Article Details

મનમાં જ્ઞાન-ભક્તિના સદાચરણથી અજવાળું પથરાય

હે પ્રભુ તારી કૃપા વગર આ સૃષ્ટિમાં ઉત્પત્તિ ન હોત, તો બધે જડતા જેવું લાગતે!

         તારી શૂન્યભાવની કૃપાથી આ સૃષ્ટિમાં બધે ઉત્પત્તિનો આનંદ છે અને ધ્વનિનો નાદ છે;

         આ સૃષ્ટિમાં બધે છે જાગૃતિની ક્રિયા અને દરેક ક્રિયામાં તારી શક્તિનો હાથ છે;

         છતાં માનવી મન રાચે અહમ્ના તોરમાં અને ભૂલી જાય તારી અણમોલ કૃપાને.

 

         આ જગતમાં જે નવું જન્મે છે કે નવું ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થયેલી સ્થિતિનો વિકાસની ક્રિયા રૂપે ઉછેર થાય છે. નવીન ઉત્પત્તિ કે નવી જનમતી સ્થિતિ છે અવિરત થતી ક્રિયાનો સ્ત્રોત. એટલે પ્રભુની ક્રિયા શક્તિની અભિવ્યક્તિ મહાભૂતોની પ્રકૃતિની ક્રિયા રૂપે વ્યક્ત થતી રહે છે. મહાભૂતોની પ્રકૃતિ રૂપે માનવી પ્રાણી, પક્ષી, જળચર, જંતુ તથા વનસ્પતિના વિવિધ આકારો જન્મે અને જન્મેલાં આકારોનો વૃદ્ધિ રૂપે ઉછેર થયાં કરે. દરેક કૃતિના ઉછેરની વિકાસશીલ ક્રિયાનો નિશ્ર્ચિત સમય હોય છે. તે પછી વિકારની ક્રિયાનો આરંભ થાય અને પરિવર્તનની ક્રિયા રૂપે આકારનું રૂપ ક્ષીણ થઈને વિલીન થઈ જાય. આમ દરેક આકારનું જીવન એટલે ઉત્પત્તિની ક્રિયા રૂપે જન્મ થાય અને વિલીન થવાંની યાત્રા થાય. આ હકીકતનો સારાંશ જાણવા છતાં જન્મ રૂપે ઉત્પન્ન થતી પરિસ્થિતિને માનવી સુખદ ગણે છે અને મૃત્યુ રૂપે વિલીન થતી પરિસ્થિતિને દુ:ખદ કે અશુભ માને છે. જ્યાં સુધી જન્મ-મૃત્યુની ક્રિયા વિશે આવા વિચારોની માન્યતામાં મન ઘેરાયેલું રહે છે ત્યાં સુધી આકારમાં વસવાટ કરનારનો ખરો પરિચય થતો નથી. આકારમાં વસવાટ કરવાનો હેતુ જાણવા માટે જ દેહ રૂપી આકારમાં હું વસવાટ કરું છું અથવા દેહના મૃત્યુ સુધીની યાત્રામાં ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવાની ઈચ્છાઓ પૂરી કરું છું. દેહમાં રહીને હું ભવોથી મારા પર લદાયેલા અતૃપ્ત ઈચ્છાઓનાં આવરણને ઓગાળવાનો પ્રયત્ન કરું છું. જેથી મારા મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપમાં પ્રભુત્વને પ્રગટાવતું સાત્ત્વિક જીવન જીવી શકું. આવાં શુભાશયથી માનવી જો જીવે, તો પળે પળે પ્રભુ કૃપાની પ્રતીતિ થાય અને મનુષ્ય જીવનની દુર્લભતાનો સદુપયોગ થાય એવું જ્ઞાન-ભક્તિનું સદાચરણ ધારણ થતું જાય.

         હું જીવન જીવું છું એટલે મારી ઈચ્છાઓ જીવે છે તથા ઈચ્છાઓને પૂરી કરાવતી ક્રિયાના વિચારો જીવે છે. વિચારોની ક્રિયાથી વર્તનનું કર્મ થાય અને તેનાં પરિણામની(ફળની) પ્રાપ્તિનું કર્મ થાય. એટલે ઈચ્છાવૃત્તિ-વિચાર-વર્તન રૂપે કર્મ-ફળની અવિરત થતી ક્રિયાઓનું જીવન છે. મન જો આ સૂક્ષ્મ ક્રિયાઓનો સંદર્ભ સમજે તો સાક્ષીભાવથી કાર્યો થાય અને કર્મ-ફળની આસક્તિમાં બંધાય નહિ. પ્રભુની ક્રિયાશક્તિ સાથેનું જોડાણ(યોગ) હોવાંથી આપણે સૌ જીવંત જીવન જીવી શકીએ છીએ. એવાં સત્ દર્શનથી જે જીવે, તે છે ભક્તનું અનાસક્ત મન. ભક્તનું મન કર્મ-ફળની પ્રક્રિયાનું જીવન જીવે અને એવાં જીવન રૂપે પ્રભુના આત્મીય સંબંધને અનુભવે. એવાં અનુભવની પ્રતીતિમાં નવી ઈચ્છાઓનું આવરણ મન પર બંધાય નહિ અને અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ ઓગળતું જાય. એટલે ભક્તનું મન મુક્ત ગતિની મોકળાશને અનુભવે અને દરેક પ્રક્રિયામાં પ્રભુની ચેતનાનો સહારો અનુભવતું જાય. સત્ દર્શનની આવી જાગૃતિ વગર મંદિરમાં ઘંટ વગાડીને, કે મોટેથી મંત્રો બોલીને અથવા પ્રભુ તારા વગર હું કંઈ પણ કરી શકું એમ નથી એવું વારંવાર કહ્યાં કરવાથી પ્રભુ કૃપાની પ્રતીતિ થતી નથી. પ્રતીતિનો આત્મીય આનંદ માણવા માટે જ આપણે માનવ આકારને ધારણ કર્યો છે. માનવ આકારની રચના એટલી અદ્ભુત છે કે તેની દસ ઈન્દ્રિયોની વિશેષતા જો સમજાય, તો વિચારવાની કે સમજવાની રીત બદલાઈ જાય. મન પછી ઈન્દ્રિયગમ્ય વિષયોની સંગમાં પ્રભુની ક્રિયાશક્તિના, એટલે કે ઊર્જા શક્તિની આત્મીય ચેતનાનાં ગુણિયલ પ્રભાવથી પરિચિત થતું જાય. એવાં પરિચયની જ્ઞાતા વૃત્તિની જાગૃતિમાં મગજના જ્ઞાનતંતુઓ રૂપી દીવાની વાટ તેજસ્વી થતી જાય.

         પ્રભુ કૃપાની પ્રતીતિ મન ત્યારે જ કરી શકે જ્યારે મન રૂપી ઘરમાં જ્ઞાન-ભક્તિના સદાચરણથી અજવાળું પથરાય. અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનું આવરણ હોવાંથી મન રૂપી ઘરમાં અંધકાર પથરાયેલું રહે છે. જેમ જેમ જ્ઞાન-ભક્તિ રૂપે સ્વ સ્વરૂપની ગુણિયલ પ્રતિભાથી મન પરિચિત થતું જાય, તેમ તેમ ગાઢ આવરણ ઓછું થતાં જેમ પરોઢિયું થાય અને ઉજાસ પથરાય તેમ મન પર આત્મીય ચેતનાનો ઉજાસ પથરાતો જાય. પછી ઈન્દ્રિયગમ્ય ભોગની આસક્તિના બદલે પ્રભુ કૃપાની પ્રતીતિ કરાવતી જ્ઞાન-ભક્તિની આસક્તિ જાગે. એવી આસક્તિમાં જિજ્ઞાસુભાવનો અગ્નિ હોય, જે સ્વ અનુભૂતિની અંતર યાત્રા કરવા માટે બેચેન રહે. જિજ્ઞાસુ ભક્તની આવી બેચેનીમાં કોઈ વસ્તુ કે વ્યક્તિની અપ્રાપ્તિનો ઉદ્વેગ નથી, કે ઈચ્છિત ભોગની સ્થિતિ પ્રાપ્ત ન થવાંની હતાશા નથી, કે રાગ-દ્વેષ-ઈર્ષ્યાથી ઉદ્ભવતી ખિન્નતા નથી. ભક્તની બેચેનીમાં ચેન(માનસિક શાંતિની સમતોલતા) અર્પણ કરતાં સદાચરણમાં સ્થિત રહેવાનો સંકલ્પ હોય છે.

         ભક્તના જેવો સંકલ્પ માનવીનું મન પણ કરે, પરંતુ સંકલ્પ પૂરો કરાવતાં વર્તનમાં ઢળે નહિ. એટલે જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રજ્વલિત ન થવાંથી સદાચરણના વર્તનમાં સ્થિત થવાનો સંકલ્પ અધૂરો રહે છે. જિજ્ઞાસુ ભક્તનો સંકલ્પ એટલો દૃઢ હોય, કે તેની બેચેની જ એને સંકલ્પ પૂરો કરાવતાં વર્તનમાં સ્થિત કરાવે છે. જેટલી બેચેની વધુ તેટલી સંકલ્પની દૃઢતા વધતી જાય. સંકલ્પ અનુસાર સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં સમયનો સદુપયોગ થાય. એવાં વારંવાર થતાં અધ્યયનથી સાત્ત્વિકભાવની જાગૃતિ થાય, ત્યારે સ્મરણ ભક્તિ રૂપે પ્રભુ નામ સાંભરે, એટલે કે જ્ઞાતા વૃત્તિથી સ્વયંનું સંવેદન ધારણ થતું જાય. સંવેદનથી સ્વમય ચિંતનની સહજતા ધારણ થતી જાય અને ભક્તનો હૃદયભાવ અંતરની સૂક્ષ્મતામાં ઉડ્ડયન કરતો ભગવત્ ભાવની જાય. અહમ્ વૃત્તિનું સમર્પણ થતું જાય અને તન-મનનાં માનવી જીવનનો હિતકારી ભાવાર્થ અનુભવાય. ભક્તિ રૂપે ભગવત્ ભાવની શક્તિ જાગૃત થતાં ભક્તનું મન સ્વયં ઓતપ્રોત થાય, એટલે કે ભાન ભૂલીને ભક્તિના સદાચરણમાં સ્થિત થતાં ભક્ત સાત્ત્વિકભાવનું આસન બની જાય. સાત્ત્વિકભાવની નિર્મળતામાં અંતર સ્ફુરણ રૂપે અક્ષર શબ્દોનું આલેખન આપમેળે પ્રગટતું જાય ત્યારે વિનંતિનો ભાવ પ્રગટે કે;

 

         વહેલી સવારે સાંભરે કૃષ્ણ તારું નામ, કાયાનું કાલે શું થશે, કલ્યાણ કરજો નાથ;

         કાયાનું જે થશે તે થશે છોડું તુજ પર નાથ, આત્માનો અધિપતિ છો પ્રભુ, ઉદ્ધાર કરજો નાથ;

         શબ્દોથી શોધવાને મથું, ભજનોથી ભજું હું નાથ, ભેટું તો હું કોને ભેટું મારે ભેટવા છે ભગવાન;

         ભાન ભૂલીને ભક્તિ કરું, ખુલ્લાં તું રાખજે કાન,

એક ક્ષણ તો આપો પ્રભુ, મને આપો નાની પાંખ.

(ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા