અંત:કરણપૂર્વક સ્વીકારભાવ જરૂરી
શાસ્ત્રોના માત્ર અર્થ સમજવામાં કે ઉપાસનામાં, પ્રભુની સંપૂર્ણતાના ન મળે પૂરા એંધાણ;
પ્રભુની પ્રકાશિત ગતિના અણસારા મળે,
જો જાવ તમે અંતર ભક્તિના ભાવથી ભીતરના ઊંડાણમાં;
પ્રકાશિત ગતિની પૂર્ણતામાં પ્રભુના પ્રેમી થશો,
તો સાત્ત્વિક ગુણોના પુણ્યો જગાડશે પ્રભુ પળવારમાં;
ભક્ત તો સંપૂર્ણતાનો સહયોગી થાય આત્મ સ્વરૂપના સાંનિધ્યમાં
અને મેળવે પ્રભુ કૃપા વારસામાં.
જગતની વિવિધ કૃતિઓને, આકારિત જડ પદાર્થોને, વસ્તુઓને, વ્યક્તિઓને તથા પશુ-પક્ષી વગેરે પ્રકૃતિની અનેક પ્રકારની આકૃતિઓને આપણે આંખો દ્વારા જોઈ શકીએ છીએ. આંખો જે પણ આકારને જુએ ત્યારે તેનાં દૃશ્યને ઝીલે અને મગજ દ્વારા જોવાની ક્રિયા થાય છે. અર્થાત્ મગજના આધારે જોવાયેલાં આકારની ઓળખાણ થાય અને જોવાયેલાનું સ્મરણ મગજમાં અંકિત થઈને રહે. જેથી બીજીવાર તે આકારને જોઈએ તો ઓળખના સ્મરણથી તેની વધુ સમજ ગ્રહણ થાય. જેમકે આંબાના વૃક્ષ પર કેરીના ફળનું દૃશ્ય પહેલીવાર જ્યારે જોઈએ, ત્યારે તેની ઓળખનું સ્મરણ મગજમાં સ્થાપિત થઈ જાય. પછી બીજીવાર જ્યારે આંબાના વૃક્ષને જોઈએ, ત્યારે તે વૃક્ષ આફુસ કેરીનું છે, કે કેસર કેરીનું છે, વગેરે ઓળખ રૂપે ઊંડાણપૂર્વક સમજ ગ્રહણ થાય. સમજણની, અનુભવની આવી જાણકાર સ્થિતિ મગજ-મનનાં જોડાણથી ધારણ થાય છે. મનની જો અજાણ કે અજ્ઞાની સ્થિતિ હોય, એટલે કે મંદ બુદ્ધિની અપરિપક્વ સ્થિતિ હોય, તો એવાં માનવીના શરીરનો વિકાસ થાય, પણ મનનો વિકાસ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે. તેથી તેઓ શિક્ષણ કે વ્યવહારિક કાર્યોના ક્ષેત્રમાં આગળ પ્રયાણ કરી શકતાં નથી. મનની આવી અપરિપક્વતાનું લાચાર જીવન કોઈને ન ગમે. સામાન્ય રૂપે માનવી જ્યારે એવી મંદબુદ્ધિની લાચાર વ્યક્તિને જુએ કે મળે, ત્યારે દયા સાથે સહાનુભૂતિનો ભાવ એનામાં જાગે છે. પરંતુ એવા દયનીય ભાવ સાથે જો પોતાના તન-મનની સ્વસ્થ, નિરોગી, સ્થિતિનો મનોમન આભાર માને, તો માનવ જન્મને સાર્થક કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ મન ઢળતું જાય.
વાસ્તવમાં એક હકીકતનો સ્વીકાર હૃદયના ઊંડાણથી થવો જોઈએ કે, માનવ આકારની વિશિષ્ટતા સાથે મન-બુદ્ધિનું જે ચાતુર્ય પ્રભુએ અર્પણ કર્યું છે, તે બીજા કોઈ પ્રાણી કે પક્ષીમાં નથી. એવાં સ્વીકાર રૂપે અહોભાવ પ્રગટે, તો ખોટી માન્યતાઓથી, શંકાઓથી, ભ્રમણાઓથી, કે પોતાના અજ્ઞાની વિચારોથી મન મુક્ત થતું જાય. અજ્ઞાનથી મુક્ત કરાવતા સાત્ત્વિક વિચારોના અધ્યયનથી વાસ્તવિક સમજ પછી ગ્રહણ થતી જાય કે, કોઈ પણ બાહ્ય આકારિત પરિસ્થિતિમાં સુખ-દુ:ખ નથી. પરંતુ સ્વ સ્વરૂપથી અજાણ રહેતી અજ્ઞાની દશાના લીધે સુખ-દુ:ખને મન અનુભવે છે. સ્વ સ્વરૂપની ઓળખ રૂપે સૂક્ષ્મ સમજના બારણાં જેમ જેમ ખુલતાં જાય, તેમ તેમ નિરીક્ષણપૂર્વક થયેલાં અધ્યયનથી સમજાય કે દરેક આકારની અથવા જગતની સર્વે આકૃતિઓની જડ સ્થિતિ છે. તે સર્વેમાં વહેતી પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાનો સંચાર હોવાંથી, તે ચેતનવંત સ્થિતિને ધારણ કરે છે. એટલે જેમ આ મધુવન પૂર્તિનું એક પાનું બીજા પાનાને જોઈ શકતું નથી કે સ્પર્શી શકતું નથી, પણ મધુવન પૂર્તિના પાના જેના હાથમાં છે, તે પોતે પાનાને પકડી શકે છે, સ્પર્શી શકે છે. કારણ તન-મનમાં સતત પ્રાણની ચેતનાનો સંચાર છે. આપણે જાણીએ છીએ કે મૃત શરીર(મડદું) બીજા આકારને જોઈ ન શકે, કે એનાં સ્પર્શને પણ અનુભવી ન શકે. એટલે મનોમન સૂક્ષ્મ સમજના તાર ગૂંથીને અહોભાવપૂર્વક સ્વીકારીએ કે, આકરોની સંગમાં, પદાર્થોના ભોગમાં સુખનો અનુભવ કરીએ છીએ, એ છે સચ્ચિદાનંદ સ્વરૂપની ચેતનાની પ્રત્યક્ષ હાજરી.
આમ એક આકાર પાસે એવી શક્તિ કે બળ નથી, કે તે બીજા આકારને જોઈ શકે. એ તો સર્વત્ર પ્રસરતી પ્રભુની પ્રાણની ચેતનાના લીધે અને દરેક આકારમાં સમાયેલી ચેતનાના લીધે મગજના જ્ઞાનતંતુઓનાં સહારે આંખોથી જોઈ શકાય છે. આકારને જોવા માટે જ્ઞાનતંતુઓના વિદ્યુતિ રસાયણોની ક્રિયામાં ઊર્જા પ્રકાશની ચેતના છે. જેનું નિરાકારિત સ્વરૂપ છે. અર્થાત્ નિરાકારિત સ્વરૂપની ઊર્જાની ચેતના છે અને તે વિવિધ આકારોને જોવાની મનને દૃષ્ટિ આપે છે તે પણ નિરાકાર સ્વરૂપની છે. આ નિરાકારિત ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે કોઈ પણ આકારના દેહની જીવંત સ્થિતિ છે અને જીવંત સ્થિતિના આધારે આકારમાં અણગીન પ્રક્રિયાઓ થતી રહે છે તથા તે પ્રક્રિયાઓ પણ નિરાકાર સ્વરૂપની છે. જેમકે પગથી ચાલવાની પ્રક્રિયા થાય છે, ત્યારે પગને જોઈ શકાય છે. પરંતુ પગના હાડકાં, સ્નાયુઓ, લોહીનો સંચાર વગેરેથી જે ચાલવાની પ્રક્રિયા થઈ શકે છે, તે પ્રક્રિયાને જોઈ શકાતી નથી. એટલે કે તે પ્રક્રિયા નિરાકારિત સ્વરૂપની છે. જો કોઈ વ્યક્તિ એમ કહે કે પગને ચાલતાં જોઈ શકાય છે, તેને જ ચાલવાની પ્રક્રિયા કહેવાય, તો એ વ્યક્તિને હકીકતનું દર્શન કરાવતાં સમજાવવું પડે, કે પગમાં જ્યારે પેરેલીસીસ થાય, ત્યારે પગને જોઈ શકાય છે, પરંતુ લોહીનો સંચાર ન હોવાંથી અને સ્નાયુઓની પ્રક્રિયા ન થવાંથી ચાલવાની પ્રક્રિયા થતી નથી. અર્થાત્ દરેક પ્રક્રિયાનું સ્વરૂપ છે નિરાકાર.
નિરાકારિત ચેતનાના લીધે કોઈ પણ દેહના આકારની જીવંત સ્થિતિ છે અને જીવંત સ્થિતિ રૂપે ક્ષણે ક્ષણે અણગીન પ્રક્રિયાઓ થયાં કરે છે. તે નિરાકારિત પ્રક્રિયાઓનાં લીધે જ આકારની હસ્તી છે. એટલે કે આકારની રચના જ્યારે માતાના ગર્ભાશયમાં થઈ, ત્યારે તે રચનાત્મક ક્રિયાઓ પણ નિરાકારિત હોવાંથી આકારનું રૂપ ઘડાયું અને તે નિરાકારિત ક્રિયાઓ નિરાકારિત ચેતનાની હાજરીના લીધે થઈ શકી. આમ દરેક દેહના આકાર જન્મે અને જન્મથી તે મૃત થાય ત્યાં સુધીની જે પણ સજીવ પ્રકારની નિરાકારિત ક્રિયાઓ થાય, તે છે નિરાકારિત આત્મીય ચેતનાનું પ્રતિબિંબ. આટલી સૂક્ષ્મ સમજ અહોભાવપૂર્વક ગ્રહણ થાય તો જીવનમાં ઉદભવતી પ્રતિકૂળ કે અનુકૂળ ઘટનાઓ પાછળ મન સુખી-દુ:ખી થઈને ભટકતું નહિ રહે. પરંતુ ઉદ્ભવતી ઘટનાઓનો અનુભવ જે ચેતનાના આધારે થાય છે, તેના સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય પ્રગટે એવાં સાત્ત્વિકભાવના સંસ્કારો જાગૃત થશે. યોગી મહાત્મા જેવા જ્ઞાની ભક્તો તે સાત્ત્વિક સૌંદર્યની સાક્ષાત્ મૂર્તિ છે. તે બીજા જિજ્ઞાસુ ભક્તોને સાત્ત્વિક સંસ્કારોને જાગૃત કરાવતું પ્રેરકબળ પૂરે છે. તેઓને કોટિ કોટિ પ્રણામ. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા