Article Details

અહંકારી સ્વભાવની ત્રુટિઓ જાણવી જરૂરી

માટી, જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા સૂર્ય-ચન્દ્રની ઊર્જાની આધારિત ક્રિયાથી આ જગતમાં દરેક જીવ દેહધારી જીવન જીવી શકે છે. અર્થાત્ બાહ્ય પ્રકૃતિની ક્રિયા સાથે દેહધારી જીવનની પ્રક્રિયાઓ અરસપરસ સંકળાયેલી છે. માનવીના વિચારોની અસર સંકળાયેલી પ્રકૃતિને તથા સંબંધિત વ્યક્તિઓને અને વસ્તુઓને પણ થાય છે. એટલે માનવી એકલો નથી જીવતો, એનું જીવન આધારિત પ્રકૃતિ અને સંબંધિત પરિસ્થિતિ સાથે સંકળાયેલું છે. જીવંત જીવનની આ વાસ્તવિકતાને સમજવાનો જો પ્રયત્ન થાય, તો પોતાના નકારાત્મક કે સકારાત્મક સ્વભાવથી પરિચિત થઈને માનવી સહકારી, પરોપકારી જીવન જીવવાની દિશામાં સહજતાથી પ્રયાણ કરી શકે. મનનો નકારાત્મક દોષિત સ્વભાવ એટલે રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તન, જે માત્ર પોતાના હિત વિશે વિચારે. એવા સ્વાર્થી વર્તનથી બીજાનું અહિત થાય અને તેની અસર પ્રકૃતિ જગતની ક્રિયાઓને પણ થાય છે. મનના આવાં દોષિત વર્તનથી પ્રકૃતિ જગતની ક્રમબદ્ધ થતી ક્રિયાઓનું ચક્ર ખોરવાતું જાય છે, જે કુદરતી આફતોને સર્જાવે છે. તેથી પ્રાચીન કાળથી ઋષિઓએ સાત્ત્વિક વર્તનનો નિર્દેશ ધર્યો છે. જેથી સુસંસ્કારી સાત્ત્વિક વર્તનની સુમેળતાથી સંતોષી જીવનનો આનંદ માણી શકાય. અર્વાચીન સમયમાં પણ ઋષિમુનિઓ સાત્ત્વિક વર્તનનો જ ઉપદેશ ધરે છે. જેથી સુસંસ્કારી સાત્ત્વિક વર્તનની સુમેળતાથી સંતોષી જીવનનો આનંદ માણી શકાય. ઋષિઓએ અર્પણ કરેલાં સાત્ત્વિક બોધને માનવી લગભગ વિસરી ગયો છે. કારણ આધુનીકરણની યાંત્રિક સુખ સગવગડતામાં તે એકબીજા સાથે હરીફાઈ કરતો રહે છે અને પરોપકારી વર્તનથી વિમુખ થતો જાય છે.

         દોષિત વર્તન કે અહંકારી અજ્ઞાની સ્વભાવની ત્રુટિઓને પ્રથમ જાણવી જરૂરી છે. કારણ પોતાના નકારાત્મક સ્વભાવથી થતાં નુકસાનનો અંદાજ આવે તો મન તે દોષથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. જ્યાં સુધી પોતાની ભૂલોથી થતાં નુકસાન વિશે મન જાણકાર નથી થતું, ત્યાં સુધી તે પોતાના દોષિત સ્વભાવની જડતામાં બંધાયેલું રહે છે. તે માટે પોતાની ભૂલોનું દર્શન કરાવનાર ગુરુનું સાંનિધ્ય અથવા સત્સંગ કે અધ્યયન અતિ મહત્ત્વનું છે અને એનાંથી પણ વધુ મહત્ત્વનું છે સાંનિધ્ય રૂપે પ્રાપ્ત થયેલું માર્ગદર્શન. મન પોતે માર્ગદર્શન મેળવી શકતું નથી. કારણ અજ્ઞાની સ્વભાવના અંધકારના લીધે સ્વયંના સાત્ત્વિક સ્વરૂપનું દર્શન થતું નથી. જેમ રાત્રે જો ઈલેક્ટ્રીસીટીનો પાવર ન હોય, તો અંધકારને લીધે ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતાં ફર્નીચર સાથે અથડાઈ જવાય અથવા ઘરના બીજા સભ્યને ધક્કો લાગી જાય, તેમ મનના અજ્ઞાની સ્વભાવ રૂપી અંધકારના લીધે એકબીજા સાથેના વ્યવહારમાં અહંકારી વર્તનથી અથડામણ થતી રહે છે. મોહ, લોભ, ઈર્ષ્યા, વેરઝેર વગેરે દોષિત વૃત્તિઓનાં વર્તનથી સંઘર્ષ થયાં કરે છે. ગુરુ એટલે જ મનનાં અંધકારને વિલીન કરાવતી સાત્ત્વિકભાવની સ્થિતિ. તેથી ગુરુ કે માર્ગદર્શક જે માર્ગદર્શન રૂપે સુબોધનો સાત્ત્વિક વિચારોનો પ્રસાદ અર્પે, તેને આચરણ રૂપે ગ્રહણ કરવો જોઈએ.

         ગુરુના સાંનિધ્યમાં રહીને સુબોધ વાણીનું શ્રવણ કરવાનું મનને ગમે, પરંતુ તે સુબોધનો સૂક્ષ્મ ભાવાર્થ સમજાવતું અધ્યયન કરવાનું મન મોટેભાગે ટાળે છે. આવી ટાળવાની વૃત્તિ એટલે સાત્ત્વિક વર્તનની જાગૃતિ માટેની તરસ ઓછી હોવી. જાગૃતિની તરસ જ્યાં નથી, ત્યાં ‘કાલે સમજીશું ઉતાવળ શું છે’ એવી શિથિલ મનોવૃત્તિ હોય છે. મનની એવી શિથિલતાનો કે સ્વને જાણવાની જાગૃતિ માટેની તરસનો અભાવ જ્યાં સુધી વિલીન થતો નથી, ત્યાં સુધી સત્સંગ, શ્રવણ, કે ભક્તિ તે માત્ર પ્રવૃત્તિની જેમ થાય છે. આવું શિથિલ મન વર્ષો સુધી સત્સંગ કરે, ભજન-કીર્તન કરે, ગુરુના સાંનિધ્યમાં પણ રહે, છતાં પોતાના નકારાત્મક વૃત્તિઓના અજ્ઞાની સ્વભાવથી મુક્ત થતું નથી. જેટલો સમય મન સત્સંગમાં રહે, તેટલીવાર સાત્ત્વિક ભાવ રૂપી કિનારે બેસે, પણ સત્સંગની પ્રવૃત્તિ થઈ જાય, પછી કિનારો છોડીને વ્યવહારિક જીવનના કાર્યોમાં ગૂંથાઈ જાય.  કારણ સાત્ત્વિકભાવને જાગૃત કરવાની તીવ્ર તરસ જાગી નથી. જો તરસ જાગે તો મન માત્ર કિનારા પર ન બેસે, પણ સૂક્ષ્મ ભાવાર્થની સમજણ રૂપી ડૂબકી મારી સાત્ત્વિકભાવનું સંવેદન ધારણ કરે. સંવેદનનું પાવન દાન, વ્યવહારિક કાર્યો કરતી વખતે દોષિત વૃત્તિ-વિચારોને અટકાવે છે. મન સાવધ થઈ જાય કે, કાર્ય કરાવનાર પ્રભુની ચેતના છે, જે સર્વેમાં સમાયેલી છે. મનની એવી સાવધાની, એ છે સૂક્ષ્મ સમજ અનુસાર સ્વમય જાગૃતિનું વર્તન.

         જાગૃત મનને સમજાય કે કર્મ કરવાની ઊર્જા શક્તિને અર્પણ કરે છે પ્રભુની ચેતના. તેથી કર્મ કરતી વખતે જો પ્રભુની હાજરીનો સ્વીકારભાવ જાગૃત રહે, તો દોષિત વૃત્તિ-વિચારોનો અવરોધ ઓછો થતો જાય. દોષિત વૃત્તિઓને ઓગાળવા માટે વૃત્તિ-વિચારોનું વર્તન જેના આધારે થાય છે, તે પ્રભુની શક્તિનો, એટલે કે આત્મીય ચેતનાનો સમજપૂર્વક સ્વીકાર થાય, તો અહંકારી સ્વભાવનું ઘર્ષણ ઓછું થતું જાય. અહંકારી સ્વભાવનો આગ્રહ હોય કે, પોતે જે વિચારે છે તે જ સાચું છે અથવા પોતાના મંતવ્યને બીજા બધાએ માન્ય રાખવું જોઈએ. એવાં આગ્રહી સ્વભાવથી બીજા સાથે અથડામણ થાય, જેને અંગ્રેજીમાં ઈગો ક્લેશ કહે છે. એવા ક્લેશમાં એકબીજા સાથેના સંબંધોમાં પ્રેમને બદલે સંઘર્ષ વધુ રહે છે. પ્રેમ નથી ત્યાં ક્રોધ છે અને ક્રોધના આવેગની અસર તન પર થાય છે. તનની રોગી સ્થિતિ મનના સાત્ત્વિકભાવને સુષુપ્ત રાખે છે. માનવીને ઈગો ક્લેશથી થતી નુકસાનીનો અંદાજ જ્યારે આવે ત્યારે સ્વભાવનું પરિવર્તન કરવાનો નિશ્ર્ચય થાય. વાસ્તવમાં દરેક માનવીમાં સાત્ત્વિકભાવને કે પ્રેમને માણવાની ઈચ્છા હોય છે. આ ઈચ્છાને તૃપ્ત થવાનો સાત્ત્વિક વર્તનનો રાહ મળતો નથી, એટલે અહંકારી સ્વભાવથી પ્રેમને માણવામાં અથડામણ થાય છે. જે ક્ષણથી પોતાની ભૂલોથી પરિચિત થઈ સ્વયંને જાણવાનો જિજ્ઞાસુ અગ્નિ પ્રગટે એવી પ્રાર્થના થશે, તે ક્ષણથી પોતાની ભૂલોનો એકરાર થશે અને દોષિત વૃત્તિઓથી મુક્ત કરાવતું સ્વમય ચિંતન થતું જશે. પછી પશ્ર્ચાત્તાપ સાથે અનુભવાશે કે..,

 

         મહિમા તારો અમે સમજ્યા નહીં, મોતને આરે આવી ઊભા રહ્યાં...

         જ્યોતિ કદી તારી અમે દીઠી નહીં, અંધારામાં દિવાળીએ દીવા કર્યાં...

         વેદોનાં ગર્ભમાં અમે ઊતર્યાં નહીં, વેદોનાં યજ્ઞ અને પઠન કીધાં...             

         માળા ને મંત્રોનાં અર્થ સમજ્યા વિના, સમુદ્રના મોજા જેમ અથડાતાં રહ્યાં...(ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા