Article Details

સ્વાર્થી વૃત્તિઓનો અહંકાર

સ્વાર્થી મન સ્વમાં સ્થિત થઈ ન શકે,

પણ જ્ઞાન-ભક્તિના સત્સંગથી જો નિ:સ્વાર્થ પ્રેમનો સ્પર્શ મળે;

         તો સ્વાર્થી વૃત્તિઓ ઓગળે અને પ્રભુ પ્રેમની લગની લાગે,

ત્યારે સ્વને જાણવાની જિજ્ઞાસા તીવ્ર થાય;

         મનનો પડદો પછી ખૂલતો જાય અને અંતરગમનના માર્ગે હૃદયભાવથી પ્રયાણ થતું જાય;

         હૃદય તો ભવેભવની ભક્તિનું ભાથું લઈને અંતરયાત્રા કરે અને નિ:સ્વાર્થી પ્રેમનું પ્રસરણ કરે.

 

         ‘ડુંગર દૂરથી રળીયામણાં..’, આ કહેવતનો ભાવાર્થ માનવીને જ્યારે સમજાય ત્યારે આકારિત જગતની કોઈ પણ આકૃતિ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય, કે પરિસ્થિતિ હોય, તે સર્વેની સ્થિતિ સીમિત છે, મર્યાદિત છે એવી સમજ મનોમન ગ્રહણ થતી જાય. એવી સમજ રૂપે મનનું રાગ-દ્વેષવાળું સંકુચિત માનસ બદલાતું જાય છે અને આકારોની ભીતરમાં સમાયેલી પ્રભુની ઊર્જા શક્તિની ચેતનાને, એટલે કે સ્વને જાણવાની જિજ્ઞાસા જાગે છે. જિજ્ઞાસુ મનને પછી આકાર-નિરાકારની એટલે કે સ્થૂળ-સૂક્ષ્મની વાસ્તવિકતાનો પરિચય થાય કે, આકારિત દૃશ્યમાન કૃતિઓનું સર્જન થાય છે, એટલે કે જન્મે છે અને તે જન્મેલી કૃતિઓનું પરિવર્તન વિકાસની ક્રિયા રૂપે થતું રહે છે. તેથી સર્જાયેલી આકારિત પરિસ્થિતિનું વિસર્જન રૂપે રૂપાતંર થાય છે અથવા જે શરીરનો જન્મ થાય છે, તેનો વિકાસશીલ ઉછેર થાય અને અંતે મૃત્યુની ક્રિયાથી શરીરનો આકાર ક્ષીણ થાય. આવી વાસ્તવિક સમજની પરિપક્વતામાં જ્યારે ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ ન થાય, કે ઈચ્છેલી પરિસ્થિતિનું યોગ્ય પરિણામ ન મળે, ત્યારે લાચારીથી દુ:ખી થતાં મનનો ઉદ્વેગ ઘણે અંશે ઓછો થતો જાય. અપ્રાપ્તિની વ્યથામાં મન જ્યાં સુધી બંધાયેલું રહે છે, ત્યાં સુધી તેને વાસ્તવિકતાનું સત્ દર્શન ગ્રહણ થતું નથી. એવું વ્યથિત મન સતત પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતું રહે છે. પરંતુ પ્રાપ્ત થયાં પછી પણ મનની વ્યથા ઓછી થતી નથી. કારણ સ્વાર્થી, અહંકારી, વર્તનના લીધે પ્રેમનો અનુભવ થતો નથી. એટલે જ્યાં પ્રેમની પૂર્તિ નથી, ત્યાં સ્વાર્થનું પ્રસરણ પ્રાપ્ત થયેલાં ભોગનો આનંદ માણવા દેતું નથી.

         વૈભવી જીવન જીવતાં ધનવાન લોકોનાં એશોઆરામ જોઈને, મધ્યમ વર્ગના લોકો હંમેશા એવું વિચારે કે, પોતાની પાસે રૂપિયાની ખોટ હોવાંથી, ઉત્તમ પ્રકારના પદાર્થોનો કે વસ્તુઓનો ભોગ કરવાનો આનંદ મળતો નથી. દરેક માનવીને મુખ્ય રૂપે અન્ન, પાણી, ઘર, વસ્ત્રની જરૂરિયાત હોય. એ જરૂરિયાત મુજબનું મળી જાય, તો પણ વધુ ને વધુ શ્રેષ્ઠ પ્રકારનું મેળવવાની ઈચ્છા મનમાં રહે છે. અન્ન કે ધાન્ય, જે ધરતી માતાએ અર્પણ કરેલું ધન છે, એ અણમોલ ધનથી દરેકનાં તન-મનનું સ્વાસ્થ્ય જળવાય છે. ધરતી માતાએ અર્પણ કરેલાં ધનની પ્રાપ્તિ થાય, ત્યારે એને ચાંદીની થાળીમાં લઈને ખાઈએ, કે કાગળની ડીશમાં લઈને ખાઈએ, તે મહત્ત્વનું નથી. પરંતુ ધનની પ્રાપ્તિ થઈ છે અને અન્ન ખાવા મળે છે તે જ મહત્ત્વનું છે. આ હકીકતને દરેક માનવી મોટેભાગે જાણે છે. છતાં મોંઘી વસ્તુઓ કે પદાર્થોને મેળવવાની અથવા વૈભવી જીવનની અવનવી ઈચ્છાઓની હારમાળા મનમાં ગૂંથાતી રહે છે. પ્રાપ્તિ રૂપે જે પણ વસ્તુ સ્થિતિ કે પરિસ્થિતિનો ભોગ થાય, ત્યારે એ ભોગના આનંદને મન થોડી ક્ષણ માટે માણે છે. કારણ અતૃપ્ત ઈચ્છાઓનાં સંસ્કારોને લીધે, મનમાં સતત વિચારો ઉદ્ભવતાં રહે છે. જો રાગ-દ્વેષાત્મક સ્વાર્થી વૃત્તિના વિચારો શરૂ થઈ જાય, તો પ્રેમ કે આનંદનો અનુભવ થોડી ક્ષણો માટે થાય છે. આનંદ, સંતોષ, કે તૃપ્તિના અનુભવમાં ત્યારે તરતાં રહેવાય, જ્યારે વિચારો ઓછાં થાય અને ભાવની ધારા પ્રગટે. હૃદયભાવથી જ સંતોષ, આનંદ કે, પ્રેમના અનુભવમાં ઓતપ્રોત થવાય.

         થોડી ક્ષણોનો અનુભવ મનને વધુ બેચેન કરે છે અને જે પરિસ્થિતિ, વસ્તુ કે વ્યક્તિના સંગમાં થોડી ક્ષણોનો આનંદ અનુભવાયો, તેને પુન: મેળવવાની નવી ઈચ્છાઓ મનમાં બંધાય છે. એટલે ભોગ રૂપે ઈચ્છા પૂર્તિ થયાં પછી પણ વારંવાર તેને ભોગવવાની ઈચ્છાઓ જનમતી રહે છે. વળી ભોગ કરતી વખતે દોષ દર્શન કરવું, પર્યાપ્ત હોવાં છતાં ઓછું લાગવું, અથવા સારું-ખરાબ, ઉચ્ચ-નિમ્ન એવાં ભેદભાવના વિચારોથી મન દરેક પરિસ્થિતિની તુલના કરતું રહે છે. માનવી મનની તુલના કરવાની, સરખામણી કરવાની ભેદભાવની દૃષ્ટિના લીધે, જ્યારે પોતાને ગમતી પરિસ્થિતિનો ભોગ થાય, ત્યારે આનંદ, પ્રેમ, સંતોષ કે તૃપ્તિ જેવાં સાત્ત્વિકભાવનો યોગ થતો નથી. ભોગ સ્વરૂપે જે પણ પરિસ્થિતિનો સંગ થાય, અર્થાત્ જે પણ વ્યક્તિ કે વસ્તુ સાથે સંપર્ક થાય, ત્યારે મનોમન તે પરિસ્થિતિ સાથે જોડાણ થાય, તે છે ભોગ રૂપે યોગ થવો. તેથી સંબંધિત પરિસ્થિતિના યોગ રૂપે ભોગની ક્રિયા છે, એટલે ભોગની ક્રિયામાં ભાવની પ્રતીતિ થવી જ જોઈએ. આ વાસ્તવિકતાને સ્વીકારીને ભક્ત લૌકિક જીવન જીવે છે અને અલૌકિક અંતર યાત્રા કરતો રહી, નિ:સ્વાર્થ પ્રેમનું પ્રસરણ કરતો રહે છે.

         દરેક ભોગ્ય પદાર્થોમાં કે જગતની કોઈ પણ પરિસ્થિતિમાં સમાયેલી પ્રભુની ચેતનાનો સ્વીકાર થાય, ત્યારે સ્વાર્થી વૃત્તિઓનો અહંકાર ઓગળવાનું શરૂ થાય. પ્રભુની સાક્ષાત્ હાજરીનાં સ્વીકાર રૂપે ભોગ થાય, એટલે કે ભોગની ક્રિયા રૂપે જે ચેતનાની ઊર્જાનો સતત યોગ થાય છે, તે દિવ્ય ચેતનાનું ગુણિયલ ભાવનું સંવેદન ધારણ થતું જાય. એવાં સંવેદનની જ્ઞાતા વૃત્તિથી ભક્ત સ્વયંના આત્મ સ્વરૂપની સ્વાનુભૂતિમાં તરતો જાય, તેને કહેવાય અંતર ભક્તિનું સદાચરણ. માનવી મોટેભાગે ભોગ-યોગ રૂપી જીવનનો મર્મ જાણ્યા વગર જીવે છે અને બાહ્ય દૃશ્યમાન જગતના વ્યવહારમાં મનને એટલું બધું વ્યસ્ત રાખે છે, કે મનનું વાહન અંતર દિશાના માર્ગે પ્રયાણ કરી શકતું નથી. આપણે માનવી સ્વરૂપે જન્મ લઈને આ પૃથ્વી ગ્રહ પર વસીએ છીએ. તેથી માનવતાને ખીલવે એવાં જાગૃતિના સદાચરણથી જીવવું જોઈએ. એવાં જીવન માટેની કોઈ લેખિત વ્યાખ્યા નથી. પરંતુ નિ:સ્વાર્થ પ્રેમની, કરુણાભાવની નમ્રતા જીવનમાં અનુભવાય, તે છે અંતર દિશાનું ભક્તિભાવનું ભ્રમણ. જ્યાં રાગ-દ્વેષનું રટણ નથી, પણ જીવંત હસ્તીની ગુણિયલતાનો ભોગ છે તથા પ્રભુ સાથેની ઐક્યતાને માણવાનો વિહાર છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, અંતર યોગ સ્વરૂપે સાત્ત્વિક ગુણોનો ભોગ ભક્તિભાવથી થયાં કરે અને ભાવનું પ્રસરણ ધરતી પર પ્રસરતું રહે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા