શ્રદ્ધા જાગે પછી પ્રેમના વહેણ વહે
હેત ઊભરાતું રહે પ્રભુ નામમાં, નથી પ્રભુ નામ કોઈ સંસારી સાથમાં;
પ્રભુના પ્રેમમાં કદી કોઈ પડદો ન રાખો, તો મન ઢળશે પ્રભુ નામમાં;
નામમાં સમાયેલી છે પ્રભુની પ્રીત અને પ્રભુત્વ પોઢેલું છે પ્રીતમાં;
ગુણિયલ તત્ત્વ પ્રભુનું થાય જો જાગૃત, તો જાગૃત જીવ ભળે શિવમાં.
પ્રભુના સાત્ત્વિકભાવમાં તરબોળ રહેતાં ભક્તને સર્વવ્યાપક પ્રભુની શક્તિનો સ્વીકાર કરવા માટે કોઈ મનોમંથન કરવું પડતું નથી. ભક્તને કદી એવું જણાવવું ન પડે કે, મને પ્રભુ નામમાં કે પ્રભુ શક્તિમાં શ્રદ્ધા છે. શ્રદ્ધાનો અનુભવ શબ્દોમાં સમાઈ ન શકે અને શ્રદ્ધા શબ્દનો અર્થ સમજીને શ્રદ્ધાનો અનુભવ થઈ ન શકે. પરંતુ શ્રદ્ધા એટલે શું, તે જાણવા માટે પ્રથમ શબ્દાર્થનો આધાર લેવો પડે. શ્રદ્ધાના અનુભવમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ માટે ભરોસો કે વિશ્ર્વાસ હોય. વિશ્ર્વાસનો ભાવ જે પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે જાગે, ત્યારે તેની સાથે સંકળાયેલા કાર્ય કે કર્મ માનવી નચિંત થઈને કરે છે. આમ શ્રદ્ધા હોય ત્યાં ચિંતાના ભયથી મન વિહ્વળ ન થાય, પણ તે સ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા હોવાંથી તેની સાથેનું કાર્ય સરળતાથી થાય છે. એટલે તારણ રૂપે એટલું સમજી શકાય કે, જે વ્યક્તિ અથવા ઘટનાની સ્થિતિ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ જો હોય, તો તે સ્થિતિનું કાર્ય કરતી વખતે મન નચિંત હોવાંથી બુદ્ધિપૂર્વક એકાગ્રતાથી કાર્ય થઈ શકે, અથવા કાર્યના યોગ્ય પરિણામ માટે જે પ્રયત્ન કરવાનો હોય એમાં શંકા કે સંદેહ ન જાગે. શ્રદ્ધાનું આસન એકવાર જાગૃત થાય પછી ધ્યેયિત કાર્યોના પરિણામની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એકાગ્રતા સાથે પુરુષાર્થ થતો રહે. એટલે શ્રદ્ધાળુ મન કાર્ય કરવામાં જો પોતાની ભૂલો થઈ હોય તો એનાંથી જાણકાર થવાંનો પ્રયત્ન કરશે, તથા કાર્યને ઉચિત રીતે કરવાનો પુરુષાર્થ કરતું રહેશે.
અમુક કાર્યો કરવાની પદ્ધતિ એક જ હોય, છતાં દરેક માનવીની કાર્ય કરતી વખતે વિચારવાની રીત જુદી હોય છે. અણઘડ મનની જો અપરિપક્વતા હોય, તો ઘણીવાર એ કાર્યો યાંત્રિક રીતે થતાં યોગ્ય પરિણામ ન મળે. મનની અપરિપક્વતા એટલે સંકુચિત સ્વાર્થી માનસ અથવા અહંકારી મનનો ઘમંડ, જે શ્રદ્ધાભાવ રૂપી ઉજાસને ઢાંકી દે છે. એટલે એકાગ્રતાની કે નિષ્ઠાની ગતિ ખોરવાઈ જાય છે અને કાર્ય કરવાનો ભાર-તાણ વર્તાય છે. શ્રદ્ધાનો ભાવ મનમાં જાગૃત થયાં પછી જો અમુક સંજોગો કે ઘટના પછી તે ભાવ ડગમગી જાય, તો સમજી જવું કે શ્રદ્ધાનો નચિંત ભાવ વાસ્તવમાં જાગૃત ન્હોતો થયો. એ તો માનવી પોતાનું ધાર્યું કાર્ય આસાનીથી થયું હોય, અથવા પોતાની ઈચ્છા મુજબના પરિણામનું વળતર મળી શકે એવાં હેતુથી ‘મને શ્રદ્ધા છે’ એવા શબ્દોનું માત્ર રટણ કરે છે. શ્રદ્ધાની વિશ્ર્વાસુ સ્થિતિ મનોમન જો જાગૃત થઈ હોય તો એની વૃદ્ધિ આપમેળે થયાં કરે છે. તેથી શ્રદ્ધાનો ભાવ ડગમગી જાય, કે શ્રદ્ધાની વૃદ્ધિ ન થાય ત્યાં શ્રદ્ધાનો ભાવ મનમાં જાગૃત થયો ન હોય. શ્રદ્ધાનો ભાવ જાગે પછી મનોમન પ્રેમના વહેણ વહે. કારણ ચિંતા, ભય, તાણ કે અપેક્ષિત પરિણામને પ્રાપ્ત કરવાનો લોભ કે સ્પર્ધા ન હોવાંથી સ્વભાવ પ્રેમાળ થાય છે. પ્રેમના વહેણ જ્યાં વહે ત્યાં હોય અર્પણભાવની નમ્રતા, સમાધાન વૃત્તિની સુમેળતા, બીજાના દોષ ન જોવાંની આંતરિકતા, મારું-તારું-પરાયુંના ભેદને છોડી સહિયારું સ્વભાવની વિશાળતા, મહાભૂતોની પ્રકૃતિના દાનને અહોભાવથી સ્વીકારવાની સૂક્ષ્મતા. આવાં પ્રેમાળ સ્વભાવના વહેણ શ્રદ્ધાની ગતિથી વહેતાં રહે, તેને કહેવાય ભક્તિભાવની સાત્ત્વિકતા.
ભક્તિ એટલે જ પ્રભુએ અર્પણ કરેલાં જીવંત જીવન પ્રત્યે, કે તન-મનની પ્રકૃતિ પ્રત્યે દૃઢ શ્રદ્ધાનો ભાવ. એવાં શ્રદ્ધાવાન ભક્તને માત્ર મંદિરની મૂર્તિમાં જ પ્રભુ દર્શન ન થાય, પણ જડ-ચેતન સ્વરૂપની પ્રકૃતિમાં પ્રભુ દર્શન રૂપે પ્રભુના ગુણિયલ તત્ત્વની પ્રતીતિ થાય. પથ્થરમાં પણ પ્રભુનું તત્ત્વ છે એવાં તર્કબદ્ધ વિચારોનાં વિશ્ર્લેષણથી ભક્ત કદી દર્શન કે સત્સંગ કરતો નથી. પરંતુ ભક્તની પ્રજ્ઞા બુદ્ધિની જે પ્રકાશિત ગતિની વૃત્તિ છે, તે પ્રકૃતિ જગતને સર્જાવતી અણુ ઊર્જાની ઝાંખી કરે છે. અર્થાત્ ભક્તનાં અંતર મનની સૂક્ષ્મતા જ્યારે અણુ ઊર્જાની સૂક્ષ્મ ક્રિયાનું સંવેદન ભાવથી ઝીલે, ત્યારે આકારના ભેદ ન અનુભવાય પણ આકારને સર્જાવતી નિરાકારિત ઊર્જાના સ્પંદનો ધારણ થાય. શ્રદ્ધાળુ ભક્તની અંતર ધ્યાનસ્થ જાગૃતિના લીધે ઊર્જાના વિદ્યુતિ સ્પંદનોનું સંવેદન, જ્ઞાતાભાવથી ધારણ થતું જાય. જ્ઞાતાભાવનાં સંવેદનમાં સદ્ગુણોની સમૃદ્ધિ ધારણ થતી જાય. બીજી રીતે સમજીએ તો જ્યાં શ્રદ્ધાભાવની દૃઢતા છે ત્યાં નિર્મળ પ્રેમની સહજતા છે અને જ્યાં પ્રેમના વહેણ અનાયાસે વહેતાં હોય ત્યાં શ્રદ્ધાનાં જળ આપોઆપ વહેતાં રહે છે. એટલે સંસારી સંબંધોને જાળવવા માટે, અથવા સંબંધોની ઈમારતોને ટકાવી રાખવા માટે એને પ્રેમભાવ રૂપી ઈંટથી બાંધવી જોઈએ. પ્રેમભાવની ઈંટમાં શ્રદ્ધાનું બળ હોવાંથી, સંબંધોનું જોડાણ જળવાશે. ભક્તના પ્રેમાળ સંબંધોની ઈમારત પર રંગ હોય પ્રભુ કૃપાની આસ્થાનો. એટલે ભક્ત સાથે સંબંધ સંસારી માનવી બાંધી ન શકે, પણ ભક્ત જ બીજા માનવીઓ સાથે પ્રેમની ઈંટોથી સંબંધ બાંધે. એવાં શ્રદ્ધાળુ ભક્ત સાથે જો સંબંધ બંધાય તો જ્ઞાન-ભક્તિના સત્સંગની જિજ્ઞાસા જાગે અને પ્રભુની દિવ્ય પ્રીતને અનુભવવાની તરસ જાગે.
પ્રભુ સાથેના ઐક્યતાના અણસારા ભક્ત સાથેના સંબંધમાં મળતાં જાય અને પ્રભુ પ્રીતની ઝાંખી કરાવતી ભક્તિનો આનંદ અનુભવાય. બીજા જિજ્ઞાસુઓ સાથેનો જ્ઞાની ભક્તનો પ્રેમાળ સંબંધ એટલે જ પ્રભુની આત્મીય ચેતનાના દિવ્ય ગુણોની સમૃદ્ધિનું પ્રાગટ્ય, જે એની પાવન વાણી કે દૃષ્ટિથી અનુભવાય. ભક્ત પાસે રૂપિયાની સંપત્તિ કે રાજકીય સત્તાની આબાદી ન હોય, પણ તે પોતે જ પ્રભુની ગુણિયલ સમૃદ્ધિને પ્રગટાવતું શ્રદ્ધાનું પ્રકાશિત આસન છે. તેથી એવાં ભક્તનાં સાંનિધ્યમાં જો સત્સંગ થાય, તો સ્વયંને જાણવાનો, સ્વયંની આત્મીય પ્રીતને અનુભવવાનો જિજ્ઞાસુભાવ આપમેળે જાગૃત થાય છે. એવી જિજ્ઞાસાથી માનવી જો સત્સંગ કરે, તો સંસારી વિષયો પાછળ દોડવાનું ઓછું થાય અને પ્રેમની ખોટ પુરાતી જાય. જ્ઞાની ભક્તનું હૃદય ધબકે એમાં પ્રેમભાવના સ્પંદનો પ્રગટે અને તે ભાવની સૂક્ષ્મતાથી અંતર ભક્તિમાં તલ્લીન રહે. એને ભક્તિ કરવી ન પડે, પણ એનાં દ્વારા જે પણ કાર્ય કે પ્રક્રિયા થાય તે ભક્તિ સ્વરૂપે થાય. એટલે ભક્તનાં સ્વભાવમાં પ્રેમની સહજતા હોય અને પ્રેમની સહજતામાં વિશ્ર્વાસ હોય. એટલે ઈચ્છાઓને પૂરી કરવાની, કે અંતરની સમૃદ્ધિને માણવાની જે ખોટ લાગે, તે પ્રેમ, શ્રદ્ધા, કે વિશ્ર્વાસથી પૂરી થતી જાય. આમ ભક્તના અંતર મનમાં શ્રદ્ધાના નીર ઉછળે, જે સોઽહમ્ ભાવ રૂપે વહેતાં રહે. પછી શિવોઽહમ્ સ્વરૂપની આત્મીયતામાં એકરૂપ કરાવતી અનંત યાત્રાનું પ્રયાણ થતું રહે અને ભક્તની પ્રેમભાવની નિ:સ્વાર્થતા પ્રભુની દિવ્ય પ્રીતની શક્તિમાં એકરૂપ થાય. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા