જ્ઞાન-ભક્તિની સરિતામાં શ્રવણ, અધ્યયન, ચિંતનથી તરતાં રહેવાય
માનવ જીવનની કાર્ય કુશળતા એટલે વિચારવાની કે અનુભવવાની કૌશલ્યતા. મન જો પોતે પોતાના કૌશલ્યથી વાકેફ(જાણકાર) થાય, તો જણાય કે પ્રભુની આત્મીય ચેતના સાથે મન જોડાયેલું છે. એવી જાણ સ્વરૂપે વિચારોની માળા ગૂંથવાનું ઊર્જા બળ અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાની સર્વવ્યાપકતાનો સ્વીકાર થાય. આપણે સૌ પ્રભુની ચેતના સાથે જોડાયેલાં છીએ જ. પરંતુ તે જોડાણથી અજાણ રહીએ છીએ એટલે પોતાનું આત્મ સ્વરૂપ અજાણ્યું(અગમ્ય) લાગે છે. પરંતુ પ્રભુ કૃપા સ્વરૂપે માનવીને મનની વિશેષતા પ્રાપ્ત થઈ છે. જે પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ કરી શકે છે અને સ્વમય પ્રતીતિ રૂપે સ્વયંની દિવ્યતાને અનુભવી શકે છે. પગ જેમ ચાલે છે, તેમ વિચારોથી મન સતત ચાલતું રહે છે અને વિચારોથી ચાલવાની મનની ક્રિયામાં મગજ સહાયરૂપ થાય છે. પ્રભુએ માનવીને મગજનાં જ્ઞાનતંતુઓનું(ન્યૂરોન્સ) સામર્થ્ય અર્પણ કરીને, બીજા પ્રાણીઓ કરતાં ઉચ્ચ સ્થિતિનું કૌશલ્ય થયું છે. વિચારો રૂપી પગથી માનવી સૂર્યમાળાની પેલી પાર બીજી ગેલેક્ષીઓમાં પણ જઈ શકે છે. શરીર-ઈન્દ્રિયોની કાર્ય કરવાની સીમિત સ્થિતિ હોય છે. અમુક હદની સીમા સુધી જ કોઈ પણ આકારની ક્રિયાઓનું હલનચલન થઈ શકે છે. પરંતુ મન જે પ્રભુની આત્મીય ચેતનાનો અભિન્ન અંશ છે, તે જો જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતું રહે, તો સાત્ત્વિકભાવની દિવ્યતા જાગૃત થઈ શકે.
સાત્ત્વિકભાવની જાગૃતિથી મન પોતાના આત્મા રૂપી ઘરની સાત્ત્વિક ગુણોની સંપત્તિને ભોગવી શકે. એવું સ્વમય સાત્ત્વિક મન, પ્રભુ સાથેની એક્યતાની પ્રતીતિ કરાવતું ભક્તિમય જીવન જીવે છે. માનવી જો મનની સાત્ત્વિકભાવની ગુણિયલતાને જાણે તો કર્મસંસ્કારોને, એટલે કે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના આવરણને ઓગાળતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતું રહે. મોટેભાગે માનવીને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું મુશ્કેલ લાગે છે અથવા સમય નથી એવી ગરીબી છે. કારણ તે મન રૂપી પગથી દુન્યવી વિચારોમાં સતત ફરતું રહે છે. એવાં વિચારોનું ભ્રમણ તે રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનથી કરતું રહે છે. અહંકારી વર્તનનો કચરો મન રૂપી પગ પર એટલો બધો જામી જાય(એકઠો થવો) છે, કે જ્ઞાન-ભક્તિનું સાત્ત્વિક આચરણ મનને અગમ્ય લાગે છે. વાસ્તવમાં સાત્ત્વિક આચરણ મન માટે અગમ્ય નથી. કારણ મન રૂપી ચરણ(પગ) જે પણ વિચારો કરે, તેના વર્તનનું આચરણ ધારણ કરી શકે એવું કૌશલ્ય મનનું છે.
મન રૂપી ચરણની(પગની) કોઈ પણ કાર્ય કરવાના વિચારોની, સમજવાના વિચારોની, ક્રિયા- પ્રતિક્રિયાના વિચારોની, સુખ-દુઃખ અનુભવવાનાં વિચારોની, પ્રેમ-લાગણી પ્રદર્શિત કરવાના વિચારોની, કે રાગ, દ્વેષ, ક્રોધ, દંભ, ઈર્ષ્યા કરવાના વિચારોની ગતિ સતત ચાલુ રહે છે. અર્થાત્ મન રૂપી ચરણથી માનવી પૃથ્વીની જેમ સતત ભ્રમણ કરતો રહે છે. મન રૂપી ચરણ જે પણ ગ્રહણ કરે, તે છે મનની આચરણ(વર્તણૂક-બીહેવીઅર) સ્થિતિ. મનના ચરણોનું આવું કૌશલ્ય હોવાંથી, તે બાહ્ય સ્થૂળ જગતમાં અથવા અંતરની સૂક્ષ્મ સૃષ્ટિમાં વિહાર કરી શકે છે. સ્થૂળ આકારિત કૃતિઓનાં જગતમાં, એટલે કે સંસારી સંબંધોના વ્યવહારમાં મનનાં ચરણો જે ગ્રહણ કરે, તે આચરણ રૂપે માનવીનો સ્વભાવ ઘડાતો જાય. અજ્ઞાની મન પોતાના આત્માથી અજાણ હોવાથી, આત્મીય સાત્ત્વિક ગુણોનું આચરણ ધારણ થતું નથી. અર્થાત્ મન રૂપી ચરણનો મેળ(મિલન) સ્વ સાથે ન હોવાંથી, રાગ-દ્વેષના અહંકારી વર્તનથી તે જગતમાં ફર્યા કરે છે. એટલે અહંકારી વૃત્તિ-વિચારોનો કર્મસંસ્કારો રૂપી કચરો વધતો જાય છે, જે મનનાં ચરણો પર આવરણની જેમ અવરોધક બની, સાત્ત્વિક આચરણની પ્રતિભાને પ્રગટવા નથી દેતો. મન શોધે પ્રભુને મંદિરની મૂર્તિમાં અને તર્ક-વિતર્કના વિચારોથી પ્રભુને જાણવા માંગે; તર્ક-વિર્તકનાં અહંકારી વિચારોનો કચરો લઈને ફરે, તેને સાક્ષાત્ પ્રભુ અગમ્ય લાગે; ન થાય તે ગમ્ય માત્ર પૂજાપાઠ, ભજન-કીર્તન કે જપમાળાથી, એટલે મન માને કે નથી પ્રભુની કૃપા; પ્રભુ તો છે કૃપાનો મહાસાગર, તે સાગરના તરવૈયા બનવા તરતાં રહો જ્ઞાન-ભક્તિની સરિતામાં. જ્ઞાન-ભક્તિની સરિતામાં શ્રવણ, અઘ્યયન, ચિંતન રૂપે તરતાં રહેવાય, તો સાત્ત્વિક આચરણના પગલાં સહજતાથી મંડાતા જાય. જ્યાં સુધી મન પર રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોનો કચરો જમા થતો રહે છે, ત્યાં સુધી તર્ક-વિતર્કના સીમિત વિચારોથી પ્રભુની અવિનાશી સર્વવ્યાપકતાનો અણસારો પણ મળતો નથી. એટલે એવું મન પૂજાપાઠ વગેરે પ્રવૃત્તિ દરરોજ કરે, તો પણ સાત્ત્વિક આચરણના પગલાં મંડાતા નથી. તેથી પ્રથમ સ્વથી જાણકાર થવું, એટલે કે અજ્ઞાની સ્વભાવની ભૂલોથી જાણકાર થવું આવશ્યક છે. જ્ઞાની-ભક્તના સાંનિધ્યમાં જાણકારી રૂપે પોતાની ભૂલો પરખાતી જાય કે,“જેવા કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ છે, તેવાં વિચાર-વર્તનથી હું વ્યવહાર કરું છું. પરંતુ તે વ્યવહાર પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે થઈ શકે છે. તેથી જો પ્રભુના સ્મરણથી વ્યવહાર થાય તો અતૃપ્ત ઇચ્છાઓને તૃપ્તિનો રાહ મળે અને અંતરની સૂક્ષ્મ સૃષ્ટિના સાત્ત્વિક વિચારો ધારણ થઈ શકે... ...પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જાના વહેણ સર્વત્ર પ્રસરતાં રહે છે. તે દિવ્ય ચેતના રૂપી મહાસાગરમાં જ આ દૃશ્યમાન આકારિત જગતની કૃતિઓ તરે છે. અનેક જીવ રૂપી જળ બિંદુનું તે મહાસાગર સાથેનું અતૂટ જોડાણ છે. અર્થાત્ પ્રભુ સાથે ઐક્યતા હોવાં છતાં, તેને ભૂલીને હું રાગ-દ્વેષના અહંકારી વિચાર વર્તનથી તે આત્મીય પ્રીતની એક્યતાને તરછોડી, તેની મહાસાગર જેવી ગરિમાને ભૂલી, એક ખાબોચિયા જેવી સ્થિતિનું, ભેદભાવની ગંદકીનું જીવન જીવું છું.!!'' આવું મનોમંથન થાય તો સમજાય કે અજ્ઞાનતાના અથવા અજાણતાના ખાબોચિયામાં ફરતાં રહેવાથી નાશવંત, સીમિત પદાર્થોને ભોગવતાં રહેવાનું આકર્ષણ છૂટતું નથી. પ્રભુએ આપણને બે આંખ બે કાન વગેરે આપ્યાં છે. આવા બે સ્થાનનો ભાવાર્થ ગ્રહણ થાય તો સમજાય કે પ્રારબ્ધગત કર્મસંસ્કારોનાં બાહ્ય જીવન સાથે પ્રભુ સંસ્કારોનું અંતર જીવન પણ જીવી શકાય છે. તે માટે સ્વમય ચિંતનથી વૃત્તિ-વિચારોની શુદ્ધિ જરૂરી છે. એવી શુદ્ધિથી સમર્પણભાવની વિશુદ્ધતા જાગૃત થાય, ત્યારે મન રૂપી ચરણો પ્રભુની આત્મીય ચેતનાની ગતિને ધારણ કરે. એવી દિવ્ય ગતિના ચરણકમળ રૂપી પુષ્પોની હારમાળા પ્રભુને પહેરાવવા માટે જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવન જીવીએ.
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા