190223
સામાન્ય રૂપે માનવીનું મન ક્ષણ પણ અસ્ક્યાં વગર વિચારોની ગૂંથણી કરતું રહે છે. સતત વિચારોના લીધે મન જ્યારે સૂઈ જાય ત્યારે વિચારોની પ્રક્રિયા સ્વપ્ન રૂપે થતી રહે છે. વિચારોના વર્તનથી તે સંસારી જીવનના આજીવિકા રળવાનાં કાર્યો કરે અથવા વિચારોથી તે ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ કરે, ભવિષ્યની યોજનાઓ કરતું રહે, અથવા દેશ-પરદેશની પરિસ્થિતિ વિશે, કે જગત સાથેના વ્યક્તિગત સંબંધો વિશે વિચારોથી જાણતો રહે. વિચાર કરવાની અનોખી વિશેષતા માનવીને પ્રાપ્ત થઈ છે. તેનો સદુપયોગ જો થાય તો ધિક્કાર, નફરત, વેર-ઝેર, ઘૃણા, તિરસ્કાર વગેરે નકારાત્મક અહંકારી વિચારોનો કચરો મનમાં ભેગો ન થાય, પણ સ્વીકારભાવ, અર્પણભાવ, પરોપકારભાવ, આદરભાવ, વગેરે હકારાત્મક વિચારોના વર્તનથી સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય મનોમન ખીલતું જાય. પછી ભક્તની જેમ સ્વયંની ઓળખ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન થાય અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય. એવાં તરવૈયાનું મન પ્રારબ્ધગત જીવનનાં ઉતારચઢાવથી અશાંત ન થાય. એ તો સ્વ અધ્યયનથી ગુણિયલ સૌંદર્ય ખીલવવા માટે સ્વીકારભાવથી પોતાના મનને કેળવે કે,“મને કર્મસંસ્કારોની ગાંઠો છોડવાની તક મળે છે, તથા એકબીજા સાથેની લેણાદેણીનાં હિસાબ પૂરાં થાય છે.’” આવા સકારાત્મક વલણનાં લીધે ભક્ત અવરોધક લાગતી પરિસ્થિતિનો, કે વસ્તુ-વ્યક્તિનો અસ્વીકાર કરતો નથી.
ભક્તિમય જીવન જીવવાનાં સંસ્કારો પરભવ પુણ્યના લીધે જાગૃત થાય છે. તે જાગે પછી સંકુચિત નકારાત્મક માનસનો સ્વભાવ બદલાઈ જાય. માનવીએ ભક્ત બનવાનું નથી, કારણ પોતાનું અસ્તિત્વ જ ભક્ત સ્વરૂપનું છે. ભક્ત સ્વરૂપની સાત્ત્વિકતાનું વિસ્મરણ થવાથી, મન સત્સંગની પ્રવૃત્તિઓ કરે છે. પોતાના આત્મ સ્વરૂપની સ્વાનુભૂતિ જ્યારે થાય, ત્યારે મનનાં વિચારો શાંત થતાં જાય અને ભાવની સાત્ત્વિકતા પ્રગટતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિ અનુભવી શકે સ્વયંના આત્મ સ્વરૂપની ગુણિયલતાને, તે છે ભક્તિનું સદાચરણ. ભક્તિ એટલે જ આત્મીય ગુણોનો ભગવત્ ભાવ, જે પ્રાણ શક્તિ સ્વરૂપે દરેક જીવને પ્રભુ અર્પણ કરે છે. એટલે શ્વાસે શ્વાસે ભક્તિભાવનું અમૃત પ્રભુ અર્પે છે. પરંતુ રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનમાં બંધાયેલું મન શ્વાસ રૂપે અર્પણ થતાં પ્રભુના ગુણિયલભાવથી અજાણ રહે છે. એટલે શ્વાસના ધનનો પૂર્ણતાથી સ્વીકાર થતો નથી. જે મન પ્રભુની પ્રાણ શક્તિનાં ધનને, એટલે કે ભગવત્ ભાવની આત્મીય ચેતનાને અહોભાવથી સ્વીકારે, તે છે ભકતનું સાત્ત્વિક આચરણ. તે પોતાના આત્મ સ્વરૂપની દિવ્ય પ્રીતમાં એકરૂપ થવાં માટે સદા તત્પર રહે.
જે જિવાડે છે તેનાંથી અજાણ રહીને માનવી પોતાના બુદ્ધિચાતુર્યથી વસ્તુ, કે વ્યક્તિ સાથેના સંબંધનો તોલમાપ કરશે અને મનપસંદ પરિસ્થિતિનો સ્વીકાર કરશે. પરંતુ પળે પળે શ્વાસ રૂપે પ્રભુ સાક્ષાત્ પધારે છે તેનો સ્વીકાર કરવાનું માનવીને સૂઝતું નથી. શ્વાસની મહત્તાનો માત્ર સ્વીકાર નથી કરવાનો, પણ ભક્તની જેમ શરણભાવથી, અહોભાવથી શ્વાસને ઝીલવાનો હોય. કારણ શ્વાસના ઝૂલામાં પ્રભુ દરેક દેહધારી જીવને ઝુલાવે છે. તેથી પ્રભુની સંગ ભકિતભાવથી ઝૂલવા માટે, ભક્ત તો પ્રભુને વિનંતિ કરતો રહે કે,“ હૈ નાથ! આપનાં શ્વાસનાં ધન વગર હું અનાથ છું. આપ મારી સાથે ને સાથે રહો છો એટલે નિરાધાર નથી. આપની પ્રાણ શક્તિનું પ્રસરણ હોવાથી જીવંત જીવનની અમૂલ્યતા રૂપિયાનો ખર્ચ કર્યા વગર સહજ મેળવું છું. કૃપા કરી મનની અજાણતાને, અજ્ઞાનતાને ઓગાળતી જ્ઞાન-
ભક્તિની સરિતાનો તરવૈયો બનાવો. જેથી આપનાં દિવ્ય ગુણોના મહાસાગરમાં એકરૂપ થવાય.. ..આપ શ્વાસ રૂપે પધારો છો એટલે તો કર્મ-ફળની પ્રક્રિયાઓ વિચાર-વર્તનથી થયાં કરે છે. બધું આપ કરો છો છતાં કહું છું કે હું કરું છું. આ કર્તાભાવની અજ્ઞાનતાથી મુક્ત કરાવતાં જ્ઞાન ભક્તિના રાહ પર આપની કૃપાથી પ્રયાણ થાય છે અને આપની જ શક્તિથી ભક્તિભાવમાં સ્નાન થતું રહે છે. હું તો સંસારી વિચારોમાં મિથ્યા આડંબરથી આળોટતો હતો. રાગ-દ્વેષાદિ વિચાર-વર્તન રૂપી છાણનો હું કીડો હતો. તેને ભક્તિભાવ રૂપી રેશમનો કીડો બનાવ્યો અને ત્યાંથી પણ ઊંચકીને મુજને જ્ઞાન ભક્તિની સરિતામાં તરતો મૂકી દીધો! એ સરિતામાં હું નથી તરતો પણ ભક્તિભાવથી જાગૃત થયેલો સોહમ્ ભાવ તરે છે. તે સોડહમ્ ભાવ પણ તરતો નથી, કારણ આપની દિવ્ય પ્રીતનો આત્મીય ભાવ તરાવે છે. આપની આત્મીય દિવ્ય ચેતનાનું પ્રભુત્વ, તે જ છે જ્ઞાન ભક્તિની સરિતાનાં વડે એ વહેણમાં સાત્ત્વિકભાવની ગતિ એકરૂપ થઈને વહેતી રહે છે... ક્યારેક અફસોસ થાય છે કે જ્યારે આપ મારી સાથે માતાનાં ગર્ભમાં પણ હતાં, જ્યાં સંસારી વિચાર– વર્તનનો અવરોધ ન્હોતો, ત્યારે આપની સાક્ષાત્ હાજરીને કેમ માણી નહિ? ભક્તિભાવથી અધ્યયન-ચિંતનમાં સ્થિત થયાં પછી આપની પ્રતીતિ થવાનું શરૂ થયું. પ્રતીતિ વગરના જીવનમાં પણ શ્વાસ રૂપે આપ તો સર્વસ્વ સતત અર્પણ કરતાં રહો છો. આપના વગર હું અસમર્થ છું, છતાં રોજિંદા જીવનનાં કાર્યો કરવા માટે હું સમર્થ છું એવી કેટલીયે ખોટી માન્યતાઓથી જીવતો હતો. ખોટી માન્યતાઓની, રૂઢિની, રીતરિવાજોની, શંકા-સંદેહની કાંટાળી વાડમાંથી જ્ઞાન- ભક્તિના સદાચરણને લીધે મુક્ત થઈ શક્યો. હવે કોઈ આપ લેની વાત નથી, એક જ પ્રાર્થના છે, કે આપની જ્ઞાન- ભક્તિની સરિતામાં દરેક અધિકારી જીવને તરાવતાં રહો. જેથી આ પૃથ્વી પર સદાચારી વાતાવરણની પ્રસન્નતા પ્રસરે અને માનવી એકબીજા સાથે પ્રેમની નિર્મળતાથી વ્યવહાર કરતો જાય, તો મહાભૂતોની પ્રકૃતિનું સાત્ત્વિક ગુણોનું ધન ભોગવી શકે…
… હે પ્રભુ, સમર્થ તોયે સમર્થ ગણું મુજને, વહેવડાવે છે ભક્તિભાવની જ્ઞાનગંગાને તું; આ પંચમહાભૂતોની પ્રકૃતિના કણકણમાંથી વહેવડાવે તું અને મણમણની પ્રીત પૂરે તું: તો યે ક્યાં આવી વસે તે ન જણાવે તું, કદી ન કહે કે ક્યાં આવીને વસ્યો છે ; કૃપા કરી પળનો પણ વિલંબ કર્યા વગર, એકરૂપતાની મિલનની પળને જાગૃત કર તું.
”સંકલનકર્તા- મનસ્વિની કોટવાલા