Article Details

26022023

પદાર્થોને ભોગવવાના જીવનમાં, મનનું સાત્ત્વિક સ્વભાવનું કૌશલ્ય કુંઠિત થાય; સાત્ત્વિકભાવની જાગૃતિમાં થાય મનની ધારદાર સ્થિતિ, ત્યારે અહંકારી વૃત્તિઓ કુંઠિત થાય; સ્વમય ચિંતન રૂપે સાત્ત્વિકભાવની ધારામાં સ્નાન થાય, ત્યારે ભેદભાવની વૃત્તિઓ કુંઠિત થાય; સાત્ત્વિકભાવથી જો જીવન જિવાય, તો તન-મનના સ્વાસ્થ્યની અમીરી વધતી જાય.

 

કારણ-કાર્યના સિદ્ધાંત અનુસાર સમજાઈ કે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારોની કારણભૂત સ્થિતિ છે, જેનાં લીધે વિચાર-વર્તનનું કાર્ય સતત થયાં કરે છે. વિચારોથી થતાં વર્તનમાં એટલે કે પ્રવૃત્તિમાં માનવી મન સતત ગૂંથાયેલું રહે છે. અનેક પ્રકારનાં વિચારો ઉદ્ભવતાં હોવાથી માનવી વિચાર વગરની ભાવની સાત્ત્વિક સ્થિતિથી મોટેભાગે અજાણ રહે છે. એવું મન વિચારોમાં ફરતું રહે અને કાર્ય કરવાની પ્રવૃત્તિથી જાણકાર થવાંનો પ્રયત્ન કરતું રહે. એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં ઊંડાણને, અથવા વૃત્તિઓની કારણભૂત સ્થિતિને તે સમજી શકતું નથી. મનની એવી અણસમજના લીધે સૂક્ષ્મ સમજની વાસ્તવિકતા ગ્રહણ થતી નથી અને વિચાર રહિત મનની મૌન સ્થિતિ અશક્ય છે એવી માન્યતાને વળગીને મન વિચારોની ગૂંથણીમાં બંધાયેલું રહે છે.

 

વાસ્તવમાં મનની વિચારવાની કળામાં જ વિચાર રહિત સ્થિતિની સાત્ત્વિકતા સમાયેલી છે. જેમ ગુલાબના બીજમાં સમાયેલો છે ગુલાબનો છોડ, એની ડાળી, ગુલાબના ફુલ, એનો રંગ, એની સુગંધ, તેમ વિચારોની કારણભૂત સ્થિતિના ઊંડાણમાં વિચાર કરવાની શક્તિ અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા છે અને તે ઊર્જાનું પ્રસરણ સાત્ત્વિકભાવથી પ્રસરતું રહે છે. અર્થાત્ મનના મૂળમાં સાત્ત્વિકભાવની ઊર્જાનો સ્ત્રોત છે, જ્યાં વિચારો નથી, પણ વિચારો તેનાં સહારે ઉદ્ભવે છે. મૂળને જાણવાની જિજ્ઞાસા જો થાય તો સૂક્ષ્મ સમજને ગ્રહણ કરાવતું વિશેષ બુદ્ધિનું બળ ધારણ થાય અને એવી બુદ્ધિનું બળ સાત્ત્વિક વિચારોનાં ચિંતનથી ખીલતું જાય. મન જેમ જેમ સ્વમય ચિંતન રૂપે સ્વયંના સ્વ સ્વરૂપની પ્રતીતિ કરતું જાય, તેમ તેમ સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી જાય. ભાવની જાગૃતિમાં નકામા વિચારોની આવનજાવન ઓછી થાય, રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ ઘટતો જાય, પછી ભાવનું સંવેદન ધારણ થતાં અહંકારી વૃત્તિ-વિચારો કુંઠિત થતાં જાય. તેથી જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. જેથી અહંકારી સ્વભાવ રૂપી છરીની ધાર બુઠ્ઠી(કુંઠિત) થઈ જાય. જેમ બુઠ્ઠી થયેલી છરીની ધારથી શાકભાજી વગેરે કાપી ન શકાય; તેમ અહંકારી મનની ધાર જ્ઞાન-ભક્તિના સદાચરણથી બુઠ્ઠી થતાં એકબીજા સાથે ઝઘડવાની કે સંબંધોની કાપાકાપી ન થાય.

 

આમ મનની પ્રાપ્તિ હોવાંથી માનવીએ જીવતાં જ અહોભાવપૂર્વક સ્વીકાર કરવો જોઈએ કે, મનમાં આત્મીય ચેતનાનું કૌશલ્ય સમાયેલું છે. તે કૌશલ્ય જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી પ્રગટ થાય. તે પ્રગટ નથી થતું. કારણ મન બાહ્ય જગતનાં પદાર્થોને ભોગવવામાં વ્યસ્ત રહે છે, તથા એકબીજા સાથે સરખામણી કરવામાં, કે સંસારી સંબંધોમાં ભેદભાવની અથડામણમાં વીંટળાયેલું રહે છે. તેથી આત્મા

રૂપી તિજોરીમાં રહેલું દિવ્ય ગુણોનું ધન સુષુપ્ત રહે છે, તે વિચાર-વર્તન રૂપે પ્રગટ થતું નથી. તેથી જ જિજ્ઞાસુ ભક્ત સ્વયંની તિજોરીને ખોલવાની ચાવી માટે જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં રહે છે. તે ચાવી છે સ્વમય ચિંતન સ્વરૂપે મનનું અંતરધ્યાનસ્થ થવું. એવી ચાવીથી ભીતરનાં દ્વાર ઊઘડતાં જાય, ત્યારે તન-મનની સ્વસ્થતા જળવાય એવાં સ્વભાવની સાત્ત્વિકતા વધતી જાય તથા આત્મીય સંબંધની ઝાંખી નિર્મળ પ્રેમના વ્યવહારથી થતી જાય. અંતરધ્યાનની ભાવભીની સ્થિતિના લીધે પ્રભુ સાથેની એક્યતાનું સ્મરણ સહજ થાય. અનાયાસે થતાં સ્મરણનાં સંભારણા જાગે, ત્યારે દિવ્ય ચેતનાના દર્શન પ્રકાશિત જ્યોત સ્વરૂપે થાય. અંતર નયનોની જાગૃતિનું દાન પ્રભુ અર્પણ કરતાં જાય. છતાં ભક્તને પ્રભુનો વિયોગ લાગે. પ્રભુની સંપૂર્ણતામાં એકરૂપ થવાની એવી લગની લાગે, કે તે શરણભાવની નમ્રતાથી વિનંતિ કરતો રહે કે...

 

“સાંભરે રે નિત્ય તારા સંભારણા, ત્યારે ઊઘડતાં અંતરના બારણાં; છુપીછુપીને અંતરમાં હું તારી મૂર્તિ જાતી, નયનો ઊઘડતાં તારી જ્યોતિને જોતી; વહાલા તારી માયામાં ભલભલાં વીંટળાય, જાણીને સમજે તોયે ના મોહ છૂટે; મારી વિનંતિ સ્વીકારજો, હવે ના છુપાશો, અંતર નયનોથી હવે ના છૂટાં થાશો.

 

સ્વ સ્મરણના સંભારણામાં(યાદમાં) મનનું કુંઠિત થયેલું સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય જાગૃત થતું જાય. હું અને પ્રભુની એક્યતાની પ્રતીતિ થતી જાય અને હું પ્રભુનો અંશ છું એવી સોહમ્ ભાવની જાગૃતિથી સ્વમય ચિંતનમાં જિજ્ઞાસુ ભક્ત અંતરધ્યાનસ્થ થાય. પછી મન રૂપી વાહનનો હેતુ સ્પષ્ટ થાય કે, પ્રભુએ માનવીને મન આપ્યું છે અંતર પ્રયાણ કરવા માટે, જેથી સ્વયંની ગુણિયલ સંપત્તિથી તૃપ્તિનો સંતોષ માણી શકાય. અંતરમાં નથી કંઈ સાચું કે ખોટું, નથી કોઈ નામ-આકારવાળી આકૃતિઓની વસ્તી, એટલે નથી ભેદભાવની સરખામણી, કે નથી પ્રતિકૂળ-અનુકૂળ સંજોગોની ચડતીપડતી. અંતર પ્રયાણમાં તો સાત્ત્વિક ગુણોની ખોટ પુરાતી જાય. એવી ખોટ પૂર્તિના અંતરધ્યાનમાં આત્મીય દિવ્ય પ્રીતની પ્રતીતિ થાય અને સાત્ત્વિક મતિનો જ્ઞાતાભાવ જાગૃત થાય, ત્યારે જેને મન, વાણી, કે શબ્દોથી જાણી ન શકાય એવી પ્રભુની આત્મીય ચેતનાની અનુભૂતિમાં એકરૂપ થવાય. એકરૂપતાનો આનંદ માણવાની કૃપા પ્રભુ આપણને અર્પે એવી પ્રાર્થના કરતાં રહીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા