Article Details

પ્રભુની વ્યાપક્તા શબ્દોમાં ન સમાય

પ્રારબ્ધ મુજબ દરેકને જીવન જીવવું પડે છે. એટલે જીવનમાં પોતે જે ઈચ્છે તે મરજી મુજબ માનવી જીવન જીવી શકતો નથી. આ પ્રારબ્ધ કર્મના તારને કર્મ-ફળની ક્રિયાથી માનવીએ પોતે જ ગૂંથ્યા હોય છે. એક ઈચ્છાને પૂરી કરવાના કાર્ય કે કર્મ કરતી વખતે બીજી ઘણી ઈચ્છાઓ કે આશાઓ મનમાં જાગે, તે પ્રારબ્ધ કર્મ રૂપે વર્તમાન જીવનમાં ભોગવાય છે. કરોળિયાના જાળાની જેમ ઈચ્છાઓનું જાળું માનવી ગૂંથે છે અને પોતે જ એમાં બંધાઈ જાય છે. કરોળિયાની જાળું ગૂંથવાની નિપુણતા એટલી ઉમદા છે કે આપણે વિચારી પણ ના શકીએ એટલા બારીક તારથી જાળું ગૂંથાય છે. તે બારીક તાર એની લાળમાંથી બને છે. લાળના બારીક તારથી કરોળિયો પોતાના આઠ પગના સહારે જાળાની જે ડીઝાઈન ગૂંથે છે તે ખરેખર બેનમૂન (અજોડ) છે. આવી બારીક તારની ગૂંથણી ત્યાં થાય, જ્યાં હવાની અવરજવર ઓછી હોય, અથવા સૂર્ય પ્રકાશ ઓછો હોય, અથવા લાંબા સમયથી વપરાયા વિનાનું અવાવરું ઘર કે રૂમ હોય. જેમ કરોળિયા પાસે પોતે રચેલા જાળાને પાછું સંકેલી લેવાની કળા હોય છે; તેમ ગૂંથાયેલા કર્મસંસ્કારો રૂપી જાળાને સંકેલી લેવાની કળા મનમાં સમાયેલી છે. મનની એવી કળાને જાગૃત કરવા માટે મનોમંથન પૂર્વક વાસ્તવિકતાને સમજીએ. જેથી કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિ રૂપી જાળાઓને વિલીન કરાવતાં સ્વમય ચિંતનમાં સ્થિત થઈ શકાય.

         મનનાં ભૂગર્ભમાં પ્રભુની આત્મીય ચેતનાનું ધન સમાયેલું છે. એ ધનના અલ્પ અંશથી બાહ્ય જગતના વિષયોને ભોગવવાનું જીવન દરેક માનવી જીવે છે, પણ તે પૂર્ણતાના ધનની મહત્તાને મન જાણતું નથી. એટલે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં જાળા ગૂંથાતા રહે છે અને મનમાં સમાયેલું પ્રભુનું ધન સુષુપ્ત રહે છે. પ્રભુની એટલી અનન્ય કૃપા છે કે જીવંત જીવન જીવવા જેટલું ધન, સૌને કોઈ પણ પ્રયત્ન વગર મળી રહે છે. પરંતુ માનવીએ વિચારવું જોઈએ કે આ અવિનાશી આત્મીય ધન, જે ઊર્જા શક્તિ રૂપે પ્રાપ્ત થાય છે તેને માત્ર ખાવું, પીવું, ઊંઘવું, ફરવું, કે રોજિંદા કાર્યો કરવામાં જ વાપરી નાંખવાનું નથી, પણ તે અમૂલ્ય ધનનાં સહારે માનવી સ્વરૂપની ઉન્નતિને, મનની સાત્ત્વિકતાને ધારણ કરવાની છે. પ્રભુએ અર્પણ કરેલી આ આત્મીય સંપત્તિનું સ્મરણ જે ક્ષણથી જ્ઞાન-ભક્તિના સહારે થશે, તે ક્ષણથી ભીતરની વાસ્તવિકતાને જાણવાની જિજ્ઞાસા જાગશે. મનનાં ભૂગર્ભમાં, એટલે કે અંતરમાં સાત્ત્વિક ગુણોની આત્મીય સંપત્તિ છે. તે જો સદાચરણ રૂપે ધારણ થાય તો લૌકિક વિષયોને ભોગવવાની અતૃપ્ત ઈચ્છાઓનાં જાળા ઓછા બંધાય અને સાત્ત્વિક વિચારોના અધ્યયનથી સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય.

         સદાચરણમાં સ્થિત થવાંની જિજ્ઞાસા જગાડવા માટે આત્માને તિજોરીના અને મનને ઘરના રૂપકથી (ઉપમાથી) સમજીએ. પ્રભુએ આપણને મન રૂપી ઘર અર્પણ કર્યું છે, જેથી આત્મીય ગુણોની સંપત્તિને ભોગવી શકાય. જે ઘરમાં આત્મીય તિજોરી હોય, તેમાં આત્મીય સંપત્તિની આબાદી પથરાયેલી જ હોય. એવાં સમજપૂર્વકના સ્વીકાર સાથે જીવન જીવીએ તો મન રૂપી ઘરના રાચરચીલાથી પરિચિત થવાય અને અનુભવાય કે આત્મીય તિજોરીને કોઈ તાળા નથી. પ્રભુ તો ભેદભાવ વગર દરેક જીવને આત્મીય ચેતનાના ધનથી જિવાડે છે એ સત્યનું દર્શન પછી ધારણ થતું જાય. આત્મીય સંપત્તિની સાર્થકતા ત્યારે જ અનુભવી શકાય, જ્યારે સાત્ત્વિક આચરણની સિદ્ધિ જ્ઞાન-ભક્તિથી ધારણ થાય. જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે પ્રભુનું ગુણિયલ ધન જ્ઞાની ભક્ત વહેંચે, ત્યારે વેપારની વિનિમય રીતથી વેંચે નહિ, પણ સેવાભાવની પ્રસન્નતાથી ભક્તિનો આનંદ પ્રસરાવે અને બીજાના તન-મનની વ્યથાઓનું નિરાકરણ કરાવતી પ્રાર્થના તે કરતો રહે. એવાં જ્ઞાની-ભક્તોનું ઉદાહરણ એટલે નરસિંહ મહેતા. તેઓ હરિજન વાસમાં જઈને ભક્તિ ભાવની પ્રસન્નતા પ્રસરાવતાં હતાં. મેવાડની રાણી મીરાંબાઈએ ભક્તિ ભાવનું ધન અર્પણ કરવા રાજવી વૈભવનો ત્યાગ કરી દીધો હતો. અર્વાચીન સમયમાં પુનિત મહારાજે ભક્તિ ભાવની સુવાસ પ્રસરાવી છે. એમનાં ભક્તિ ભાવને જે જિજ્ઞાસુઓએ પ્રત્યક્ષ સાંનિધ્યમાં માણ્યો હશે તેઓ સદાચરણના પંથે પ્રયાણ કરતાં રહેશે. એમની ભક્તિમાં સેવાભાવની સુવાસ હોવાંથી જીવનલક્ષી માસિકપત્ર ‘જનકલ્યાણ’ દ્વારા સાત્ત્વિક વિચારોના શબ્દો સૌને ઘેર બેઠાં પ્રાપ્ત થયાં કરે છે.

         જ્ઞાની ભક્તો દ્વારા પ્રભુનું ધન અર્પણ થાય, ત્યારે તેઓ પોતે અજાણ રહે છે કે, એમનાં દ્વારા પ્રભુનું ધન, એટલે કે દિવ્ય સ્પંદનોનું ભાવ દાન પ્રગટે છે. આવી ભક્ત સ્થિતિ તો આત્મીય ચેતનાની પ્રકાશિત ગતિ સાથે ભાવની પ્રીતથી ગતિમાન રહે, જે છે જ્ઞાની ભક્તની અંતર ભક્તિનું સ્વરૂપ. અંતરધ્યાનમાં તે ભક્તિ ભાવથી તલ્લીન થઈને ખોવાઈ જાય, ત્યારે સ્વયંના આત્મ સ્વરૂપની ઐક્યતાને અનુભવે. સ્વ અનુભવની એકરૂપતામાં વૃત્તિ-વિચારોનું વૃત્તાંત ન હોય, પણ ભગવત્ ભાવની પ્રીતનું પ્રસરણ હોય. એટલે ભક્તિનો આનંદ જો માણવો હોય તો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં પૂજનીય ભાવથી રહેવું જોઈએ. પૂજનીય ભાવથી જ્ઞાની ભક્તની પાવન વાણીનો સૂર ઝીલીએ, તો અહંકારી માનસને ઓગાળતું સ્વમય ચિંતનનું અંતર પ્રયાણ આપમેળે થતું જાય. જિજ્ઞાસુ મનમાં પૂજનીય ભાવ જાગે, ત્યારે અણસમજના, સંદેહ-શંકાના વાદળો વરસી ગયાં હેાય. જ્યાં સુધી સાત્ત્વિક વિચારોના અધ્યયનથી, સ્વ સ્વરૂપની મહત્તાથી મન જ્ઞાત થતું નથી, ત્યાં સુધી અણસમજની અજ્ઞાનતા શંકા-સંદેહમાં રહે છે. શંકાશીલ મન આત્મીય ચેતનાના સ્પંદનોને અનુભવી ન શકે. એટલે અંતર માર્ગે પ્રયાણ કરાવતું આત્મીય સ્પંદનોનું ધન જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જો મળે, તો પણ શંકાશીલ અજ્ઞાની મનમાં તે સ્થપાતું નથી. તેથી પૂજનીય ભાવ જાગે એવાં સાત્ત્વિક વિચારોથી મનોમંથન થવું જોઈએ. અધ્યયનથી સ્વયંને જાણવાની જિજ્ઞાસામાં ગુરુ કે માર્ગદર્શક માટે પૂજનીય ભાવનો પ્રેમ જાગે છે. મન પ્રેમભાવથી રંગાતુ જાય પછી જીવનનો ભાવાર્થ સમજાય કે ‘મરજી મુજબ જીવવું એટલે સ્વયંના આત્મીય ગુણોની સમૃદ્ધિને પ્રગટાવતું સાત્ત્વિકભાવનું જીવન’. એવાં જીવનમાં પ્રભુની આત્મીય સંપત્તિનો સ્વ અનુભૂતિ રૂપે સાક્ષાત્કાર થાય, ત્યારે ગૂંથાયેલા કર્મસંસ્કારોનાં જાળા ખરતાં જાય. પછી પ્રભુ સાથેની ઐક્યતામાં ભક્તિભાવની પ્રસન્નતાથી એકરૂપ થતાં જવાય.

 

         પ્રભુને શોધવા મન મથે છે, પણ પ્રભુની વ્યાપકતા કોઈ શબ્દોમાં ન સમાય;

         પ્રભુ કૃપામાં જો તરબોળ થવાય પૂજનીયભાવથી, તો અંતર નયનોથી નીરખાય;

         પ્રભુ ભલે ભાસે છે દૂર, છતાં તે પાસેમાં પાસે છે એવું શાસ્ત્રો પણ જણાવે છે;

         મનથી માનો તો પ્રભુ બહુ દૂર છે, પણ ભક્તિભાવથી અનુભવો તો પાસે જ છે. (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા