Article Details

સ્વાનુભૂતિની અંતરયાત્રામાં સ્થિત રહેવું

ભક્તના વિચારોમાં હોય શરણભાવનાં મણકાં

અને માનવીના વિચારોમાં હોય રાગ-દ્વેષના મણકાં;

         હૃદયના ધબકારે ભક્તમાં શ્રુત થાય સોઽહમ્ ભાવની જાગૃતિ,

જે પ્રસરાવે હૃદયભાવની સાત્ત્વિકતા;

         સાત્ત્વિકભાવની પ્રસ્તુતિ કરાવે અહંકારી સ્વાભવનું પરિવર્તન અને પરોવાય પ્રભુ નામનાં મણકાં;

         ત્યારે મનના વાહનનો હેતુ સિદ્ધ કરાવતી, સ્વાનુભૂતિની અંતર યાત્રામાં સ્થિત રહેવાય.

 

         મણકાં શબ્દ પરથી બાળપણમાં રમેલી એક રમતનું સ્મરણ થયું. લગભગ આપણે બધાએ એ રમત રમવાનો આનંદ માણ્યો છે, જેની ખૂબ ઝાંખી સ્મૃતિ હવે રહી છે. એ રમતના રમકડાં એટલે એક દોરો અને રંગબેરંગી કાણાવાળા મણકાંઓ. દોરામાં કાણાં પાડેલાં મણકાં પરોવવાના હોય. જેથી બાળક દોરો પકડવાનું શીખે અને સરખી રીતે પકડીને મણકાં પરોવવાનું શીખે તથા રંગીન મણકાંઓની સંગમાં જુદાં જુદાં રંગોની ઓળખ થતી જાય. વડીલો જે રંગ કહે, તે રંગના મણકાંને ઓળખીને દોરામાં બરાબર પરોવવાની મહેનત કરવાની હોય. એમાં અમુક મણકાં કાણાં વગરનાં હોય. તેને દોરામાં પરોવી ન શકાય એવું બાળપણમાં જલ્દીથી સમજાતું ન્હોતું. એટલે ગમે તેમ કરીને પરોવવાનો પ્રયત્ન કરતાં હતાં. અંતે પરોવી શકાતું નથી એવું જાણીને તે મણકાંને છોડીને બીજા મણકાંને હાથમાં લેતાં હતાં. આમ પંદર-વીસ મણકાં પરોવાય પછી રંગબેરંગી મણકાંઓની માળા તૈયાર થાય, ત્યારે પોતે માળા ગૂંથી છે એને જોવાનો તથા ઘરના બીજા વડીલોને બતાવવાનો  આનંદ માણતાં હતાં. આ રમતનો અને વિવિધ પ્રકારના બીજા રમકડાંઓની રમતનો સંકેત મોટા થયાં પછી સમજાય, ત્યારે જીવનના સુખના કે દુ:ખના પ્રસંગોમાં સમજ અનુસાર મનનું યોગ્ય ઘડતર થાય. તેથી બાળપણમાં રમકડાંથી રમવાનું મહત્ત્વ હોય છે, જે બાળમાનસને ખીલવે છે, શિક્ષિત કરે છે તથા ઉચિત સ્વભાવનું ઘડતર કરે છે.    

         એક દોરામાં મણકા પરોવવાની રમતનો સંકેત એ છે કે માનવીનું મન એક દોરા જેવું છે અને રંગબેરંગી મણકાં રૂપી વિચારોની અનેકતા હોય છે. દરેક કાર્યની કે પ્રવૃત્તિની ક્રિયા અનુસાર વિવિધ વિચારો જનમતા રહે છે. માનવીએ પોતાના વિચારોના રંગોને ઓળખવા જોઈએ. અર્થાત્ વિચારોમાં રાગ-દ્વેષના રંગો છે, કે પરોપકારી માનવતાના રંગો છે, તેની જો ઓળખ થાય તો સાત્ત્વિક આચરણના સ્વભાવની જાગૃતિ તરફ ઢળવાનું મન થાય. કાણાં વગરનાં મણકાંનો સંકેત એવો છે કે, અજ્ઞાની અહંકારી વૃત્તિના વિચારોને જો મનના દોરામાં ન પરોવીએ તો સાત્ત્વિક આચરણની જાગૃતિ આપમેળે થાય. માતા-પિતા પોતાના બાળકો જ્યારે તરુણ અવસ્થામાં પ્રવેશ કરે, ત્યારે બાળપણમાં રમેલી રમતનો સંકેત જો સમજાવે, તો યુવાન વયમાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ તેઓ ગ્રહણ કરી શકે. કાણાંવાળા મણકાં એટલે એવાં વિચારો જેમાં રાગ-દ્વેષની માત્રા ઓછી હોય અને એકબીજા સાથે પ્રેમભર્યા વર્તનથી સહાય રૂપ થવાંના પરોપકારી વિચારો હોય. તરુણવયમાં સુસંસ્કારોને ખીલવવાનું શિક્ષણ, માતા-પિતા કરતાં પણ દાદા-દાદી જેવાં વડીલોની છત્રછાયામાં સહજતાથી ધારણ થાય છે. એવાં શિક્ષણની દૃઢતા નિશાળના શિક્ષકો દ્વારા વધે છે. મનને વિચારોની મહત્તા સમજાય તો વિચારોથી પોતાના જીવનમાં, કે સ્વભાવમાં થતાં ફેરફારને જાણી શકાય. પછી બુદ્ધિગમ્ય વિચારવાની કળા ખીલે ત્યારે સ્થૂળ જગત સાથે સંકળાયેલી સૂક્ષ્મ સૃષ્ટિના અણસારા ઝીલી શકાય.

         આમ તરુણવયથી વિચારવાનું, સમજવાનું, નિરીક્ષણ કરવાનું, અનુભવવાનું સંસ્કારી ઘડતર કરવા માટે સાત્ત્વિક વિચારોથી મનને પરિચિત કરવું જોઈએ. જેથી માનવતાના સુસંસ્કારી સ્વભાવથી જીવન જિવાય અને યુવાનીમાં જ સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જાગૃત થતો જાય. સંસ્કારી વર્તનથી કેળવાયેલાં મનમાં સ્વયંને જાણવાની અને સૂક્ષ્મ સૃષ્ટિના રહસ્યને પારખવાની પરિપક્વતા હોય છે. પરિપક્વ મનની જિજ્ઞાસા જ્યારે જ્ઞાની ભક્તના અણમોલ સાંનિધ્યમાં અંતરયાત્રાનું માર્ગદર્શન મેળવે, ત્યારે જીવંત જીવનનો હેતુ પરખાય. પછી નકામની વાતોમાં વ્યર્થ સમય વેડફી નાંખવાને બદલે ભક્તિભાવથી સ્વને જાણવાના અધ્યયનમાં સમય પસાર થાય. જ્ઞાની ભક્ત માર્ગદર્શન રૂપે જિજ્ઞાસુ મનને એનાં અજ્ઞાની વૃત્તિ-વિચારોથી અને અહંકારી સ્વાભવના સંકુચિત માનસથી પરિચિત કરાવે. અહંકારી સ્વભાવથી દરેક સાથેના વ્યવહારમાં ઘર્ષણ ઉદ્ભવતાં, મન બેચેન થાય અને ઘણીવાર અસંતોષ સાથે નિરાશ પણ થાય છે. એવું મન જ્યારે જ્ઞાન-ભક્તિ રૂપે સાત્ત્વિક બોધનું માર્ગદર્શન મેળવે, ત્યારે જ્ઞાની ભક્તના પ્રેમાળ સ્પંદનોમાં અનાયાસે સ્નાન થાય. મનને સમજાય નહિ, પણ સ્વયંને જાણવાની લગની લાગે અને માર્ગદર્શન મુજબ જીવવાનો રાહ મળતો જાય. જ્ઞાની ભક્ત સાત્ત્વિક બોધ રૂપે કદી એવું ન જણાવે કે લૌકિક સંસારી જીવન નકામુ છે, પણ સંસારી જીવનને પ્રેમભાવથી જીવવાની કળા દર્શાવી, ભક્તિના સદાચરણની મહત્તા દર્શાવે. એવી મહત્તાના દર્શનમાં સ્થૂળ જગતની સીમિત સ્થિતિનો પરિચય હોય, સૂક્ષ્મ સૃષ્ટિની વિશાળતાનું જ્ઞાન હોય તથા સ્થૂળ શરીર સાથે જોડાયેલાં સૂક્ષ્મ શરીરનું તાત્પર્ય દર્શાવી, આત્મ સ્વરૂપની ગુણિયલ પ્રતિભાનું સુદર્શન હોય.

         માનવીને એટલી સ્વતંત્રતા છે કે, કાણાં વગરના મણકાં રૂપી રાગ-દ્વેષાત્મક વિચારોનું આવરણ બનાવવું, કે કાણાંવાળા સાત્ત્વિક વિચારોની માળા બનાવી, તેને ભીતરમાં બિરાજેલી પ્રભુની આત્મીય મૂર્તિને  અર્પણ કરવી. યોગ્ય સંસ્કારી વિચારોની મહત્તાને મોટેભાગે દરેક માનવી જાણે છે. પરંતુ તે વિચારોમાં મનને ગૂંથવાનો પુરુષાર્થ કરવાનું ગમતું નથી. કારણ રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનની ટેવ પડી ગઈ છે. છતાં ગળ્યું ખાવાની જેમ ટેવ હોય, મીઠાઈ ખાવાનું ગમે, પણ ડાયાબીટીસ થાય ત્યારે મીઠાઈ ખાવાનું બંધ કરવું જ પડે, તેમ રાગ-દ્વેષાત્મક વિચારોની ટેવમાંથી મુક્ત થઈ શકાય છે. તે માટે ડોકટર રૂપી જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં મન રહે તો વિચારોનું શુદ્ધિકરણ આપમેળે થતું જાય. પછી સ્વભાવનું પરિવર્તન થતાં પરમાર્થી વિચારો સહજ ગ્રહણ થતાં જાય. સ્વ જ્ઞાનની અંતર ભક્તિમાં તરતાં મનને એકસો આઠ મણકાંની જપમાળા કરવી ન પડે, કારણ એનું મન પોતે માળા બની જાય છે. એવી માળાના સાત્ત્વિક વિચારો બીજા માનવીને જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાની લગની લગાડે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા