પ્રભુ નામનાં દીવાનો પ્રકાશ મને જ્યોત
દિવસ પૂરો થાય પછી રાત્રિની શરૂઆત થાય. રાત પૂરી થાય અને દિવસનો આરંભ થાય. આવું દિવસ-રાતનું સમયનું ચક્ર સતત ફરતું રહે છે અને એવાં ચક્રમાં ફરતાં રહીને માનવી તારીખની, વારની, મહિનાની, સાલની ગણતરી કરતો રહે છે. એવી ગણતરી રૂપે જીવનમાં જે મળ્યું, કે ન મળ્યું અથવા ઈચ્છિત વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિનો સંગ ક્યારે પ્રાપ્ત થયો, કે ન થયો તેનો હિસાબ હોય, અથવા શરીરની ઉંમર કે અવસ્થાની જાણકારી હોય. શરીરની યુવાન કે પ્રૌઢ અવસ્થાનો કેટલો સમય પસાર થયો એની ગણતરી લગભગ દરેકનું મન કરતું રહે છે. ઘણીવાર જે અવસ્થા હોય તેનાં પછીની અવસ્થામાં પ્રવેશ થશે ત્યારે કેવું જીવન હશે એવાં વિચારોની ગણતરી પણ થતી રહે છે. સમયના ચક્રની આવી ગણતરી રૂપે ઘણીવાર ભૂતકાળમાં અનુભવેલી ઘટનાઓને મન વારંવાર વાગોળતું રહે અથવા ભવિષ્યમાં ઈચ્છિત કાર્યો કરવાની યોજનાના વિચારોમાં મનને ફરવું ગમે. આવી ગણતરીમાં જે કાર્ય રૂપે સફળતા કે નિષ્ફળતા મળી હોય તેનાં વિચારો હોય, અથવા જેમાં અસફળતા મળી હોય તેમાં સફળ થઈ શકાય એવાં પ્રયત્નો કરવાના વિચારો પણ હોય. આમ વિચારો ભૂતકાળના કે ભવિષ્યકાળના હોય, ત્યારે મનનું સ્થાન વર્તમાનની ક્ષણમાં સ્થિત થઈ શકતું નથી. એટલે વર્તમાન સમયની ક્ષણે જે કાર્ય કે પ્રવૃત્તિ થતી હોય, ત્યારે પસાર થઈ ગયેલી ક્ષણમાં શું થયું તેના વિચારો મન કરતું રહે અથવા હવે પછીની ક્ષણમાં કાર્ય કેવી રીતે કરવું તેનાં વિચારોમાં વીંટળાયેલું રહે છે. આટલી ભૂમિકા પછી એટલું સ્પષ્ટ સમજાય કે વિચારવાની અંગત રીતની સ્વતંત્રતા છે. તેથી મનને ભૂતકાળના કે ભવિષ્યના વિચારોમાં ફરતું રાખવું તે દરેક માનવીની પોતાની ઈચ્છા મુજબ થાય છે.
આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે, સમયના ચક્રની જેમ વિચારવાનું ચક્ર પણ સતત ચાલુ રહે છે, તો વિચારોની કયા સમયની ગતિ યોગ્ય કહેવાય. ભૂતકાળ કે ભવિષ્યના સમયની ગતિમાં મન વીંટળાયેલું રહે, તે સહજ છે. યોગ્ય રીતે વિચારવું એટલે સંજોગો પ્રમાણે મનનો ભાવ બદલાય અને તે પ્રમાણેના વિચારો થાય. પરંતુ રાગ-દ્વેષાત્મક ભાવથી થયેલાં વિચારોની અસર શરીરની પ્રક્રિયા પર થાય છે. તેથી ઘણીવાર સંજોગો પ્રમાણે થયેલાં યોગ્ય કાર્યનું સફળ પરિણામ મળતું નથી. દૃષ્ટાંત રૂપે સમજીએ તો, અસહ્ય ગરમી હોય ત્યારે ગરમી વિશે વિચારવાનું કે ગરમ તાપમાનની સમીક્ષા કરવાની ન હોય, પણ ઠંડકનો વિચાર જો થાય તો તે ક્ષણે ગરમીમાં થોડી રાહત મળે અને કાર્ય કરતી વખતે મનની બેચેની થોડી ઓછી થાય. એ જ પ્રમાણે હિમાલયમાં ઠંડકની વાતો કે વિચારો કરવાના ન હોય, પણ ગરમી કે ઉષ્ણતાના વિચારો કરવાના હોય. ગરમી કે ઉષ્ણતાના વિચારો થાય તો હૂંફાળી સ્થિતિને મન અનુભવી શકે. આમ વિચારવાની દિશા વર્તમાનના સંજોગો કે વાતાવરણને અનુરૂપ થઈને જો બદલાતી રહે, તો વર્તમાન સમયની મુશ્કેલીમાં મન સહજ મોકળાશને અનુભવી શકશે, અથવા મુશ્કેલી વગરની સ્થિતિને પ્રસન્નતાથી માણી શકશે. મોટેભાગે કાર્ય કરવાનું મુશ્કેલ લાગે અથવા આવડત પ્રમાણે સરળ લાગે, એવી બે દિશામાં જ માનવીનું મન ફરતું હોય છે. એટલે જે કાર્ય કરવાનું મુશ્કેલીભર્યું હોય તેનાંથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન થાય, અથવા જે કાર્ય કરવામાં સરળતા અનુભવાય, તેને વારંવાર કરી શકાય એવો પ્રયત્ન થાય. તેથી માનવીનું મન મનગમતી સ્થિતિને પ્રાપ્ત કરવાના વિચારોમાં વીંટળાયેલું રહે, અથવા તો અણગમતી સ્થિતિથી છૂટકારો મેળવવાના વિચારો કરતું રહે છે.
ભક્તનું મન પણ ભૂત-ભવિષ્યના વિચારોમાં ક્યારેક ફરે છે. પરંતુ ભક્ત મોટેભાગે વર્તમાનમાં જે કાર્ય થતું હોય તેને મહત્તા ન આપે, પણ કાર્ય કરાવનાર પ્રભુની ક્રિયાશક્તિની પ્રતીતિ કરે. તેથી કાર્યનું ઈચ્છિત પરિણામ મળે તે તરફની એની મનોદૃષ્ટિ ન હોય, પણ પ્રભુની હાજરીને અનુભવતી અંતર દૃષ્ટિ એની જાગૃત હોય છે. એટલે પરિણામ જે પણ આવે તેને ખેલદિલીપૂર્વક સ્વીકારે. સારાંશમાં સમજીએ તો, જે કાર્ય કરવાનું હોય, તે વખતે સમય અને સંજોગો પ્રમાણેના વિચારો ભક્તમાં ઉદ્ભવતા હોય. એટલે કાર્યનું લક્ષ્ય પૂરું કરવા સાત્ત્વિકભાવથી તે કરે, ત્યારે પરિણામ રૂપે સાત્ત્વિકભાવનું પ્રસરણ થાય એવાં વિચારોની હારમાળા ભક્તમાં ગૂંથાતી રહે. ભક્તની અંતર દૃષ્ટિની જાગૃતિના લીધે તેના મનમાં કોતરાઈ ગયું હોય છે કે,`કાર્યો બધાં જ મહાન છે પણ કાર્યો કરવાથી કોઈ મહાન થતું નથી.' એટલે કાર્ય કરતી વખતે પ્રભુની પ્રતીતિ થાય કે પ્રભુત્વ પ્રગટે એવાં સાત્ત્વિકભાવમાં તે સ્થિત રહી શકે એવી પ્રભુને પ્રાર્થના કરતો રહે. શરીરના કણકણમાં, કે દરેક વિચારોના તરંગોમાં પ્રભુની આત્મીય ચેતનાનું આસન છે એવાં દૃઢ વિશ્વાસથી ભક્ત પોતાના કાર્ય કરતો રહે છે. એટલે ભૂત-ભવિષ્યના વિચારોમાં તે વારંવાર ભ્રમણ ન કરે. એનાં લીધે વર્તમાનમાં જે કાર્ય કરવાનું હોય તે કરવાની બુદ્ધિપૂર્વકની કાબેલિયત આપમેળે વધે છે.
મીણબત્તી પ્રગટાવવાની હોય તો દીવાસળીને મેચબોક્ષ પર ઘસવાની હોય, નહિ કે મીણબત્તી પર, એવી સમજ આપણામાં જેમ છે; તેમ આત્મજ્યોતને પ્રગટાવતાં સાત્ત્વિક આચરણ માટે મન રૂપી દીવાસળી સાત્ત્વિકભાવની સપાટી પર ઘસવી જોઈએ તેની જાણ ભક્તને થતી જાય છે. મન રૂપી દીવાસળી એટલે સ્વયંને જાણવાની જિજ્ઞાસાનો દૃઢ નિર્ધાર. એવાં નિર્ધારથી મનની મેચબોક્ષ જેવી સપાટી થાય અને વિશ્વાસ, હકારાત્મક મનોભાવ, પ્રેમાળ સાત્ત્વિકભાવ વગેરેની જાગૃતિ ધારણ થતી જાય. આમ ભક્તનું મન દીવાસળી જેવું છે, જે સ્વયંભૂ સાત્ત્વિકભાવની પ્રેમાળ જ્વાળા રૂપે પ્રગટે અને સૂક્ષ્મતામાં પ્રયાણ કરતું રહે. એવાં પ્રયાણમાં આત્મજ્યોતનો પ્રકાશ સ્વાનુભૂતિની ક્ષણને પ્રગટાવે. તેથી સ્વમય ચતનથી મનને દીવાસળી જેવું બનાવીએ. જેથી ચતન રૂપે સાત્ત્વિકભાવમાં મનોમન સ્નાન થઈ શકે અને સાત્ત્વિકભાવની શ્રદ્ધેય સ્થિતિ અંતરધ્યાનમાં સ્થિત રહી શકે. જ્યાં નથી શંકા-કુશંકા, તર્ક-વિતર્ક, કે ભૂત-ભવિષ્યના વિચારો, ત્યાં છે માત્ર ભાવની સાત્ત્વિકતા, કે આત્મજ્યોતની દિવ્યતા.
જેનાં જીવનમાં આત્મજ્યોત જાગી નથી, તેનાં જીવનમાં અંધકાર કાયમ રહે;
એકવાર તે જાગે પછી બુઝાતી નથી, એવી આત્મજ્યોતનો પ્રકાશ પ્રસરે ભાવથી;
મનને રાખો જો પ્રભુમય ચતનમાં તરતું, તો ક્યારેક આત્મજ્યોત સ્વયંભૂ થશે પ્રકાશિત;
પ્રભુ નામનાં દીવાઓ પ્રગટે ભાવથી, ત્યારે દીવાનો પ્રકાશ સ્વયં બની જાય જ્યોત. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા