ન ગમે મને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું.
આપણે મનુષ્ય આકાર ધારણ કર્યો છે એટલે કોઈક સુષુપ્ત સાત્ત્વિક સંસ્કારો જાગૃત થયાં છે, અથવા પરભવના પુણ્યનું ફળ મળ્યું છે, જેથી અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળી શકે. સૂક્ષ્મ ઈચ્છા વૃત્તિઓ જો તૃપ્ત થવા માટે મનુષ્ય દેહને ધારણ કરતી હોય, તો જીવનનો મહિમા કે તાત્પર્ય જીવતાં જ જાણવું જોઈએ. દરેક મનુષ્યએ એટલું તો જાણવું જ જોઈએ, કે કર્મ શું કામ કરવું પડે છે? કર્મનું બંધન શું છે? કર્મ-ફળની પ્રક્રિયાનું જીવન કયા કારણથી જીવવું પડે છે? કારણભૂત કર્મસંસ્કારોની ઈચ્છાવૃત્તિઓ કેવી રીતે જન્મે છે? કર્મ સંસ્કારોનું આવરણ એટલે શું? તે આવરણનો અવરોધ કેવી રીતે દૂર થાય? મનુષ્ય જન્મનો યથાર્થ ઉદ્દેશ જો આવરણને વિલીન કરવાનો હોય, તો મન શું કામ રાગ-દ્વેષનાં બંધનમાં જીવે છે? કર્મ સંસ્કારોની બીજી નવી ગાંઠો ન બંધાય, તે માટે પ્રેમભાવની સુમેળતાથી જીવવા માટે સાત્ત્વિક ભાવની જાગૃતિ કેવી રીતે થાય?
જીવંત જીવનનો મહિમા જાણવાની આવી જિજ્ઞાસા જે મનમાં જાગે, તે છે જિજ્ઞાસુ ભક્ત, જે જિજ્ઞાસાને સંતોષવા માટે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતો આધ્યાત્મિક સત્સંગ કરતો રહે છે. કર્મ ફળની પ્રક્રિયાના જીવનનું રહસ્ય જિજ્ઞાસુ ભક્ત જેમ જેમ સમજતો જાય, તેમ તેમ એને મનુષ્ય જન્મની અમૂલ્યતા પરખાતી જાય. કર્મ સંસ્કારોનાં આવરણને છેદવા માટેનો પુરુષાર્થ કરવો એ સરળ વાત નથી. વૃક્ષ પોતે પોતાના મૂળને કાપે એવો એ પુરુષાર્થ છે અને એવો પુરુષાર્થ થઈ શકે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિનાં સદાચરણથી. જિજ્ઞાસુ ભક્ત માટે જ્ઞાન-ભક્તિના માર્ગે પ્રયાણ કરવું સરળ છે, પણ સામાન્ય મનની કક્ષાને તે મુશ્કેલ લાગે છે. કારણ એવા પ્રયાણમાં સંસારી ઈચ્છાઓને, રાગ-દ્વેષના વિચારોને રુખસદ આપવી પડે. તેથી માનવીને જ્ઞાન-ભક્તિના સત્સંગની લગની લાગતી નથી. વાસ્તવમાં લગની લગાડવાનો કોઈ કીમિયો (યુક્તિ) નથી. કારણ મન પોતે જ કીમિયાગાર (કાબેલ) છે. અર્થાત્ માનવીમાં જિજ્ઞાસા જાગૃત થવી જોઈએ અને તે માતા-પિતા તથા શિક્ષકોના સંસ્કારી સિંચનથી પ્રભુ કૃપા રૂપે જાગી શકે છે.
કીમિયાગાર મન પોતાના ઈચ્છિત પદાર્થોને ભોગવવા માટે, એની પ્રાપ્તિ માટે આકાશ પાતાળ એક કરી શકે છે, અર્થાત્ મહેનત કરવામાં પાછી પાની કરતું નથી. જેમ એક કીડી પોતાના વજન કરતાં પણ વધુ વજનવાળો સાકરનો કણ ઊંચકી શકે છે, તેમ પોતાના કર્મ સંસ્કારોના આવરણનો ભાર માનવીનું મન ઊંચકે છે. જિજ્ઞાસુ ભક્તનું મન આવરણનો ભાર સહન કરી શકતું નથી. તેથી આવરણનો ભાર હળવો કરવા તે જ્ઞાન ભક્તિની સરિતામાં તરતો રહે છે. ભક્તને ઈન્દ્રિયગમ્ય પદાર્થોના ભોગ રૂપી ખારા પાણીમાં તરવું ન ગમે. નાશવંત પદાર્થોના ભોગથી મળતા સુખમાં જ સંતોષ કે તૃપ્તિ છે એવી અજ્ઞાની માન્યતાના લીધે માનવીને ખારા પાણીમાં તરવું ગમે છે. જિજ્ઞાસુ ભક્ત તો જ્ઞાન-ભક્તિની સરિતાના નિર્મળ જળમાં નિષ્ઠાપૂર્વક તરતો રહે અને પ્રારબ્ધગત કર્મોના હિસાબ પૂરાં કરવા માટે જો ખારા પાણીમાં તરવાનું થાય, તો જ્ઞાન-ભક્તિના પાવન સંસ્મરણોથી તરે, જેથી ખારા પાણીથી અલિપ્ત રહી શકાય એવાં સ્વમય ચિંતનનો સહારો મળી શકે અને ખારા પાણી માટે દ્વેષ કે તિરસ્કાર ન જન્મે એવો સદ્ભાવ જાગૃત થતો જાય.
હું તો ખારા પાણીનો તરવૈયો, મુજને તે પ્રિય ઘણો, ન ગમે મને જ્ઞાનભક્તિની સરિતામાં તરવું; ન પ્રભુ કૃપાની વર્ષા ભલે વરસે, પણ હું તો સ્પર્શ ખારા પાણીને અને ભોગ મસ્તીમાં રહું; મુજ તરવૈયાને સરિતાના વહેણ વિનવે, છતાં એનાંથી દૂર રહેલાં કિનારે હું બેસી રહું; ભક્તની જેમ ખારા પાણીથી અલિપ્ત રહેવું ન ગમે, મને તો ગમે સુખ દુઃખમાં આળોટવું...
સરિતા પાસે ઊભા રહીને પણ એની છાલકથી ભીંજાય નહિ જવાય એવી તકેદારી રાખે, તે છે સંસારી મન અને જિજ્ઞાસુ ભક્તનું મન માત્ર ભીંજાય નહિ, પણ સરિતમાં તરતાં તરતાં ઊંડાણમાં જવાય, એવી વિનંતિ પ્રભુને કરતો રહે છે. જેથી પ્રભુના અનંત ગુણો રૂપી મહાસાગરના તરવૈયા બનાવતી એકમની લય ધારણ થઈ શકે. તેથી તે તન-મનની ક્રિયાઓનો સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. શરીરના અંગોની ક્રિયાઓ સાત્ત્વિક ભાવની ઊર્જાના લીધે સતત થઈ શકે છે. તે સત્યને જાણ્યાં પછી ભક્તને ભાવાર્થ રૂપે સમજાતું જાય, કે જે અન્ન ખાધું તેનું પાચન થતાં અત્રમાં સમાયેલું સત્વ પછી લોહીમાં ભળે છે અને સત્વ વિહીન થયેલાં અન્નનો પદાર્થ મોટા આતરડાં દ્વારા બહાર કાઢી નાખવામાં આવે છે. એ જ રીતે જે પણ કર્મ થાય તે જો અકર્તા ભાવથી, અલિમ ભાવથી થાય, તો કર્મની ક્રિયા રૂપે ઊર્જા શક્તિમાં સમાયેલું પ્રભુનું સત્ત્વ ધારણ થાય અને સાત્ત્વિક ભાવની જાગૃતિ ધારણ થાય.
આમ જીવનમાં કર્મ તો બધા કરે છે, પણ ઊર્જા શક્તિમાં સમાયેલું પ્રભુત્વ ધારણ થાય તે મહત્વનું છે. કર્મ રૂપે થતાં રાગ-દ્વેષાત્મક વિચાર વર્તનમાં પ્રભુનું સત્ત્વ પ્રગટ થઈ શકતું નથી. રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનો કચરો બહાર કાઢવા માટે આંતરડાંની જેમ ત્યાગ ભાવની મહત્તાને મન જો સ્વીકારે, તો વસ્તુ વ્યક્તિના મોહથી, માલિકીભાવથી મુક્ત થતાં જવાય. જો હું મારી આંગળીઓનાં નખને કાપી શકું છું, તો મારા કર્મ સંસ્કારોના આવરણને પણ છેદી શકવાનું સામર્થ્ય મનની ભીતરમાં સમાયેલું છે, જે જ્ઞાન-ભક્તિના સદાચરણથી જાગૃત થાય. પછી આવરણોનો ભાર હળવો થતાં સાત્ત્વિક ભાવની જાગૃતિથી અંતરયાત્રા થાય. જીવતાં જ અંતરયાત્રા કરવાની હોય, બાકી દર વરસે શરીરની વરસગાંઠ ઉજવવામાં મનનો સાત્ત્વિક ભાવ પ્રગટતો નથી!!
સંકલનકર્તા- મનસ્વિની કોટવાલા