સ્વાનુભવની તરસ તૃપ્ત થવી
બાળપણમાં વાર્તાઓ સાંભળવાનો આનંદ અનેરો હતો. સંતો જેવી વિદ્વાન વિભૂતિઓ દ્વારા રચાયેલી પંચતંત્રની વાર્તાઓનો બોધ ખરેખર અમૂલ્ય છે. કારણ બોધદાયક વાર્તાઓથી બાળમાનસનું સુસંસ્કારી ઘડતર થાય છે. બાળપણમાં મનને સંસ્કારી વર્તનથી શિક્ષિત કરવાના પ્રયાસમાં, માતા-પિતા તથા શિક્ષકો સાથે દાદા-દાદીનો સહયોગ ઘણો હોય છે. જે માનવીને દાદા કે દાદીનો પ્રેમ બાળપણમાં ન મળે, તેનાં જીવનમાં વાત્સલ્ય પ્રેમના અનુભવની ખોટ રહે છે. કારણ વડીલોની છત્રછાયા વૃક્ષ જેવી હોય છે. તેઓની હાજરીમાં વર્ણવી ન શકાય એવાં વાત્સલ્ય પ્રેમની હૂંફ મળે છે. વ્યવહારિક જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં તેઓ સહાયકારી થઈ ઉકેલનો રાહ પણ દર્શાવે છે. તેઓએ લૌકિક જીવનની અવનવી ઘટનાઓના ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો હોય છે. તેથી અનુભવી સ્થિતિના નિચોડ રૂપે પોતાના પૌત્ર કે પૌત્રીને વહાલથી તેઓ કેળવે છે. એટલે જ તેઓનાં પ્રેમની સ્મૃતિ મનમાં સ્થાપિત રહે છે. તેઓનાં પ્રેમમાં સ્વાર્થ ઓછો હોવાંથી નિ:સ્વાર્થ પ્રેમથી બાળમાનસનું યોગ્ય ઘડતર સહજ રૂપે થાય છે. તેઓનાં વહાલભર્યા શબ્દોથી, કે વર્તનથી બાળકને સંતોષનું પોષણ મળે છે. માનવીને બાળપણમાં જો પ્રેમ અને સંતોષની તૃપ્તિ મળે, તો યુવાનીમાં આધ્યાત્મિક સદાચરણનાં સુસંસ્કારી વર્તનની ખીલવણી ધારણ થઈ શકે. એવી ખીલવણીના પરિણામ રૂપે મનનો હૃદયભાવ જાગૃત થાય અને અંતર યાત્રાનું પ્રયાણ થતું જાય.
આજે બાળપણમાં સાંભળેલી એક વાર્તાનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જેથી મનને સાત્ત્વિક વર્તનના અણસારા મળી શકે અને સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત થઈ શકે. તે વાર્તા આપણે બધાએ સાંભળી છે કે, એક કાગડો ઊડતો ઊડતો ગાઢ વનમાં આવે છે, ત્યારે તેને પાણી પીવાની ખૂબ તરસ લાગે છે. તેથી દૂર દૂર સુધી ઊડીને એણે જોયું, પણ ક્યાંય તળાવ કે સરોવર ન દેખાયું. થાકીને તે એક વૃક્ષની ડાળી પર બેઠો. થોડીવાર પછી એને વૃક્ષની સમીપમાં એક માટીનો ઘડો દેખાયો. કાગડો તરત ઊડીને ઘડા પાસે ગયો અને જોયું તો અંદર પાણી ખૂબ ઓછું હતું. ઘડામાં ચાંચ ડુબાડીને પી શકાય એમ ન્હોતું. તરસ ખૂબ લાગેલી અને બીજે ક્યાંયથી પાણી મળે એમ ન્હોતું. તેથી કાગડાએ ચતુરાઈપૂર્વક આજુબાજુ પડેલા નાના પથ્થરોને ઘડામાં નાંખ્યાં. ઘડામાં પથ્થર-કાંકરીઓનું થર થવાંથી પાણીની સપાટી ઉપર આવી અને કાગડાએ પછી ધરાઈને પાણી પીધું. આ વાર્તા ખૂબ સામાન્ય લાગે છે. પરંતુ એનો આધ્યાત્મિક ભાવાર્થ જો ગ્રહણ થાય, તો સંકુચિત માનસનું રૂપાંતર કરાવતું આચરણ ધારણ થઈ શકે. કાગડો એટલે સંસારી મનનાં વિચારો. માનવીનું મન પોતાને ગમતાં દુન્યવી વિષયોને ભોગવવા માટે, સંસારી વિચારોથી ઊડતું રહે છે. ઈન્દ્રિયગમ્ય વિષયોની પ્રાપ્તિ ઘણીવાર પ્રત્યક્ષ મળી જાય. છતાં વધારે પ્રાપ્તિના વિચારોમાં મન ઊડતું રહે છે. જેમકે સવારે જમતી વખતે વિચારે કે રાતે શું ખાશું! આમ ભોગી મન ભવિષ્યના વિચારોમાં સતત ઊડતું રહે છે. પરંતુ મન જો જિજ્ઞાસુભાવથી સ્વયંને જાણવાનો પુરુષાર્થ કરે, તો સંસારી વિષયોનો ભોગ ભોગવાય, પણ ભોગ ભોગવવા જે દેહની જીવંત સ્થિતિનો યોગ થયો, તે યોગ રૂપે અહોભાવપૂર્વક સ્મરણ ભક્તિમાં સ્થિત થવાય, તેને કહેવાય વિચારો રૂપી કાગડાનું સત્સંગ રૂપી વૃક્ષ પર બેસવું.
સત્સંગ એ કોઈ વ્યવહારિક કાર્ય જેવી પ્રવૃત્તિ નથી. સ્વયંના આત્મીય સત્ સ્વરૂપના સંગની પ્રતીતિ કરાવે, તે છે સત્સંગ રૂપી વૃક્ષની સાત્ત્વિક વિચારો રૂપી ડાળી. અર્થાત્ સાત્ત્વિક વિચારો રૂપી ડાળીઓનો સહારો જ્યારે મળે, ત્યારે જિજ્ઞાસુ મનને સંસારી રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોના ઘર્ષણથી મુક્ત કરાવતી સૂક્ષ્મ સમજ ગ્રહણ થતી જાય. એવી સમજથી પરિપક્વ થયેલાં મનને પોતાની ભીતરમાં સમાયેલી, આત્મીય ચેતનાની ભક્તિ ભાવથી અનુભૂતિ કરવાની તરસ પ્રબળ થાય. તેને કહેવાય સદ્ગુરુ રૂપી ઘડાની સમીપ જવું. પુણ્યોદયથી ગુરુ કે માર્ગદર્શક રૂપી ઘડાની પ્રાપ્તિ થાય. પરંતુ ગુરુની દિવ્ય ચેતના રૂપી પાણીનું પાન કરવું સહજ નથી. જિજ્ઞાસુ મનને અંતર ઊંડાણમાં સ્થિત થવું પડે. મનોવૃત્તિઓ જ્યાં સુધી અંતરધ્યાનસ્થ થતી નથી, ત્યાં સુધી આત્મીય ચેતનાનો જ્યોતિર્મય પ્રકાશ અનુભવાતો નથી. તેથી ગુરુનાં સાંનિધ્યમાં રહેવાં છતાં જિજ્ઞાસુ મનની સ્વમય જાગૃતિનો સાત્ત્વિકભાવ જાગૃત ન થાય, તે છે ઘડાના ઊંડાણમાં જઈને જિજ્ઞાસુ મનની પાણી પીવાની અસમર્થતા. જિજ્ઞાસુ મનની અજાગૃત સ્થિતિને સાત્ત્વિક વિચારોના અધ્યયનની તરસ હોય. પરંતુ જ્યારે અંતર યાત્રાની તાલાવેલી જાગે, ત્યારે ગુરુકૃપા સ્વરૂપે સ્વમય ચિંતનની એકાગ્રતા વધતી જાય. જાગૃતિની તરસ હોવી, એ જિજ્ઞાસુ મનની સ્થિતિ છે અને તરસ મીટાવવાનો અંતર યાત્રાનો પુરુષાર્થ કરવો, એ છે જ્ઞાન-ભક્તિનું સદાચરણ. એવાં સદાચરણ માટે કાગડાની જેમ ચતુરાઈપૂર્વક પોતાના ગુરુના સાંનિધ્યમાં રહીને નાનાં પથ્થરોને ભેગાં કરવા એટલે કે પોતાની અહંકારી, અજ્ઞાની સ્વભાવની પ્રતિક્રિયાને શાંત કરવા માટે, પ્રભુની ચેતનાની સાક્ષાત્ ઉપસ્થિતિને અનુભવવાનો પુરુષાર્થ કરવો.
અંતર યાત્રાના પુરુષાર્થ રૂપે તન-મનના દેહધારી જીવનનો સાત્ત્વિક પ્રભાવ પછી અનુભવાય અને અંતરના સૂક્ષ્મ સ્વરૂપની સમજમાં મનનો અહંકારી સ્વભાવ ઓગળતો જાય. એવી સમજ રૂપે મનની પ્રતિક્રિયા ઓછી થાય. જેમકે નવા વસ્ત્રની ખરીદી થાય અને ઘરના સભ્યોના તે વસ્ત્ર માટેના જુદાં જુદાં મંતવ્યો હોય. તે સાંભળીને ભક્ત કદી સામી દલીલ ન કરે, કોઈ પ્રતિક્રિયા દર્શાવી એવું ન જણાવે કે પોતે જે ખરીદી કરી છે તે યોગ્ય છે. આમ મનનાં તર્કબદ્ધ વિચારોની દલીલ જ્યાં ઓછી હોય, ત્યાં સ્વમય ચિંતનનો પ્રવાહ વહે કે, આ શરીર રૂપી વસ્ત્ર કોઈ બજારમાંથી ખરીદ્યું નથી, એ તો પ્રભુ કૃપાની ઊર્જા શક્તિથી સર્જાયું છે. બજારમાંથી ખરીદેલા વસ્ત્રો માટે જુદાં જુદાં મંતવ્ય હોય શકે, પણ પ્રભુની શક્તિથી ઘડાયેલા શરીર માટે ગમો-અણગમો ન હોય શકે. શરીરના રૂપ-કુરૂપને જોવાની ભેદ દૃષ્ટિ જો વિલીન થાય, તો અંતરમાં સમાયેલી પ્રભુની ચેતનાની સ્વાનુભૂતિ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ થાય. સાત્ત્વિકભાવની જાગૃતિ જ ગુરુની દિવ્ય ચેતનાના સ્પંદનોનું સંવેદન ધારણ કરી શકે છે. સંવેદનની જ્ઞાતા વૃત્તિથી સ્વયંની આત્મીય ચેતનાની દિવ્યતામાં ઓતપ્રોત થવાય, તે છે સ્વાનુભૂતિની તરસ તૃપ્ત થવી. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, કાગડાની જેમ નાના પથ્થરો રૂપી અહંકારી વિચારોને અર્પણ કરાવતાં સ્વમય ચિંતનમાં મન ભક્તિભાવથી સ્થિત રહે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા