Article Details

સત્સંગ થકી મનનો મેલ કાઢવો શક્ય છે

મારું-તારું-પરાયુંની જેલમાં જે બંધાઈને રહે, તેનાં વધતાં જાય મનના મેલ;

         મેલ મનનાં કાઢવા પ્રભુ નામમાં મન ડૂબે, તો મન બને સદ્ભાવનો મહેલ;

         સદ્ભાવથી જે જીવે, તે જેલના બંધનમાંથી મુક્ત થાય અને મહેલની ભવ્યતા જણાતી જાય;

         મહેલની ભગવત્‌ સ્વરૂપની આત્મીયતા અનુભવાય

અને સાત્ત્વિક ગુણોનો શણગાર ધારણ થતો જાય.

 

         પ્રાણી કે પક્ષીને પણ પાંજરાની જેલ જેવી સ્થિતિ ગમતી નથી, તેમ કોઈ પણ માનવીને જેલમાં રહેવું ન ગમે. મહેલમાં રહેવાનું કોને ન ગમે? જો કેદખાનામાં રહીને જીવવાનું ગમતું નથી, તો મનને આપણે રાગ-દ્વેષની હું પદની બેડીમાં શું કામ બાંધી રાખીએ છીએ? મનનું બંધન એટલે જ હું પદની કાંટાળી વાડ. મન એમાં બંધાઈને રાગ-દ્વેષ-ઈર્ષ્યા-નદા-શંકા વગેરે નકારાત્મક વૃત્તિ-વિચારોના વર્તનમાં ફરતું રહીને, સ્વયંના સૂક્ષ્મ-વિશાળ સ્વરૂપથી અજાણ રહે છે. આ અજાણતા કે અજ્ઞાનતાના લીધે પોતે પાંચ કે છ ફૂટનું શરીર છે એવી માન્યતામાં મન જીવે છે. શરીરના સંગમાં રહીને પોતાને આકારિત માનીને, શરીરની જેવી ક્ષીણ થવાંની વિકારી વૃત્તિમાં મન વીંટળાયેલું રહે છે. એટલે એવાં વિચારોનાં વર્તનમાં રહીને પોતાના સાત્ત્વિક ગુણોના સ્વભાવને મન વિસરી જાય છે. જેમ જનમટીપની સજા ભોગવનાર કેદી, જેલના બંધિયાર વાતાવરણથી એટલો ટેવાઈ જાય, કે વૃદ્ધાવસ્થામાં એને જો જેલમાંથી છોડવામાં આવે, તો બહારની દુનિયામાં જીવવાનું એને ફાવતું નથી અને બહારની દુનિયાની કુદરતી પ્રકૃતિની વાતોને તે વીસરી ગયો હોવાંથી જેલના વાતાવરણનું કે જૂની આદતોનું જ સ્મરણ રહે છે; તેમ હું પદની જેલમાં રહેતાં મનને સોઽહમ્‌ ભાવનાં વર્તનથી જીવવાનું ફાવતું નથી, એટલે હુંનું સંકુચિત માનસ પોતાના સીમિત વિચારોના ફોટા પાડી એ ફોટાની ફ્રેમમાં જ બંધાઈને રહે છે.

         સોઽહમ્‌ ભાવનું મનનું વિશાળ માનસ જાગૃત ત્યારે થાય, જ્યારે માનવી અનુભવે કે અહંકારી અજ્ઞાની વૃત્તિના વર્તનમાં પોતે બંધાઈ ગયો છે અને એવા બંધનના લીધે જીવનમાં સુસંસ્કારી, પરોપકારી વર્તનની પ્રસન્નતા અનુભવાતી નથી. જ્યાં સુધી પ્રભુની ચેતનાનો સ્વીકાર ન થાય, ત્યાં સુધી મુક્ત સ્વરૂપની પ્રસન્નતા કે વિશાળતાને મન અનુભવી શકતું નથી. હું પ્રભુની ચેતનાનો જ અંશ છું. અજ્ઞાનમાં બંધાયેલા મનને સ્વયંના મુક્ત સ્વરૂપની સ્મૃતિ થાય, એવાં સાત્ત્વિક વિચારોના અનેક પદોનું આલેખન તેઓએ કર્યું છે. તેઓ દર્શાવે છે કે મનનો મેલ કાઢવો અશક્ય નથી. જેમ એક ખેડૂત ખેતરમાં આખો દિવસ કામ કરે, ત્યારે એનાં શરીરની ત્વચા પર માટીનો મેલ જામી જાય છે. પરંતુ પાણીથી સ્નાન કરતાં તે મેલ નીકળી જાય છે; તેમ સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરાવતું સ્નાન જો દિવસમાં એકવાર પણ થાય, તો ધીમે ધીમે અહંકારી વૃત્તિના મેલ નીકળતાં જાય. એવું નથી કે એકવાર પાણીનાં સ્નાનથી જેમ શરીરનો મેલ નીકળી જાય છે, તેમ અજ્ઞાની વૃત્તિના મેલ તરત નીકળી જાય. કારણ ભવોથી આ મેલ ભેગો થયો છે અને આ જનમમાં પણ ભેગો કર્યો. વળી જ્યારથી મનને સ્નાન કરાવતી સત્સંગની પ્રવૃત્તિ શરૂ થઈ, ત્યારથી મેલ સદંતર ન લાગે એવું વર્તન સહજ થતું નથી. અર્થાત્‌ જૂનાં કર્મસંસ્કારો કંઈ એક ઝાટકે વિલીન નથી થતાં. તેથી અભ્યાસ, અધ્યયન, મનોમંથન, ચતન વગેરે શુદ્ધિકરણની પ્રક્રિયામાં મનને તરબોળ રાખવું આવશ્યક છે.

 

         સોઽહમ્‌ ભાવ એ કોઈ તત્ત્વ નથી, એ તો મનની શુદ્ધ ભાવની સરિતા છે,

જેને મહાસાગરમાં ભળવાની તમન્ના છે;

         તે હું જ છું, એવો સોઽહમ્‌ ભાવ જાગે,

ત્યારે અનુભવાય નસેનસમાં ફરતાં લોહીમાં આત્મીય ચેતનાની પ્રીત;

         નિ:સ્વાર્થ ચેતનાની પ્રીત સર્વે આકૃતિના અણુએ અણુમાં સમાયેલી છે,

તેની પ્રતીતિ જેમ જેમ થાય;

         તેમ તેમ સોઽહમભાવ સ્વરૂપે,

આત્મીય ચેતનાની પ્રસન્નતાને કર્મ-ફળની પ્રક્રિયાથી મન માણતું જાય.

 

         સોઽહમ્‌ ભાવની જાગૃતિથી જીવન જિવાય, ત્યારે જ સંતોષ કે તૃપ્તિના રંગોથી મન રંગાતું જાય. અર્થાત્‌ પોતાના સ્વ સ્વરૂપના સાત્ત્વિક ગુણોની ભવ્યતાને સોઽહમ્‌ ભાવથી માણવા માટે મનને સાત્ત્વિક વિચારોના અધ્યયનનું સ્નાન કરાવતાં રહીશું, તો તન-મનના જોડાણની જીવંત સ્થિતિને જિવાડતી આત્મીય ચેતનાનો સ્વીકાર થતો જશે. હું દેહ નથી, દેહને જાણનારો, દેહને ધારણ કરનારો છું, એવી જાગૃતિ એ છે મનની શુદ્ધ સ્થિતિ, જે સ્વયંની સૂક્ષ્મતાથી, વિશાળતાથી પરિચિત થતી જાય અને દેહની પ્રકૃતિ-આકૃતિ સ્વરૂપે ચેતનાનું નિવેદન ગ્રહણ કરતી જાય. ચેતનાનું નિવેદન સોઽહમ્ભાવની જાગૃતિ સ્વરૂપે થાય ત્યારે સ્વયંની મુક્ત સ્થિતિનો આનંદ અનુભવાય. આવી સ્વાનુભૂતિની ઊંચાઈએ પહોંચવા માટે મક્કમતાથી, નિષ્ઠાપૂર્વક આરોહણ થવું જોઈએ. જેમ જન્મેલું બાળક તરત ખોરાક ખાઈ ન શકે, પણ માનું દૂધ પીતાં પીતાં મોટું થાય, પછી પ્રવાહી ખોરાક અપાય અને દાંતથી પોતે ચાવતાં શીખે પછી જ ખોરાક પચાવી શકાય; તેમ સ્વયંની જાણ કરાવતાં સાત્ત્વિક વિચારોનો પ્રથમ ભાવાર્થ સમજવો પડે. અભ્યાસની નિષ્ઠાથી, શાસ્ત્રોનાં સહારે સ્વથી પરિચિત થવું, તે છે પ્રવાહી ખોરાક લેવાની મનની નાના બાળક જેવી સ્થિતિ. પછી ધીમે ધીમે સ્વ પરિચિત મન સાત્ત્વિક વિચારોના ચતન રૂપી ખોરાકને વર્તન રૂપે પચાવી શકે, ત્યારે હું પદની સીમિત વૃત્તિઓ વિલીન થતી જાય. એવાં પોષણથી મનનો સોઽહમ્‌ ભાવ જાગૃત થાય અને અંતરની નિરાકારિત સૂક્ષ્મતાનો સ્વીકાર થતો જાય. તે પછી સ્વયંના મહેલની પ્રતીતિમાં ચેતનાનું સંવેદન જાગૃત થાય, ત્યારે મનનું મૌન થાય અને અંતરધ્યાનની સહેલ શરૂ થાય. તે સહેલની મુક્ત ગતિમાં આત્મીય ગુણોનું આચરણ ધારણ થાય, ત્યારે હું દેહ નથી, આત્મા છું, એવી સ્વાનુભૂતિમાં તરતાં રહેવાય. પછી સ્વંયની ભાળમાં સ્વયં ખોવાઈ જઈને એકરૂપ થવાય એવી અનંતયાત્રા થતી રહે. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા