Article Details

અણમોલ આશિષ અવિનાશના

હૃદયભાવની જાગૃતિથી પ્રેમમાં તરાવો, પ્રભુ અમને પ્રેમમાં તરાવો;

         નિ:સ્વાર્થ પ્રેમની ધારાથી, આત્મસ્થિત રહેવું અમને;

         હૃદય બોલે આત્માના સૂરથી, મન બોલે સંસારી રાગથી;

         સાત્ત્વિક આચરણનો રાહ મળે, જ્યારે પ્રેમભાવનું દાન મળે;

         હૃદયભાવનું મન સ્વીકારે, અણમોલ આશિષ અવિનાશના;

         કર્મસંસ્કારોથી મુક્ત થવાય, પછી પ્રકાશિત પ્રીતમાં સ્નાન થાય.              

        

         જગતમાં સર્વત્ર પ્રસરેલી પ્રભુની પ્રાણની ચેતનાના લીધે વિવિધ પ્રકારની અણગીન ક્રિયાઓ સતત થાય છે. સર્જનની ક્રિયા અને સર્જાયેલી કૃતિમાં થતી રૂપાંતરની ક્રિયા, ક્ષણ પણ અટક્યાં વગર થયાં કરે છે. આવી સતત ક્રિયાઓની હારમાળા, એટલે જ આપણાં સૌનું જીવન. સર્વે દેહધારી કૃતિઓને પ્રભુની ચેતનાનું અમૂલ્ય દાન પળે પળે વિના મૂલ્યે શ્ર્વાસ રૂપે મળતું રહે છે. આમ અસંખ્ય ક્રિયા રૂપી ગીત ચેતનાના આધારે ગવાતાં રહે છે અને ચેતનાની ૐકાર સૂરની શક્તિનો સંગાથ હોવાંથી અવનવી ક્રિયાઓ સર્જાતી રહે છે. આત્માનો સૂર એટલે જ ૐકાર સૂરની ત્રિગુણાત્મક શક્તિ. જેના આધારે નિરંતર ઉત્પત્તિની ક્રિયાઓ સર્જાતી રહે છે અને રૂપાંતરની ક્રિયા રૂપે વૃદ્ધિ થયાં કરે છે. પ્રભુના આત્મીય સૂરની ચેતના એટલે અવિનાશી દિવ્ય પ્રીત અને દિવ્ય પ્રીત એટલે જ નિ:સ્વાર્થ પ્રેમની ધારા. જેનો સ્પર્શ શ્ર્વાસ રૂપે આપણે સૌ કરીએ છીએ. પરંતુ મન તે સ્પર્શથી અજાણ રહીને માત્ર પોતાના દુન્યવી કાર્યો કરવાનું જીવન જીવે છે. માનવીએ જીવતાં જ આ સ્પર્શની મહત્તાને જાણવી જોઈએ. જે આ મહત્તાને જાણીને શરણભાવથી જીવન જીવે, તે છે ભક્તનો હૃદયભાવ. મન અને હૃદય વચ્ચે કોઈ ભેદ નથી. પરંતુ મનના સૂક્ષ્મ સ્વરૂપને હૃદય કહેવાય છે. મનનું તંત્ર એટલે વિચારોની ક્રિયા અને હૃદયનું તંત્ર એટલે ભાવની, પ્રેમની લાગણીની ક્રિયા.

         ભક્તનો હૃદયભાવ શ્ર્વાસ રૂપે સાક્ષાત્ પ્રભુની ઉપસ્થિતિને માણે છે. પ્રભુની ચેતનાની દિવ્યતાને ભક્ત માણે, એટલે કે સાત્ત્વિક ગુણોની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા કરતો રહે, તેને કહેવાય ભક્તિનું સદાચરણ. ભક્તિના સદાચરણ રૂપે આત્માના સૂરને, એટલે કે ૐકાર નાદને ભક્ત શ્રુત કરે અને એવી શ્રુતિના સૂર-સ્વરને તે ભજનના શબ્દોથી વ્યક્ત કરે. આપણે સૌ એક સત્યથી પરિચિત છીએ કે, પ્રભુની ચેતનાનું સાંનિધ્ય મેળવવાનો, એટલે કે શ્ર્વાસનો સ્પર્શ કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. પરંતુ તે સાંનિધ્યમાં રહીને સાત્ત્વિકભાવની જાગૃતિથી જીવન જીવીએ, ત્યારે આત્મીય ગુણોની સાત્ત્વિકતા એટલે કે ૐકાર સૂરની શ્રુતિ ધારણ થાય. એવા સૂરથી પ્રગટેલા સાત્ત્વિક વિચારોના શબ્દો બીજા જિજ્ઞાસુ માનવીના મનનાં દોષિત કર્મસંસ્કારોનું આવરણ વિલીન કરાવી શકે છે. તેથી જ્ઞાની ભક્તની સંગમાં સત્સંગ થાય, તો નિર્દોષ સ્વભાવની સાત્ત્વિકતાને જાગૃત કરાવતું આચરણ સહજ ધારણ થતું જાય. દોષિત કર્મસંસ્કાર એટલે ક્રોધ, ઈર્ષ્યા, લોભ, મોહ, વેરઝેર વગેરે રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિઓવાળું મન. આ કર્મસંસ્કારોથી મુક્ત થવાં માટે જ મનુષ્ય જન્મની ભેટ મળી છે. સાત્ત્વિક વિચારોના ચિંતનથી મન જેમ જેમ પોતાના દોષિત સ્વભાવથી પરિચિત થતું જાય, તેમ તેમ સ્વ સ્વરૂપની નિર્દોષતા પરખાતી જાય. સ્વયંની એવી પારખમાં જીવનમાં થતી ક્રિયાઓ રૂપી ગીત પછી સાત્ત્વિકભાવથી ગવાતાં જાય.

         માત્ર સંસારી વિષયોના ભોગમાં આળોટતું મન, પળે પળે પ્રાપ્ત થતાં શ્ર્વાસમાં પ્રભુના આત્મીય સૂર સાથે એકાકાર થઈ શકતું નથી. એવું મન જો જ્ઞાન-ભક્તિના સદાચરણની મહત્તાને જાણે અને સ્વયંથી પરિચિત થાય, તો અહંકારી અજ્ઞાની વર્તનના બેસૂરા સ્વરોમાં શરણભાવનો, પ્રેમભાવનો, સાત્ત્વિકભાવનો સૂર ધારણ થતો જાય. તેથી જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને સદાચરણનો પુરુષાર્થ થાય, તો જે મન અજ્ઞાનમાં દોષિત વૃત્તિના અંધકારમાં ભટકે છે, તે મનને અંતરના પ્રકાશિત માર્ગની સમજ ધારણ થતી જાય. જ્ઞાની ભક્તની આત્મીય સૂરોની વાણી જે સ્વ અધ્યયનનું માર્ગદર્શન ધરે, તેમાં મનોવૃત્તિનાં દોષને ઓગાળતું નિર્દોષ ગુણોનું પોષણ હોય છે. અર્થાત્ જ્ઞાની ભક્તની નિર્દોષભાવની છત્રછાયામાં દોષિત વૃત્તિઓનાં કર્મસંસ્કારો પીગળી જાય છે. જેમ ફ્રીજમાંથી બરફ બહાર કાઢીએ તો તે આપમેળે પીગળી જાય છે અને બરફનું આકારિત રૂપ પાણીનાં પ્રવાહી રૂપમાં ફેરવાઈ જાય છે; તેમ સંસારી વિચારોમાં ભટકતાં અજ્ઞાની મનને જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળવું, તેને કહેવાય અહંકારી વૃત્તિના મન રૂપી બરફને રાગ-દ્વેષાત્મક ભેદભાવ રૂપી ફ્રીજમાંથી બહાર કાઢવું.

         એકવાર જો સાંનિધ્ય રૂપે ભક્તિભાવનાં સાત્ત્વિક સ્પંદનોમાં મન સ્નાન કરશે, તો હૃદયનાં ઊંડાણથી સંતોષ કે તૃપ્તિની પ્રતીતિ થશે. કારણ હૃદયનો ભાવ વિચારોથી પ્રગટતો નથી. ભાવનાં સ્પંદનોનું દાન ધારણ થાય ત્યારે હૃદયભાવની સુષુપ્ત સ્થિતિ જાગૃત થાય, તેને જ કહેવાય મનની સાત્ત્વિકભાવની જાગૃતિ. જેમ એક પ્રગટેલો દીવો બીજા દીવાને પ્રગટાવે છે, તેમ જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં મનની અજ્ઞાનતા, મનની અહંકારી સ્વભાવની જડતા, મનની સાત્ત્વિકભાવ વગરની સંકુચિતતા રૂપી અંધકાર વિલીન થાય છે. મન રૂપી દીવો પ્રકાશિત થવો, એટલે જ હૃદયભાવની સાત્ત્વિકતા પ્રગટ થવી. પછી કર્મસંસ્કારોથી મુક્ત કરાવતાં સાત્ત્વિકભાવનાં સદાચરણમાં મન આપમેળે સ્થિત થતું જાય અને પ્રભુ સંસ્કારોની માળા રૂપે સાત્ત્વિકગુણોમાં મન ગૂંથાતું જાય. મનનો હૃદયભાવ પછી જીવનનાં દરેક વ્યવહારમાં પ્રભુની ચેતનાની પ્રતીતિ કરતું જાય અને પ્રેમભાવથી હળીમળીને જીવે, ત્યારે સમજાય કે..,

        

         મારા મનનું હોવું એ તો મેં માની લીધું છે, પણ મન કોનું છે, કોના આધારે છે;

         તે કેવી રીતે ચેતનવંત વ્યવહાર કરે છે, તે જાણવાનો પુરુષાર્થ કરું છું;

         હવે સમજાયું કે મન ભાડેથી નથી મળ્યું, એ તો કર્મસંસ્કારોની ગાંઠોને મુક્ત કરવા મળ્યું છે;

         ભક્તિભાવથી મનોમંથન થાય, તો બંધનમાં સમાયેલી મુક્તિની અભિવ્યક્તિ આપમેળે થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા