Article Details

પ્રભુ માટે નિઃસ્વાર્થ લાગણી

પ્રભુ સાથે સંબંધ બાંધવાનો નથી. પ્રભુ સાથેનો આત્મીય સંબંધ છે એટલે મારી જીવંત હસ્તી છે અને હું દેહધારી જીવન જીવી શકું છું. આવી સ્પષ્ટતાથી જિજ્ઞાસુ ભક્ત તો આત્મીય સંબંધની પ્રતીતિ કરાવતું જીવન જીવે. તે રોજિંદા જીવનની પ્રક્રિયાઓમાંથી બોધ ગ્રહણ કરે, કે હાથને જો વાગે છે, તો આંગળીઓમાં પણ વધતું ઓછું દર્દ અનુભવાય છે. લોહીની ગતિ શરીરના જે ભાગમાં મંદ થાય, તે ભાગમાં ખાલી જેવું લાગે છે. શરીરના દુઃખ-દર્દને જો મન અનુભવી શકે છે, તો મન જે આત્માનો અંશ છે, તેની ગુણિયલતાને, સાત્ત્વિકતાને, દિવ્યતાને અનુભવી શકે એમ છે. આત્મીય સંબંધની અનુભૂતિ સહજ નથી. પરંતુ જે જ્ઞાની ભકત તે શાશ્વત સંબંધની અનુભૂતિથી જીવે છે, તેનાં સાંનિધ્યમાં મન જો શ્રદ્ધાપૂર્વક શરણભાવથી સ્થિત થાય, તો સંબંધિત સંબંધની પ્રતીતિ સહજતાથી થાય. જેમ

 

આપણો ચિત્ર જો પ્રાઈમ મિનિસ્ટરનો અંગત સંબંધી હોય, તો મિત્ર સાથેની સમીપતાનાં(સાનિધ્યનાં લીધે પ્રાઈમ મિનિસ્ટર સાથેની સંબંધિત સ્થિતિ માણવા મળે, તેમ જ્ઞાની ભક્તના આત્મીય સંબંધનો સંબોધ(જ્ઞાન બોધ) જો જિજ્ઞાસુ મન શંકા-સંદેહ વગર શરણાગતિથી ગ્રહણ કરે, તો આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવતી લગની જાગે છે.

 

આત્મા તો મનની લગોલગ હોવાંથી, જ્ઞાની ભકતનાં સાંનિધ્યમાં લગની એવી લાગે કે પ્રભુ માટે નિઃસ્વાર્થભાવની લાગણીઓ આપમેળે લહેરાતી રહે. એવી લહેરાતી લાગણીઓનાં લીધે માત્ર સ્થળ આકારોને જોયાં કરતી સીમિત મનોૠષ્ટિ વિશાળ થતી જાય અને આકારોને સર્જાવતી, આકરોમાં સમાયેલી પ્રભુની નિરાકારિત ઊર્જાની ચેતનાનું સંવેદન ધારણ થતું જાય. સંવેદન એટલે જ્ઞાત થવું. જે સૂક્ષ્મ છે, મનથી અજ્ઞાત છે, તેની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય, ત્યારે અજ્ઞાતની અનુભૂતિ કરાવતો મનનો જ્ઞાતા ભાવ જાગૃત થાય અને તે પ્રતીતિના અનુભવમાં મનની ક્ષાતા વૃત્તિ એકરૂપ થાય. એવી પ્રતીતિ જ્ઞાનની અનુભૂતિ દરેક માનવી કરી શકે છે. કારણ હરપળે પ્રભુ તો શ્વાસ રૂપે આપણને આત્મીય સંબંધની પ્રતીતિ ધરે છે, એ પ્રતીતિથી આત્મીય સંબંધનું સંવેદન જો ઝીલતાં રહીએ, તો અનુભવાય ] પ્રભુ તો શ્વાસ રૂપી સિંદૂર પૂરી દેહની જીવંત સ્વરૂપની અખંડ સૌભાગ્યની સ્થિતિ જાળવે છે.

 

શ્વાસ રૂપે જો પ્રભુનું માંગલિક ધન અર્પણ થતું હોય, તો મનની માંગણીઓ નિરાધાર ક્યાંથી રહે? અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્તિનો રાહ મળી શકે, તે માટે તો મનુષ્ય શરીર ધારણ કર્યું છે. આવી સમજ શક્તિથી જિજ્ઞાસુ મન શરણભાવથી જ્ઞાન-ભકિતની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. જ્યાં સુધી જીવંત જીવનની વાસ્તવિકતાથી મન અપરિચિત રહે છે, ત્યાં સુધી શંકા-સંદેહના ડોકિયાં થયાં કરે છે. કારણ અતૃપ્ત ઈચ્છાઓને મનમાં દબાવી નથી રાખવાની, પણ સંસારી ઈચ્છાઓને ભોગવતી વખતે, જો પ્રભુની ઊર્જા શકિતથી, હર ક્ષણના પાસથી મન જ્ઞાત રહે, તો ભોગ્ય પદાર્થમાં મન આસક્ત નહિ થાય. પછી મનની માંગણીઓ પૂરી થતી હોય, ત્યારે ભોગ્ય પદાર્થમાં સમાયેલી પ્રભુની ચેતનાનો પ્રથમ સ્વીકાર થાય અને વંદનભાવથી જિજ્ઞાસુ ભક્ત ભોગ ભોગવી, એમાં પ્રભુની પ્રતીતિ કરે.

 

જિજ્ઞાસુ ભક્તનું જીવન પછી પ્રભુની લગનીથી ભક્તિના રંગે રંગાતું જાય અને અજ્ઞાનતાનું આવરણ જ્ઞાનોદયના પ્રકાશમાં વિલીન થતું જાય. સ્વયંથી અપરિચિત રહેતી મનોવૃત્તિઓ, સ્વ બોધમાં જ્ઞાતા ભાવથી સ્નાન કરતી જાય. પછી સંસારી માંગણીઓનો દૃષ્ટિકોણ બદલાતો જાય અને સ્વાનુભૂતિમાં સ્થિત થવાની તરસ વધતી જાય. એવી તરસના લીધે જિજ્ઞાસુ ભક્તનું મન, આત્મીય સંબંધની પ્રતીતિમાં સ્થિત રહેવા માટે પ્રથમ સંસારી સંબંધોને નિર્મળ પ્રેમથી શણગારતો જાય. કારણ જ્યાં સુધી સંસારી સંબંધોમાં રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનથી મારું-તારુંના ભેદભાવની દિવાલ રહે છે, ત્યાં સુધી તે દિવાલ જ પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ કરવામાં અવરોધક બને છે.

 

પ્રેમભાવની નિર્મળતા એટલે ભેદભાવ વગરની સુમેળતા. વાસ્તવમાં માનવીને દરેક સંબંધ રૂપે પ્રેમની અતૃપ્તિને, પ્રેમની ખોટને તૃપ્ત કરવી હોય છે. પછી તે વસ્તુ સાથે હોય, વ્યક્તિ સાથે હોય, મનગમતી પરિસ્થિતિ સાથે હોય, કે પ્રકૃતિ જગત સાથે હોય. દરેક પ્રકારના સંબંધો નિર્મળ પ્રેમની સંપત્તિથી માણવા મળે, તો અતૃપ્તત ઈચ્છાઓનું આવરણ ઓગળી શકે અને નિર્મળ પ્રેમના સ્વભાવથી જ સ્વયંને જાણવાની, સ્વયંની પ્રતીતિ કરવાની આધ્યાત્મિક અંતરયાત્રા થઈ શકે છે. પ્રભુનું સ્વરૂપ શાશ્વત દિવ્ય પ્રીતનું હોવાથી, એનો અંશ જ સ્વરૂપ આપણે પણ પ્રેમભાવથી જો જીવીએ, તો પ્રેમની અમીરીથી પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રીતને માણી શકીએ. તેથી જ જિજ્ઞાસુ ભક્તનો ધ્યેય છે કે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવું અને ભક્તિભાવ એટલે કે પ્રેમભાવની નિર્મળતાથી સંસારી સંબંધોને શણગારતાં, આત્મીય સંબંધને માણતાં રહેવું.

નિર્મળ પ્રેમની ઊર્જાથી આ જીવન જિવાય છે, એવાં સ્વીકારમાં થાય અણુનું સમર્પણ

 પ્રેમની સહજતાથી થાય વિહાર સાત્ત્વિક વિચારોમાં, ત્યારે થાય પ્રભુ પ્રતીતિના મંડાણ;

ન રહે પછી આસક્તિ ભોગવવાની, પણ ભોગ રૂપે આત્મીય ચેતનાની નિકટતા ભક્ત માણે;

નિકટતામાં અનાયાસે અંતરધ્યાન થતાં, પ્રભુ પ્રીતના દિવ્ય સ્પંદનોને ભક્ત અનુભવે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા