની મધુરતાને પ્રગટાવો. મારે જીવતાં જ આપની સાથેના આત્મીય સંબંધની દિવ્ય પ્રીતને માણવી છે. જેમ સંસારી સંબંધોને પ્રેમ-લાગણીથી અનુભવું છું; તેમ આપની સાથેના શાશ્વત સંબંધને જો હું જીવતાં ન અનુભવી શકું, તો જીવન જીવવાનો ફાયદો શું?? કર્મસંસ્કારોનું પ્રારબ્ધગત જીવન મળ્યું છે, પરિવારના સભ્યોની લાગણીભરી હૂંફ મળે છે, સ્વજનો-મિત્રોનો પ્રેમ મળે છે, તે લૌકિક જીવનનું બધું જ આપની સાક્ષાત્ હાજરીના લીધે ભોગવી શકું છું, તો સાક્ષાત્ આપની દિવ્ય પ્રીતની ચેતનાનો સંગ કેમ અનુભવી ન શકું? ?

 

...હે નાથ, આપની અણમોલ કૃપાના લીધે જ્ઞાની-ભક્તનું સાંનિધ્ય મળ્યું છે. સત્સંગની મધુર ક્ષણોની પ્રાપ્તિથી મનોમન એટલી સ્પષ્ટતા થઈ છે, કે અહંકારી વૃત્તિઓનો અવરોધ ઓગળતો જાય, મિથ્યાભિમાનનો ગરૂર ઓગળી જાય, ત્યારે જ ગુરુના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય. હવે સમજ આવી કે ખુદ પોતે જ તરવાનું હોય, પણ જ્ઞાની-ભક્ત રૂપી તરવૈયો હોય અને તેના સંગાથી બનીને જો તરતાં રહેવાય, તો પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીઓમાં, કે સંસારી સમસ્યાઓનાં કોયડાં ઉકેલવામાં ક્યાંય અટવાઈ ન જવાય કે મોહમાં અટકી ન જવાય. જેમ નાના બાળકને ટ્રાફિકમાં રસ્તો ક્રોસ (ઓળંગતાં) કરતાં ન આવડે, એટલે માતા-પિતા એની આંગળી પકડીને અથવા બાળકને ઊંચકી લઈને રસ્તો ક્રોસ કરે; તેમ જ્ઞાની-ભક્તનું સાંનિધ્ય કર્મસંસ્કારોના આવરણને-અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં ટ્રાફિકમાંથી પસાર થવાનો રાહ દર્શાવે છે. એવાં રાહ રૂપે સાત્ત્વિકભાવની શીતળ છાયાનું પુરણ થતું જાય અને ભક્તિભાવથી અંતર પ્રયાણ થતું જાય. તેથી જ સાંનિધ્ય રૂપે ભાવની સાત્ત્વિકતા ધારણ કરવા માટે ગુરુના અનુયાયી(ફોલોઅર) નહિ, પણ સંગાથી(ફેલોબીઈંગ) બનવાનું છે. એટલે જ હે પ્રભુ આપનામાં સમાઈ જવાય એવો રાહ મળે અને અંતરગમન થાય એવી અનન્ય કૃપાનું દાન ધરજો.’’

રાહ દેખાડો, રાહ દેખાડો, રાહ ન જોવાય પળવાર, કાઢુ દિવસ રોઈ રોઈ...

રાખો નહિ તો રાખમાં મળી ક્યાંથી શોધશું,

રક્ષા કરો ને રાહ દેખાડો, મારે આપમાં ભળવું;

રોવું નથી સહેવું નથી આ સંસારની દાહ આગવી,

આવવું છે તારી પાસ પ્રભુ, જ્યોતિ સહારો લઈ;

માટીની હાંડી ને માટીની કુંડી માટીમાં ભળી જશે,

 આત્માની પાંખો આત્માને લઈને, પ્રકાશમાં ભળી જશે;

ઉદ્ધાર કરજો આ આત્માનો મને રાહ દેખાડતાં જાવ,

 મને રોતો નહિ તમે રાખતાં, મને રાહ દેખાડતાં જાવ.

જ્ઞાની-ભક્ત રાહબર (માર્ગદર્શક) બની રાહનું સત્ દર્શન ધારણ કરાવે, ત્યારે જન્મ-મૃત્યુના આવાગમનનો રસ્તો બંધ થાય અને અંતરની વિશાળતામાં વિહાર કરાવતી અંતરભક્તિમાં ધ્યાનસ્થ થવાય. પછી અંતર યાનની શાંત અવસ્થામાં પ્રકાશિત દર્શન થાય. પ્રકાશ દર્શન એટલે આત્માનું અનંત તત્ત્વગુણોનું પ્રભુત્વ પ્રકાશિત થવું. કર્મસંસ્કારોનું આવરણ વાદળની જેમ એટલું ગાઢ હોય છે, કે મન પોતે આત્માનો જ અભિન્ન અંશ હોવા છતાં આત્મીય પ્રકાશની અનુભૂતિ કરી શકતું નથી. આપણને સૌને ખબર છે, કે વરસાદના દિવસોમાં વાદળોનાં લીધે સૂર્યદેવનાં પ્રત્યક્ષ દર્શન નથી થતાં. પરંતુ સૂર્યદેવની હાજરીના લીધે દિવસનો આછો ઉજાસ પથરાયેલો રહે છે. એ જ રીતે પ્રભુની આત્મીય ચેતનાનો ઉજાસ હોવાથી આપણે સૌ જીવંત જીવન જીવી શકીએ છીએ તથા ઈન્દ્રિયગમ્ય પદાર્થોને ભોગવવાનું ઊર્જા બળ શ્વાસ રૂપે પ્રાસ કરી શકીએ છીએ, વિચારોથી સારું-ખરાબનો ભેદ પારખી શકીએ છીએ, બુદ્ધિ પૂર્વક નિર્ણય કરી શકીએ છીએ.

 

આમ પ્રભુને મેળવવાનો નથી, કે આત્મ સાક્ષાત્કારની સ્વાનુભૂતિ કોઈ બીજી વ્યક્તિ કરાવી શકે એમ નથી. સ્વયં હું પ્રભુનો અંશ છું, એ શાતાભાવની સાત્ત્વિકતા જાગૃત થાય, ત્યોર અજ્ઞાનવશ પોતાને શરીર માનવાનું મિથ્યાભિમાન ઓગળતું જાય. હું શરીર છું, હું કર્તા છું, હું જન્મ-મૃત્યુ પામવાવાળો દેહ છું, એવી અજ્ઞાની વૃત્તિ-વિચારોનું આવરણ(વાદળો) સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે ઓગળી જાય, ત્યારે હું જે છું, તે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાય. તે જ છે મોક્ષની મુક્ત અક્ષય ગતિ, જ્યાં કર્મસંસ્કારોના આવરણનું બંધન નથી, પણ પ્રકાશિત આત્મીય પ્રીતની ગતિમાં એકરૂપ થવાનો આનંદ છે.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા