સાત્ત્વિક વિચારોથી મનની કેળવણી જરૂરી
આ સૃષ્ટિમાં હું ભટકતો બધે રહ્યો, છતાં કોઈ સારથિ મને ના મળ્યો;
ભક્તિમાં જ્યારથી ડૂબી રહ્યો, પ્રભુનો ભાસ મને મળ્યો;
તે ભાસથી શોધું પ્રભુને અને પ્રભુનો ધ્વનિ મારા કાનમાં રાતદી ગૂંજતો રહ્યો કે;
"તું જેને શોધે એ તારી પાસ છે, અંતરના ઊંડાણમાં મેં મહેલાત મૂકી છે;
એની ચાવી પણ દૂર નથી, તારા હૃદયભાવની જાગૃતિથી ખૂલે અંતર દ્વાર;
મનના ઊંડાણમાં જા, ત્યાં ભાવની ચાવી છે, તે મળશે પછી તું જ સત્ ચિત્ આનંદ સ્વરૂપ છે.”
ગમતી-અણગમતી અથવા અનુકૂળ-પ્રતિકૂળ સ્થિતિમાં મન ફરતું રહે છે. આવી બે પ્રકારની સ્થિતિમાં ફરવાનું બાળપણથી શરૂ થયું હોવાંથી મન બે પ્રકારના વિચારોમાં જીવનભર ફરતું રહે છે. જે પરિસ્થિતિ કે વ્યક્તિના સંગમાં પોતાની ઈચ્છા મુજબનું ફળ મળે, તે મનપસંદ સ્થિતિ મનને ગમે. એટલે ફરીફરીને તે ગમતી સ્થિતિમાં સ્થિત થવા માટે તે વિચાર્યા કરે. ઘણીવાર ન ગમતી પ્રતિકૂળ પરિસ્થિતિના સંજોગોમાંથી પસાર થવું પડે, ત્યારે અણગમાની પ્રતિક્રિયાથી તે સંજોગોના કાર્યો થાય. તેથી યોગ્ય પરિણામ ન મળે અને તે સંજોગો કે સ્થિતિ દુ:ખદાયક છે એવું મનમાં સ્થપાઈ જાય. આમ માનવી પોતે પોતાની સીમિત બુદ્ધિના અનુભવથી મૂલ્યાંકન કરતો રહે અને અમુક વસ્તુ, વ્યક્તિ કે પરસ્થિતિનનો સંગ સુખદાયક કે દુ:ખદાયક છે એવું માનતો રહે. એવાં મૂલ્યાંકનમાં સુખ રૂપે મનપસંદ સ્થિતિની માંગણીનો રણકાર હોય છે. એટલે મનપસંદ સ્થિતિને પકડવાનો અને નાપસંદ સ્થિતિને છોડવાનો પ્રયત્ન મન કરતું રહે છે. એવાં પ્રયત્નમાં માની લીધેલા મનપસંદ કાર્યમાં ઘણીવાર યોગ્ય પરિણામ ન મળે, ત્યારે માનવી નિરાશ થઈ હતાશાને અનુભવે છે, અથવા જે કાર્ય ગમતું ન હોય છતાં સંજોગોના લીધે કરવું પડે, ત્યારે તે કાર્યનું પરિણામ જો પોતાની ઈચ્છા મુજબનું મળે તો મન ખુશીથી છલકાઈ જાય છે. આમ હકીકત એવી છે કે ઘણીવાર માની લીધેલી ગમતી સ્થિતિના કાર્ય કરતી વખતે ન ગમતી સ્થિતિનું કારણ સમજાય છે, અથવા ન ગમતી સ્થિતિના કાર્ય કરતી વખતે ગમતી સ્થિતિનું કારણ સમજાય છે. જો મનને તે કારણ રૂપે પોતાની અજ્ઞાનતા પરખાય તો ગમતી-અણગમતી સ્થિતિના ભેદ ઓગળી શકે એવી વિવેકી દૃષ્ટિ જાગી શકે.
વિવેકી દૃષ્ટિ રૂપી બાણ ભક્તના મન રૂપી ભાથામાં જ્ઞાન-ભક્તિના સાંનિધ્યમાં ભેગા થતાં જાય. તે બાણથી ભક્ત ગમતી-અણગમતી સ્થિતિની દ્વૈત વૃત્તિઓનાં બંધનમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરતો રહે. એવાં પુરુષાર્થ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી જાય. ભાવની જાગૃતિ ભક્તના મનને બે વિરોધી સ્થિતિના બંધનમાં બાંધી રાખવાને બદલે, જેનાં આધારે વિચારી શકાય છે, સમજી શકાય છે, તે આત્મીય ચેતનાના આધારને જણાવતાં સાત્ત્વિક વિચારોની ભક્તિમાં સ્થિત રાખે. ભક્તિ એટલે જ `ભગવાનની આત્મીય શક્તિથી હું ભિન્ન નથી' એવાં સ્વ અનુભવમાં સ્થિત થવું. એવી સ્વાનુભૂતિનાં અનુભવમાં મન સ્થિત થતું જાય, પછી વિરોધી વૃત્તિના બંધન ઓગળતાં જાય અને સાત્ત્વિકભાવનો પ્રેમ વહેતો જાય. સાત્ત્વિક પ્રેમભાવની જાગૃતિથી અંતર યાત્રા કરનારા જૂજ ભક્તો હોય છે. તે અંતરયાત્રાળુ બાહ્ય જગતની આધારિત સ્થિતિના આધારનો ગુલામ ન બને. સંજોગો પ્રમાણે જે કાર્ય થાય એનું યોગ્ય ફળ મળે કે ન મળે, તેમાં ભક્તનું મન બંધાય નહિ એટલે ફળ રૂપે જે મળ્યું એનાં સ્વીકાર રૂપે અંતર ઊંડાણમાં પ્રયાણ થતું જાય. અંતર પ્રયાણની અંતર ભક્તિમાં લીન રહેતો ભક્ત, મનની વિરોધી વૃત્તિને વિલીન કરવાનો પ્રયાસ ન કરે. કારણ મન પોતે પોતાની વૃત્તિઓને વિલીન કરી શકતું નથી. પરંતુ સાત્ત્વિકભાવનો આત્મીય ચેતનાનો તાર જો મનોમન જાગૃત થાય, તો વિરોધી વૃત્તિઓ ભાવમાં ઓગળીને સ્વયંની સાત્ત્વિકતાને પ્રગટાવતાં વિચારોમાં ફેરવાઈ જાય.
પ્રતિકૂળ કે અનુકૂળ પ્રકારની વિરોધી પરિસ્થિતિના બંધનમાંથી મન મુક્ત થઈ શકે છે, એટલે કે વિરોધી સ્થિતિના ભેદભાવથી મન મુક્ત થાય તો સાત્ત્વિકભાવનું તે આસન બની જાય. તે માટે જ્ઞાન-ભક્તિનાં સત્સંગથી મન જેમ જેમ પોતાના સ્વ સ્વરૂપથી જાણકાર થતું જાય, તેમ તેમ દ્વૈત પ્રકારની વિરોધી સ્થિતિનું રૂપ પરખાતું જાય અને સાર-અસારનો ભેદ સમજતી વિવેકી દૃષ્ટિ જાગૃત થતી જાય. પરંતુ જ્યાં સુધી નિષ્ઠાપૂર્વક સત્સંગમાં, અભ્યાસમાં, કે ચતનમાં મન સ્થિત નથી થતું, ત્યાં સુધી દ્વૈત વૃત્તિના ભેદમાંથી મુક્ત કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો નથી. તેથી સાત્ત્વિક વિચારોના અધ્યયનથી મનને કેળવવું ખૂબ જરૂરી છે. તે વિચારોના ભાવાર્થમાં મન પછી ઓતપ્રોત થાય, ત્યારે ભેદભાવમાં ફરવાનું ઓછું થતું જાય. જેમ ભારે વજનવાળી બે-ત્રણ થેલીઓ લઈને જો દાદર ચઢીએ, તો ક્યારેક દાદર પર દૃષ્ટિ રહે અને ક્યારેક થેલીઓ પર દૃષ્ટિ રહે કે બરાબર પકડેલી છે કે નહિ, કારણ મન ટેવાયેલું નથી. પરંતુ એક મજૂર હેાય, જેને ભારે વજનવાળા સામાન સાથે દાદર ચઢવાની ટેવ હોય, તે દાદર ચઢતી વખતે દાદર તરફ નહિ જોશે, કે ભારે થેલીઓને નહિ જુએ. એ તો જે માળ પર-ગંતવ્ય સ્થાને પહોંચવાનું છે ત્યાં ઝડપથી પહોંચી જવાનો પ્રયત્ન કરશે.
એ જ રીતે ભક્ત પોતાના મનને જ્ઞાન-ભક્તિથી કેળવતો જાય અને કેળવાયેલી ભક્તની વિવેકી દૃષ્ટિ મનની માવીતર સ્થિતિનાં વિચારોમાં આળોટે, ત્યારે વિરોધી સ્થિતિની આવનજાવનનો ભેદ એને પરખાતો જાય. તેથી ભક્ત કદી પ્રતિકૂળ કે અનુકૂળ હોય, એવી વિરોધી સ્થિતિની આવનજાવનનો અસ્વીકાર ન કરે પણ સ્વમય ચતનના આશ્રયથી વિચારે કે, `જેના આધારે મન વિચારી શકે છે તથા વિરોધી પરિસ્થિતિનો અનુભવ કરી શકે છે, તે ચેતનાના આધાર તરફ જો દૃષ્ટિ સ્થિત રહે તો વિરોધી સ્થિતિનાં વિચારો રૂપી પલ્લાં ઉપર કે નીચે જાય તેમાં સુખી-દુ:ખી શું કામ થવાનું? કારણ જે પરિસ્થિતિ ગમતી નથી કે દુ:ખદાયક લાગે છે. એવાં વિચારોનો મનમાં ભાર છે તથા સુખદાયક પરિસ્થિતિને ઘડી ઘડી ભોગવવાના વિચારો પણ વારંવાર ઉદ્ભવતાં રહે છે. એટલે બન્ને પ્રકારની પરિસ્થિતિના વિચારો રૂપી પલ્લાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે થયાં કરશે. પરંતુ મારી મનોદૃષ્ટિ આધારભૂત ચેતનામાં સ્થિત રહે તો ચેતનાના સાત્ત્વિકભાવમાં ઓતપ્રોત થતી રહેશે. પછી વિચારો રૂપી પલ્લાંના બંધનથી મુક્ત થવાશે.' મન પોતાના વિચારોને છોડી ભાવની મૌન સ્થિતિ તરફ ઢળે, પછી સચ્ચિદાનંદ સ્વરૂપની ઐક્યતામાં એકરૂપ થાય. સાત્ત્વિકભાવની સ્થિતિમાં વિચારો ઉદ્ભવે પણ `હું વિચારું છું' એવી વૃત્તિ વિલીન થઈ હોવાંથી, વાણીનું વૃત્તાંત ઓછું થાય અને વિચારો સાત્ત્વિક વર્તન દ્વારા ભાવની પ્રીતને પ્રસરાવે. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા