વ્યવહારિક જગત અને લોકલાજની ઓઢણ
જિજ્ઞાસુ ભક્ત જાણે છે કે જીવંત જીવન રૂપે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની તક મળી છે. એટલે ભક્ત પરમ કૃપાળુ પરમાત્મ શક્તિનો આભાર માનતો રહે. કારણ જે શક્તિ જીવંત જીવન જીવાડે છે, તેના ભગવત્ ભાવને સદાચરણ રૂપે અનુભવવાનો જ્યારે મોકો મળે, ત્યારે સ્વયંના આત્મ સ્વરૂપમાં એકરૂપ કરાવતી અંતરયાત્રા થાય છે. ભગવત્ ભાવની પ્રભુની આત્મીય ચેતનાની અનુભૂતિમાં તરવાનો મનથી નિશ્ચય થવો જોઈએ. માનવ મનની એવી વિશિષ્ટ પ્રકારની દઢતા છે કે એકવાર જે પણ કાર્ય કરવાનો નિશ્ચય કરે, તે કાર્યને મન યેનકેન પ્રકારેણ કર્યા વગર રહેશે નહિ. મનની આવી નિશ્ચયાત્મક વૃત્તિની વિશેષતાથી જો મનુષ્ય જન્મનો ફેરો સફળ થાય એવી અંતરયાત્રા કરીએ, તો પ્રેમ, સંતોષ, કરૂણાભાવને પ્રસરાવતું પરમાર્થી જીવન જીવાય. પ્રેમભાવની નિખાલસતાથી બીજા જિજ્ઞાસુ માનવીને જ્ઞાન-ભક્તિનું પાન કરાવી શકાય. જેથી સમાજમાં પ્રેમભાવની સુમેળતા પ્રસરતી રહે. તેથી જ્ઞાન-ભક્તિના અનંત આત્મીય સ્તરોમાં વિહાર કરવા માટે ભક્ત હંમેશા પ્રભુને વિનંતિ કરતો રહે છે.
હે જી મારા નેધારાનો આધાર, ગરુડે ચઢીને વહેલા પધારજો...
સઘળાં વાજિંત્રો લઈને તમે આવજો, ભક્તિ કરવા આવી અમને શિખવાડજો... નહિ જો પ્રભુ આવો તમે ભક્તિ અમને કોણ કરાવશે, નિર્ધારિત સમયે આવી આમંત્રણ સ્વીકારો... ભક્તિ અમને આવડે નહિ વિનંતિ કરીએ અમે, તમે આવી શિખવાડીને ભક્તિનું આસન વાળો.. તમારા ચરણો ધોવા ભક્તો ભેગા થયાં છૈયે, આ સમયે પ્રગટો પ્રભુ ભક્તો ઝૂરી રહ્યાં છેયે..
પ્રભુની ભગવત્ ભાવની શક્તિ એટલે કે ભક્તિનું આસન છે સ્વયંનું આત્મ સ્વરૂપ. આત્માના અનંત સ્તરોમાં વિહાર કરવા માટે પ્રભુની ગતિ જોઈએ. તે ગતિને ઋષિઓએ ગરૂડ પંખીની ઉપમા આપી છે. જેનો ભાવાર્થ એવો છે, કે જ્યાં મિથ્યાભિમાનનો, ભ્રાંતિનો અથવા હું ભક્ત છું એવાં અહમ્ ભાવનો પણ ગરૂર ન હોય, ત્યાં આત્માના અનંત સ્તરોનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ સ્વયંભૂ પ્રકાશિત થતું રહે છે. હરક્ષણનું નવીન ગુણોનું પ્રભુત્વ છે નેતિ નેતિ સ્વરૂપનું. એવી નિત્ય નવીનતામાં એકરૂપ થવાં માટે વિષ્ણુ મતિની (ડીવાઈન વીઝડમ) ગરૂડ ગતિ જોઈએ. તેથી ભક્ત પ્રભુને વિનવતો રહે, કે આપનો નવચેતનનો શ્વાસ ધરો. પ્રભુનો નવચેતન રૂપી વાજિંત્રોનો ધ્વનિ જ્યારે ભક્તની નિશ્ચયાત્મક વૃત્તિમાં ૐકાર નાદનો
સૂર પૂરે, ત્યારે ભવોથી મન પર પથરાયેલું કર્મ સંસ્કારોનું આવરણ છેદાતું જાય. પ્રભુના ૐકાર સૂરને ઝીલવો, એ કોઈ કાનથી સાંભળવા જેની સરળ વાત નથી અથવા પ્રભુની ભગવત્ ભાવની શક્તિનો જે ઊર્જા સ્ત્રોત છે, તેને ઝીલવો એટલે કે દેહના અણુએ અણુમાં સાત્ત્વિક ગુણોની ઊર્જા શક્તિ પ્રગટ થાય, ત્યારે તે વિદ્યુતિ સ્પંદનોને ઝીલવા સહેલ નથી. તેથી ભક્ત પોતાને નિરાધાર (નેધારા) સમજી, જ્ઞાન-ભક્તિના પથ પર પળે પળે વિનંતિ કરતો રહે છે. જેથી અહંકારી વૃત્તિઓનું સમર્પણ થતું રહે અને અહંકાર ન જન્મે તે માટે એ પ્રભુને વિનવે, કે ભક્તિનું આસન વાળીને ભક્તિ શીખવાડો. શીખવું એટલે માત્ર શબ્દોથી જાણવું નહીં, પણ આચરણ રૂપે અનુભવવું. જેમ બાળપણમાં સાઈકલ ચલાવવાનું શીખ્યાં એટલે મોટા થયાં પછી મોટી સાઈકલ ચલાવવાનું સરળતાથી શીખી ગયાં; તેમ જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં પ્રભુની દિવ્ય ચેતનાનું જો પુરણ થાય, તો અસ્તિત્વ બને ભક્તિનું આસન. પછી અનંત સ્તરોનો વિહાર કરાવતો પ્રભુનો દિવ્ય ભાવ પુરાતો રહે, ઝીલાતો રહે અને અનંત યાત્રા થતી રહે. પરંતુ જેમ નવી સાઈકલ ખરીદીને એને માત્ર જોવાની નથી, કે બીજાને જણાવવાનું નથી કે મેં નવી સાઈકલ ખરીદી છે. સાઈકલને જોઈને ખુશ નથી થવાનું, પણ ખુદ ચલાવવાની હોય; તેમ જ્ઞાન-ભક્તિની અંતરયાત્રા રૂપે સ્વભાવ બદલાય, અહમ્ વૃત્તિઓનું સમર્પણ થાય, મનની વિશાળતા પછી હૃદયભાવની નિર્મળતા રૂપે જાગૃત થાય, તે છે ભક્તિનું શીખવું. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું જિજ્ઞાસુ ભક્ત જ્યારે શીખતો હોય, ત્યારે પ્રારબ્ધગત જીવનની ઘટનાઓનો અવરોધ ક્યારેક તરવાની ગતિને મંદ કરી દે, અથવા તરવાનું અટકાવી સંસારી વિચારોના કિનારે બેસાડી દે. એવાં અવરોધક સમયમાં પ્રભુની ગરૂડ ગતિનો જો સહારો મળે તો અંતરયાત્રા ગતિમાન રહે. તેથી ભક્તના હૃદયભાવનાં ઊંડાણમાંથી વિનંતિનો સૂર રેલાતો રહે છે. જે ભક્તના હૃદયમાં પ્રભુની ગતિમાં સમાઈ જવાનો વિનંતિભાવ હોય, તે કદી અહંકારી વર્તન વિચારના મોહરા પહેરીને ન જીવે. જો ભૂલમાં પણ અહંકારી વૃત્તિના ડોકિયાં થાય, તો પશ્ચાત્તાપના અગ્નિને પ્રબળ કરી, એ તો પ્રભુની માફી માંગશે કે, “હે પ્રભુ, આપની સાત્ત્વિક ભાવની ઊર્જા ધારામાં મારા અહંકારી વર્તનનો કચરો પડે છે, છતાં પણ આપની એ પાવન ધારામાં આપ મુજને અવિરત સ્નાન કરાવતા રહો છો! એ સ્નાન સ્વરૂપે શ્વાસનું દાન અર્પી છો. છતાં અહંકારી રાગ-દ્વેષાત્મક વર્તનનાં ડોકિયાં કેમ થયાં કરે છે? શું આપના પ્રકાશિત દર્શન કરવાની, કે આપનામાં એકરૂપ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિને મેં ગુમાવી દીધી છે? વ્યવહારિક જગતમાં બધાં લોકલાજની ઓઢણી પહેરીને ફરે છે. પરંતુ આપની કૃપાથી જ્યારથી ભક્તિમાં તરવાનું આપે શીખવાડ્યું, ત્યારથી તે ઓઢણીને ફગાવી, આપના નામ સ્મરણની ચુંદડી ઓઢી છે... ...ચુંદડી પહેર્યા પછી પણ જો અહંકારી વૃત્તિનો કચરો થાય, તો કૃપા કરી મુજ અબુધનો સંગાથ છોડતાં નહીં. આપની ગરૂડ ગતિથી આપના દિવ્ય પ્રીતના શૂન્ય અવકાશમાં ઉડ્ડયનની તૃપ્તિ ધરજો. માતા પિતા-શિક્ષકોએ પ્રેમભાવથી જે ઉછેર કર્યો, તેનાં પરિણામ રૂપે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનો મોકો મળ્યો. હવે તે મોકો ગુમાવીને પાછું વ્યવહારિક જગતનાં વિચારોમાં આળોટવું નથી. મા-સરસ્વતીની કૃપાથી અક્ષર શબ્દોનો ભાવાર્થ ગ્રહણ થાય છે, પણ હવે આત્મજ્યોતના પ્રકાશથી આપના આદિ મહાસાગર તરફ પ્રયાણ કરાવો. આપના સંગાથમાં, આપના દિવ્ય ચૈતન્યના સંગીની બની, આપની સાથે તરવું છે. એવી ઈચ્છા આપની કૃપાથી જાગી છે, એટલે તે પરિપૂર્ણ થશે એવી શ્રદ્ધાના દીવાને પ્રગટેલો રાખજો.''
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા