Article Details

મનની રુચિ વધતાં ગુરુનું સાંનિધ્ય પ્રાપ્ત થાય

ભક્તિનો ભાવ જાગે ત્યારે સીમિતનો મોહ છૂટે

અને પ્રભુ પ્રીત માટે સાત્ત્વિક આચરણ તરફ મન ઢળે;

         સાત્ત્વિકતા તરફ ઢળવાના કોઈ કારણો નહિ મળે,

કારણ ભક્તિનો ભાવ કે પ્રભુ પ્રીત જાગે અનાયાસે;

         એકવાર ભાવની ધારા જાગૃત થાય,

પછી કોઈના કહેવાથી ઓછી ન થાય કે ઓટ જેવી સ્થિતિ ન આવે;

         સમજાય નહિ એવી ભાવની લહેરીઓ હૃદયમાં વંટોળીયા માફક ઊડતી રહે અને સંતોષને લાવે.

 

         નકારાત્મક સ્વભાવની નબળાઈથી, કે મારું-તારુંની સરખામણી કરવાના સંકુચિત માનસથી, કે બીજાથી ચડિયાતા થવાની ચડસાચડસીથી મુક્ત કરાવતાં ભક્તિ ભાવની મહત્તાને સમજવાનો પ્રયત્ન માનવી જો કરે, તો મનનું બળ, મનની કળાત્મક વિદ્વતા, કે બુદ્ધિની દક્ષતા સુષુપ્ત નહિ રહે. પરંતુ એક વિદ્યાર્થી જેમ વિદ્યા અભ્યાસની કેળવણીથી કેળવાતો જાય, તેમ રચનાત્મક ઉન્નત વિચારોથી મન કેળવાતું જાય. એવી કેળવણી અર્થે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય તથા માનવતાના સંસ્કારો જાગૃત થાય, એવાં જ્ઞાન-ભક્તિના સત્સંગનો આધાર લેવો પડે. કારણ મારું-તારુંના રાગદ્વેષાત્મક વર્તનમાં માનવી એટલી હદે ગૂંથાયેલો રહે છે કે સાત્ત્વિક વર્તન વિશે તે અજાણ રહે છે, અથવા સાત્ત્વિક વર્તનની ખીલવણી કરાવતા સકારાત્મક વિચારોથી તે અપરિચિત રહે છે. તેથી સત્સંગ રૂપી વૃક્ષની આધારભૂત છાયા જરૂરી છે. જેથી નકારાત્મક સ્વભાવનો આક્રોશ કે ક્રોધ અમુક અંશે શાંત થતો જાય. નકારાત્મક સ્વભાવમાં બંધાયેલું મન પોતાના સંસારી જીવનના સુખદ પ્રસંગોને મોટેભાગે સંતોષપૂર્વક માણી શકતું નથી. નકારાત્મક વર્તનમાં પોતાની વસ્તુ કે પરિસ્થિતિની સરખામણી બીજા સાથે કરવાની અજ્ઞાનતા હોય છે. એવી અજ્ઞાનતામાં બીજાથી ચડિયાતા થવાનો, કે ચડિયાતા રહેવાનો અજંપો સતત રહે છે અને મન ભેદભાવનાં વિચારોમાં જ બંધાયેલું રહે છે.

         ભેદભાવની મનોદૃષ્ટિના લીધે જીવનમાં દરેક સ્તરે માનવી વિભાગો પાડીને વિખૂટો પડતો જાય છે. તેથી એકબીજા સાથેની લાગણીને, હૂંફને સહજ માણી શકતો નથી. જ્ઞાતિ કે જાતિના ભેદભાવમાં, શરીરના રૂપરંગના ભેદભાવમાં, મોંઘા કે સસ્તા વસ્ત્રોના ભેદભાવમાં બંધાઈને જે જીવે, તેની યથાર્થ વિચારવાની શક્તિ સુષુપ્ત રહે છે. એટલે સ્વયંનો અનુભવ કરાવતી અંતર યાત્રા માટેનો સાત્ત્વિકભાવ જાગૃત થતો નથી. સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય, પણ તે માટે મનને ઉચિત વાતાવરણ મળવું જોઈએ. એક વિદ્યાર્થી વિદ્યા અભ્યાસ માટે જેમ શાળા કે કોલેજમાં જાય, તેમ જ્ઞાન-ભક્તિનો સત્સંગ જે ભૂમિમાં થાય, તેનો સંગ કરવાનો, કે ત્યાં જઈને શરણ ગતિથી સ્થિત થવાંનો પુરુષાર્થ કરવો જરૂરી છે. જે ઘરમાં માતા-પિતાના મન સત્સંગની કેળવણીથી જો શિક્ષિત થતાં હોય, તો સાત્ત્વિક વિચારોના તરંગોથી એ ઘરના વાતાવરણમાં ભેદભાવનાં સંસ્કારો ટકી શકતા નથી. એવાં ઘરના બાળકોમાં બાળપણથી સાત્ત્વિક સંસ્કારોની ખીલવણી થતી જાય. એવા બાળકો જ્યારે યુવાન થાય, ત્યારે પ્રતિકૂળ સંજોગોનાં સંઘર્ષમાં નિરાશ થઈને બેસી નહિ રહે, પણ ઉકેલની દિશામાં સહજતાથી પ્રયાણ કરતાં રહે.

         સાત્ત્વિક વાતાવરણમાં ઉછેર થાય, તો જીવન રૂપી ગાડી સ્વયંને જાણવાના ધ્યેય સાથે ગતિમાન રહી શકે. સાત્ત્વિક વાતાવરણ હોય ત્યાં પ્રભુની ચેતનવંત શક્તિનો મહિમા સમજીને દયા, કરુણા, કે સુમેળભાવથી ધાર્મિક કાર્યો થાય, તથા પરિવારના સભ્યો એકબીજા સાથેના પ્રેમના સંબંધને મહત્ત્વ વધુ આપે. એટલે ઈર્ષ્યા, વેરઝેર, કે કુસંપની નકારાત્મક વૃત્તિઓ નહિ રહે. નકારાત્મક સ્વભાવની જો કંગાલિયલ હોય, તો સંસારી જીવનમાં ખોટ કે ઉણપનો જ અનુભવ થયાં કરશે. એવું મન સ્વ સ્વરૂપની સૂક્ષ્મતાને, કે વિશાળતાને સમજી નથી શકતું. તેથી શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો પુરુષાર્થ જો તેઓ કરે, કે સત્સંગમાં અચૂક હાજરી પુરાવે, તો પણ નકારાત્મક સ્વભાવના લીધે સ્વ સ્વરૂપની વાસ્તવિકતાને સમજવામાં શંકા સંદેહ જાગે. એવું નકારાત્મક અહંકારી માનસ સૂક્ષ્મ સમજને સાબિતી વગર ન સ્વીકારે અથવા તર્કબદ્ધ દલીલોથી શબ્દોના અર્થઘટનમાં રમ્યાં કરે. એટલે એવાં મનનો નિખાલસ હૃદયભાવ જાગૃત થતો નથી અને હૃદયભાવની, કે પ્રેમભાવની, કે ભક્તિભાવની જાગૃતિ વગર સદ્ગુણોની સાત્ત્વિકતા ધારણ થઈ ન શકે.

         આમ પ્રેમાળ સ્વભાવની કે ભક્તિભાવની જાગૃતિ માટે સ્વયંને જાણવાની લગની લાગવી જોઈએ. એવી લગની ઘરનાં ધાર્મિક વાતાવરણથી, કે માતા-પિતાના સાત્ત્વિક આચરણની કેળવણીથી, કે પૂર્વે કરેલાં આધ્યાત્મિક યાત્રાના પુણ્યબળથી જાગે છે. કોઈના કહેવાથી નહિ પણ સ્વયંને જાણવાની લગની સહજ જાગે, ત્યારે અંતરથી દૈવી બળનો સહારો મળતો જાય. દૈવી બળની પ્રેરણા રૂપે સત્સંગ માટે અને શાસ્ત્રોના અધ્યયન માટે મનની રુચિ વધતી જાય તથા ગુરુનું અલભ્ય સાંનિધ્ય પ્રાપ્ત થાય. પછી અતિશય વ્યસ્ત લૌકિક જીવન હોય, કે જવાબદારીભર્યા કાર્યોની સતત પ્રવૃત્તિ હોય, તે છતાં મનમાં એકવાર સ્વયંને જાણવાની લગનીની ધારા વહેવાનું શરૂ થાય પછી તે અટકે નહિ, પણ સ્વને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ અગ્નિની જેમ પ્રજ્વલિત રહે. એવી લગનીમાં સાત્ત્વિક વિચારોનું સચન લાગણીથી કરતાં રહેવું જોઈએ, નહિ તો અહંકારી વૃત્તિના ડોકિયા થયાં કરશે, જે સ્વની સૂક્ષ્મતામાં મનને ઓતપ્રોત નહિ થવા દેશે. જેમ બાળકને જન્મ આપનાર જનેતાને નવ મહિના સુધી પોતાના બાળકને પ્રેમથી ઉછેરવાની લગની હોય છે અને એવી લગનીમાં અહંકારી વૃત્તિનો કચરો ન હોય, અર્થાત્‌ `નવ મહિના સુધી બાળકને મારા શરીરમાં ઉછેરીશ કે બાળકને જન્માવીશ', એવી અહમભાવની લાગણી માતામાં હોતી નથી.

         માતૃત્વ ભાવની લાગણીમાં તો પોતાના બાળકના ઉછેર માટે શું કરું અને શું ના કરું એવાં પ્રેમની ધારા સતત વહેતી રહે છે. માતાના પ્રેમમાં, વહાલમાં હંમેશા પોતાના બાળકને બધું જ અર્પણ કરવાની ભાવના હોય છે. આવી માતૃત્વભાવની લગની જગાડવા માટે કોઈ સ્ત્રી નિશાળમાં, કે કોચિંગ કલાસમાં શિક્ષણ લેવા જતી નથી. કોઈ પુસ્તકના વાંચનથી શબ્દોના સહારે માતૃત્વભાવની લગની જાગે નહિ. આ તથ્ય જો સમજાય તો ભક્તિભાવની જાગૃતિ આપમેળે થાય. આપમેળે થતી જાગૃતિના છોડ ટે પ્રેમાળ હકારાત્મક સ્વભાવ રૂપી પાણીનું સચન ખૂબ જરૂરી છે. એવાં સચન માટે સત્સંગ, શ્રવણ, અભ્યાસનો સહારો હોય તો એક માતા જેવી લાગણી સ્વયંને જાણવા માટે થશે. પછી પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલી હશે તો પણ લાગણીમાં, કે જિજ્ઞાસુભાવમાં ઓટ નહિ આવે. કારણ કોઈના કહેવાથી સ્વયંને જાણવાની લાગણી જાગી નથી, પણ અંતર પ્રેરણાથી, માતા-પિતાની સંસ્કારી કેળવણીથી જાગી હોવાંથી પ્રેમભાવની, ભક્તિભાવની નિ:સ્વાર્થતા ધારણ થતી જશે અને સ્થૂળ આકારિત જગત સાથે જોડાયેલી સૂક્ષ્મ સૃષ્ટિનું રહસ્ય પરખાતું જશે. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા