Article Details

સાત્ત્વિક ભાવની જાગૃતિથી સ્વયંની અનુભૂતિ થાય

જન્મથી મૃત્યુ વચ્ચેના જીવનને યોગ્ય રીતે જીવવાની કોઈ પ્રક્રિયા જેવી પદ્ધતિ નથી. પરંતુ મનની સુસંસ્કારી ગુણિયલતા જે વર્તનથી પ્રદર્શિત થાય,તે છે જીવવાનો યોગ્ય પથ. મનના વર્તનથી એટલે કે સ્વભાવગત જે વ્યવહારિક કાર્યો થાય, એમાં સાત્ત્વિકભાવ રૂપે પ્રેમની, દયાની, પરોપકારની ગુણિયલતા પ્રસરે, તે છે માનવી મનની સંસ્કારી વર્તનની યોગ્યતા. મનની એવી યોગ્યતાને સ્થૂળ આકારિત પદાર્થોના જગતનો અને સૂક્ષ્મ ક્રિયાઓની વિશાળ સૃષ્ટિનો ભેદ સમજાતો જાય. ભેદ રૂપે દેહધારી જીવનનો આશય સમજાય અને માનવ જીવનની મહત્તાનો સ્વીકાર થાય. જિજ્ઞાસુ ભક્ત દેહધારી જીવનનો આશય સમજવા ભક્તિ ભાવથી જીવવાનો પુરુષાર્થ કરે છે. એ ભક્તિ ભાવથી અંતર માર્ગે ઢળતો જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ માટે પ્રભુ કૃપાને ધારણ કરાવતી અંતરધ્યાનની સ્થિતિમાં સ્થિત થવા માટે જ્ઞાન ભક્તિથી મનને ઢાળતો જાય. મનને ભાવમાં ઢાળવું એટલે રાગ-દ્વેષના ભેદભાવથી છૂટવું. સામાન્ય રૂપે માનવીનું મન રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોમાં બંધાયેલું રહે છે. એવું મન ભક્તિભાવથી અંતરધ્યાનમાં સ્થિત થઈ શકતું નથી. એટલે સાત્ત્વિકભાવ એવાં મનમાં સુષુપ્ત રહે છે અને રાગ-દ્વેષના ભેદભાવ જાગૃત રહે છે.

 

         પ્રભુ કૃપાની પ્રેરણાથી સમજાય ભક્તને કે,

         અંતર માર્ગે ઢળવા સાત્ત્વિકભાવની જાગૃતિ પ્રભુ જ પ્રગટાવે છે;

         પ્રાણ શક્તિના પાન-અપાનથી હૃદયના ધબકારે પ્રભુ કહેણ કહેવડાવે કે, કર્તા હર્તા તે પોતે છે;

         જ્ઞાન-ભક્તિના સત્સંગથી સ્વભાવ બદલાય,

પછી મનની માળા અને તનના મણકાં એક જ નામ બોલે;

         ત્યારે માનજો કે પ્રભુ પોતે સારથિ બનીને, અંતરની પેલી પારની આત્મીય પ્રીતમાં તરાવે છે.

 

         પ્રભુ કૃપા રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ જ્યાં સુધી ધારણ નહિ થાય, ત્યાં સુધી અંતર તરફ મનનું પ્રયાણ થતું નથી. બાહ્ય જગતના વિષયોનું આકર્ષણ જ્ઞાન-ભક્તિના સત્સંગથી ઘટતું જાય, ત્યારે અંતરની વાસ્તવિકતાનો સ્વીકાર થાય અને અંતર જ્ઞાનમાં મન સ્થિત થતું જાય. જેમ માતા-પિતા પોતાના નાના બાળકને આંગળી પકડીને ચાલવાનું શીખવાડે છે, તેમ સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરાવતી કૃપાનું પૂરણ પ્રભુ પોતાની પ્રાણ શક્તિથી પૂરે છે. એવું પૂરણ જિજ્ઞાસુ ભક્તમાં ત્યારે પુરાય, જ્યારે હૃદયનો પુકાર જાગે. ભક્તના પુકારમાં પોતાના હું પદના વૃત્તિ-વિચારોના અવરોધને વિલીન કરવાની પ્રાર્થના હોય અને પ્રભુની નિરાકારિત ચેતનાના પ્રકાશિત દર્શનમાં સ્થિત થવાનો આર્તનાદ હોય. આધ્યાત્મિક સમજથી બાહ્ય અને અંતર જગતનો સંબંધ પરખાય, તન-મનના જોડાણના માનવ દેહની મહત્તા સમજાય, તથા આત્મા અને મનની ઐક્યતાનું તાત્પર્ય સમજાય. આવી આધ્યાત્મિક સમજથી મન પોતાના સ્વ સ્વરૂપની સૂક્ષ્મતાને કે વિશાળતાને ગ્રહણ કરતું જાય અને અહંકારી હું પદનું સંકુચિત માનસ પછી વિલીન થતું જાય. આમ છતાં ઘણીવાર જિજ્ઞાસુ ભક્ત માત્ર આધ્યાત્મિક સમજ રૂપી કુંડમાં સ્નાન કરતો રહે છે. તેથી સાત્ત્વિક આચરણની સ્વ અનુભૂતિ રૂપી સરિતામાં તરવાનું એને ફાવતું નથી. અનુભૂતિની સરિતામાં તરવા માટે જે આધ્યાત્મિક સમજ ગ્રહણ કરી, તે અનુસાર અકર્તાભાવથી જીવન જીવવું જરૂરી છે.

         આધ્યાત્મિક જ્ઞાન રૂપે મેળવેલી સમજને આચરણ રૂપે ધારણ કરવા માટે, રોજબરોજની લૌકિક જીવનની પ્રવૃત્તિઓ કે કાર્યો દ્વારા પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના અણસારા ગ્રહણ થવા જોઈએ. એવાં અણસારાની પ્રતીતિથી મનોમન સાત્ત્વિક ભાવનું સંવેદન સ્વયંભૂ ધારણ થતું જાય, તે છે પ્રભુ કૃપાનો પ્રસાદ. પ્રભુની પ્રાણ શક્તિની કૃપા કઈ ક્ષણે ધારણ થાય, તે કોઈ જણાવી શકે એમ નથી. પરંતુ ધારણ થાય પછી મન બની જાય હૃદયભાવની નિર્મળતા. એવું નિર્મળ મન અક્ષર શબ્દોના અર્થ સમજવાની ચર્ચા ન કરે, પણ જે અક્ષર શબ્દો સ્વયંના આત્મ દર્શનના અણસારા આપે, તે શબ્દોનો ભાવાર્થ ગ્રહણ કરે. ભાવાર્થ ગ્રહણ થવો એટલે જ અંતર સ્થિત થવું. જેમ વહેલી સવારે ગંગા કિનારે સૂર્યોદય થાય ત્યારે તે ક્ષણે પાવન દૃશ્યના સૌંદર્યને મન માણશે, એનાં વિશે ચર્ચા વિચારણા નહિ કરે, તેમ અંતર યાત્રા રૂપે ભક્તનો હૃદયભાવ અંતરની સાત્ત્વિકતાને માણે, ત્યારે વિચારોની આવનજાવન ન હોય, પણ ભાવનું સંવેદન આપમેળે ધારણ થતું જાય. 

         મન જેમ જેમ પોતાના આત્મ સ્વરૂપની પરમાત્મા સાથેની ઐક્યતાના અણસારા ધારણ કરતું જાય, તેમ તેમ બાહ્ય વસ્તુઓના વળગણને કે સંબંધિત વ્યક્તિઓના આધારના મોહને ઓગાળતું સ્વમય ચિંતન થતું જાય. કારણ પરમાત્માની પ્રાણ શક્તિના આશ્રયે રહીને સૌ જીવે છે, એ જાણ્યાં પછી બીજી આધાર રૂપી પરિસ્થિતિઓનાં મોહમાં મન બંધાતું નથી. તેથી પરમાત્માને સમર્પિત થઈને ભક્ત જીવે અને એવા સમર્પણ રૂપે સાત્ત્વિક ગુણોનાં સંસ્કારો જાગૃત થાય. રોજબરોજના જીવનમાં પરમાત્મા સાથેની ઐક્યતાને જે માનવી જાણવા મથતો નથી, તે પાણીમાં તરતો હોવા છતાં જળની ભીનાશને એ અનુભવી શકતો નથી. માનવી જન્મની ઉત્કૃષ્ટ સિદ્ધિ એ છે કે એને મનનું આસન અર્પણ થયું છે. જે પરમાત્માનો અંશ છે. અંશજ મનની સ્થિતિ જો પોતાની આશ્રયદાતા સ્થિતિને જાણે નહિ, અનુભવે નહિ, તો એ પોતાના જન્મની અમૂલ્યતાને વેડફી નાંખે છે. સંસારી જીવનના વ્યવહારને સાચવવા માટે, સગાં વહાલાઓની નજરમાં સારા સ્વભાવનો દેખાવ કરવા માટે, માનવી કેટલાંયે પ્રકારથી જાતને ઘસી નાંખે છે, અથવા જનકલ્યાણના કાર્યો કરે છે. પરંતુ માનવીની માનવતાનું ખરું દર્શન ત્યારે થાય, જ્યારે જન્મના હેતુને સાર્થક કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ થાય અને અંતર યાત્રા થાય. જીવતાં જ સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની દિવ્ય પ્રીતનો આનંદ ભોગવવાનો છે. જેથી સ્વજનો સાથે એ આનંદથી પ્રીતથી જીવી શકાય.

        

         મનના મૂળમાં જાવ, તો જણાય સ્વયંની મૂળભૂત સ્થિતિનો આત્મીય વસ્તાર;

         મૂળમાં જવાની અંતર યાત્રા કરો, સાત્ત્વિકભાવની જાગૃતિથી થાય સ્વયંની અનુભૂતિ;

         અનુભૂતિમાં જે તરે, તેની વિચારવાની, સમજવાની, અનુભવવાની ચાલ બદલાઈ જાય;

         ચારેકોર જણાય પછી સાત્ત્કિવભાવનું સૌંદર્ય અને મસ્ત ફકીરની જેમ આનંદ અનુભવાય.(ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા