સાત્ત્વિક વિચારોથી ભક્તિભાવ પ્રગટે
માનવીને બાહ્ય જગતમાં ઉદ્ભવતી ઘટનાઓ વિશે જાણવાની અથવા બીજા માનવીના જીવનની દશા વિશે જાણવાની અધીરાઈ હોય છે. એવી અધીરાઈ રૂપે વધતે ઓછે અંશે દરેક માનવીના સ્વભાવમાં ભવિષ્યને જાણવાની તાલાવેલી હોય છે. ભવિષ્ય રૂપે જે કાર્ય હજી થયું નથી અથવા જે ઘટનાનું કાર્ય થયું નથી તેને વર્તમાનમાં જાણી શકાય એમ નથી. છતાં મન એનાં વિશે વિચારે અને ભવિષ્યની કલ્પનામાં રહીને ચિંતા કરે, અથવા ભવિષ્યમાં પોતે સારી રીતે સંસારી પદાર્થોને ભોગવી શકે, તે હેતુથી વધુ રૂપિયાની કમાણી કરવાના વિચારોમાં મગ્ન રહે છે. રૂપિયાની કમાણી કરવાના વિચારો કરવા તે યોગ્ય છે, પણ રૂપિયાથી પોતાની અપેક્ષિત ઈચ્છાઓ પરિપૂર્ણ થશે એવાં વિચારોમાં રહેવું તે યોગ્ય નથી. સૌ કોઈ પોતાની ઈચ્છા મુજબના કાર્ય કરે તથા તે માટેની મહેનત પણ કરે. છતાં દરેક કાર્યનું પોતાની મરજી મુજબનું અપેક્ષિત પરિણામ મળતું નથી. કારણ એક કાર્ય કરવામાં બીજી અનેક પરિસ્થિતિ સંકળાયેલી હોય છે. પોતાની મહેનત તથા બુદ્ધિની આવડત પર મનુષ્યનો પોતાનો કાબૂ હોય શકે. પરંતુ બીજી આધારિત પરિસ્થિતિ રૂપે સાથે કાર્ય કરનારી વ્યક્તિઓના સ્વભાવની તથા વસ્તુ કે વાતાવરણની અસર કાર્યના પરિણામ પર પડે છે. તેથી એક કાર્યની ક્રિયામાં અનેક પ્રકારના વિચારોનું પરિબળ હોવાંથી, માનવીને પોતાની ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ મોટેભાગે થતી નથી. ઈચ્છિત પરિણામ ન મળવાંથી મન અકળાય અને બેચેન થઈ યોગ્ય પરિણામ પ્રગટાવવા માટે ઝઝૂમે. ઝઝુમવું એટલે જીતવા માટે સામનો કરવો. તેથી ઈચ્છિત પરિણામની જીત મેળવવા માટે માનવી જીવનમાં ઝઝૂમવાની મહેનત કરતો રહે છે.
એવી ઝઝૂમવાની મહેનત કરવાની જ હોય, નહિ તો પ્રાણી જેવો માનવી ગણાય. માનવી પાસે મન-બુદ્ધિ છે. તેથી પોતાની ઈચ્છા મુજબના કાર્યો કરવાનું બળ તેને મળ્યું છે. પરંતુ ભૂલ એ થાય છે કે તે ચિંતા અથવા ભયથી ઝઝૂમે છે. બીજા લોકો શું વિચારશે એવાં ભયથી તે પોતાના કાર્યો કરે છે. દેખાદેખીથી કે સરખામણી કર્યા કરવાના સ્વભાવના લીધે માનવી પાસે કાર્ય કરવાનું જે સમર્થ બળ છે તેનું કૌશલ્ય ઘટતું જાય છે. સરખામણીની ચિંતામાં તે મેળવેલા પરિણામને નચિંત થઈને માણી શકતો નથી અને ન માણવાના લીધે મનમાં અતૃપ્તિ વધતી જાય છે. જે બીજી નવી ઈચ્છાઓનાં તાર ગૂંથે છે. એટલે ઈચ્છાઓનું આવરણ ગાઢ થતું જાય છે. એવા મનને જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગથી સ્વયંની જાણકારી થાય, તથા સાત્ત્વિકભાવથી જીવન જીવવાનું માર્ગદર્શન મળતું જાય, ત્યારે ભય પ્રેરિત મનનું ઝઝૂમવાનું ઓછું થતું જાય. પછી મનને પ્રેમભાવની, ભક્તિભાવની, અર્પણભાવની મહત્તા સમજાય અને ભક્ત સ્વરૂપનો પ્રાદુર્ભાવ(જાગૃતિ) થાય એવા સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાનો સંકલ્પ દૃઢ થતો જાય. સંકલ્પ અનુસાર સત્સંગ કરવાની, અધ્યયન કે અભ્યાસ કરવાની લગની વધતી જાય. મનને પછી સમજાવવું ન પડે કે સાત્ત્વિકભાવ વગરના જીવનમાં પ્રેમભાવથી જીવનને માણવાની સહજતા નથી. જ્યાં પ્રેમભાવની સહજતા નથી ત્યાં કાર્ય કરવાની પ્રસન્નતા નથી, કે પરિણામને માણવાનો આનંદ પ્રગટતો નથી.
જીવનમાં આ પળે શું થશે, કે બીજી પળે શું થશે તેને જાણવા ન માંગે ભક્તનું જોગી મન;
સતત જાણવા માટે તલસે અને ક્યારે થશે, શું થશે એવાં વિચારોમાં ફરતું મન જોગી નથી;
જોગી ભક્ત તો વર્તમાનની પળમાં જીવે અને પળ સ્વરૂપે પ્રભુની પરમ લય સાથે એકરૂપ થાય;
લય યોગી છે ભક્તનું જોગી મન, જે બીજા જિજ્ઞાસુઓને પળની પાવન લયમાં ઢાળતો જાય.
ભક્તનું જોગી મન સામાન્ય માનવીની જેમ ભવિષ્યની ચિંતા કરી વિહ્વળ થતું નથી. કારણ સ્વ જ્ઞાન રૂપે એ સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત રહે છે. એવી જાગૃતિ રૂપે નવધા ભક્તિના નવ પ્રકારના (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન) ભાવથી જીવન જીવે અને પ્રભુ સાથેની ઐક્યતાને, પ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિને દરેક કાર્યની ક્રિયા રૂપે અનુભવે. શ્રવણ ભક્તિ રૂપે સ્વના અધ્યયનમાં અંતરનાદના ઘોષને જ્યારે તે ઝીલે, ત્યારે કીર્તન ભક્તિ રૂપે તે ઘોષનો નાદ એટલે કે સ્વ જ્ઞાનનો સારાંશ વાણીથી પ્રગટે અને એવી વાણીના પ્રભાવથી તે પોતાના વ્યવહારિક કાર્યો કરે. સ્વ જ્ઞાનનો મનોમન સારાંશ ધારણ થાય અને એવા સારાંશનો અંતર નાદ સ્વયંભૂ પ્રગટે. તે માટે ઝઝૂમવાનું ન હોય. તેથી ભક્ત વિચારે નહિ કે આ પળે શું થશે, કે બીજી પળે શું થશે. એટલે ભક્તનું મન સ્મરણ ભક્તિ રૂપે સ્વ જ્ઞાનમાં અનાયાસે વીંટળાયેલું રહે છે. જ્યાં પ્રભુ સ્મરણની હારમાળા ગૂંથાતી હોય ત્યાં રાગ-દ્વેષાત્મક સંસારી વિચારોની ગૂણપાટ જેવી ગૂંથણી ન હોય. જો ક્યારેક એવા ચિંતા પ્રેરિત સંસારી વિચારોના ડોકિયાં થાય, તો પ્રભુ સ્મરણની ધારામાં એવાં વિચારોનું શુદ્ધિકરણ થતું જાય. કારણ પ્રભુ સ્મરણ રૂપે ભક્તમાં સોઽહમ્ ભાવની (તે હું છું) જાગૃતિ થાય છે.
સોઽહમ્ ભાવની જાગૃતિથી પાદસેવન ભક્તિ રૂપે પ્રભુએ અર્પણ કરેલા દાનનું સેવન કરે. અર્થાત્ સપ્ત મહાભૂતોની પ્રકૃતિથી સર્જાયેલાં આ જગતની તથા માનવ દેહની અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે. તેથી ભક્ત તો પ્રભુના દાન રૂપે વાયુ, અગ્નિ, પાણી, માટી, વનસ્પતિ, ધાન્ય વગેરેનું સેવન અકર્તાભાવથી કરે. દાન સ્વરૂપની પ્રકૃતિની દરેક કૃતિઓ પ્રભુએ સર્જાવી છે. એવા ભાવથી ભક્તનું જોગી મન અર્ચન ભક્તિમાં તરતું રહે. અર્ચન રૂપે પ્રભુનું જે દાન મળ્યું છે તેના પર માલિકીભાવ ન રાખે. એટલે અર્પણ ભાવ રૂપે એની અહમ્ વૃત્તિઓની આહુતિ જ્ઞાન-ભક્તિના યજ્ઞમાં સમર્પિત થાય. શરીરના વિવિધ અંગોની સાત્ત્વિકભાવની ક્રિયાનો ભાવાર્થ સમજીને, તેના વિચારો અર્પણભાવની જાગૃતિમાં ધ્યાનસ્થ રહે. ક્ષણે ક્ષણે અર્પણ થતું શ્ર્વાસનું દાન ફેફસા ઝૂકી ઝૂકીને સ્વીકારે છે અને સ્વીકારેલું તે અમૃત ધન લોહીને અર્પણ કરી દે છે. આવી શરીરમાં થતી સાત્ત્વિક ક્રિયાઓનું તાત્પર્ય ભક્તમાં વણાઈ જાય છે. તેથી તે અંતરનાદ રૂપે પ્રભુની દિવ્યતાને દર્શાવતા પદ્ય પદોના કહેણને ઝીલે, તો એ પણ બીજા જિજ્ઞાસુઓને અર્પણ કરી દે. પોતાની માલિકીના ન ગણે પણ જિજ્ઞાસુઓને ભક્તિ માર્ગે ઢાળવા માટે અર્પી દે. ભક્તનો એવો સમર્પણભાવ, એ જ છે વંદન ભક્તિનું આચરણ. એ તો પ્રભુનો પૂજારી બની પ્રભુનું ધન દાસત્વભાવથી અર્પી દે; તે છે દાસ્ય ભક્તિનું સ્વરૂપ. એવાં ભક્તની તન-મનની પ્રકૃતિ આત્માની સૂક્ષ્મતામાં ખોવાઈ જાય, તે છે સખ્ય ભક્તિનું આચરણ. પ્રભુની ચેતના સખા રૂપે એ ભક્તને આત્માની વિશાળતાનું, ગુણિયલતાનું માર્ગદર્શન ધરે, ત્યારે એનાં સાત્ત્વિક વિચારોની અભિવ્યક્તિ રૂપે આત્મનિવેદન ભક્તિનો ભાવ પ્રગટ થાય. એવા શ્રેષ્ઠ જ્ઞાની-ભક્તનું સાંનિધ્ય જો મળે, તો સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા