બનું તારો સદાનો દાસ...
માનવી જો પોતાના તનમનના દેશની વિશિષ્ટતાને જાણે, કે વિચાર કરવાની અસાધારણ કાબેલિયતના લીધે તે પશુ-પક્ષી વગેરે બીજી આકારિત કૃતિઓ કરતાં સવિશેષ છે, તો એવી જાણકારીથી સર્જનાત્મક, રચનાત્મક કાર્યો કરાવતી બુદ્ધિની પ્રતિભા ખીલતી જાય. મનના વાહનની મામિથી પ્રગતિના ઉન્નત શિખરે આરોહણ થઈ શકે છે. તેથી સ્વયંને જાણવું, સ્વયંથી પરિચિત થવું અતિ આવશ્યક છે. નાના હતાં ત્યારે એક બોધદાયક વાર્તા સાંભળેલી, કે સિંહનું બચ્ચું બહુ નાનું હતું ત્યારે પોતાની માતાથી વિખુટું પડી જાય છે. તે બચ્ચું ઘેટાંઓની સંગમાં મોટું થાય છે, એટલે પોતાની ઓળખથી તે અપરિચિત રહે છે અને ઘેટાંની જેમ વર્તે છે. એક દિવસ તે સિફ અને ઘેટાંઓ તળાવના કિનારે પાણી પીવા આવે છે, ત્યારે એક બીજો સિંહ દૂરથી જુએ છે કે ઘેટાઓના ટોળાંની વચ્ચે જે સિંહ છે તેનું વર્તન ઘેટાંઓ જેવું છે. થોડી વાર પછી બધા ઘેટાંઓ પાણી પીને જંગલમાં આગળ વધે છે, ત્યારે બીજો સિંહ નજીક આવે છે. એ સિંહને જોઈને ઘેટાંઓ દોડવા માંડે છે, પણ તે સિંહ જે ઘેટાંની જેમ વર્તે છે, તે પહેલીવાર સિંહને જોઈને ઊભો રહી જાય છે.
બીજો સિંહ તો મોટી ગર્જના કરે છે, તે સાંભળીને ઘેટું – સિંહ ગભરાઈ જાય છે અને દોડવા માંડે છે. તે જોઈને સિંહ અને અટકાવે છે અને પ્રેમથી સમજાવે છે કે તું ઘેટું નથી સિંહ છે. ઘેટું-સિંહ તો સિંહની વાતને સ્વીકારતો નથી અને પોતે ઘેટું જ છે સિંહ કેવી રીતે હોય શકે એવું કહે છે. એટલે સિંહ એને તળાવના પાણીમાં પોતાનું અને એનું, પ્રતિબિંબ બતાવીને કહે છે કે, “જો હું અને તું સરખાં છીએ, તારો દેખાવ ઘેટું જેવો નથી, સિંહ જેવો છે. તું એકવાર મારી સાથે મોટેથી ગર્જના કર, તું સિહ જ છે.’’ અંતે ઘેટું-સિંહને જેમ પોતાની ઓળખાણ થાય છે, તેમ માનવી જો પોતાના મનની વિશિષ્ટતાથી જાણકાર થાય, તો માત્ર ખાવું, પીવું, ઊંધવું કે રોજિંદા કાર્યો કરવાના યાંત્રિક જીવનને મહત્તા નહિ આપે, પણ સુષુપ્ત રહેલી બુદ્ધિની પ્રતિભાને ખીલવવાનો પુરુષાર્થ કરશે. એવાં પુરુષાર્થ રૂપે જાણવાની જિજ્ઞાસુ વૃત્તિથી જણાતું જાય, કે જે શરીરનો આકાર જન્મે છે, તેનો વિકાસશીલ ક્રિયાઓથી ઉછેર થાય છે. ધીમે ધીમે તે આકાર પરિવર્તનની ક્રિયા રૂપે ક્ષીણ થઈને અંતે મૃત્યુ પામે છે. અર્થાત્ જગતમાં સર્વત્ર સર્જન-વિસર્જનની ક્રિયાઓ છે અને શરીરના જન્મ-મૃત્યુની કથા રચાતી રહે છે.
શરીરની કથામાં મનનું આખ્યાન(વર્ણન) જોડાયેલું હોય છે. તન-મનની કથાના આખ્યાન માટે આત્મીય ચેતનાનું ઊર્જા બળ પ્રભુ અર્પણ કરતાં રહે છે. અર્થાત્ આપણે સૌ પ્રભુની આત્મીય ચેતના સાથે જોડાયેલાં છીએ. દરેક જીવંત દેહધારી કૃતિઓ આત્માના સંબંધથી એકબીજા સાથે જોડાયેલી હોવાંથી, આપણે સૌ તે દિવ્ય ચેતનાની વારસદારીને ભોગવીએ છીએ. વારસદારીમાં પ્રભુની આત્મીય ચેતનાની મિલકત શ્વાસ રૂપે સતત મળતી રહે છે, એટલે કે પિતામહની જેમ એનાં દરેક બાળકો માટે જીવંત સ્થિતિનું વસિયતનામું પ્રભુએ લખ્યું છે. તેથી જ દેહધારી કૃતિઓને આત્મીય ચેતનાનું ઊર્જા ઘન સતત પ્રાપ્ત થતું રહે છે. વારસદાર મન જે મિલકતને મેળવે છે, તે ચેતનાના દિવ્ય ગુણો સાત્ત્વિક વર્તન રૂપે પ્રદર્શિત થાય એવાં શાન-ભક્તિના સદાચરણથી જો જીવે, તો પિતામહની અનંત ગુણોની મિલકતને ધારણ કરાવતી અધિકારી પાત્રતા જાગૃત શકે, પરંતુ માનવી મોટેભાગે પેલા ઘેટું-સિહની જેમ પોતાના સ્વરૂપથી અજાણ રહીને જવે છે.
જો કોઈ માનવીનો શ્રીમંત વ્યક્તિ સાથે અંગત સંબંધ હોય, તો તે માનવી બીજા લોકોને ગર્વથી જણાવશે, કે તે શ્રીમંત શેઠ સાથે મારે ઘરનાં સભ્ય જેવો અંગત સંબંધ છે. વિશેષ પદવીવાળાં, કે રાજકીય નેતા, કે અભિનેતા જેવી ધનવાન વ્યક્તિઓ સાથે જો સંબંધ હોય, તો માનવી પોતાને ભાગ્યશાળી માને છે. એવી ઓળખાણના સંબંધોને જાળવવા માટે માનવી ઘણી બધી રીતે મહેનત કરવામાં કચાશ નહિ રાખે. શ્રીમંત વ્યક્તિ તો પોતાના રૂપિયાની વૃદ્ધિ થાય એવી જાળવણીમાં વ્યસ્ત રહે છે, એને સંબંધ જાળવવાની ફિકર ન હોય.
માનવીએ એક સભ્ય ભૂલવું ન જોઈએ, કે પ્રભુના ઊર્જા ધનથી સો જીવે છે, આ સત્યના આસન પર બેસીને જે જીવે, તે છે ભક્ત સ્વરૂપની સુમેળભાવની, પ્રેમભાવની નિખાલસતા. ભક્તના મનમાં શ્રીમંત કે ગરીબ એવાં ભેદભાવ ન હોય. એ તો શ્વાસ રૂપે અર્પણ થતાં પ્રભુના આત્મીય ધનનું દાન શરણભાવથી સ્વીકારે અને અહંકારી વૃત્તિઓનાં આવરણને ઓગાળતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે. જ્યાં સુધી રૂપિયાની, કે જાતિની, કે પદવીની સરખામણીથી એકબીજા સાથે ઓળખાણ થાય છે, ત્યાં સુધી પ્રભુ સાથેના આત્મીય સંબંધની જે ઓળખાણ છે, જે વારસદારીનું ધન મેળવીએ છીએ તેનું સ્મરણ થતું નથી. એટલે જ પાંચ કે છ ફુટના દેહ રૂપી ફાનસનો પ્રકાશ ફેલાતો નથી. કારણ પ્રેમની, સ્નેહની, લાગણીભર્યા સંબંધોની સહજતા નથી, કે આદર નથી. તેથી જ માનવીને પ્રેમ કે લાગણી દર્શાવવા મહેનત કરવી પડે છે. કોઈ વસ્તુ કે પરિસ્થિતિનો આધાર લેવો પડે છે. એવાં પ્રેમની કૃત્રિમ લાગણીનાં શબ્દોમાં ભાવની નિર્મળતા નથી કે નિઃસ્વાર્થતા નથી. ભક્તની જેમ મનુષ્ય દેહની વિશિષ્ટતાને જાણી, મનની વિશેષતાનો સદુપયોગ થાય એવાં સાત્ત્વિકભાવથી જીવન જીવવું જોઈએ. શ્વાસનું ધન સોને ક્ષણે ક્ષણે અર્પણ કરવાની પ્રભુની સેવાને જાણીને, ભક્ત તે દિવ્ય ધનને દાસત્વભાવથી ઝીલવા માટે વારંવાર વિનંતિ કરતો રહે કે,
“... નાથ સદાનો હું દાસ તારો, તો યે સાચો દાસત્વભાવ છે તારો સૂક્ષ્મ અહંકારી વૃત્તિઓને ઓગાળવા માટે, કરું ઘડી ઘડી તારા દાસત્વભાવની યાચના; કરુણા કર એટલી કે સત્યના આસન પર બેસીને, બનું તારો સદા સદાનો દાસ; દાસત્વભાવથી તારા લાસના દાનને ઝીલી શકે, તો તુજમાં એકરૂપ થઈ શકે.
સંકલનકર્તા – મનસ્વિની