દિવ્ય પ્રેમ છે પુરાતન પ્રભુ સ્વરૂપ
હે પ્રભુ! આજે તો મને તારી નજરોમાં રાખજો, આંધી આવી છે પ્રેમની હૃદયમાં;
છાંયડો તારો આપજો, નથી મારી આ સંસારી માંગણી, આ તો `મા'ગણીને માંગું છું;
અંધારી રાત્રીએ નીકળ્યો છું, હૃદયમાં સ્વમય ચતનની જાગૃતિનો દીવો છે સાથમાં;
જ્યોત પ્રજ્વલિત તે કરી, તારી યાદમાં ખોવાયેલો રાખે, કોને કહેવાય આત્મીય સંબંધની વાતો?
પ્રભુ પ્રેમના સ્પંદનોને ભક્ત જ્યારે સ્વમય ચતનની એકાગ્રતાથી અનુભવતો જાય, ત્યારે એની તન-મનની ક્રિયાઓનું આમૂલ પરિવર્તન થતું જાય. કારણ પ્રેમના સ્પંદનો રૂપે ઊર્જાના વિશેષ તરંગો પ્રગટે. વિશેષ રૂપે ઊર્જા ધન પ્રગટે ત્યારે મનનાં વિચારોમાં પ્રસરી જાય ભાવની ધારા. હૃદયનો પ્રેમ ભાવ સ્વયંભૂ પ્રગટે છે અને તે અંતરની સૂક્ષ્મતામાં ઓતપ્રોત થઈ સ્વયંનું સંવેદન ઝીલે. સ્વયંનું સંવેદન ઝીલવું, એટલે હું ચેતના છું તેની પ્રતીતિ થવી. એવી પ્રતીતિના લીધે કાર્ય કરતી વખતે ચેતનાના દિવ્ય સ્પંદનો અનુભવાય. આમ દિવ્ય સ્પંદનોનું વિશેષ ઊર્જા ધન ધારણ થાય, ત્યારે પ્રેમના મ્યાનમાં રહીને મન પોતાના સ્વ સ્વરૂપના સંવેદનમાં ઓતપ્રોત થતું જાય. લૌકિક વ્યવહારમાં પ્રેમ શબ્દનો ઉચ્ચાર થાય, પ્રેમ વિશે વૃત્તાંત થાય, પણ અલૌકિક અંતર યાત્રામાં પ્રેમનું કદી વૃત્તાંત ન હોય. આપણાં સૌનું અસ્તિત્વ પ્રેમ સ્વરૂપનું જ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે જ પ્રેમાનંદ સ્વરૂપની આત્મીય ચેતના. તેથી જ દરેક માનવીને અથવા દરેક જીવને પ્રેમનો અનુભવ ગમે છે. જ્યાં સુધી મન એવું માને કે એને અમુક વ્યક્તિ કે વસ્તુની સંગમાં પ્રેમ મળે છે, ત્યાં સુધી સ્વયંના આત્મીય સ્વરૂપની પ્રતીતિ થતી નથી. માનવીનું મન અને ભક્તના મનનો એટલો જ તફાવત છે કે, ભક્ત કદી પ્રેમનું વકતવ્ય શબ્દોથી રજૂ ન કરે, પણ એનાં સાત્ત્વિક ભાવનાં પ્રેમાળ વર્તનથી પ્રેમના સ્પંદનો આપમેળે પ્રગટે અને માનવી મનનો પ્રેમ કોઈક વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિના આધારે પ્રતિક્રિયા રૂપે પ્રગટે.
પ્રેમના સ્વયંભૂ થતાં અનુભવનો દાખલો જો ગણવો હોય, તો પ્રથમ પ્રભુ સાથેની ઐક્યતાને જાણવાનો કે સમજવાનો અભ્યાસ કરવો પડે. એવાં અભ્યાસ રૂપે જીવનું સ્વરૂપ સમજાય અને માનવી જીવનની શ્રેષ્ઠતાનો સ્વીકાર થાય. `હું આકારિત દેહ નથી પણ આત્મીય ચેતના છું', એવી સમજના ઊંડાણમાં મન સૂક્ષ્મ સૃષ્ટિથી પરિચિત થતું જાય, તથા સ્થૂળ-સૂક્ષ્મ-સૃષ્ટિની આધારિત ક્રિયાઓનો ભાવાર્થ સમજાતો જાય. અભ્યાસ-અધ્યયનની પરિપક્વતામાં રૂઢિગત વિચારોનું મનનું સંકુચિત માનસ ઓગળતું જાય, પાઠ-પૂજાની કર્મકાંડની વિધિઓનું વળગણ છૂટતું જાય, મારું-તારું-પરાયુંના ભેદભાવ રૂપી સરવાળા ભૂલાતાં જાય. પછી સાત્ત્વિક ભાવની વૃદ્ધિ કરાવતો સ્વમય ચતન રૂપી ગુણાકાર થતો જાય. લૌકિક જીવનના સંબંધોમાં તથા પ્રકૃતિ જગત સાથેના આદાનપ્રદાનના સંબંધોમાં પ્રેમ ભાવનો સરવાળો થતો જાય. ભક્તની આવી સ્વમય અનુભવોની અંતર યાત્રાથી એનું મન પોતે જ પ્રેમનું મ્યાન બની જાય. પ્રેમ ભાવ રૂપી મ્યાન એટલે રાગદ્વેષાદિ અહંકારી વર્તન રહિત નિ:સ્વાર્થ પ્રેમનું આચરણ. એવાં ભક્તના સાંનિધ્યમાં પ્રેમની શાંતિ, પ્રેમની પ્રસન્નતા, કે પ્રેમની સૌજન્યતા અનુભવાય. કારણ અંતર ભક્તિ રૂપે થતાં અંતરધ્યાનની સ્થિરતામાં અજ્ઞાની, અહંકારી વૃત્તિઓનું આવરણ વિલીન થયું હોવાંથી, ભક્તમાંથી પ્રેમભાવના સ્પંદનો કોઈ પણ અવરોધ વગર પ્રસરતાં રહે છે.
જ્ઞાની ભકતના પ્રેમાળ સાંનિધ્યની મહત્તાને જે જિજ્ઞાસુ સમજે, તેનાં મનની દિશા પ્રેમના સ્પંદનોથી બદલાતી જાય અને સ્વ સ્વરૂપની વાસ્તવિકતા એને સમજાતી જાય. તે જિજ્ઞાસુને પછી અંતર યાત્રાની લગની શિથિલ થતું જાય. જિજ્ઞાસુ મનની સ્વમય અંતર યાત્રાની પ્રબળ ઈચ્છાની પૂર્તિ રૂપે, જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં દિવ્ય પ્રેમના સ્પંદનોનું પાવન દાન ધારણ થાય. તે પાવન દાનથી જિજ્ઞાસુ મનના વિચારો પર પ્રેમનો પ્રકાશિત રંગ પુરાતો જાય. પ્રેમનો રંગ એટલે તૃપ્તિનો આનંદ. સામાન્ય રૂપે માનવીને લૌકિક જીવનમાં દિવ્ય પ્રેમનો અનુભવ થતો નથી. શિશુ અવસ્થામાં બાળકને માતા-પિતાના વહાલમાં તે દિવ્ય પ્રેમનો અનુભવ થાય છે, કારણ તે વખતે મનનું રાગ-દ્વેષના વિચારોનું અહંકારી વર્તન નથી.
જ્ઞાની ભક્ત જેવાં ગુરુનું સાંનિધ્ય જો મળે, તો કુબેરનો ભંડાર પણ ઓછો કહેવાય. એવાં દિવ્ય પ્રેમના સ્પંદનોનું દાન ઝીલવા માટે, અથવા તે સ્પંદનોને ધારણ કરવા માટે જો મનમાં વિચારોનો ખળભળાટ ન હોય, તો સ્પંદનોની પૂર્તિથી મનોમન પ્રેમ વિહાતો જાય. એટલે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો દુન્યવી ઈચ્છાઓની માંગણી વગર, સંસારી મુશ્કેલીઓને દૂર કરવાની ઈચ્છા વગર સત્સંગ રૂપે રહેવાય તો મનમાં સાત્ત્વિક ભાવની કૂંપળો આપમેળે પ્રગટતી જાય. જિજ્ઞાસુ મનને પછી સત્-અસત્નો ભેદ સમજાય અને તન-મનનાં જીવન રૂપે સ્વયંના પ્રેમાનંદ સ્વરૂપને ભોગવવાનો કે માણવાનો આશય પરખાય. પછી આશય પૂરો કરાવતી જાગૃતિનું જીવન જિવાય, ત્યારે સંસારી ભોગની માંગણીઓ ઓછી થાય અને સાત્ત્વિક ભોગ રૂપે સાત્ત્વિક વિચારોના ભાવાર્થની સૂક્ષ્મ સમજ ધારણ થતી જાય. દુન્યવી ભોગ પછી પ્રભુ પ્રેમની છાયાથી ભોગવાય એટલે સંસારી ભોગની ઈચ્છાઓ ઓછી થતી જાય અને સાત્ત્વિક ભાવની જાગૃતિમાં પ્રેમની દિવ્યતા અનુભવાતી જાય.
જાગો તો જાગૃતિમાં અનુભવાશે પ્રેમનાં સ્પંદનો, તે કરાવશે કર્તવ્ય અકર્તા ભાવથી પ્રભુ નામનાં;
પ્રેમની જાગૃતિમાં પરોવાય પ્રેમની પ્રકૃતિ, જે બનાવે મનને પ્રેમની અલૌકિક ઝોળી;
તે ગીત ગાય પ્રભુ પ્રેમનાં, તે ગીત રૂપે પ્રભુ પ્રેમ વિહાય અને પ્રભુ પ્રેમ પુરાય;
એ પ્રેમની પુરાંત કોઈ દી નીકળશે નહિ, દિવ્ય પ્રેમ છે પુરાતન સ્વરૂપનું પ્રભુનું ધન. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા