...ત્યારે મન ચોખ્ખું થાય
માનવ આકારના બાળકનો જ્યારે જન્મ થયો, ત્યારે એનું મન ચોખ્ખાથી પણ ચોખ્ખું હતું;
પછી અંદર સ્વાર્થનો કચરો ભર્યો, જે પહેલા કાચો હતો અને ઉંમર વધતાં તે પાકી ગયો;
એ પાકો થઈ પાક્કો વધ્યો અને પાકાં ગૂમડાંની માફક રાગ-દ્વેષનું પરુ એમાં ભરાતું ગયું;
એ રાગ-દ્વેષનું ગૂમડું ફાટ્યું, ત્યારે મન ચોખ્ખું થયું અને અંતર ગમનમાં સ્થિત થયું.
પરમાત્માએ દરેક માનવીને મન રૂપી વાહનની શ્રેષ્ઠતા અર્પી છે, જેથી લૌકિક જીવનને ભોગવી શકે અને અંતરની સ્વાનુભૂતિનો આનંદ માણી શકે. એટલે પુણ્યશાળી જીવ હોય તે જ સ્વયંને જાણવાની અંતર યાત્રા કરી શકે, એવું ભેદભાવનું સર્જન પરમાત્માએ નથી કર્યું. તેથી દરેક માનવી અંતર યાત્રા કરી શકે છે. પરંતુ અંતર યાત્રા માટે સ્વયંને જાણવાની જિજ્ઞાસા માનવીમાં સહજ જાગૃત થતી નથી. ઘણીવાર જિજ્ઞાસા જાગે તો તર્ક-વિતર્ક સાથે સાબિતીના આગ્રહથી માત્ર ચર્ચા કરવાનું મનને ગમે છે. મનની વાહન જેવી શ્રેષ્ઠતાનો જો સ્વીકાર થાય, તો વાહનનો ઉપભોગ ઉચિત દિશામાં પ્રયાણ કરાવી શકે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજી, ફળ, દૂધ વગેરે ખાદ્ય સામગ્રીને લાંબો સમય સાચવવા માટે ફ્રીજનું ઉપયોગી સાધન છે. દાગીના કે વસ્ત્રો મૂકવા માટે આપણે ફ્રીજનો ઉપયોગ નથી કરતાં. એ જ રીતે મનનો ઉપયોગ રાગ-દ્વેષના અહંકારી વિચારોનો સંગ્રહ કરવા માટે નથી કરવાનો. પરંતુ સાત્ત્વિક વિચારોના અધ્યયનથી, સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરવા માટે મનનું વાહન પ્રાપ્ત થયું છે. તેથી અજ્ઞાની મનની અહંકારી સ્વભાવની અશુદ્ધતા રૂપી ગૂમડાંઓથી મુક્ત થવા માટે મન દ્વારા મનથી પરિચિત કરાવતું શ્રવણ, અધ્યયન, વાંચન, ચિંતન કરવું જરૂરી છે. સ્વ પરિચય રૂપે પોતાના સ્વભાવની નબળાઈઓ જણાશે, ત્યારે રાગ-દ્વેષાત્મક વર્તન રૂપી પરુ મનમાં ઓછું ભરાશે અને વિનય-વિવેકીભાવથી વ્યવહારિક જીવન જિવાશે.
જેમ પાણીને હાથમાં લાંબો સમય સુધી ઝાલી ન રખાય, કે મુઠ્ઠીમાં બાંધી ન શકાય; તેમ મનને પણ આખો વખત શ્રવણ-અધ્યયનની સત્સંગની પ્રવૃત્તિમાં બાંધી ન શકાય. મનને કદી એકની એક પ્રવૃત્તિમાં બંધાવું ગમતું નથી, એટલે સત્સંગમાં એકાગ્ર થતું નથી. જો પ્રવૃત્તિનો આધાર મુક્ત રૂપે મળે તો પ્રવૃત્તિમાં મન સહજતાથી એકાગ્ર થાય છે. મોટેભાગે માનવીને અમુક પ્રવૃત્તિઓ ફરજના બંધનથી કરવી પડે છે. સત્સંગની પ્રવૃત્તિ તરફ શરીરની વય વધતા મૃત્યુના ભયથી માનવી ઢળે છે. એવાં સત્સંગીઓને વારંવાર અમુક નીતિ-નિયમોના પાલન વિશે જણાવવું પડે છે. કારણ તેઓનું મન પરાણે સત્સંગની પ્રવૃત્તિને સ્વીકારે છે. તેથી જ્યાં સુધી સ્વયંને જાણવાના દૃઢ સંકલ્પથી મનની જિજ્ઞાસુ વૃત્તિ જાગૃત થતી નથી, ત્યાં સુધી સત્સંગની પ્રવૃત્તિના નીતિ-નિયમોથી મનને કેળવવું પડે છે. સત્સંગની પ્રવૃત્તિઓમાં યાંત્રિકતા ન પ્રવેશે, તે માટે મનોમન સજાગ રહેવું જોઈએ. મનની સજાગતા હોય તો પ્રવૃત્તિના પુનરાવર્તનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા જાગે છે. જિજ્ઞાસુભાવની એવી સજાગતા કે જાગૃતિ જાગે, પછી દેહધારી જીવંત સ્થિતિનો હેતુ સિદ્ધ કરાવતી અંતર યાત્રા થતી જાય.
સ્વયંને જાણવાની અંતર યાત્રા રૂપે સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન જો ગતિમાન થઈ શકે, તો મનની વાહન સ્વરૂપની શ્રેષ્ઠતાનો અનુભવ થાય. એવું મન કદી એકની એક સંસારી વાતોમાં, કે એકના એક સાત્ત્વિક વિચારોના રટણમાં બંધાયેલું રહેતું નથી. કારણ જિજ્ઞાસુ મન સાત્ત્વિક વિચારોના સ્વમય ચિંતનથી, સ્વયંના આત્મ સ્વરૂપની સાત્ત્વિકતાથી, દિવ્યતાથી, અનંતતાથી પરિચિત થતું જાય છે. તે એકના એક સાત્ત્વિક વિચાર રૂપી વહેણને પકડી રાખતો નથી, પણ વિચાર રૂપી નદીના વહેણમાં સ્વમય ચિંતનથી તરતો રહે છે. સાત્ત્વિક વિચારો રૂપી ગંગા નદીમાં જે નવાં નવાં ભાવ રૂપી વહેણ સાથે ચિંતન રૂપે તરે; તે છે મનનું ભક્ત સ્વરૂપ. ભક્ત એટલે જ સાત્ત્વિક ભાવની જાગૃતિ. જે સ્વયંને જણાવતી સ્વાનુભૂતિની અંતર યાત્રામાં લીન રહે. ભક્ત સદ્વિચારોના ભાવાર્થને ગ્રહણ કરતો જાય, એટલે ભાવાર્થ રૂપે તરતો જાય અને સ્વાનુભૂતિના કિનારે સ્થિત થતો જાય. સામાન્ય રૂપે રાગ-દ્વેષના ભેદભાવમાં વ્યસ્ત રહેતાં મનને અલૌકિક સદ્વિચારોમાં તરવાનું ફાવતું નથી. એવાં મનને સત્સંગ, અભ્યાસ, ચિંતન, ભક્તિ કે ધ્યાન વગેરેમાં એકાગ્ર થવાનું મુશ્કેલ લાગે છે, એટલે આધ્યાત્મિક સૂક્ષ્મ સમજ સહજતાથી ગ્રહણ થતી નથી.
મન જ્યાં સુધી આકારોને સર્જાવતી નિરાકારિત ઊર્જાની ચેતનાને સ્વીકારતું નથી, ત્યાં સુધી તે પોતે આકારિત દેહ છે એવી અજ્ઞાનતામાં જીવે છે અને દુન્યવી ઉપભોગમાં બંધાયેલું રહે છે. ભક્ત સ્વરૂપની સાત્ત્વિકભાવની જાગૃતિ એટલે જ રાગ-દ્વેષના અહંકારી સ્વભાવ રૂપી ગૂમડાંનું ફાટવું. અજ્ઞાની, અહંકારી સ્વભાવની ભૂલોથી મન જાણકાર થતું જાય, ત્યારે જિજ્ઞાસુ ભાવની દૃઢતા વધતી જાય. પછી તન-મનના જીવનની શ્રેષ્ઠતા અનુભવાય. મન એટલે જ અંત:કરણ, જે બુદ્ધિ, ચિત્ત, હૃદયભાવ રૂપે વર્તે છે. તર્ક-વિતર્કથી ઈચ્છાપૂર્તિના વિચારો થાય, તે છે મનનું સામાન્ય વર્તન. જ્યારે કોઈ ચોક્કસ નિર્ણય કરી, તે અનુસાર વર્તે, તે છે મનનું બુદ્ધિ સ્વરૂપ અને મક્કમ વિચારોના નિર્ણયથી કાર્ય એકાગ્રતાથી, દૃઢતાથી થાય, તે છે મનની ચિત્ત સ્વરૂપની સ્થિરતા. મનની આવી સ્થિરતા જ્યારે સ્વયંને જણાવતી ભાવની નિ:સ્વાર્થતાને ધારણ કરે, તે છે હૃદયભાવની જાગૃતિ. ભક્ત આવી સાત્ત્વિકભાવની જાગૃતિથી અંતર યાત્રામાં એકરૂપ થઈ સ્વાનુભૂતિનો આનંદ માણે છે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા