ભાર્યા વૃત્તિના ભાવથી મૂકો સર્વસ્વ પ્રભુમાં
ભાવનાના શિખરે પહોચવા ખોદો હૃદયના ખૂણે ખૂણાં,
હૃદય છે ભાવનું સરોવર, ખૂણે ખૂણેથી પ્રગટે ચેતનાના ઝરણાં;
સાત્ત્વિક વિચારોના સ્ફુરણને પ્રગટાવે ચેતનાના ઝરણાં,
ત્યારે સૂક્ષ્મ સમજથી ઊભરાય હૃદયનું સરોવર;
નિ:સ્વાર્થ પ્રેમના ભાવને જગાડવા સમજો સૂક્ષ્મ સૃષ્ટિની વિશાળતા
અને ભાર્યા વૃત્તિના ભાવથી મૂકો સર્વસ્વ પ્રભુમાં;
પ્રભુ નામમાં તરબોળ થઈ આત્મીયભાવનો તાર જ્વલંત કરો,
વિદ્વત્તાને વિયોગ આપી વિશાળતાની યોગ્યતા સમજો.
શ્રેષ્ઠ ભક્તોએ પ્રાચીન કાળથી આપણી ભારત ભૂમિ પર ભક્તિના સ્પંદનો વહેતા મૂક્યાં છે. ભક્તો દ્વારા પ્રભુ નામની મહત્તાનું સુદર્શન થતાં, માનવી મનને સ્વયંની હસ્તીની ઓળખ કરાવતા રાહનું માર્ગદર્શન મળ્યું છે. ભક્તિ એટલે જ સ્વયંના આત્મ સ્વરૂપથી જાણકાર થઈ, આત્માના સાત્ત્વિક ગુણોની જાગૃતિને ધારણ કરવી. એવી જાગૃતિનું જીવન એટલે જ જ્ઞાન-ભક્તિનું સદાચરણ. ભક્તિ અને જ્ઞાન, એવી બે જુદી દિશા નથી. ભક્તિ એટલે જ જ્ઞાન અને જ્ઞાન એટલે જ ભક્તિ, તથા જ્ઞાન-ભક્તિનું સદાચરણ એટલે જ અકર્તાભાવની કે સમર્પણભાવની જાગૃતિ. સ્વયંની ઓળખ કરાવતી, સ્વયંની ગુણિયલ પ્રતિભાનો અનુભવ કરાવતી અંતર યાત્રામાં જુદી જુદી દિશા નથી. પરંતુ અંતરના સૂક્ષ્મ સ્તરોના વિહાર સ્વરૂપે મન જેમ જેમ સ્વયંથી જાણકાર થતું જાય, તેમ તેમ હૃદયભાવની નિર્મળતા પ્રગટતી જાય. મનનું નિ:સ્વાર્થભાવનું સ્વરૂપ જ સ્વયંના અનુભવની સ્વાનુભૂતિમાં સ્થિત થઈ શકે છે. એટલે મનને સાત્ત્વિક વિચારોના ચિંતનમાં, પ્રભુ નામના કીર્તનમાં જિજ્ઞાસુભાવથી તરતું રાખીએ, તો હૃદયભાવની નિર્મળતા જાગૃત થાય. ભાવની નિર્મળતાને સૌએ અનુભવી છે. શિશુ અવસ્થામાં રાગ-દ્વેષવાળાં મનના વિચારો ન હોય, પણ લાગણી, પ્રેમની ભાવભીની ધારા વહેતી હોય. એવી ભાવની ધારાનો ઉછેર માતા-પિતાના પ્રેમથી થયો, પરંતુ બાળપણની વિદાયમાં ભાવની નિર્મળતા ઓછી થતી ગઈ અને શિશુ અવસ્થામાં અનુભવેલાં પ્રેમભાવની ધારામાં ઝબોળાઈ જવા માટે, બાહ્ય જગતના ઈન્દ્રિયગમ્ય વિષયો પાછળ માનવી દોડતો રહ્યો. વિષય ભોગની એવી દોડ જો રાગ-દ્વેષના ભેદભાવ વગર થાય, તો ભાવ જાગૃત થઈ શકે.
મનનું વાહન હૃદયભાવનું સરોવર ત્યારે બને, જ્યારે માનવ દેહનો મહિમા સમજાય તથા પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતું ચિંતન થાય. માનવ દેહનો મહિમા સમજાય તો અનુભવાય કે, સર્વત્ર પ્રભુની ચેતનાનું પ્રસરણ ઊર્જા સ્વરૂપે હોવાંથી, જીવંત સ્થિતિ રૂપે દરેક કૃતિઓ જીવે છે. શરીરમાં સતત થતી વિવિધ અંગોની ક્રિયાનો મહિમા જણાતાં, પ્રભુની ચેતનાની પ્રત્યક્ષ હાજરીનો સ્વીકાર થાય અને મન અહોભાવથી છલકાતું જાય. સૂક્ષ્મ સમજ પછી ગ્રહણ થતી જાય કે, પાણીનું પ્રવાહી સ્વરૂપ જેમ સંગઠિત થઈને બરફનો આકાર ધારણ કરે છે; તેમ ઊર્જાની ચેતનાના પ્રકાશિત વહેણ સંગઠિત થતાં, આકારિત કૃતિઓનું રૂપ પ્રદર્શિત થાય છે. ઊર્જાની ચેતનાના વહેણ જીવકોશની સૂક્ષ્મ કૃતિ રૂપે સ્વયંભૂ પ્રદર્શિત થાય છે અને અનેક જીવકોશના સંગઠનથી માનવ આકારના શરીરની રચના થાય છે. આ નિરાકારિત ઊર્જાનું આકારિત કૃતિ સ્વરૂપે પ્રદર્શિત થવું, એ માત્ર શબ્દોનાં આધારે જાણવાથી મનની રાગ-દ્વેષની વૃત્તિઓ, કે કર્તાભાવનો અહંકાર ઓગળશે નહિ. તેથી મનને પ્રભુ નામમાં સ્થિત કરાવતાં સ્વમય ચિંતનમાં ઓતપ્રોત કરવું પડે. સૂક્ષ્મ ક્રિયાઓનાં જ્ઞાનમાં મન જો અહોભાવથી તરતું રહે, તો હૃદયભાવનું સરોવર મન બની જાય. એકવાર પ્રયત્ન થાય પોતાના શરીરના કોઈ પણ અંગની ક્રિયાને જાણવાનો, તો વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે એટલું તો સમજાય કે શરીરની ભીતરમાં થતી ક્રિયાઓ ઊર્જાની આત્મીય ચેતનાની હાજરીના લીધે સતત થતી રહે છે. એવી જાણ રૂપે મનનો અહંકારી સ્વભાવ પીગળતો જશે અને પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા તરફ મન ઢળતું જશે. અહંકારી વૃત્તિઓ પીગળે, પછી ભાર્યાભાવ જાગૃત થાય.
ભાર્યા એટલે પત્ની. એક પત્ની જેમ પોતાનું સર્વસ્વ પતિને ભાવથી અર્પે છે; તેમ ભક્ત સર્વસ્વ એટલે કે પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, અપેક્ષાઓ, સિદ્ધાંતો અર્થાત્ ભૂત-ભવિષ્યના વિચારોવાળું મન સમર્પી દે છે પ્રભુનામનાં સ્વમય ચિંતનમાં. એવો ભક્ત સમર્પણભાવથી, અકર્તાભાવથી કર્મ કરતો રહે. મનનું આવું ભાર્યાભાવ રૂપે સમર્પણ થાય, ત્યારે સ્વયંની આત્મીય ચેતનાની સ્વાનુભૂતિ કરાવતાં ચેતનાના ઝરણાં પ્રગટતાં જાય. એવાં ઝરણાંનું પ્રાગટ્ય સાત્ત્વિક વિચારોને પ્રગટાવે, તથા ભાવની ધારાના સ્પંદનોનો અનુભવ કરાવે, ત્યારે ચેતનાના સાત્ત્વિક ગુણોની પ્રતિભા ભક્તના વર્તન રૂપે પ્રગટતી જાય, તેને કહેવાય જ્ઞાન ભક્તિનું સદાચરણ. ભક્તિના સદાચરણથી આત્મ સ્વરૂપની ઐક્યતામાં એકરૂપ થવાય અને સ્વયંની આત્મીય ગુણોની સાત્ત્વિકતા વિચાર-વર્તન રૂપે પ્રકાશિત થતી જાય.
આમ ભાર્યા વૃત્તિની જાગૃતિમાં ચેતનાની ગુણિયલ સંપત્તિનો ભોગ સમર્પણભાવથી ભક્ત કરે છે. જ્ઞાની ભક્તના સમર્પણભાવનું ઊંડાણ સમજવા માટે જળની સાત્ત્વિક ક્રિયાને સમજીએ. જળના વહેણ જ્યાં પણ વહે, ત્યાં એનો કોઈ સ્વીકાર કરે કે ન કરે, એનો હર્ષ કે શોક જળને ન હોય. એને એવી ચિંતા પણ ન હોય કે, સંસ્કારી કે અસંસ્કારી જીવ એનો કેવા પ્રકારનો ઉપભોગ કરશે. માનવીઓ જળની ધારામાં અશુદ્ધિને, ગંદકીને વહેતી મૂકે, તો પણ તે અશુદ્ધિને ઓગાળી દઈ પોતાનું સંપૂર્ણ સત્ત્વ સમર્પિત કર્યા કરે છે, એ જ રીતે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જે પણ આવે. જેવી જેની અંતર યાત્રાની જિજ્ઞાસા, તે પ્રમાણે સાત્ત્વિક ગુણોનું ધન ભક્તિ રૂપે સમર્પિત થતું રહે. જ્ઞાની ભક્ત કદી વિચારે નહિ કે મારે પ્રભુનું ધન અર્પણ કરવું છે. કારણ એની અવિચારિત ભાવની સ્થિતિ હોય છે. અવિચારિત ભાવનું સરોવર છલકાય, ત્યારે આત્મીય ચેતનાના સાત્ત્વિક ગુણોના ઝરણાં સ્વયંભૂ ઝરતાં જાય અને જિજ્ઞાસુ પાત્રને જ્ઞાન-ભક્તિના સદાચરણનું પોષણ મળતું જાય. એવા પોષણના અર્પણની સૂક્ષ્મ ક્રિયામાં ન હોય રાગ-દ્વેષ કે વિદ્વત્તાનો અહમ્, હોય માત્ર ભાર્યા ભાવનું સમર્પણ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા