પ્રેમભાવથી સુખ અને સંતોષ મળે
ભૌગોલિક જ્ઞાનના આધારે આપણને એટલી જાણકારી છે કે, જે પૃથ્વી ગ્રહ પર વસવાટ કરીએ છીએ તેમાં પચ્ચીસ ટકા ભૂમિ છે અને પંચોતેર ટકા પાણી છે. આવી પૃથ્વી ગ્રહની વિશેષ રચનાના લીધે દેહધારી જીવન જીવવાની સહૂલિયત(અનુકૂળતા) સર્વે જીવને પ્રાપ્ત થાય છે. એક ક્ષણ પણ અટક્યાં વગર સૂર્યના તારાની સતત પ્રદક્ષિણા કરતાં પૃથ્વી ગ્રહ પર સૂર્યની ઊર્જાનું ચેતનવંત પોષણ પ્રકાશિત કિરણોથી પ્રસરતું રહે છે. તે પોષણથી સર્જન-વિર્સજનની પ્રક્રિયાઓ થયાં કરે છે, જે વૃદ્ધિ-વિકાસ સ્વરૂપની દેહધારી જીવનની ગાથા રચે છે. પૃથ્વી ગ્રહની જેમ બીજા ગ્રહો પણ સૂર્યની પ્રદક્ષિણા કરતાં રહે છે. આ સૂર્ય અને એની આસપાસ ફરતાં ગ્રહોની અખંડ ગતિની રચનાનો વિરોધ કરી શકાય એમ નથી. પરંતુ પૃથ્વી ગ્રહ પર વસવાટ કરનારા માનવીઓ, ભૂમિના વિભાગ પાડીને પોતાના દેશની સીમા બાંધવાનું વિરોધી વર્તન કરે છે તેની અજાયબી સૂર્યદેવને ચોક્કસ થતી હશે!! સૂર્ય દેવની ઊર્જાના લીધે પૃથ્વી ગ્રહ પર જીવંત જીવન જીવી શકાય છે, તે સત્યનો સ્વીકાર માનવી કરે કે ના કરે, તો પણ સૂર્યના કિરણોનું ઊર્જા ધન પૃથ્વી પર સતત વરસતું રહે છે. સૂર્ય પ્રકાશ સાથે વાયુ, જળ, અગ્નિના સહારે માનવી, પશુ, પંખી, જળચર, જંતુ, વનસ્પતિ વગેરે એકબીજાના પરસ્પર સહયોગથી જીવી શકે છે. આ વાસ્તવિકતાને જાણ્યાં પછી પણ મનુષ્ય માત્ર પોતાના અંગત ભોગની પ્રાપ્તિ થાય એવા સ્વાર્થથી મુક્ત થતો નથી.
મનનું આસન જ્યારે મારા-તારા-પરાયા એવાં સ્વાર્થી શાસનથી વિચારે, ત્યારે મેળવવાની વૃત્તિ પ્રબળ હોય અને અર્પણ કરવાની વૃત્તિ નહિવત હોય. જેમ વનસ્પતિ જગતની દરેક કૃતિઓ પોતાની હસ્તીને અર્પણ કરી દે છે, જેથી મનુષ્ય, પ્રાણી, પક્ષી વગેરેને અન્નનું પોષણ મળી શકે; તેમ મનુષ્યએ પણ સાત્ત્વિક વિચારોના વર્તનથી પ્રેમ, કરુણા, માનવતા વગેરે ભાવ રૂપી અન્નને પ્રગટાવી સમાજને અર્પણ કરતાં રહેવું જોઈએ. દરેક જીવ પ્રેમભાવ રૂપી પોષણની ખોટના(અતૃપ્તિના) લીધે દેહને ધારણ કરે છે. તેથી એકબીજા સાથેના કૌટુંબિક જીવનમાં, કે વ્યવહારિક પ્રક્રિયાઓમાં જો પ્રેમભાવનું પ્રસરણ હોય તો સુખનો, સંતોષનો, તૃપ્તિનો અનુભવ થઈ શકે. પ્રેમભાવનો, કે પરમાર્થી આચરણનો સંકેત આપણને પ્રકૃતિ જગતની દરેક ક્રિયાથી મળે છે. પૃથ્વી પર પંચોતેર ટકા પાણીની રચના કરીને, પ્રભુએ માનવીને નિર્દેશ ધર્યો છે કે મનથી થતાં કર્મમાં જો પંચોતેર ટકા પ્રેમભાવની સાત્ત્વિકતા પ્રગટે, તો પચ્ચીસ ટકાની સ્થૂળ વિચારો રૂપી સંસારી ભૂમિ પર સાત્ત્વિક આચરણનું સૌંદર્ય ખીલતું જાય. પરંતુ મનનું સંકુચિત માનસ આ સંકેતથી અજાણ રહે છે, કારણ તે પ્રેમભાવને બદલે રાગ-દ્વેષના ભેદભાવને વધુ પ્રાધાન્ય આપે છે. આવાં ભેદભાવના વર્તનની અસર પ્રકૃતિ જગતની ક્રમબદ્ધ થતી સાત્ત્વિક ક્રિયાઓ પર થાય છે. નકારાત્મક અહંકારી સ્વભાવની અસરથી માનવી પોતે આપત્તિઓમાં ફસાય છે, તથા એની અસરથી પ્રકૃતિનું ઋતુ ચક્ર અનિયમિત થતાં કુદરતી આફતો, રોગચાળો વગેરે આપત્તિઓ સર્જાય છે. માનવતાના સંસ્કારી આચરણથી હળીમળીને જીવવાનું ભૂલી ગયેલા માનવીઓ માત્ર પોતાના પરિવારનો જ વિચાર કરે છે.
માત્ર પોતાના પરિવાર વિશે વિચારતાં માનવીએ ભૂલવું ન જોઈએ કે, જે ધરતી પર વસવાટ કર્યો છે, જે ચાર દિવાંલોના ઘરમાં રહેવા મળ્યું છે, જે વાયુ, પાણી, સૂર્યપ્રકાશનું ધન સતત મળતું રહે છે, જે અન્નનું ધન આરોગવા મળે છે. તે બધું માત્ર રૂપિયાની નોટોથી મળતું નથી. પ્રકૃતિ જગતની અણગીન પ્રક્રિયાઓ સાથે માનવ જીવન સંકળાયેલું છે. તેથી માનવીના સ્વાર્થી, નકારાત્મક વર્તનની અસર પ્રકૃતિની કુદરતી પ્રક્રિયાઓને અનિયમિત કરે છે. એવી અનિયમિતતાથી ઉદ્ભવતાં પ્રતિકૂળ સંજોગોનાં અનુભવમાં મન શોધે છે પ્રભુને, અથવા જીવનનો સાર-અસાર જાણવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી સાર-અસાર જાણવાની વિવેકી દૃષ્ટિ જાગૃત નથી થતી, ત્યાં સુધી સાત્ત્વિક વર્તનની કે નિ:સ્વાર્થ પ્રેમભાવની જાગૃતિ સુષુપ્ત રહે છે, એવી સુષુપ્તિના લીધે સંસારી ઈચ્છાઓનું કે કામનાઓનું અન્ન ખાઈને મન માત્ર સ્વાર્થી વિચારોમાં ભટકે છે. એવાં મનને જ્યારે શ્ર્વાસની મહત્તા સમજાય, ત્યારે પ્રકૃતિ જગત સાથેની અરસપરસની પ્રક્રિયાઓનો મહિમા સમજાય. પ્રભુની પ્રાણશક્તિ દરેક દેહધારી કૃતિને શ્ર્વાસની ચેતના રૂપે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતી રહે છે. ક્ષણેક્ષણના નવીન શ્ર્વાસમાં ઊર્જા દ્રવ્યનું પોષણ ધારણ થાય છે અને વૃદ્ધિ-વિકાસની પ્રક્રિયાઓ થઈ શકે છે. શ્ર્વાસની પ્રપ્તિ રૂપી અલૌકિક ઘટનાના લીધે જીવંત સ્થિતિની ગાથા આલેખાય છે. તે અલૌકિક ક્રિયાના વહેણ આપણને સ્વયંના આત્મ સ્વરૂપની દિવ્યતાને, સાત્ત્વિકતાને વિચાર-વર્તન રૂપે પ્રગટાવવાનું કહેણ આપે છે.
શ્ર્વાસ પોતે સદ્ગુરુ બની આપણાં મનને સાત્ત્વિકભાવથી શિક્ષિત કરવા માટે, હર ક્ષણે નવીન શ્ર્વાસનું દાન અર્પણ કરે છે. કોઈ શાસ્ત્રનો બોધ આપનાર લૌકિક ગુરુની જેમ શ્ર્વાસ રૂપી સદ્ગુરુ અલૌકિકનું શિક્ષણ ન આપે. અર્થાત્ સ્વ અધ્યયનની દીક્ષા કે આત્મીય ગુણોની જાગૃતિના અણસારા શ્ર્વાસના સાંનિધ્યમાં સહજ પ્રાપ્ત થાય છે. આવું સાંનિધ્ય કોઈને પણ બીજી વ્યક્તિ પાસે માંગવું પડતું નથી, એટલે કે રૂપિયાથી શ્ર્વાસની ખરીદી કરવી પડતી નથી. શ્ર્વાસ તો સેવાભાવથી કહેણ આપે કે, "હે મનુષ્ય, હું તને આલિંગન ધરીને ચેતનાની પ્રસન્નતાનું પોષણ આપું છું. તું એને માત્ર ઈચ્છાપૂર્તિ કરવામાં વાપરે છે. ઈચ્છા તૃપ્તિનું જીવન તો બધા જીવે છે. પરંતુ તને મન-બુદ્ધિની વિશેષતા પ્રાપ્ત થઈ છે. તેથી જીવંત જીવનનો હેતુ સમજશે તો સ્વ જ્ઞાનમાં સ્થિત થઈ શકશે. પછી તારા અહંકારી, રાગદ્વેષાત્મક સ્વભાવનું પરિવર્તન થતાં સ્વાર્થી વૃત્તિઓ ઓગળતી જશે. કારણ મારામાં પ્રભુની આત્મીય ચેતનાનો પ્રાણ છે, એનું દિવ્ય ગુણોનું સત્ત્વ છે, જે તને જીવંત સ્થિતિનું દાન અર્પે છે. તારે મારા અનુયાયી બનવાનું નથી, પણ મારા ચેતનવંત સાંનિધ્યને માણવાનું છે.” માણવું એટલે ભાવની પ્રીતથી શ્ર્વાસનો સ્વીકાર કરવો. દેહધારી જીવ શ્ર્વાસનો અસ્વીકાર કરી શકે એમ નથી. કારણ શ્ર્વાસ લેવાની ક્રિયા તેને કરવી પડતી નથી. તેથી માણવામાં સાત્ત્વિકભાવની સહજતા જાગૃત થતી જાય અને પાર્થ વૃત્તિની જાગૃતિ રૂપે સ્વાર્થ વૃત્તિથી મુક્ત થવાય. તેથી વિનંતિ પ્રભુને કરીએ કે..,
સ્વાર્થના સાગરમાં તરતો રહું અને શોધું છું પ્રભુ તુજને,
અક્ષર શબ્દોનો ભાવાર્થ મળ્યો છતાં સ્વ દર્શન ના થયું;
જીવંત જીવનનો મહિમા જાણ્યો છતાં પરમાર્થી ના થયો,
મનનું સત્ત્વ પ્રગટાવવા પ્રભુ અંતર યોગ ધરો;
વિચારોનાં વહેણમાં ભરતી લાવો ભાવની અને શરણભાવની જાગૃતિથી સ્વાનુભૂતિ ધરો;
પ્રકાશિત દર્શનથી લઈ ચાલો સ્વાર્થની પેલીપાર,
નિ:સ્વાર્થ પ્રેમની પાંખો ધરો, અંતર આકાશમાં ફરતો રહું.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા