હરિ દીસે મને ચારે તરફ...
આગલાં વરસનો અંત થયો અને નવાં વરસનો આરંભ થયો. આવી આરંભ-અંતની ક્રિયાઓના જગતમાં આપણે રહીએ છીએ. આ જગતમાં કોઈ પણ કૃતિ હોય કે આકૃતિ હોય, તે નિશ્ચિત સમયે જન્મે છે અને જન્મેલી કૃતિઓનો અંત મૃત્યુ રૂપે થાય છે. આમ જગતમાં જે પણ વસ્તુ, કે પરિસ્થિતિ, કે આકૃતિનો આરંભ હોય, જન્મ હોય, શરૂઆત હોય, કે પ્રાગટ્ય હોય, તેનો અંત પણ નિશ્ચિત હોય છે. આ વાસ્તવિકતાનો મર્મ (તાત્પર્ય) જો ગ્રહણ થાય, તો સમજાય કે જગત એટલે સતત પરિવર્તનની ક્રિયા અને તે ક્રિયાઓ પ્રભુની આત્મીય ચેતનાના આધારે થયાં કરે છે. જેનાં આધારે પરિવર્તનની વિકાસશીલ ક્રિયાઓ થાય, તે સ્વયં અપરિવર્તનશીલ હોય છે. તે અપરિવર્તનશીલ આત્મીય ચેતનાનો નથી આરંભ કે અંત, નથી ભૂતકાળ કે ભવિષ્યકાળ. આ દિવ્ય ચેતનાની ઊર્જાના વહેણ સર્વત્ર પ્રસરતાં રહે છે. આપણાં સૌના કણકણની ભીતરમાં તે વહે છે અને દેહની બહાર પણ તે જ વ્યાપ્ત છે. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાના ઊર્જા રૂપી સાગરમાં આપણે સૌ તરીએ છીએ.
આ વાસ્તવિક સત્ય જો આત્મસાત્ થાય, તો જિજ્ઞાસુ ભક્તની જેમ પ્રભુની ચેતનાની પ્રતીતિ અહોભાવથી થાય, ત્યારે અનુભવાય કે ભક્તિનો ભાવ એટલે જ આત્મીય ચેતનાનો પ્રકાશિત ભાવ. સ્વયંના પરિચય રૂપે જેમ જેમ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય, તેમ તેમ ભક્તિભાવ સ્વરૂપે આત્મીય ચેતનાનાં વિદ્યુતિ સ્પંદનોની દિવ્યતામાં મનોભાવ ઓતપ્રોત થાય અને મનોમન આત્મીય ચેતનાનો સાત્ત્વિકભાવ ધારણ થતો જાય. ભક્તિભાવની દિવ્યતામાં ઓતપ્રોત થવા માટે ‘હું કોણ છું’ એવી ઓળખ રૂપે પોતાની જાતને પોતાની મેળે જ મળવું પડે. પોતાની જાતની ઓળખ શરૂઆતમાં સત્સંગની પ્રવૃત્તિઓથી થાય. પરંતુ એવી ઓળખની માહિતી મેળવ્યા પછી આચરણનું આરોહણ થવું જરૂરી છે. પોતાની જાતને પોતે મળવું, તે છે સ્વયંની અનુભૂતિમાં મનને એકરૂપ કરાવતી અંતર ભક્તિ. અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવા માટે, એટલે કે પોતાની જાતને મળવા માટે અમુક ચોક્કસ સમયની મર્યાદા ન હોય. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ગ્રહણ કરેલી બોધ ધારામાં જો વારંવાર સ્નાન થતું રહે, તો જાતને મળવાની સહજતા વધતી જાય. અંતર ભક્તિમાં પછી ધ્યાનસ્થ થવાની સહજતા જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાંથી ધારણ થાય. તેથી જિજ્ઞાસુ ભક્ત પોતાની જાત વિશે જાણવાનો પુરુષાર્થ કરતો રહે છે.
જાત એટલે શું? એને કેવી રીતે મળવું? જાત એટલે આકારિત દેહની વાત નથી. એટલે ધાર્મિક જાતિની પણ વાત નથી. બ્રાહ્મણ, વૈશ્ય વગેરે જાતિ કે કુળ અથવા હિંદુ, મુસ્લિમ વગેરે ધાર્મિક સમુદાયના લેબલ તો આકારિત દેહ સાથે જોડાયેલા છે. જો હું દેહ નથી તો શરીરનો આકાર પણ નથી. એટલે શરીરમાં વસવાટ કરનારો સૂક્ષ્મ અંશ છું. એવાં પ્રશ્નો મનમાં જન્મે ત્યારે જાણવાની જિજ્ઞાસા જાગૃત થતી જાય. પછી સમજાય કે અજ્ઞાનવશ હું પોતાને દેહનો શારીરિક આકાર માનું છું અને એની માવજત પણ કરું છું. સવારે ઊઠીને બ્રશ કરવું, કસરત કરવી, ચા-નાસ્તો કરવા, રૂપિયાની કમાણી કરવાના કાર્યો કરવાં, બપોરે જમવું, સાંજે ઘરે આવી ટી.વી. જોવું અને જમીને રાતે સૂઈ જવું વગેરે કાર્યો કરવામાં શું મારી જાતને મળું છું? ખાવું, પીવું, ઊંઘવું એ તો પશુ-પંખી પણ કરે છે. પરંતુ એવાં રોજિંદા કાર્યો કરતી વખતે જો મન, વાણી, કે ઇન્દ્રિયોની ક્રિયાથી બીજાને દુઃખ પહોંચે એવું વર્તન ન કરવાનો નિશ્ચય થાય, તો પોતાની જાત સાથે સંવાદ થઈ શકે. સાત્ત્વિક વિચારોની બોધ ધારામાં પછી સ્નાન થતું જાય અને હું કોણ છુંનો પરિચય મળતો જાય.
આમ મારી જાત એટલે પાંચ કે છ ફૂટના મનુષ્ય શરીરનો આકાર હું નથી. હું તો આકાશ કરતાં પણ વિશાળ છું અને અણુ કરતાં પણ સૂક્ષ્મ છું એવી સ્વયંની ભાળમાં ભક્તનું મન ખોવાઈ જાય. મનનું સ્વયંમાં ખોવાઈ જવું એટલે રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોથી મુક્ત થવું, મારું-તારુંના ભેદભાવની સીમાથી પર થવું. મનની એવી મુક્ત સ્થિતિ જ અંતરની સૂક્ષ્મ-વિશાળતામાં ધ્યાનસ્થ થાય. પછી પોતાની જાતને, પોતાની આત્મજ્યોતિને જોવાના અંતર ચક્ષુની જાગૃતિ ધારણ કરાવતી અંતર ભક્તિમાં તલ્લીન થવાય. અંતર ભક્તિ સ્વરૂપે અંતર ઊંડાણમાં વિહાર થતો જાય અને ૐકાર નાદના સ્પંદનોમાં અસ્તિત્વ વીંટળાતું જાય ત્યારે સોહમ્ ભાવની(તે હું છું) જાગૃતિ થાય. અર્થાત્ હું એટલે કે મારું અસ્તિત્વ, મારી જાત ૐકાર નાદમાં વીંટળાઈને એકરૂપ થાય. કાર નાદ છે આત્મીય ચેતનાનો ધ્વનિ સ્વરૂપનો આવિર્ભાવ(પ્રાગટ્ય). એટલે જ સ્વ સ્મરણમાં મન હરાઈ જાય-ખોવાઈ જાય એવાં હરિ સ્મરણમાં ભક્ત તલ્લીન રહે છે. હું તો હરિ હરિ કરતી હરિ સ્મરણમાં હરતી ફરતી’તી, હું તો હરતી ફરતી કિંર સ્મરણમાં હરિ હરિ કરતી'તી... હું તો હરિ હરિ કરતી લીન થઈ, પ્રભુ ચરણમાં રમતી'તી, મને સાદ સંભળાય ને ભાન ભૂલું શોધું ચારે દિશા, હર દીસે મને ચારે તરફ, એનો સાદ સંભળાય વારંવાર... હું તો સૌને કહ્યું જુઓ બધે દિર દીસે મુજને, હું તો ધૂન લગાવું હરિ હરિની, ન દીસે હરિ કોઈને... હું તો ભમતી ભમતી નમી પડી, પ્રભુ ચરણમાં ઢળતી'તી, બડભાગી જિજ્ઞાસુ ભક્તને જ્ઞાની ભક્ત જેવી વિભૂતિનું સાંનિધ્ય મળે અને અંતર આરોહણ થાય, ત્યારે ૐકાર નાદનો સાદ સંભળાય એવી કનક કર્મેન્દ્રિયની જાગૃતિ ધારણ થાય. સ્વ સ્મરણમાં વૃત્તિ-વિચારો હરતાં ફરતાં રહે, તો કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય. પછી અંતર ચક્ષુની જાગૃતિ પ્રકાશિત ગતિને ધારણ કરે અને આત્મજ્યોતિના પ્રકાશમાં અસ્તિત્વ એકરૂપ થાય. આવી સ્વાનુભૂતિની દિવ્યતામાં ઓતપ્રોત થવા માટે જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. એ તો રોજિંદા કાર્યોની પ્રવૃત્તિ કરતી વખતે જ તરવાનો પુરુષાર્થ કરે. પ્રભુના જ દિવ્ય ગુણોનો આવિર્ભાવ કાર્યોની પ્રવૃત્તિ રૂપે અનુભવાય પછી ભક્ત સ્મરણ ન કરે, પણ હું તે ચેતનાનો અંશ છું એવાં એકમભાવથી પોતાનું કર્તવ્ય કરે. આવી સ્વયંની પ્રતીતિનું જીવન જીવવાનો દઢ સંકલ્પ આજે કરીએ અને પ્રારબ્ધગત જીવનની પ્રતિકૂળતામાં પણ હરિ સ્મરણમાં તરવાનું ન ભૂલીએ.
કલનકર્તા – મનસ્વિની કોટવાલા