મોહવશ શરીરને અમર રાખવાની મથામણ
હે પ્રભુ! જો તું નથી તો હું પણ નથી, તારા સિવાય અહીં કંઈ નથી;
વિશ્વ ઉત્પત્તિ પહેલાં આદિમાં પણ તું હતો અને અંતમાં પણ તું જ હશે;
છતાં આ સૃષ્ટિમાં માનવીઓ એવું સમજે કે, આ બધું એનું પોતાનું છે;
દેહ જ્યારે ઢળી પડશે ત્યારે સમજાશે કે, શું પોતાનું હતું અને શું પાસે રહ્યું.
શહેરમાં કે ગામડામાં રોજદા જીવનની ઘટમાળ એવી હોય છે કે, સતત એક પછી એક પ્રવૃત્તિઓ માનવી કરતો રહે છે. સવારે પથારીમાંથી ઊઠે, તે પછી રાતે પથારીમાં સૂઈ જાય ત્યાં સુધી વિવિધ પ્રવૃત્તિઓનાં કાર્ય કરતો રહે છે. શારીરિક તેમ જ માનસિક પ્રવૃત્તિના કાર્ય થતાં જ રહે છે અને તે કાર્યો કરવામાં જ દિવસ-રાતનો સમય પસાર થઈ જાય છે. અમુક પ્રવૃત્તિઓ સામાન્ય રૂપે દરરોજ કરવી પડે. જેમકે બ્રશ કરવું, સ્નાન કરવું, ઘરની સાફસફાઈ કરવી, ખાવાનું બનાવવું વગેરે તથા આજીવિકા રળવા માટે દરરોજ નોકરી-ધંધાના વિવિધ પ્રકારના કાર્યો કરવાનાં હોય. આવી વિવિધ પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં બંધાયેલું મન, જીવનભર લૌકિક જીવનની ઘટનાઓમાં જ ખોવાયેલું રહે છે. ઘટનાઓ રૂપે તે વસ્તુ, વ્યક્તિ કે મનગમતી પરિસ્થિતિના મોહમાં આસક્ત થઈને જીવે છે. એટલે પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં પોતે કેદ થઈને જીવે છે એવો બંધનનો અનુભવ થતો નથી. આમ શરીર રૂપી પજરામાં વસવાટ કરતાં મનને(જીવને) જ્યાં સુધી ખ્યાલ આવતો નથી કે, પોતે અતૃપ્ત ઈચ્છાઓનાં સામાન સાથે શરીરના પાંજરામાં પુરાઈને રહે છે, ત્યાં સુધી લૌકિક જીવનની પ્રવૃત્તિઓની ઘટમાળનો બંધન જેવો અનુભવ થતો નથી. આવું આસક્ત મન દુન્યવી વસ્તુઓ જો ન મળે, તો એની ખોટમાં બેચેન રહે. ક્યારેક તો માનવીએ વિચારવું જ જોઈએ કે, આકાશ, વાયુ, પાણી, ધરતી, સૂર્ય-ચન્દ્રનો પ્રકાશ વગેરે વિના મૂલ્યે કોઈ પણ પ્રયત્ન વગર સૌને મળી રહે છે. જો આ મહાભૂતોની પ્રકૃતિને પ્રભુએ સર્જાવી ન હોત, તો કોઈ પણ જીવ દેહ ધારણ કરી ન શકતે.
શરીરની રચના પોતાની માતાના શરીરમાં થાય છે એ સૌ જાણે છે. પરંતુ જે બાળપણમાં ન સમજાય તે મોટા થયા પછી સમજવું જોઈએ કે, પોતાના શરીરમાં યંત્રવત્ ક્રિયાઓ નથી થતી, પણ અંગેઅંગની ક્રિયાઓ મનનાં ભાવ સાથે જોડાઈને થતી રહે છે. મનના વિચારોનો જેવો ભાવ, જેવા પ્રકારની રાગ-દ્વેષાત્મક વૃત્તિ, તે પ્રમાણે શરીરના અંગોની પ્રક્રિયા થાય. એટલે દરેકના દેહનું સ્વાસ્થ્ય તન સાથે રહેનારા મન પર આધારિત રહે છે. આમ છતાં જેમ એક મોટરગાડીને ચલાવવાનું શીખી શકાય છે, તેમ શરીરની ગાડીને ચલાવવાનું શીખવું એટલું સરળ નથી. કારણ શરીરની ગાડીને ચલાવનાર મન અનેક અતૃપ્ત ઈચ્છાઓનાં આવરણમાં બંધાયેલું રહે છે. તેથી પોતાના શરીરની આંતરિક પ્રક્રિયાઓને મન અનુભવી શકતું નથી. તે પ્રક્રિયાઓને અનુભવવા માટે સૂક્ષ્મ ક્રિયાઓની સમજથી મનને કેળવવું પડે, મનોભાવની સૂક્ષ્મતા ધારણ કરવી પડે. એવી સૂક્ષ્મતા ધારણ કરવાની કેળવણી, જીવનની પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં બંધાઈને થઈ શકે એવી વ્યવસ્થા પ્રભુએ કરી છે. તેથી એવું નથી કે સંસારી જીવનની પ્રવૃત્તિઓને છોડીને કોઈ આશ્રમમાં જઈને રહેવાથી મન ઝડપથી કેળવાઈ જાય. આશ્રમનું વાતાવરણ સહાયરૂપ થાય, પરંતુ આશ્રમની પણ અમુક પ્રવૃત્તિઓ હોય છે. એટલે ઘરની પ્રવૃત્તિઓ છોડીને આશ્રમમાં જઈને પણ પ્રવૃત્તિઓ કરવામાં મન જો વ્યસ્ત રહે, તો સૂક્ષ્મની સમજ અથવા સ્વયંની ઓળખ કરાવતાં અભ્યાસમાં સહજતાથી મન ઓતપ્રોત થશે નહિ. તેથી મનને જો કેળવવું હોય તો પ્રથમ પોતાના અજ્ઞાની, અહંકારી સ્વભાવની ભૂલોથી પરિચિત થવું જરૂરી છે. જ્યાં સુધી સ્વભાવના પરિવર્તન માટે મન તૈયાર થતું નથી, ત્યાં સુધી અભ્યાસની કેળવણીમાં તે પરોવાતું નથી.
શરીરની વૃદ્ધિ થાય અને બાળપણ, યુવાની, પ્રૌઢ અવસ્થા જેમ બદલાતી જાય, તેમ પ્રવૃત્તિઓ પણ બદલાતી જાય છે અને મનની વિચારવાની, સમજવાની, કે અનુભવવાની સ્થિતિ પણ બદલાતી જાય છે. માનવ જીવનની ઘટમાળમાં ઘણાં તબક્કાઓ હોય છે અને દરેક તબક્કે નવું નવું શીખવા મળે છે. તે શિક્ષણ દ્વારા મનનું સંકુચિત માનસ બદલાતું જાય તો સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિની ક્રિયાઓનું રહસ્ય સમજી શકાય. પોતાના મનની નિરાકારિત સ્થિતિને ઘણાં સ્વીકારે છે, છતાં તબક્કાવાર થતી પ્રવૃત્તિઓથી મનને કેળવવાનું સ્વીકારતાં નથી. તેથી મન વધુ ને વધુ પ્રવૃત્તિ કરવાના મોહમાં બંધાઈને રહે છે. એનું મુખ્ય કારણ છે સંકુચિત માનસનો રાગ-દ્વેષવાળો સ્વભાવ, અથવા પરોપકારી સાત્ત્વિકભાવ, કે નિ:સ્વાર્થ પ્રેમભાવનો અભાવ, અથવા સ્વ સ્વરૂપથી અપરિચિત મનનો અંધશ્રદ્ધામાં વિશ્વાસ. એવું મન માનવા તૈયાર જ નથી કે, પોતે પ્રભુની ચેતનાના આધારે જીવે છે અને પ્રભુની ચેતના તો સૌને પ્રાણની ઊર્જા રૂપે પ્રાપ્ત થતી રહે છે. આ હકીકતને જાણ્યાં પછી પણ માનવી જો સંસારી પ્રવૃત્તિઓ રૂપી પાંજરામાં મોહગ્રસ્ત થઈને જીવે, તો શરીર પણ એને માટે એક પાંજરું જેવું બની જાય છે.
શરીરના પાંજરામાં બંધાઈને, શરીરના મોહમાં જીવતો માનવી શરીરને અમર રાખવા મથે છે. અજ્ઞાની મનની એવી મથામણ એનાં શરીરની વૃદ્ધ અવસ્થાને સ્વીકારતું નથી. વૃદ્ધ અવસ્થાથી મુક્ત થવાં માટે કેટલીયે ઔષધિઓ અને કસરતના પ્રયોગો કરતું રહે. એટલે એવાં અજ્ઞાની માનસને શરીરનું પાંજરું છોડવાનું જેમ ગમે નહિ, તેમ અતૃપ્ત ઈચ્છાઓનાં પાંજરામાંથી મુક્ત થવાની જિજ્ઞાસા જાગે નહિ. જો મુક્ત થવાનું મન થાય તો મુક્ત ગતિને ધારણ કરાવતી કેળવણી રૂપે જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાની જિજ્ઞાસા જ્વલંત રહે. તેથી જિજ્ઞાસુ ભક્ત કદી પ્રવૃત્તિઓનો બંધાણી થઈને ન જીવે પણ પ્રવૃત્તિઓની ક્રિયાથી મનને કેળવે કે, `નિશ્ચિત સમયની લૌકિક જીવનની પ્રવૃત્તિઓ જેમ થાય છે, તેમ નિશ્ચત સમયમાં મારા મનને કેળવી શકાય, તો જીવંત જીવનનો હેતુ સિદ્ધ કરાવતાં સદાચરણમાં સ્થિત થઈ શકાય. અુમક નિશ્ચિત સમયે ચા-કોફી પીવાની તલપ જાગે છે, અથવા નિશ્ચિત સમયે ભૂખ લાગે છે અને જમવાનું યાદ આવે છે. એ જ રીતે દિવસમાં નિશ્ચિત સમય નક્કી રાખવો જોઈએ, જે પ્રભુ સાથેની ઐક્યતાનું સ્મરણ કરાવે અને સ્મરણ રૂપે સ્વ સ્વરૂપનું અધ્યયન થાય. જેમ નક્કી કરેલા સમયે ભૂખ લાગે છે ત્યારે ખાવાનું મળી જાય તો સંતોષ લાગે અને ન મળે તો માનવી બહાવરો થઈ ગુસ્સામાં ખાવાનું મેળવવા પ્રયત્ન કરે, તેમ પોતાનો અનુકૂળ સમય નિશ્ચિત કરીને સ્વને જાણવાની ભૂખ મીટાવવી જોઈએ. પરંતુ ભૂખ ન લાગી હોય તો જેમ ભાવથી અન્ન આરોગતાં નથી, તેમ સ્વયંને જાણવાની ભૂખ નહિ હશે તો સ્વમય ચતનમાં મન સ્થિત નહિ થાય. સ્વમય ચતન વગરનું સ્મરણ કે સત્સંગ એક પ્રવૃત્તિની જેમ યંત્રવત થાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા