Article Details

મનડું સાવધ થાય તો સેવાધન મળી જાય

જેણે પ્રભુ પ્રેમમાં જીવનને સમર્પણ કર્યું, તેને આકાંક્ષા કે આશાના મિનારા ન રહ્યાં;

એ તો ભક્તિ ભાવ સ્વરૂપે રહે અંતરધ્યાનમાં, જ્યાં નિ:સ્વાર્થી પ્રેમની ભૂખ સંતોષાય;

એ આશિષ ન માંગે પણ સ્વ અનુભવથી જાણે, કે આકારો કે પદાર્થોમાં ભાવનું ઊંડાણ નથી;

એટલે સૂક્ષ્મના ઊંડાણમાં ભક્ત જાય અને અનુભવે, કે પ્રભુ અને પ્રેમ જુદાં નથી,

                                   બન્નેના એકમમાં પ્રગટે દિવ્ય પ્રીતની ચેતના.

 

         માનવ આકારની ઉપલબ્ધિનો (પ્રાપ્તિનો) હેતુ જો માનવી જાણી લે, તો આકારની નિરોગી સ્થિતિ અર્થે પ્રથમ મનનું સ્વાસ્થ્ય સુધારે. તન-મનના જોડાણનું માનવી જીવન, પ્રાણી-પક્ષીની જેમ માત્ર ભૌતિક રૂપે જીવવાનું નથી, પણ દેહની વિવિધ પ્રક્રિયાઓનો ભાવાર્થ સમજતાં, સાત્ત્વિક ભાવની નિર્મળતા ખીલવવાની છે. એવી ખીલવણીમાં જણાશે કે મનનાં રાગ-દ્વેષભર્યા સ્વભાવથી થતાં વિક્ષેપ વચ્ચે પણ અંગોની પ્રક્રિયા અટક્યાં વગર નિરંતર થતી રહે છે. આ વાસ્તવિક્તા જાણીને મનને પરમાત્માની ભગવત્ ભાવની શક્તિ, જે આપણને ઊર્જાની ચેતના રૂપે પ્રાપ્ત થતી રહે છે, તેની સાત્ત્વિક્તા અનુભવાશે. સાત્ત્વિક ગુણોની ઊર્જાનો પ્રવાહ એટલે જ દિવ્ય પ્રીતની ચેતના. તેની અનુભૂતિ મનોમન ત્યારે થાય જ્યારે મન નિ:સ્વાર્થ પ્રેમનું સરોવર બને. સામાન્ય રૂપે આપણું મન અહંકારી વૃત્તિમાં વીંટળાયેલું હોવાંથી રાગ-દ્વેષના ભેદભાવમાં રહે છે. તે આકારિત જગતની વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે ભેદભાવથી સંબંધ બાંધે છે. તેથી સંબંધમાં કે સંબંધિત પ્રવૃત્તિમાં તૃપ્તિ નથી મળતી, પ્રેમની મીઠાશ અનુભવાતી નથી. આવી અતૃપ્તિના લીધે મનમાં નવી નવી આશા કે અપેક્ષાઓના મિનારા બંધાતા રહે છે. એટલે ભેદભાવની ભાંજગડમાં ગૂંચવાયેલા મનનું બુદ્ધિચાતુર્ય કરમાતું જાય છે.

         માનવી જો સ્વયંના આત્મ સ્વરૂપના સાત્ત્વિક પ્રભાવને જાણવાનો પ્રયત્ન કરે, તો જિજ્ઞાસુભાવની કૃપા ધારણ થાય. પરંતુ સ્વયંને જાણવું કઈ રીતે, એ પ્રશ્ર્ન દરેકને મુંઝવે છે. મન આરંભમાં આધ્યાત્મિક ગ્રંથો, પુસ્તકો કે શ્રવણ-સત્સંગ દ્વારા જાણવા માટે ત્યારે તૈયાર થાય, જ્યારે એને પોતાના જીવંત દેહની મહત્તા સમજાય. દેહને જીવાડનાર પ્રભુની ચેતના શ્ર્વાસ રૂપે સર્વેને મળતી રહે છે. અર્થાત્ આપણને આયુષ્ય શ્ર્વાસ રૂપે મળ્યું છે. તેમાં એક શ્ર્વાસ વધારે કે ઓછો નથી મળતો અને કોઈનો ઉછીનો મેળવી શકાતો નથી. આ જીવંત દેહ દ્વારા મન પોતાની ઈચ્છાપૂર્તિ કરાવતું જીવન જીવે છે. પરંતુ ભક્ત તો જીવાડનાર ચેતના, એટલે કે પ્રભુને સમર્પિત થઈ જીવે છે. સમર્પિત થવું એટલે ‘હું નથી કર્તા કે ભોક્તા, હું  તે જ દિવ્ય ચેતનાનો અંશ છું’, એવાં સમર્પણભાવથી ભક્ત જીવે, ત્યારે સંસારી આકાંક્ષા કે અપેક્ષાઓનાં મિનારાં તૂટતાં જાય. પ્રારબ્ધ અનુસાર ઉદ્ભવતી ઈચ્છાઓ પૂરી થતી જાય અને નવી ઈચ્છાઓમાં મન બંધાય નહિ.

         ભક્ત પ્રારબ્ધગત જીવનનો અસ્વીકાર ન કરે, પણ અલિપ્તભાવે જીવે. તે સંસારી કાર્યોમાં એટલે કે પ્રકૃતિની સંગમાં જ પ્રભુની કૃતિને માણે. પ્રભુની કૃતિને માણવું એટલે નિર્મળ અકર્તા ભાવથી કર્મ ભક્ત કરતો રહે અને કૃતિમાં સમાયેલાં સાત્ત્વિક ગુણોથી પરિચિત થતો જાય. એવાં પરિચયમાં મનનો સાત્ત્વિક ભાવ ખીલતો જાય. જે મનને અંતરધ્યાન તરફ પ્રયાણ કરાવે છે. મન પછી પ્રેમની ધારામાં તરબોળ થતું જાય, ત્યારે સ્વ અનુભૂતિની અંતરયાત્રા આપમેળે થતી જાય. મન જ્યાં સુધી નિ:સ્વાર્થ પ્રેમનું અકર્તાભાવનું આસન ન બને, ત્યાં સુધી આત્માની ઐક્યતાને અનુભવી નથી શકતું. મન શબ્દોથી તે ઐક્યતાને જાણે છે, સમજે છે પણ અનુભવ સ્વરૂપે એકમ ગતિને ધારણ નથી કરતું. તેથી ભક્ત સદા એકમ ગતિમાં ગતિમાન થવા માટે પ્રેમભાવની નિ:સ્વાર્થતાને, નમ્રતાને, સાત્ત્વિકતાને ધારણ કરાવતાં અકર્તાભાવમાં સ્થિત રહે છે.

 

         કૃતકૃત્ય થઈ ગયો અકર્તા ભાવમાં, અકર્તામાં મળી ગયો કાંત શ્રીકાંત;

         કહેવાનું મન ન થાય કર્મોનાં કથનનું, સાક્ષીભાવ કેળવ્યો કે કાંતે કર્યું કામ;

         મનડું સાવધ થયું સેવાધન મળી ગયું, સાધન માટે શ્રીકાંતનો આધાર લઈ લીધો.

 

         પ્રેમભાવની નમ્રતાનો કે સમર્પણભાવની નિર્મળતાનો સંકેત આપણને પ્રકૃતિના વનસ્પતિ જગત દ્વારા મળી જાય છે. જ્યારે આંબાના વૃક્ષ પર કેરી પાકે, મોટી થાય, ત્યારે તે નીચે નમતી જાય છે. એ જ રીતે ભક્ત અંતરધ્યાનની ઊર્ધ્વગતિને ધારણ કરે, ત્યારે નિ:સ્વાર્થ પ્રેમભાવથી નમતો જાય છે. નમવું એટલે જ સમર્પણ ભાવની વિશાળતા ધારણ કરવી. એવી નમેલી સ્થિતિમાં ભક્ત સ્વ અનુભવોનો કળશ બની જાય. એની મન-બુદ્ધિ-ઈન્દ્રિયોના સંસ્કાર બદલાઈ જાય અને દિવ્ય ચેતનાની પ્રીતની પ્રતીતિ થતી જાય. એનાં ભક્તિ ભાવમાં પછી શ્રેય સિવાય બીજી કોઈ વાત ન સમાય અને સૌનાં ઉત્કર્ષ માટે એનાં દેહ દ્વારા પ્રીતની ચેતના અભિવ્યક્ત થતી જાય. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા