Article Details

...હવે આપના પ્રકાશિત દર્શન કરાવો

ભક્તિભાવનું સાત્ત્વિક આચરણ બાહ્ય દેખાવથી કે વર્તનથી જણાય નહિ અથવા સત્સંગમાં જવું, ભજન- કીર્તન કરવા, ઉપવાસ કરવા, જપ કરવા, કે આધ્યાત્મિક શાસ્ત્રોનું અધ્યયન કરવું, એટલાં સીમિત પ્રકારનું સાત્ત્વિક આચરણ નથી. પરંતુ આવી સત્સંગ વગેરેની પ્રવૃત્તિઓ થાય, તેની સાથે જ સ્વભાવનું પરિવર્તન થાય તથા લૌકિક જીવનનો વ્યવહાર પરોપકારી દષ્ટિથી થાય, ત્યારે મનોદષ્ટિ સાત્ત્વિક આચરણની ધારણ થતી જાય. જાતિના, પદવીના, રૂપરંગના, રૂપિયાના વગેરે ભેદભાવની દૃષ્ટિવાળું સંકુચિત અહંકારી મન કંઈ રાતોરાત બદલાતું નથી, અથવા અમુક વર્ષોની સત્સંગની પ્રવૃત્તિથી પણ સ્વભાવનું પરિવર્તન સહજ થતું નથી. જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે મન જેમ જેમ પોતાના સંકુચિત વર્તનથી, પોતાની ભૂલોથી જાણકાર થતું જાય, તેમ તેમ અહંકારી સ્વભાવના સ્વાર્થી માનસથી મુક્ત થવાની ઈચ્છા પ્રબળ થતી જાય.

 

આમ છતાં ઘણીવાર મન પોતાની જાતિના રીત રિવાજોથી, કે કુટુંબની રૂઢિગત પરંપરાથી સહજ રીતે મુક્ત થઈ શકતું નથી. પરંપરાગત રીતરિવાજોની પ્રણાલિકાને છોડવાનો એવાં મનને ડર લાગે છે. એવું મન શંકા, સંદેહ, કે વહેમમાં બંધાઈને રૂઢિગત કાર્યો કરતું રહે છે. એવું બંધાયેલું મન સત્સંગની પ્રવૃત્તિ કરે એમાં માત્ર શબ્દોથી માહિતી ભેગી થાય, સ્વભાવ ન બલાય. એટલે એવું સાબિત નથી થતું, કે જૂના રીતરિવાજોની પ્રથા ખોટી છે. રીતરિવાજોનો મૂળભૂત ઉદ્દેશ સમજાય, પછી મનને એમાં બાંધેલું રાખવું જરૂરી નથી, કે વહેમ-શંકાથી ડરીને કરવાની જરૂર નથી. આસો મહિનાની નવરાત્રિમાં માતાજીને નૈવેદ્ય ન ધરાવીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ ન રહે, ઘરનાં છોકરાં-છોકરીઓનું આરોગ્ય બગડે, એવાં વહેમથી મા શક્તિને નૈવેદ્ય અર્પણ ન થાય. એવાં રિવાજ પાછળનો ઉદ્દેશ એ જ હોય કે યુવાપેઢી અન્નની શક્તિનો મહિમા સમજે અને પ્રભુ શક્તિનું શરણ સ્વીકારે. જેથી અહંકારી રાગ-દ્વેષાત્મક વર્તનનું પરિવર્તન થઈ શકે.

 

પરંતુ આજકાલ માત્ર રિવાજનું અનુસરણ યાંત્રિક રીતે થાય છે. પ્રભુ શક્તિનો સ્વીકાર શરણભાવથી થતો નથી અથવા યુવાનો પોતાની સગવડને વધુ મહત્તા આપે છે. એટલે ઘરનાં વડીલોને ખરાબ ન લાગે તે માટે નૈવેદ્યની ખાદ્ય સામગ્રી બહારથી મંગાવી લે છે. ઘણાં યુવાનો પાસે સમયનો બાધ હોવાથી એવું જ જતાવે, કે અમે જૂનાં રીતરિવાજોમાં માનતા નથી. ટૂંકમાં રીતરિવાજોમાં માનવું કે ન માનવું એ મહત્ત્વનું નથી. પણ મનને ભાવથી મનાવવું, રાગ-દ્વેષના ભેદભાવથી છૂટવું, અહંકારી સ્વાર્થી વર્તનથી મુક્ત થવું મહત્ત્વનું છે. મહાન ભક્ત રેદાસજી ચામડાંના પગરખાં બનાવવાનો ધંધો ભક્તિભાવથી કરતાં હતાં. પ્રભુની શક્તિથી કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે છે. એવાં સદ્ભાવથી તેઓ જીવતાં હતાં. એટલે પગરખાં બનાવવાનું કાર્ય થતું હતું, કે પ્રભુ ભક્તિનો ભાવ પ્રગટતો હતો એવો કોઈ ભેદ ન્હોતો. તેથી એમના કુટુંબમાં એવાં રિવાજની કોઈ પ્રથા ન થઈ કે ભક્તિભાવની જાગૃતિ માટે ચામડાના પગરખાં બનાવવાં જરૂરી છે!

 

સંસારી જીવનની લોકિક યાત્રા અને ભક્તિભાવની અંતર યાત્રા, આ બન્ને સ્તરનું જીવન સમતોલતાથી જીવવાની સમર્થતા જ્ઞાન-ભક્તિના સદાચરણથી ધારણ થતી જાય. પછી કોઈ પણ આધારિત પરિસ્થિતિ, કે વસ્તુ, કે માર્ગદર્શન આપતી વ્યક્તિ, અથવા સાત્ત્વિક શબ્દોના કહેણ, તે સારાં કે ખરાબ છે, એવી સરખામણીમાં મનનું ભટકવાનું ઓછું થાય, ત્યારે સ્વાનુભૂતિની અંતર યાત્રાનો ધ્યેય દૃઢ થાય. જગતમાં સર્વત્ર સર્વે કૃતિઓમાં પ્રભુની ઊર્જાની ચેતના હાજરાહજૂર છે એવી પ્રતીતિથી જીવન જીવીએ, તો ચેતનાની સાત્ત્વિક ગુણિયલતા મનોમન ધારણ થતી જાય. પછી સ્વભાવનું પરિવર્તન સહજતાથી થાય. અર્થાત્ પોતાના સ્વભાવની ત્રુટિઓનો, ખોટ કે ખામી જોવાની નકારાત્મક દોષિત દૃષ્ટિનો એકરાર જો મન કરે, તો પશ્ચાત્તાપ સ્વરૂપે સ્વયંના આત્મ સ્વરૂપથી પરિચિત થતું જાય. કારણ જે રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિને દોષિત વિચાર-વર્તનથી મન જો પરિચિત થતું જાય તો, એનાંથી મુક્ત થવાના માર્ગે પ્રયાણ થઈ શકે. જેમ પોતાના શરીરને રોગ કે દર્દની પીડા થાય, ત્યારે આપણે એ રોગથી જાણકાર થવાનો પ્રયત્ન કરીએ છીએ. જાણકાર થવામાં રોગથી મુક્ત થવાનો ઉપચાર થાય, તેમ પોતાની સ્વભાવગત ભૂલોથી જાણકાર થવામાં દોષિત વર્તનથી મુક્ત થવાં જવાય. સંકુચિત માનસનું આવરણ જેમ જેમ ઓગળે, તેમ તેમ મનની પારદર્શકતા વધતી જાય. એટલે અવરોધ વગરની સ્થિતિમાં જેની સાક્ષાત્ હાજરી છે, તે પ્રભુની પ્રતીતિ સહજતાથી થાય. જેમ મીઠાવાળાં પ્રવાહીમાં મીઠાના કણોને જોઈ ન શકાય, પણ તે પ્રવાહી સૂર્યના પ્રખર કિરણોથી જ્યારે સૂકાઈ જાય, ત્યારે મીઠાના કણોને જોઈ શકાય છે, તેમ વૃત્તિ-વિચાર-વર્તનના રોજિંદા જીવનના પ્રવાહમાં પ્રભુની સાક્ષાત્ હાજરી અનુભવાતી નથી. પરંતુ દોષિત સ્વભાવથી મુક્ત થવાનો પશ્ચાત્તાપનો અગ્નિ જો જાગે, તો દોષિત વૃત્તિ-વિચાર-વર્તનનો અવરોધ ઓગળતાં મનની ગુણિયલ વિશુદ્ધતાને જાગૃત થવાની મોકળાશ મળે અને પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ આપમેળે થાય. પ્રભને પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરતાં રહીએ,

 

હે નાથ! મારા મનને વિચારવાની શક્તિ આપ હર ારે નવીન અર્પી છો;

છતાં આપની શક્તિને અહોભાવથી સ્વીકારવાનું ભૂલીને હું જીવું છું;

મારી ભૂલોનું દર્શન કરાવવાની કૃપા ધરી, હવે આપના પ્રકાશિત દર્શન કરાવો;

 પ્રકાશિત દર્શન વગર મન મુરઝાઈ જશે, તો આ જન્મારો નિષ્ફળ જશે.!!

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા