Article Details

સાત્ત્વિકભાવનો પ્રસાદ

હજારો વાર નામ લેવા છતાં પ્રભુ પ્રતીતિ ન થાય, તો માનજો કે નામ લેવામાં ભાવની ખોટ છે;

         નિષ્કામભાવથી લેવાયેલાં પ્રભુનામમાં પુરાય પ્રભુની ભગવત્‌ શક્તિનો ભાવ,

પછી ભક્તિમાં સ્થિત થવાય;

         ભક્તિ રૂપે હૃદયભાવની જાગૃતિ થતાં મન પ્રેમભાવમાં વિલીન થાય

અને રાગ-દ્વેષની ગાંઠો ઓેગળતી જાય;

         ભક્તનો પ્રેમભાવ છે ભક્તિનું સદાચરણ

અને એનાં પ્રેમાળ વર્તનની વાણીથી પ્રગટે સાત્ત્વિકભાવનો પ્રસાદ.

 

         લૌકિક જીવન એટલે અનેક પ્રકારના વિધ વિધ કાર્યોની પ્રવૃત્તિ. એવાં જીવનમાં દરેક સ્તરે કાર્ય કરવાની મનની કુશળતા અથવા કાર્ય કરવાની રીતનું બુદ્ધિગમ્ય કૌશલ્ય જાગૃત કરવું પડે. જે પણ કાર્ય કરીએ તે સમયે જો મનની કુશળતાનો સહયોગ ન હોય, કે બુદ્ધિની કૌશલ્યતાનો સહારો ન હોય, તો તે કાર્યનું યોગ્ય ઉચિત પરિણામ ઉપજતું નથી. સામાન્ય રૂપે માનવી પોતાના અંગત કાર્યોના યોગ્ય પરિણામ માટે અથવા અપેક્ષિત ઈચ્છા મુજબ દુન્યવી ભોગને ભોગવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતો હોય છે. એવાં પ્રયત્નમાં જો પોતાના સ્વભાવની ત્રુટિ જણાય તો સ્વભાવને સુધારીને ઈચ્છિત સફળ પરિણામ મેળવવાનો પ્રયત્ન કરશે. તેથી માનવી જો પોતે નક્કી કરે અને ધારે તો ધાર્યા કાર્યો કરી શકે છે. કારણ કાર્ય કરાવતું મન-બુદ્ધિનું વિશેષ કુશળતાનું બળ પ્રભુએ માનવીને અર્પણ કર્યું છે. પરંતુ મોટેભાગે માનવી સ્વાર્થી સ્વભાવના પજરામાં બંધાઈને માત્ર પોતાને લાભ થાય એવાં સીમિત સંકુચિત માનસથી જીવે છે. એટલે વિશેષ સ્વરૂપની સાત્ત્વિક સ્વભાવની કુશળતા જાગૃત થતી નથી. એવી વિશેષ જાગૃતિ માટે પ્રથમ પોતાના સ્વ સ્વરૂપથી અજાણ રહેતી મનની અજ્ઞાની સ્થિતિથી જાણકાર થવું પડે. અજ્ઞાની સ્વભાવથી જાણકાર થવામાં ઘણાં બધા પ્રકારની ચતાઓના ભારથી મન મુક્ત થઈ શકે. કારણ માનવી શરીરને પોતાનું અસ્તિત્વ માને છે, એટલે કે નિરાકાર હોવાં છતાં મન પોતાને શરીરનો આકાર માને છે. આવી અજ્ઞાનતાના લીધે જીવનમાં ડગલે ને પગલે એને શરીરના મૃત્યુનો ડર રહે છે અથવા ઘણીવાર રોગની પીડામાં ચતાગ્રસ્ત રહેવાંથી ઔષધ ઉપચારમાં મન અવરોધક બને છે.

         અજ્ઞાની સ્થિતિથી જાણકાર થવાય ત્યારે સમજના તાર મનમાં ગૂંથાતા જાય કે, શરીરનું મૃત્યુ થાય પણ પોતાનું નિરાકારિત સ્વરૂપ જે શરીરમાં નિવાસ કરે છે તેનું મૃત્યુ થતું નથી. આવી વાસ્તવિક સમજના સ્વીકારમાં તન-મનનાં જોડાણની મહત્તા સમજાય તથા બન્નેની એકબીજા પર થતી અસરની જાણકારી થતી જાય. એવી અસરનો અનુભવ તો લગભગ દરેક માનવીને થતો હોય કે, એનાં લીધે શરીરનું સ્વાસ્થ્ય બગડે અને મનની કાર્ય કરવાની એકાગ્રતા કે કુશળતા કુંઠિત થતી જાય. જેમકે તીખું તળેલું વધારે પડતું ખવાઈ જાય તો યોગ્ય પાચન ન થવાંથી બેચેની લાગે, એસીડીટીના લીધે ખાટાં ઓડકાર આવે અથવા ઝાડા પણ થઈ શકે. તે વખતે ગમે એટલું અગત્યનું કાર્ય થતું હોય તો પણ મન એકાગ્રતાથી કરી શકતું નથી. એ જ રીતે કોઈ સ્વજન કે અંગત મિત્રના અકસ્માતની જાણ થાય અથવા પરિવારના સભ્યો સાથે ઝઘડો થાય ત્યારે મન દુ:ખી થઈને ઉદાસ થઈ જાય. તે સમયમાં શરીરના રસાયણોની ગુણવત્તા બદલાઈ જાય, લોહીનાં દબાણની વધઘટ થાય અને જે કાર્ય કરતાં હોઈએ તે કરવાનું ગમે નહિ. ટૂંકમાં શરીરની સ્વસ્થતામાં મનનું હકારાત્મક પ્રેરક બળ વધે છે. પરંતુ મનની જો તાણયુક્ત રાગદ્વેષાત્મક વર્તનની અસ્વસ્થતા હોય, તો શરીરની નિરોગી સ્વસ્થતાને એ અસ્થિર કરી દે છે અને શરીરની રોગી સ્થિતિ મનને ચતા સાથે અસ્વસ્થ રાખે છે.

         આવી વાસ્તવિક સમજ સાથે મન જેમ જેમ પોતાની અજ્ઞાનતાથી જાણકાર થાય, તેમ તેમ મનનું વિશેષ જાગૃતિનું કૌશલ્ય પ્રગટતું જાય. પછી પ્રારબ્ધવશ કોઈક અસાધ્ય રોગની બીમારી આવે, કે વારસાગત રોગ આવે, ત્યારે મનની જાગૃતિની સ્વસ્થતાના લીધે ઘણીવાર તે આસધ્ય રોગનો પ્રતિકાર કરાવતું મનોબળ સહાયરૂપ થાય. સાત્ત્વિક વિચારોનાં સત્સંગનો પ્રભાવ મનને એવું હકારાત્મક બળ ધરે છે કે તે રોગ માટે  જે પણ ઔષધિ કે ઉપચાર થાય તેનું યોગ્ય પરિણામ ઝડપથી મળતું જાય. સારાંશ રૂપે એટલી સમજને મનમાં સ્થાપી દઈએ, કે સ્વયંની જાણમાં કે પોતાના અજ્ઞાની સ્વભાવના સંકુચિત માનસને જાણવામાં, તન-મનની ક્રિયાના માનવી જીવનને પ્રગતિની નવીન દિશાનું સત્ત્વ મળે છે. નવીન દિશાના પ્રયાણમાં જે પણ સમજ રૂપે જાણ્યું એમાં અજ્ઞાની સ્વભાવથી થતી ભૂલોનું જે દર્શન થયું, એમાં ફરવાનું છૂટતું જશે અને મનનું કળાત્મક, રચનાત્મક કૌશલ્ય પ્રગટાવતાં વિચારોનું ચતન થતું જશે. ચતન રૂપે ભેદભાવની મનોદૃષ્ટિના વિકારો ઓગળતાં વિવેકી દૃષ્ટિ જાગૃત થતી જશે.

         જિજ્ઞાસુ ભક્ત પ્રગતિની દિશામાં પ્રયાણ કરે, ત્યારે એનાં વિચારોમાં માત્ર લૌકિક ભોગના વિષયોને પ્રાપ્ત કરવાનું રટણ ન હોય, પણ માનવ જન્મની સિદ્ધિને સાર્થક કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિનો પુરુષાર્થ હોય. જિજ્ઞાસુ ભક્ત જાણે છે કે શરીરના અંગોની પ્રક્રિયામાં જો મનની સ્વસ્થ સકારાત્મક વિચારસરણીનો સહયોગ રહે, તો અંગોની સાત્ત્વિકભાવથી થતી પ્રક્રિયાઓનો પડઘો મનને સર્જનાત્મક વિચારોમાં સ્થિત રાખી શકે છે. તેથી નિષ્કામભાવથી એ તો લૌકિક જીવનના કાર્યો કરવાનો પુરુષાર્થ કરે. અર્થાત્‌ લૌકિક જીવનના કાર્યો દ્વારા સાત્ત્વિકભાવની જાગૃતિ થાય એવાં સ્વભાવને ખીલવતો રહે. તે માટે મન જો રાગ-દ્વેષના ઉન્માદમાં ઓછું ફરે, ઈર્ષ્યા કે અદેખાઈની બળતરામાં ઓછું આળોટે, કે અહંકારી માનસથી બીજાને નકામા ગણીને દોષ જોવામાં સમય ઓછો વેડફે, કે પદવીની લાલસા સાથે સન્માનની ઈચ્છાઓને ઓછી કરે, તો શરીરમાં લોહીના ભ્રમણ દ્વારા સાત્ત્વિકભાવના તરંગો વહેવાનું શરૂ થાય અને આંતરસ્ત્રાવી પીંડોના(એન્ડોક્રાઈન ગ્લેન્ડસ) રસાયણોની શુદ્ધતા વધતી જાય.

         આંતરસ્ત્રાવી રસાયણોની શુદ્ધ સ્વસ્થતાના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય અને મગજના જ્ઞાનતંતુઓ પણ સ્વસ્થ રહે. જ્ઞાનતંતુઓ સ્વસ્થ રહે તો ઓછાં ક્ષીણ થાય. કારણ જ્ઞાનતંતુઓ ક્ષીણ થાય તો સ્મરણ શક્તિ ઓછી થતી જાય. મોટેભાગે પચાસ વરસની વય પછી સ્મરણ શક્તિ શિથિલ થવા માંડે, કાનની બહેરાશ શરૂ થાય, હાથ-પગના સાંધાઓમાં પીડા શરૂ થાય, બ્લડપ્રેશરને નોર્મલ રાખવાની ગોળી ખાવી પડે, વગેરે રૂપે શરીરની અસ્વસ્થતામાં મનનો અજ્ઞાની અહંકારી સ્વભાવ કારણ રૂપ હોય છે. તે કારણને વિલીન કરાવતું વર્તન એટલે પ્રેમભાવનું આચરણ. જે પ્રેમની પરિભાષાથી જીવવાનો ધ્યેય રાખે તેને કહેવાય ભક્ત. મંદિરે જાય, ભજન-કીર્તન કરે એને જ માત્ર ભક્ત ન કહેવાય. ભક્ત એટલે પ્રભુની ભગવત્‌ ભાવની શક્તિના કૌશલ્યને નિષ્કામ પ્રેમભાવથી ધારણ કરાવતું સ્વમય ચતન કરે. દરેક માનવીમાં ભક્તના જેવું કૌશલ્ય છે અને તે પ્રેમભાવથી જાગૃત થઈ શકે છે. પ્રેમભાવથી સંસારી જીવનના વ્યવહાર કે કમાણી કરવાના કાર્યો થાય, તો દરેક કાર્યો પ્રભુની ભક્તિ રૂપે થતાં જાય. પછી ભક્તિ કરવાનો ફાજલ સમય શોધવો નહિ પડે, પણ ભક્તિમય જીવનમાં પ્રભુના પ્રસાદ રૂપે સાત્ત્વિકભાવની પ્રસન્નતા અનુભવાય. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા