Article Details

પ્રભુ તો સર્વત્ર સર્વમાં સમાયેલો છે

પ્રભુ તો સર્વત્ર સર્વેમાં સમાયેલો છે, સર્વેમાં ખોવાયેલો છે, સર્વેમાં સંતાયેલો છે; તે ખોવાયેલામાં જો ખોવાઈ જવું હોય, તો ખુદને ખોવાઈ જવું પડે; હું પદનો અહંકાર ખુદ ખોવાઈ જાય, ત્યારે સર્વેમાં ખોવાયેલો ખુદ શોધે કે: મુજમાં ખોવાયેલો મારો ભક્ત, ક્યાંય અટવાઈ ન જાય સમયની ગતિમાં સમયની ગતિથી સમય ચાલે અને સમયથી સમયમાં મન બંધાય; સમયથી ઊર્ધ્વગતિનો સમય જો પ્રગટે, તો સમયમાં સમભાવથી સમાઈ જવાય,

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં જો સ્વમય ચિંતન રૂપે તરતાં રહેવાય, તો અહમ્ વૃત્તિનો અહંકાર વિલીન થતો જાય. હું પદની અહમ્ વૃત્તિ એટલે વ્યક્તિગત વ્યક્તિત્વને દર્શાવતાં વિચારોનું વર્તન, મન પર પથરાયેલાં કર્મસંસ્કારોના આવરણની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ છે. તેથી સંસારી પદાર્થોને-વિષયોને ભોગવવાનાં વિચાર-વર્તનના વ્યક્તિત્વમાં બંધાઈને માનવી જીવે છે. એવા જીવનમાં મારું તારું પરાયુના ભેદભાવ હોય અને વ્યક્તિગત ઓળખાણની સરખામણી હોય. અર્થાત્ શરીરના દેખાવથી, માનસિક વિચારોના વર્તનથી માનવી એકબીજાને ઓળખે અને એવી ઓળખથી પોતાનું વ્યક્તિત્વ સારું છે એવાં મિથ્યાભિમાનથી જીવે. પોતાના સ્વભાવની મહત્તાનો સ્વીકાર કરાવતી અહમ્ વૃત્તિથી ભરેલું મન, ભેદભાવથી સરખામણી કરવાના વિચારોમાં ફરતું રહે છે. જ્યાં ભેદભાવ છે, મારું-તારુંનો તોલમાપ છે, ઉચ્ચ નિમ્ન કક્ષાનું મૂલ્યાંકન છે, ત્યાં મન માત્ર વ્યવહારિક જીવનની ઘટનાઓમાં બંધાયેલું રહે છે. એવું સંકુચિત માનસ, જિવાડનાર પ્રભુની શક્તિની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરી શકતું નથી. એ સત્સંગ કરે, આધ્યાત્મિક સંઘના સાત્ત્વિક વિચારોનું શ્રવણ કરે, પણ તેનો ભાવાર્થ ગ્રહણ કરે નહિ. કારણ મન વ્યવહારિક જગતના વિચાર-વર્તનમાં એટલું બધું ઓતપ્રોત રહે, કે આકારોને સર્જાવતી નિરાકારિત ઊર્જાની ચેતનાનો સ્વીકાર કરી શકતું નથી.

 

પ્રભુની ઊર્જાની ચેતનાના વાસ્તવિક સત્યનો સ્વીકાર જ્યારે થાય, ત્યારે પુણ્યશાળી સત્કર્મોનાં સંસ્કારો જાગૃત થાય, જે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની જિજ્ઞાસાને જગાડે. જિજ્ઞાસુભાવનો અગ્નિ એકવાર પ્રજ્વલિત થાય, પછી સ્વયંને જાણવાની એવી આગ લાગે, કે ક્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને ભક્તિભાવમાં સ્નાન કરતો રહું. જ્યાં સુધી સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગૃત થતી નથી, ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રા માત્ર વ્યવહારિક પ્રવૃત્તિની જેમ થાય છે. એવી પ્રવૃત્તિથી સાત્ત્વિકભાવની જાગૃતિનું સદાચરણ ઘારણ નથી થતું. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં મન જો નિષ્ઠાપૂર્વક શરણભાવથી સ્થિત થાય, તો મનની ભીતરમાં સુષુપ્ત રહેલી સાત્ત્વિકભાવની ગુણિયલતા જાગૃત થતી જાય. જ્ઞાની ભક્ત તો જિજ્ઞાસુ મનને પ્રેમભાવથી ઢોળે અને જીવનનું પ્રભાત ઉગાડતી દિશાનું માર્ગદર્શન ઘરે, ત્યારે જિજ્ઞાસુ મનના અંતર દ્વાર ખોલવતો સંવાદ કરે કે, “હે પ્રિય! જાગે છે કે ઊંઘે છે. આ મહાભૂતોની અણમોલ પ્રકૃતિનું તારું જીવન શું આમ જ વ્યર્થ જશે? ક્યાં સુધી બાહ્ય જગતના વિચારોમાં ઊંઘતો રહીશ. આ રાગ-દ્વેષાત્મક સ્વાર્થી માયાજાળથી તું ક્યારે મુક્ત થઈશ! શું તને ખરેખર પ્રભુની દિવ્ય પ્રીતને માણવાની આશ છે!!!

 

જિજ્ઞાસુ ભક્તની યોગ્યતા જાણીને એના શરણભાવ રૂપી ઝરણાંને જ્ઞાની ભક્ત ગતિમાન કરાવે અને સ્વાનુભૂતિની અંતર યાત્રા માટેની તડપ વધારે. જિજ્ઞાસુભાવની એવી તડપ કે તરસ જ સહજતાથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતી રહે છે. જ્ઞાન- ભક્તિની સરિસ્તામાં તરવું એટલે સ્વમય ચિંતનમાં ભક્તિભાવથી ઓતપ્રોત રહેવું અને સ્વ સ્વરૂપની ઓળખથી વ્યવહારિક જીવન જીવવું. જિજ્ઞાસુ ભક્તમાં સ્વાનુભૂતિની તડપ વધતાં, એને પોતાની અહમ વૃત્તિઓને ઓગાળવાની આતુરતા જાગે, ત્યારે એ જ્ઞાની ભક્તને પોતાની મુંઝવણ દર્શાવે કે, ‘“હે પૂજ્જવર મુજ પર એટલી કૃપા કરો કે ઇફિક જીવનની ઘટનાઓના ઉતારચઢાવમાં અટવાઈ ન જવાય અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહું એવી લગની લગાડો. જેથી ઈન્દ્રિયગમ્ય વિષયોનું આકર્ષણ વિલીન થઈ શકે. જેમ ઘઉંમાંધી કાંકરા વીણી શકાય છે, તેમ હે પ્રાતઃસ્મરણીય પિતામહ! મારી અહમ્ વૃત્તિઓના કાંકરાઓને હું ઓળખી શકું. એવી સાત્ત્વિક બુદ્ધિનું દાન આપો. જેથી મારા અહંકારી સ્વભાવથી થતી ભૂલોનું દર્શન મુજને થાય, તો ભૂલોને ભુલાવતી સ્વમય ચિંતનની એકાગ્રતા વધતી જાય..  … હે કોટિ કોટિ પ્રણામ સ્વીકારનારા પિતામહ સ્વમય ચિંતનની અંતર ભક્તિનું સંવેદન આપની કૃપાથી ધારણ થાય છે. હવે અંતર જીવન તથા સંસારી જીવન, એવી શ્વેત વૃત્તિને વિલીન કરાવતી ભક્તિની સમાધિમાં સ્થિત થવા માટે આતુર થયો છું. ઘણીવાર હું નિરાશ થઈ જાઉં છું કે સંસારી જવાબદારીઓ નિભાવવામાં ક્યાંક હું સ્વાનુભૂતિની ક્ષણોને ચૂકી નહિ જાઉં! ક્યાં સુધી હું તડપીશ? ક્યારે આત્મ જ્યોતિની પ્રકાશિત પ્રીતને માણી શકીશ જેનો હું અંશ છું તે પ્રભુની આત્મીય ચેતનામાં ક્યારે એકરૂપ થઈશ? ' આવી તીવ્ર વેદના જિજ્ઞાસુ ભક્ત અનુભવે, ત્યારે દુન્યવી વિચારોનો અવરોધ ન હોય. તે ક્ષણે અનાયાસે એ અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થાય અને અકમ્ વૃત્તિઓનું સમર્પણ થતાં સ્વયંમાં સ્વયંભૂ ખોવાઈ જાય. એવી સ્વાનુભૂતિમાં ખોવાઈ જવું એટલે જે સર્વેમાં ખોવાયેલો છે તેમાં ખોવાઈ જવું, એકરૂપ થવું. દિવ્ય પ્રીતના પાન કરવા અને પ્રભુના ગાન(ભક્તિ) કરવા, જે જીવ આ ધરતી પર મનુષ્ય જન્મ ધારણ કરીને જીવે છે, તે પ્રભુનું પ્રિય પાત્ર બની, પાન થયા કરતું પ્રભુનું ધન સમાજને અર્પણ કરી દે છે. એવાં જ્ઞાની ભક્તો બહુ જૂજ છે જે પ્રભુ ધન વહેંચે છે, રૂપિયા લઈને વેંચતા નથી, તેઓને કોટિ કોટિ પ્રણામ. છે.  હે નાથ! હું ખોવાયો તુજમાં અને હું મટી જઈ તું બની ગયો; જ્ઞાન-ભક્તિના પ્રભાવથી, આ હું અને તેની ઐક્યતાનો ખેલ સમજાયો; હવે નથી હું કે નથી તું, છે શૂન્યભાવનું મૌન અને દિવ્ય પ્રીતની દીવાનગી; દિવ્યતાને માણતી જ્ઞાની ભક્તની દીવાનગી તો રહે છે, આપના શુન્યભાવના દરબારમાં.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા