આત્મીય ચેતનાનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા
જીવંત જીવન એટલે જ સતત થતી સૂક્ષ્મ ક્રિયાઓની હારમાળા, જે એકબીજા સાથે સંકળાઈને થતી રહે છે. આ ક્રિયાઓ રૂપે પ્રભુની દિવ્ય ચેતનાનો સ્ત્રોત ઊર્જા શક્તિ રૂપે પ્રકાશિત થાય અને ઊર્જાની ચેતનાના આધારે આપણાં દેહધારી જીવનની પ્રક્રિયાઓ થયાં કરે છે તથા માનસિક કે શારીરિક કાર્ય કે કર્મ આપણે કરી શકીએ છીએ. આમ કર્મ કરવાની સ્વતંત્રતા છે, પણ કરેલા કર્મનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું ઘણીવાર મળતું નથી. કારણ માનવી પોતાનું કર્મ કરે છે એમાં તે માત્ર એકલો નથી. એની સાથે પ્રકૃતિ જગત જોડાયેલું છે તથા બીજી વ્યક્તિ, કે વસ્તુઓ રૂપે ઘણી બધી આધાર રૂપી પરિસ્થિતિ સાથે માનવીનું મન જોડાયેલું હોય છે. એટલે પોતે ઈચ્છેલું પરિણામ ન મળે એમાં એકબીજા સાથે જોડાયેલી સંબંધિત પરિસ્થિતિ પ્રત્યેનો મનનો ભાવ કારણભૂત છે. અર્થાત્ અમુક પરિસ્થિતિ પ્રત્યે મનને દ્વેષ કે ઈર્ષ્યા હોય, ત્યારે નકારાત્મક અસ્વીકારભાવનાં લીધે યોગ્ય રીતથી કરેલાં કર્મનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું પ્રાપ્ત થતું નથી. દૃષ્ટાંત રૂપે સમજીએ તો કોઈક મનપસંદ વાનગી ખાવાનું મન થાય અને તે વાનગી સારી રીતે બનાવતાં પણ આવડતી હોય. પરંતુ વાનગી બનાવ્યા પછી એનો સ્વાદ માણવાનો આનંદ જોઈએ એટલાં પ્રમાણમાં મળતો નથી. કારણ એક વાનગી બનાવવાના કાર્યમાં પણ ઘણી બધી પરિસ્થિતિઓ સંકળાયેલી હોય છે. તેથી વાનગી માટેના ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં જો ફરક પડે તો ખરો સ્વાદ ન અનુભવાય, અથવા બનાવતી વખતે મન કોઈક ઘટનાના વિચારોથી વ્યથિત થાય અને બનાવવાની યોગ્ય રીત જો ન જળવાળ તો પણ ખરો સ્વાદ ન અનુભવાય, અથવા યોગ્ય રીતે વાનગી બનાવી લીધી અને ખાવાનું શરૂ કરીએ ત્યારે અચાનક માથું દુ:ખવા માંડે, કે છીંક આવવા લાગે તો ખરા સ્વાદનો અનુભવ માણી ન શકાય. આમ ઘણાં બધા કારણો રૂપી પરિસ્થિતિ સાથે આપણે જોડાયેલાં છીએ. આ વાસ્તવિકતાનો સ્વીકાર થાય તો ઘણે અંશે કાર્ય કે કર્મ કરતી વખતે મનનો કર્તાભાવ વિલીન થઈ શકે.
માનવી પાસે મન છે અને તે સ્થૂળ આકારિત શરીરના સહારે, વ્યવહારિક જીવનની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો રહે છે. પોતાના શરીરની રચનાને અલ્પ અંશમાં સમજવાનો પ્રયત્ન જો થાય, તો મનથી મન વિશે જાણવાની ઈચ્છા ક્યારેક જાગૃત થઈ શકે. મન વિશે જાણવામાં પોતાના સ્વભાવની ત્રુટિઓથી જાણકાર થવાય, તો મન જેની સાથે જોડાયેલું છે તે આત્મીય ચેતનાનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જાગી શકે. પછી સાત્ત્વિક સ્વભાવની મહત્તા જણાય ત્યારે ત્રુટિઓથી મુક્ત થવાની ઈચ્છા થાય અને સાત્ત્વિક વિચારોના સંગમાં સ્વયંનો પરિચય થતો જાય. માનવીનું મન અને ભક્તનું મન, એમાં એટલો જ ફરક છે કે ભક્ત જાણકાર થાય મનના સાત્ત્વિક સ્વભાવની શ્રેષ્ઠતાથી અને પોતાના સ્વભાવની ત્રુટિઓથી કે નકારાત્મક વર્તનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરતો રહે. મોટેભાગે સામાન્ય માનવીનું મન એવો પુરુષાર્થ કરવાનું ટાળે છે. કારણ તે નકારાત્મક સ્વભાવથી, કે પોતાનાં સંકુચિત અહંકારી વર્તનથી ટેવાઈ ગયું હોય છે. એટલે એવી ટેવની ભૂલ માનવીને જણાતી નથી. ભૂલ જણાય છે તો પણ એ ટેવને છોડવાનો સંકલ્પ થતો નથી, અથવા જો સંકલ્પ થાય તો ટેવથી મુક્ત કરાવતાં અભ્યાસનો પુરુષાર્થ કરવાનું મુશ્કેલ લાગે છે. એવાં માનવીઓને પોતાની ટેવની કે નકારાત્મક સ્વભાવની ખામીઓની અકળામણ ન થાય. એ તો પોતાના સ્વભાવ મુજબના વર્તનથી પરિવારના સભ્યોને કે આજુબાજુની સંબંધિત પરિસ્થિતિને જો હાનિ પહોંચે તો એને સામાન્ય ગણે. એટલે મનની સ્વયંને ઓળખવાની કે સાત્ત્વિકભાવની જાગૃતિ માનવીમાં સહજતાથી જાગતી નથી.
જિજ્ઞાસુ ભક્ત તો તન-મનનાં જીવંત જીવનનો હેતુ જાણતો જાય. તેથી પ્રારબ્ધગત જે કર્મ કરવાના હોય તેમાં પ્રભુની ચેતનાની પ્રતીતિ થઈ શકે એવાં ભાવથી તે પોતાના કાર્યો કરે અને બીજી જે પણ પરિસ્થિતિ આધાર રૂપ હોય તેનો સહકાર ઉપકારભાવથી સ્વીકારે. એવાં ઉપકારભાવ રૂપે પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય. પ્રભુની હાજરીના અહેસાસથી જ્યારે ઉપકારી સાત્ત્વિકભાવથી કર્મ થાય ત્યારે કર્તાભાવનો અહમ્ ઓગળી શકે. જ્યાં `હું કરું છું એ જ સાચું છે' એવાં અહંકારી સ્વભાવનો અવરોધ ઓછો હોય, અથવા સ્વયંથી અજાણ રહેતાં અજ્ઞાની સંકુચિત માનસનો અવરોધ ઓછો હોય, અથવા મારું-તારુંની સરખામણીનાં ભેદભાવનો સ્વાર્થ ઓછો હોય, ત્યાં પ્રભુની દિવ્ય ચેતનાનું પ્રભુત્વ સાત્ત્વિક આચરણ રૂપે પ્રકાશિત થાય. તેથી જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રસરતું હોવાંથી, માનવીને પોતાના દુ:ખ-દર્દ, કે મુશ્કેલીઓને દૂર કરવાનો માર્ગ મળે છે. જ્ઞાની ભક્ત પોતાની વ્યવહારિક જવાબદારીના કાર્યો કરવાનું જીવન જીવે અને સાત્ત્વિકભાવની જાગૃતિના લીધે તે અકર્તાભાવથી પોતાના કર્મ કરતો રહે. કર્મ કરતી વખતે એની દૃષ્ટિ આકારિત પદાર્થોના રૂપનું મૂલ્યાંકન કરવામાં વીંટળાયેલી ન રહે, પણ આકારને સર્જાવતી ચેતનાની સૂક્ષ્મતાને અનુભવે. તેથી એનું મન સૂક્ષ્મ સૃષ્ટિની ક્રિયાઓનું રહસ્ય જાણવામાં રત રહે, તેને કહેવાય અંતરયાત્રાનું જીવન. અંતરની સૂક્ષ્મતા સાથે મનનો સાત્ત્વિકભાવ, એટલે કે હૃદયનો નિર્મળભાવ જ્યારે એકરૂપ થઈને વ્યવહારિક કર્મ કરે, ત્યારે કર્મ કરવાનો ભાર કે તાણ ન વર્તાય. કારણ જ્ઞાની ભક્તનો પોતાના અંગત સ્વાર્થને સાધવા માટેનો, કે ઈચ્છિત માંગણીઓનું ફળ મેળવવા માટેનો ભાવ નથી. એના નિ:સ્વાર્થી સ્વભાવમાં, બીજા જિજ્ઞાસુઓને અંતરયાત્રા કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિ થાય એવો પરોપકાર હોય. જો પરોપકારી, નિ:સ્વાર્થી જ્ઞાની ભક્તોના સાંનિધ્યમાં ભક્તિભાવની પ્રસન્નતા માણવા મળે તો માનજો કે, સાત્ત્વિક કર્મોનું ફળ મળી રહ્યું છે.
જદગીના દુ:ખના ડુંગરાઓ જે ઓળંગી શકે તે મન પરિપક્વ થાય;
પછી સુખના સાંકળિયામાં પરોવાય સાત્ત્વિકભાવની જાગૃતિનો રાહ;
ત્યારે પ્રભુ નામની જાગૃતિ રૂપે સુખનું સવાર મનોમન અનુભવાતું જાય;
દુ:ખને પળવારમાં પલટાવે સુખમાં, એ જ જ્ઞાની ભક્ત સાચો અંતરયાત્રાળુ કહેવાય. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા