પ્રભુને પ્રેમ કરવાની રીત ન હોય
બાળપણ, યુવાની પ્રૌઢ એવી ત્રણ અવસ્થાઓ શરીરની હોય છે. શરીરની અવસ્થા સાથે મનનો વિચારવાનો, સમજવાનો, કે વિકાસની ગતિનો ઢાળ બદલાતો રહે છે. પ્રૌઢ અવસ્થા રૂપે મનના વિકસિત માનસનો ગુણિયલ વૈભવ ધારણ થાય. અર્થાત્ શિક્ષણની તાલીમથી યુવાનીમાં જે વિકાસશીલ કાર્યોથી ઘડતર થાય, તેનાં પરિણામ રૂપે મનની વિકસિત પરિપક્વ સ્થિતિ જાગૃત થાય. મનની પરિપક્વતાને જ્યારે જીવંત જીવનનો મહિમા સમજાય, ત્યારે શરીરના જન્મ-મૃત્યુની ક્રિયાનો ભાવાર્થ સમજાતો જાય. આવી સમજમાં જો તરતાં રહેવાય તો શરીરની અંતિમ વૃદ્ધ અવસ્થા માટે અણગમો ન થાય, પણ મન વૃદ્ધિની ગતિના સોપાન ચઢતું જાય. વૃદ્ધ અવસ્થામાં શરીરના અંગોની તથા ઈન્દ્રિયોની શિથિલ થતી પ્રક્રિયાઓ સાથે મનની વિચારવાની અને સ્મરણમાં રાખવાની શક્તિ પણ શિથિલ થાય. એટલે નવીન વિચારોના ઢાળ પર ઢળી શકવાનું ઘણીવાર મુશ્કેલ લાગે. તેથી પ્રૌઢ અવસ્થામાં જ સૂક્ષ્મ સમજની સરિતામાં જો તરતાં રહેવાય તો શરીરની વૃદ્ધ અવસ્થાની શારીરિક ખોટ જ્યારે ઉદ્ભવે, ત્યારે સમજથી પરિપક્વ થયેલું મન તે ખોટ સાથે સમન્વય સાધી શકે. પછી જિવાડનાર પ્રભુની આત્મીય ચેતના સાથે સંવાદ રૂપે સ્વાનુભૂતિના આનંદને પણ માણી શકે. મનની એવી પરિપક્વતા હોય તો વૃદ્ધ અવસ્થાની લાચારી નહિ લાગશે, પરાધીનતાનું દુ:ખ નહિ લાગશે, પણ સૂક્ષ્મ સમજની પ્રૌઢતાથી ગૌરવયુક્ત જીવન જીવી શકાશે અને સ્વમય ચતનમાં સ્થિત રહેવાનું મુશ્કેલ નહિ લાગશે.
બાળપણની અવસ્થામાં જ્યારે શિશુ સ્થિતિ હતી, ત્યારે વિચારવાની કે બોલવાની ક્ષમતા જાગૃત થઈ ન્હોતી. શિશુ સ્થિતિમાં તો માતા-પિતાના વહાલમાં સ્નાન થયાં કરતું હતું. માતાની વાત્સલ્યભરી અમીદૃષ્ટિ સાથે જો પ્રેમભર્યો સ્પર્શ ન મળે, તો રુદનની બોલીથી માતાના ખોળામાં રહેવાનું સૌભાગ્ય મેળવી લેવાતું હતું. બાળપણના એવા સૌભાગ્ય રૂપી લાલન પાલન પછી તબક્કાવાર શિક્ષણની તાલીમ શરૂ થઈ. એવી તાલીમના લીધે મનની વિચારવાની, સમજવાની, કે અનુભવવાની પ્રક્રિયાનો વિકાસ થતો ગયો. તરુણ અવસ્થામાંથી યુવાન અવસ્થામાં પ્રવેશ થયો અને વિવિધ વિષયોનું શિક્ષણ મેળવતાં રહ્યાં. એમાં મન રૂપી બાગનાં વિકાસમાં કેટલાંયે પ્રકારના વિચારો રૂપી ફુલો ખીલતાં રહ્યાં. જ્યાં જ્યાં વિચારોની હારમાળામાં નવીન વિચાર રૂપી ફુલની ખોટ વર્તાઈ ત્યાં ભૂલ રૂપે અટકી જતાં હતાં. તે વખતે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો અને વધારે તો શિક્ષકોનો સહયોગ મળવાથી અટકેલી મનની ગતિ આગળ પ્રયાણ કરી શકી. તેઓના સહયોગ સાથે જો વિકાસશીલ ભાથું અર્પણ કરતાં પુસ્તકોનો સહારો ન હોત, તો મનની કેળવણી અધૂરી રહેતે એવું માનવું અયોગ્ય નથી. કારણ આપણાં માતા-પિતા સહિત શિક્ષકોએ પણ શિક્ષણની તાલીમ માટે અથવા મનના વિકાસની પ્રગતિ માટે પુસ્તકોનો જ આધાર લીધો હોય છે. નિશાળમાં કે કોલેજમાં શિક્ષકો જે વિદ્યાનું દાન અર્પે, ત્યારે પુસ્તકોના શબ્દોને વાણીથી પ્રગટાવે. વિદ્યાર્થી તે વિદ્યા દાનની વાણીને ઝીલે, પછી તેને મનમાં અંકિત કરવા માટે પુસ્તકનો સહારો લે.
જે ખરો અભ્યાસુ વિદ્યાર્થી હોય અથવા વાંચન પ્રેમી હોય, તે એક પુસ્તકને કે ચોપડીને જ્યારે હાથમાં પકડે, ત્યારે એનાં બાહ્ય પૂઠાંના રંગને જોવાં કરતાં એમાં છપાયેલાં શબ્દોને વાંચવાનો આનંદ માણે છે. પુસ્તકમાં જે વિષયનું લખાણ રજૂ થયું હોય, તેનો જો સ્વીકાર થાય તો મનના બાગમાં નવીન ફુલો રૂપી વિચારોની સુંદરતા વધતી જાય. આમ વાંચવાના આનંદથી અને નવીન વિચારોની સુંદરતાથી શરીરના અંગોની ક્રિયામાં રોગ પ્રતિકારક રસાયણોનું બળ પુરાતું જાય તથા મગજના વિદ્યુતિ રસાયણો(ન્યૂરોટ્રાન્સમીટર) દ્વારા સ્ફુર્તિદાયક સ્થિતિ પ્રગટતી જાય. વર્તમાન સમયમાં પુસ્તક પ્રેમીઓની સંખ્યા ઘટતી જાય છે. કારણ હવેનો જમાનો છે ઈ-બૂકનો. કીન્ડલ નામની ઈ બૂક એટલે સ્માર્ટ ફોનમાં કાગળ વગરની બૂક. જેમાં એક સાથે ઘણાં બધા પુસ્તકોનું લખાણ હોય. તમને જ્યારે સમય મળે ત્યારે જે લેખકનું વાંચવું હોય તે મળી શકે. ઘણાં લેખકો પોતાના પુસ્તકોને ઈ-બૂક રૂપે રજૂ કરે છે. એટલે ઘણાં લોકો પૈસા ખર્ચીને પુસ્તક ખરીદવાને બદલે ઈ-બૂકની એપ પર વાંચન કરે છે. ઈ-બૂક કે સ્માર્ટ ફોનની સુવિધા ભવિષ્યમાં વધતી જશે. છતાં આપણાં જેવાં સમાચાર પત્રોનું વાંચન કરનારા ઘટશે નહિ. દર રવિવારે મધુવન પૂર્તિને હાથમાં પકડીને વાંચવાનો આનંદ તો વાંચનાર જ અનુભવી શકે. ખરેખર `જન્મભૂમિ' સમાચાર પત્રનું છાપવાનું કાર્ય કરનારાઓનો તથા સંપાદકશ્રીનો તથા લેખકોનો આભાર માનવાના શબ્દો પણ ઓછાં પડે!
માનવી મનનું ઘડતર યોગ્ય વિચારોથી ઘડી શકાય છે. શબ્દોના સહારે વિચારો રૂપી માળા મન ગૂંથતું રહે છે. એટલે શબ્દોનો અર્થ સમજાયો હોય તો વિચારોની માળા સહજ ગૂંથાતી રહે અને અર્થ સમજવામાં પણ બીજા શબ્દોનો સંગ થતો જાય. આમ શબ્દોના આધારે વિચારવાનું કે સમજવાનું કાર્ય થાય તથા વાણીથી વ્યક્ત થાય. તેથી અન્ન, પાણી, હવા જેટલું જ મહત્ત્વ અક્ષર શબ્દોનું છે. પરંતુ જ્યાં સ્નેહ, પ્રેમ, લાગણીનો અનુભવ હોય ત્યાં શબ્દનો પનો ટૂંકો પડે છે. ઘણીવાર શબ્દ રહિત મૌન સ્થિતિ રૂપે થયેલાં પ્રેમના અનુભવની તૃપ્તિનું વર્ણન શબ્દોથી કરવું મુશ્કેલ બની જાય. આ હકીકતને જાણનારો જિજ્ઞાસુ ભક્ત જ્યારે શબ્દના સહારે સ્વયંને જાણવાનો પુરુષાર્થ કરે, ત્યારે આરંભમાં શબ્દોનો ભાવાર્થ ગ્રહણ કરાવતો અભ્યાસ થાય. એમાં એને મનોમંથન રૂપે સમજાતું જાય કે, "સ્વ સ્વરૂપની આત્મીયતામાં એકરૂપ કરાવતાં ચતનથી મારા મનની સ્વથી અજાણ રહેતી મનોદશા ઓગળતી જાય છે. પરંતુ જ્યાં સુધી સ્વ અનુભૂતિની અંતર યાત્રા નહિ થાય, ત્યાં સુધી હું પોતાની આત્મીય પ્રીતનો આનંદ માણી શકતો નથી. તેથી સ્વ અનુભૂતિની અંતર યાત્રા માટે શબ્દ રૂપી બસમાં બેસવાનો (ભાવાર્થ સમજી ચતનમાં સ્થિત થવાનો) પુરુષાર્થ કરતો રહીશ. પરંતુ સ્વ અનુભૂતિ રૂપી બસ સ્ટોપ પર ઊતરી જઈશ ત્યારે બસનો સંગાથ છૂટી જશે. કારણ બસનો(શબ્દનો) સંગાથ છૂટે તો જ બસ સ્ટોપ પર ઊતરવાનું(સ્વ અનુભૂતિમાં સ્થિત થવાંનું) શક્ય થાય.” આવું મનોમંથન થાય ઋષિ વાણીએ પ્રગટાવેલાં શબ્દોથી. એ શબ્દોના લખાણની રજૂઆતને શાસ્ત્રોની પોથી કે ગ્રંથ કહેવાય. પરંતુ પ્રભુ પ્રેમનાં અંતર સાગરમાં તરવા માટે, એટલે કે સ્વાનુભૂતિમાં સ્થિત થવા માટે પોથી, કે શાસ્ત્રોના શબ્દોનો સહારો પણ છોડવો પડે તે હકીકતને પ્રસ્તુત પદ્ય પદથી સ્વીકારીએ અને સ્વ અનુભૂતિમાં સ્થિત થવાં પ્રભુ કૃપાને યાચીએ.
પ્રભુને પ્રેમ કરવાની રીત ન હોય, એની પોથીઓ ન હોય, પોથીઓનાં પ્રેમ તો પ્રમાણસર હોય;
પ્રભુ પ્રેમમાં તરવા પોથીઓ ન વંચાય, કારણ પોથીઓમાં ક્યાંય પ્રભુ પ્રેમનું નથી લખાણ;
ભાવભર્યો નિર્મળ પ્રેમ અને ભાવભીની ભક્તિ, લઈ જાય ભક્તને પ્રેમના અંતર સાગરમાં;
ડૂબતાંને તરતા શીખવાડે તારણહાર, તમે ઝંપલાવો જલ્દી પ્રેમના અંતર સાગરમાં. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા