પ્રાણશક્તિનું સાત્ત્વિક ધન : ભક્તિભાવ
ભક્તની કલમને કોઈ દી કિનારો ન હોય, એની કલમ તો હૃદયને કોરી નાંખે;
ભક્તિની તલ્લીનતામાં ભક્તને પૂછજો કે, ભગવાન ક્યાં મળે એ લખાવો;
તો ભક્ત કહેશે કે, "મારું હૃદય કોરીને જો, ભગવાન બેઠાં છે, એનો ભાવ વહે છે”;
એવી બેઠકમાં બેસી ભક્ત તો ભક્તિમાં લીન રહે અને ભગવાન એની કલમ ચલાવે.
શ્રેષ્ઠ ભક્તના ભાવને ઓળખવાની કોઈ પારાશીશી આ જગતમાં નથી. એ તો અમૂલ્ય ભાવ રૂપી સાગરના ઊંડાણમાં તરતો રહે. એવાં ભક્તના ભાવનું મૂલ્યાંકન શબ્દોથી કરી ન શકાય, કે એનાં પ્રેમ, ભાવને માપી ન શકાય. તેથી કોઈ પદાર્થ કે વસ્તુને એની કિંમતથી જેમ આંકીએ, તેમ ભક્તના ભાવની કિંમત આંકી ન શકાય. આજે ભાવની ભરતી હોય અને કાલે ભાવની ઓટ આવે એવી વધઘટ શ્રેષ્ઠ ભક્તના ભાવમાં ન હોય. એટલે ભાવતાલની જેમ ભક્તના સ્વભાવનું પણ મૂલ્ય આંકવાનો પ્રયત્ન કરવો નહિ. કારણ ભક્તના ભાવ રૂપે ભગવાનનો ભગવત્ ભાવ પ્રગટે છે. ભગવાનનો ભગવત્ ભાવ એટલે આત્મીય ચેતનાનો સ્ત્રોત, જે પ્રાણની ઊર્જા રૂપે પ્રકાશિત થઈને વહેતો રહે છે. આપણને સર્વેને ભગવાનની પ્રાણ શક્તિ કોઈ પણ ભેદભાવ વગર સતત શ્વાસ રૂપે પ્રાપ્ત થતી રહે છે. દેહધારી જીવંત જીવન જીવવા પૂરતું જ પ્રાણનું આત્મીય ધન સામાન્ય મનુષ્ય ધારણ કરે છે. પરંતુ ભક્તિ ભાવ રૂપે ભક્તમાં પ્રાણ શક્તિના સાત્ત્વિક ધનની વિશેષતા પ્રગટતી રહે છે. એવી વિશેષ ધનની જાગૃતિ રૂપે સાત્ત્વિક ગુણોનું સત્ત્વ પ્રગટતું રહે. જે ભક્તને અંતરની સૂક્ષ્મતામાં વિહાર કરાવે તથા સ્વાનુભૂતિમાં સ્થિત કરાવે. આમ સ્વયંની સાત્ત્વિકતાને જાગૃત કરાવતું મનનું અણમોલ વાહન ભગવાને મનુષ્યને અર્પણ કર્યું છે, જેથી તે જીવતાં જ સાત્ત્વિક ધનને ભોગવી શકે. જે મનુષ્ય અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહીને આત્મીય ધનની જાગૃતિને ધારણ કરે, તે જાગૃતિને કહેવાય માનવીમાંથી ભક્તનો પ્રાદુર્ભાવ.
આત્મીય ચેતનાની દિવ્યતાનું જેમ કોઈ પ્રમાણ નથી અથવા એનાં સાત્ત્વિક ગુણોને ગણી ન શકાય; તેમ શ્રેષ્ઠ ભક્તના ભાવની માપણી કરી શકાય એમ નથી. ભાવ રૂપે આત્મીય ચેતનાની ઊર્જાના તરંગો ભક્તની ભક્તિ રૂપે પ્રસરતા રહે. એવાં ભાવનાં તરંગોથી બીજા જિજ્ઞાસુ માનવીના વિચારોની અશુદ્ધિનું પરિવર્તન થતું જાય. તેથી જો કોઈ જિજ્ઞાસુ એવાં શ્રેષ્ઠ ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે રહે, તો સાત્ત્વિક ભાવના તરંગોનો સ્પર્શ થતાં જિજ્ઞાસુ વિચારોને અંતર યાત્રાનો ઢાળ સહજ મળતો જાય. એવાં ઢાળ પર ઢળતા સ્વમય ચતનમાં સ્થિત કરાવતું ભાથું મળી જાય. ભાથું એટલે મનને એવું પોષણ મળે, જે સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવાની લગની લગાડે તથા એનાં સૂક્ષ્મ ભાવાર્થને ગ્રહણ કરાવી સાત્ત્વિક વર્તનમાં સ્થિત કરાવે. પ્રભુ કૃપા રૂપે સાત્ત્વિક પોષણનું ભાથું ધારણ થાય તો મનનું ઉચ્ચતમ પારદર્શક સ્વરૂપ પ્રગટતું જાય, તેને કહેવાય નિ:સ્વાર્થ પ્રેમભાવનું હૃદય. પૂજા, પઠન, ઉપવાસ, કે શાસ્ત્રોનો અભ્યાસ વગેરે પ્રવૃત્તિઓથી મનની હૃદયભાવની જાગૃતિ થતી નથી. જ્યાં સુધી સ્વયંને જાણવાની તાલાવેલી થતી નથી, કે સ્વયંમાં સમાયેલા આત્મીય ધનને ઉજાગર કરવાની જિજ્ઞાસા પ્રબળ થતી નથી, ત્યાં સુધી અંતરની વિશાળતાને કે સૂક્ષ્મતાને મન સમજી શકતું નથી. તેથી સત્સંગમાં, કે ગુરુના સાંનિધ્યમાં, કે તીર્થધામના પાવન વાતાવરણમાં થોડી ક્ષણો માટે ભાવની લહેરી જાગે પછી શમી જાય છે. ભાવની એવી વાછટમાં મન થોડીવાર માટે ભાવુક બને, પણ ભાવનું ચેતનવંત તરંગોનું સ્નાન થઈ શકતું નથી.
શ્રેષ્ઠ ભક્તનું અંતર જીવન એટલે ભગવત્ ભાવની પ્રસ્તુતિનું પરમાર્થી જીવન. એવી પ્રસ્તુતિ માટે તે કોઈ વિશેષ પ્રકારનો પુરુષાર્થ ન કરે. પરંતુ જેમ ફુલને સુગંધ પ્રસરાવવાનો પ્રયત્ન કરવો પડતો નથી, એ તો ફુલની હાજરીમાં આપોઆપ પ્રસરે છે, તેમ ભક્તના ભાવની પ્રસ્તુતિ સહજતાથી પ્રકાશિત થતી રહે છે. જે જિજ્ઞાસુ ખરો અધિકારી પાત્ર હોય, તે ભક્તના ભાવની સાત્ત્વિકતાને ઝીલી શકે. એવાં પ્રકાશિત સ્પંદનોનાં ભાવની પ્રસ્તુતિ વિચારોથી ન થાય. જ્યારે એક માતા પ્રેમભાવથી પોતાના બાળકને ખોળામાં સુવાડે છે. ત્યારે હાલરડું ગાય છે. બાળક તે હાલરડાંનાં શબ્દોને સમજી ન શકે પણ માતાના કંઠમાંથી વહેતાં સૂરને અનુભવી શકે છે. કારણ માતાના સૂરમાં તે ક્ષણે કોઈ રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ નથી, પણ વહાલનો ધોધ વહેતો હોવાંથી બાળક માતાના પ્રેમભાવમાં એકાકાર થઈને સૂઈ જાય છે. પ્રેમભાવનું પોષણ વિચારોની ગેરહાજરીમાં પ્રગટે છે. તેથી થોડી ક્ષણો માટે વિચારોને બદલે ભાવ વહે, ત્યારે ભાવની ઊર્જાના સ્પંદનો સંતોષ, તૃપ્તિ, શાંતિનો અનુભવ કરાવે છે. એટલે જ શ્રેષ્ઠ ભક્ત જ્યારે ભગવાનની સ્તુતિ કરે કે ભજન ગાય, ત્યારે ભાવના સ્પંદનો આપમેળે પ્રસરે, તે ક્ષણે બીજા જિજ્ઞાસુઓને પ્રેમનું, સંતોષનું પોષણ સહજ મળતું જાય. શ્રેષ્ઠ ભક્ત કદી એવું ન વિચારે કે `મારામાંથી ભાવ વહે છે અથવા ભાવ વહે એવાં વર્તનમાં મારે સ્થિત રહેવું જોઈએ.' કારણ સાત્ત્વિક વિચારોના પરિણામથી ભાવની જાગૃતિ નથી થતી. જ્યારે મારું-તારું, કે હું-તું એવાં ભેદની સીમા છૂટી જાય, ત્યારે મનની વૃત્તિઓનું સમર્પણ થતાં ભાવ સ્વયંભૂ પ્રગટે છે.
જેમ દરિયા કિનારે ચાલીએ ત્યારે પાણીની લહેરીઓને જોવાનો આનંદ આવે છે. પરંતુ કિનારો છોડીને પાણીમાં તરીએ ત્યારે પાણીના શીતળ સ્પર્શનો આનંદ અનુભવાય. તે ક્ષણે કિનારો નથી પણ ચોતરફ આજુબાજુ માત્ર પાણી જ હોય; તેમ મન જ્યારે સાત્ત્વિક વિચારો રૂપી કિનારે ચાલે, ત્યારે મનોમંથનથી સૂક્ષ્મ સમજ ગ્રહણ થતાં મન ખુશ થઈ જાય. પરંતુ તે સૂક્ષ્મ સમજ અનુસાર આચરણમાં સ્થિત થવા માટે જો વિચારો ઓછાં થાય તો અંતરધ્યાનની સ્થિતિમાં મન લીન થાય. તે ક્ષણે વિચારો નથી પણ સાત્ત્વિકભાવની આત્મીયતામાં મન ખોવાઈ જાય. પાણીમાં તરતી વખતે પાણીના સ્પર્શનો આનંદ છે, એ જ રીતે વિચારોનું મૌન હોય એવી અંતરધ્યાનસ્થ સ્થિતિમાં ભક્ત ભાવમાં તરતો રહે, ત્યારે ભક્તનો ભાવ સ્વયંના આત્મીય ભાવમાં ખોવાઈ જાય. તેથી ભકત કદી ભૂતકાળમાં ન ભટકે, કે સમજણની અથવા સ્વ અનુભવની વિદ્વત્તાનું વર્ણન ન કરે, કે સફળતા-નિષ્ફળતાનું વિવેચન ન કરે. ટૂંકમાં ભાવમાં તલ્લીન રહેતાં ભક્તને સ્વયંની સ્થિતિનું વર્ણન કરવું પડતું નથી. એને આજુબાજુ સર્વત્ર ભાવની આત્મીય ચેતનાની જ અનુભૂતિ થાય. ભાવ સિવાય બીજી સ્થિતિ નથી તો શબ્દોથી જણાવવાનું શેષ બચતું નથી. એટલે ભક્ત જે પણ કર્તવ્ય કરે, એમાં ભાવની પ્રસ્તુતિ આપમેળે થતી રહે છે. એવાં શ્રેષ્ઠ ભક્તને કોટિ કોટિ પ્રણામ. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા