Article Details

કે ક્યાંક તારી યાદ ન ભૂલાય...

આપણે કોઈ વસ્તુને જોઈએ કે વ્યક્તિને મળીએ ત્યારે આંખોથી સંબંધ થાય, પછી બીજી ઈન્દ્રિયોના સહારે મન જાણકાર થાય. આંખ ઈન્દ્રિયથી જે પણ દશ્યમાન સ્થિતિ સાથે સંબંધ બંધાય, તે સંબંધિત સ્થિતિનો સ્વીકાર મન સહજતાથી કરે છે. જો તે દૃશ્યમાન સ્થિતિથી મન પણ અજાણ હોય, તો તેને જાણવાનો પ્રયત્ન કરવાનું મનને સમજાવવું ન પડે. દુન્યવી પરિસ્થિતિને જાણવા મન હંમેશ ઉત્સુક રહે છે. એટલે માનવીની આંખોને આકારિત કૃતિઓ જોવાની આદત પડી ગઈ છે. માત્ર વસ્તુ-વ્યક્તિના આકારોને જોતી દૃષ્ટિનો કોઈ આકાર નથી. એ જ રીતે આંખોથી જોઈ શકાય એવાં ખાધ્ય પદાર્થોનો સ્વાદ જીભ ઈન્દ્રિયના સહારે માણીએ છીએ, પણ તે સ્વાદનો કોઈ આકાર નથી. અર્થાત્ આકારિત જગતની સ્થૂળ પ્રક્રિયાઓ પાછળ નિરાકારિત સૂક્ષ્મ ક્રિયાઓ સતત થયાં કરે છે. તે સૂક્ષ્મ ક્રિયાઓના લીધે જ સ્થૂળ દશ્યમાન પ્રક્રિયાઓ થઈ શકે છે. આવું વાસ્તવિક સત્ દર્શન ગ્રહણ થાય, ત્યારે મનનું ભક્ત સ્વરૂપનું કૌશલ્ય જાગૃત થતું જાય.

 

ભક્ત એટલે માત્ર ભજન ગાય કે સ્તુતિ કર્યા કરે, એટલું સીમિત આચરણ ભક્તિનું ન હોય. એ તો પોતાની જવાબદારીનું કર્તવ્ય કરતાં કરતાં જ પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થતી રહે એવાં ભક્તિભાવથી જીવવાનો પુરુષાર્થ કરે. માનવી જો આવાં પુરુષાર્થથી જીવે, તો રાગ-દ્વેષના નકારાત્મક સ્વભાવનું પરિવર્તન થાય અને માત્ર આકારિત જગતને જોતી મનોદષ્ટિ બદલાતી જાય. પોતાના આકારિત શરીરને, કે આકારિત કૃતિઓને જોવા ટેવાયેલી મનોદૈષ્ટિ જ્ઞાન-ભક્તિના પ્રભાવથી જેમ જેમ બદલાતી જાય, તેમ તેમ સત્ દર્શન ગ્રહણ થતું જાય, કે પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે આંખોથી જોઈ શકાય છે. સર્વવ્યાપક પ્રભુની ઊર્જાની ચેતના રૂપી સાગરમાં દરેક આકારિત કૃતિઓ તરે છે-જીવે છે. અર્થાત્ ઊર્જાની ચેતનાના આધારે તન-મનના દેહની કૃતિઓ સર્જાય છે અને સર્જાયેલી કૃતિઓ તેના જ સહારે જીવંત જીવન જીવી શકે છે. તેથી જ આપણે સૌ ઊર્જાની ચેતનાના પ્રકાશથી એકબીજાને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. આવી સત્ દર્શનની સ્પષ્ટતાથી જિજ્ઞાસુ ભક્ત ઇન્દ્રિયગમ્ય પ્રવૃત્તિઓ કરતો રહે અને જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરતો રહે.

 

પ્રભુની પ્રતીતિ રૂપે ભક્તનું મન સ્વમય ચિંતનમાં ઓતપ્રોત થતું જાય, ત્યારે સાંપ્રદાયિક વિચારોની વાડીથી મુક્ત થાય અને સ્વયંની સ્વાનુભૂતિ કરાવતી અંતરભક્તિમાં તલ્લીન થાય. પછી અમુક સાંપ્રદાયિક ધર્મના વિચારો ઉત્તમ છે અથવા નથી, એવી ભેદ ટિપ્ટ ઓગળતી જાય. જ્યાં સરખામણી કરવાની ભેદ દૃષ્ટિ ઓગળી ગઈ હોય, ત્યાં જ વિચાર રહિત મૌન સ્થિતિ સ્વયંભૂ જાગે છે. તેથી ભક્ત કદી આધ્યાત્મિક વિચારોની ટીપ્પણી (ટીકા અથવા ટૂંકી નોંધ) ન કરે, કે સારા-ખરાબના તોલમાપ ન કરે. ભક્તનું મન તો વિશુદ્ધભાવનાં સ્પંદનોથી છલકાતું હોય, એટલે આત્મીય ચેતનાની મૂળભૂત સ્થિતિને તે અનુભવે છે. પોતાના મૂળ તરફની અંતરયાત્રા થાય, ત્યારે પ્રકાશ દર્શનની સૂક્ષ્મ દૃષ્ટિનો સ્વયંભૂ આવિર્ભાવ થાય. પછી આકારિત કૃતિઓને જોતી વખતે એનાં બાહ્ય રૂપ રંગની ખોટ કે ઉણપ ન દેખાય, પણ આકારમાં સમાયેલી પ્રભુની પ્રકાશિત ચેતનાની પ્રતીતિ થાય. આવી પ્રકાશિત દર્શનની પ્રતીતિનો આનંદ અવર્ણનીય હોય છે. તેને શબ્દોની ભાષાથી દર્શાવી ન શકાય. એવાં સ્વાનુભૂતિના આનંદને વારંવાર માણવા માટે ભક્ત તો દર્શન માટે પ્રભુને વિનંતિ કરતો રહે અને ક્ષમા માંગતો રહે, કે દર્શન કરતી વખતે આપને પ્રણામ પણ કરી શકતો નથી...!

 

હું તો જોતો ને જોતો રહી જાઉં છું, પ્રભુ તારા દર્શન જ્યારે જ્યારે થાય...

હું તો હાથ ના હલાવી શકું મારા હે નાથ, મને ક્ષોભ બહુ થાય, તને પ્રણામ પણ ના કરી શકાય...

તારા દર્શન માટે બહુ રાહ જોવાય અને પ્રીતની નદીઓ બહુ ઊભરાય, મને આવા દિવસો કેમ તું લાય....

 

 

જ્યારે મનમાં શંકા કુશંકા બહુ જ થાય, એવા વિચારોના વમળમાં કેમ રે રહેવાય, કે ક્યાંક તારી યાદ ના ભૂલાય...

 

દર્શન રૂપે આરંભમાં પોતાના ઈષ્ટદેવના કે અવતારી વિભૂતિઓના, અથવા મહાન ઋષિઓના દર્શન થાય. એવાં દર્શન સ્વરૂપે તેઓના દિવ્ય ચૈતન્યની ગુણિયલતાનું પૂરણ થાય. જે મનની નિરાકારિત સ્થિતિને નિઃસ્વાર્થ ભાવની પારદર્શકતા ધારણ કરાવતી જાય. દર્શનની ક્ષણે વિચારોનું મૌન હોય છે. એટલે દર્શન કરું છું, એવાં વૃત્તિ-વિચારો ન હોવાંથી, બે હાથ વડે પ્રણામ કરવાની પ્રક્રિયા પણ થતી નથી. અંતરધ્યાનમાં ઘણીવાર અવનવાં રંગોનો પ્રકાશ દેખાય. તે ક્ષણે જો વિચારોના ડોકિયાં શરૂ થાય કે આ ભૂરો રંગ છે, અથવા ગુલાબી રંગનો પ્રકાશ છે, તો તે દર્શન નથી પણ ઝાંખી છે. આરંભમાં ઝાંખી થાય પછી પ્રકાશિત દર્શનની પારદર્શકતા ધારણ થાય.

 

ઝાંખી એટલે ઝાંખો પ્રકાશ અને દર્શન એટલે તેજસ્વી પ્રકાશ. વિચારોનું મૌન જેમ જેમ થતું જાય, તેમ તેમ ઝાંખો પ્રકાશ સ્પષ્ટ રૂપે સુદર્શિત થાય. જ્યારે સુવર્ણ રંગના પ્રકાશની, કે શ્વેત રંગના પ્રકાશની ભવ્ય જ્યોતના દર્શન થાય, ત્યારે આત્મ સ્થિત કરાવતી એકમની લય ધારણ થાય અને ભક્તનું અસ્તિત્વ બની જાય આત્મીય ચેતનાનું પાવન ધામ. એવાં પાવન ધામમાંથી વહે પ્રીતની દિવ્ય ધારા. એવાં જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળવું દુર્લભ છે અને જો મળી જાય તો સાંનિધ્યમાં રહીને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવા મળે, તો મનુષ્ય જન્મનો હેતુ સિદ્ધ થાય અને સ્વ ભક્તિની અણમોલ ગતિ ધારણ થાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ, કે આ જન્મનો ફેરો સફળ થાય એવી અંતરભક્તિમાં ઘ્યાનસ્થ કરી, દર્શનનું અનન્ય ધન અર્પણ કરતાં રહેજો.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા