તરસ સદા વધતી રહે એવી કૃપા વરસાવજો
નથી જાણવું પ્રભુ કે, કેવી રીતે તું મારી અંતર યાત્રાની તરસ છીપાવી દઈશ;
પ્રભુ માંગુ એટલું શરણ ભાવથી કે, તરસ સદા વધતી રહે એવી કૃપા વરસાવજો;
મારે અંતરમાં પ્રયાણ કરતાં રહીને, સંસારના કોઈ જાતના સુખ કે વૈભવ પામવા નથી;
મને તો તારી દિવ્ય પ્રીતમાં ઓતપ્રોત કરી, ભાવમાં ભીંજવીને દર્શનનું સુખ આપતો રહેજે.
ભૂખ અને તરસ લાગવી, એ છે શરીરની જીવંત હોવાની નિશાની. અન્ન ખાવાની ભૂખ લાગે કે પાણી પીવાની તરસ લાગે, એ ક્રિયા માત્ર આપણાં સૌના જીવનમાં જ નથી વણાયેલી, પણ આ પૃથ્વી પર વસવાટ કરનારા દરેક દેહધારી જીવોનું જીવન આ ક્રિયામાં વીંટળાયેલું છે. ભૂખને મીટાવે છે અન્ન અને તરસને છીપાવે છે પાણી. (જો કે આજના યુવાનોને તરસ છીપાવવા માટે કોલ્ડડ્રીન્ક કે બીજા પીણાંઓ પીવાનું વધુ ગમે છે.) એટલે અન્ન અને પાણી રૂપી ધનથી તન-મનનું દેહધારી જીવન જીવવાની વ્યવસ્થા વ્યવસ્થાપક પ્રભુએ કરી છે. એકબીજાને આધારિત રહેતું તન-મન-ધનનું આવું માનવ જીવન જીવવા માટેની વ્યવસ્થા પ્રભુએ કરી, તે પહેલાં આકાશ-વાયુ-અગ્નિ-જળની સૂક્ષ્મ સૃષ્ટિની રચના થઈ. એનાં પછી સ્થૂળ રૂપે પૃથ્વી ગ્રહની રચના થઈ અને એક કોશી જીવોની (અમીબા કે જંતુઓ) ઉત્પત્તિનો આરંભ થયો. અનેક કોશી મનુષ્ય દેહની રચના એટલે જ મહાભૂતોની પ્રકૃતિનું સ્થૂળ રૂપે પ્રદર્શિત થવું. મહાભૂતોની સર્જનાત્મક ક્રિયાઓનું સર્વોત્તમ સ્વરૂપ સ્થૂળ આકાર રૂપે પ્રદર્શિત કરીને, પ્રભુએ આપણને આકારમાં સમાયેલાં નિરાકારિત સત્ત્વની પ્રતીતિ ધરી છે. મનુષ્યનો સર્વશ્રેષ્ઠ આકાર છે, કારણ મનુષ્યના આકારમાં મન રૂપી વાહનની શ્રેષ્ઠતા સાથે જીવાત્મા વસવાટ કરે છે. જેથી જીવાત્મા પોતાની અતૃપ્ત ઈચ્છાઓનાં ભારને હળવો કરી શકે અને સાત્ત્વિક આચરણના સદ્ભાવથી ઊર્ધ્વગતિની જાગૃતિને ધારણ કરી શકે.
જાગૃતિની ભૂખ કે ઊર્ધ્વગતિની તરસ દરેક મનની ભીતરમાં સુષુપ્ત રીતે સમાયેલી હોય છે. સામાન્ય રૂપે મનુષ્ય આ ભૂખ કે તરસથી જાણકાર થતો નથી. કારણ મનુષ્ય પોતાને જન્મવાવાળો અને મૃત્યુ પામવાવાળો શરીરનો આકાર માને છે. તેથી સ્વયંને શરીર માનવાની અજ્ઞાનતામાં જીવતો માનવી, માત્ર શરીરની અન્નની ભૂખ મીટાવવાના અને પાણીની તરસ છીપાવવાનાં પ્રયત્નમાં જીવંત જીવનનો અણમોલ સમય પસાર કરી દે છે. પોતાને શરીર માનવાની ભૂલના લીધે શરીરના આકારની સીમામાં મન બંધાયેલું રહે છે તથા બીજા આકારિત પદાર્થોને ભોગવવાની ઈચ્છામાં બંધાયેલું રહે છે. એવાં મનને સત્સંગ, શ્રવણ, કે કીર્તનનાં સહારે મનની ખરી ભૂખ અને તરસની જાણ થઈ શકે. જાણકાર મનની જિજ્ઞાસા પછી ગુરુના સાંનિધ્યની મહત્તા સમજે, ત્યારે શાસ્ત્રોનું અધ્યયન તથા અભ્યાસ થાય. પછી મનની ભૂખ અને તરસને તૃપ્ત કરાવતું અંતર જીવન જીવવાનો પુરુષાર્થ થાય. અંતર જીવનના રાહ પર પ્રયાણ કરવાની ઈચ્છા જ્યારે જાગે, ત્યારે માતા-પિતાના સુસંસ્કારી ઉછેર રૂપે તથા પુણ્ય કર્મોના ફળ રૂપે તે રાહ પર પ્રયાણ કરાવતો સાત્ત્વિક ભાવ જાગૃત થાય. સાત્ત્વિક ભાવનું વર્તન એટલે મનનું ભક્ત સ્વરૂપનું સમતોલ વર્તન. જે લૌકિક જીવનનાં કાર્યો સાત્ત્વિક ભાવનાં સંદર્ભથી કરે અને આકારિત પદાર્થોના અતિશય મોહમાં ન રહે.
આપણે સૌ જાણીએ છીએ કે અસહ્ય મોંઘવારીની અને બેરોજગારીની મુશ્કેલીઓમાં અટવાતાં ગરીબ માણસોને ઘણીવાર બે ટંક પેટ ભરીને ખાવા મળતું નથી. એવાં માણસોને જીવનની ફિલસૂફી સમજાવતાં વિચારો, કે સ્વયંથી પરિચિત કરાવતાં સાત્ત્વિક વિચારોનો બોધ જેમ વ્યર્થ લાગે, તેમ જેઓની પાસે અઢળક રૂપિયાની અમીરી છે, ભોગ વિલાસના આધુનિક સાધનોની કોઈ ખોટ નથી, તેઓને પણ સ્વયંની ઓળખાણ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન નિરર્થક લાગે. આ જગતમાં બે (દ્વૈત) પ્રકારની વિરોધી સ્થિતિની આવનજાવન થયાં કરે છે, એટલે કે દિવસ-રાત, ઠંડી-ગરમી, આશા-નિરાશા, તૃપ્તિ-અતૃપ્તિ, સુખ-દુ:ખની ઘટના વગેરે. આવી બે વિરોધી પ્રકારની કોઈ પણ એક સ્થિતિ જો અતિશય લાંબો સમય સુધી રહે તો મન અકળાઈ જાય છે. એટલે જ્યાં અતિનો અતિરેક હોય, ત્યાં મનની સમતોલતા જળવાતી નથી. કોઈ પણ પ્રકારની એક જ સ્થિતિનો ઘણીવાર કંટાળો આવે છે. લાંબો સમય સુધી એકની એક પરિસ્થિતિ જીવનમાં રહે અથવા એકનું એક કાર્ય કરતાં રહેવાનું હોય તો મન અકળાઈ જાય. મનને એક જ પ્રકારના અનુભવમાં બંધાઈને રહેવું ન ગમે, કારણ વિકાસની ગતિમાં કે પ્રગતિમાં ગતિમાન રહેવાનો મનનો મૂળભૂત સ્વભાવ છે.
ઘણીવાર એકની એક પ્રવૃત્તિથી પણ મન અકળાઈ જાય. જેમકે એકની એક વાનગીને દરરોજ ખાવાનો કંટાળો આવે અથવા દરરોજ ઉપવાસ કરવાનો પણ કંટાળો આવી શકે. એજ રીતે એકસરખું પથારીમાં ઊંઘવાનું હોય કે જાગતાં રહીને કામ કરવાનું હોય, સતત વાંચવાનું હોય કે લખવાનું હોય, સતત બોલવાનું હોય કે બીજાનું સાંભળવાનું હોય તો મન કંટાળીને થાકી જાય. ઘણીવાર વાતાવરણ રૂપે કોઈ પણ ઋતુની એકસરખી અતિ સ્થિતિમાં મન કંટાળી જાય અથવા ઉદ્વેગભરી વ્યાકુળતા અનુભવે છે. એ જ પ્રમાણે ઘર વપરાશની વસ્તુઓનો વધુ પડતો વધારો કે ઘટાડો થાય ત્યારે મન ચિંતાથી અકળાઈ જાય. એવું મન ક્યારેક ક્રોધની પ્રતિક્રિયાથી અથવા બીજા સમક્ષ ફરિયાદથી પોતાનો અસંતોષ દર્શાવી, પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. એકની એક પરિસ્થિતિથી કંટાળેલું મન જ્યારે સ્વયંના સ્વરૂપથી જાણકાર થાય, ત્યારે એને પોતાની ભૂલ રૂપે સમજાય કે હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું. એવા સમજપૂર્વકના એકરારમાં વિચારોની દિશા બદલાતી જાય. પોતે આત્મીય ચેતનાનો અંશ છે, એ જાણવાની જિજ્ઞાસામાં મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થતું જાય. ભક્ત સ્વરૂપની જાગૃતિને અંતરના આત્મીય સત્ત્વને માણવાની તરસ હોય. તેથી સંસારી કાર્યોને કે પ્રવૃત્તિઓને તે પ્રભુની આત્મીય ચેતાનાની પ્રતીતિ માટે કરતો રહે. એટલે જીવનમાં ક્યારેક જો એકની એક પરિસ્થિતિની પ્રતિકૂળતા હોય, તો પણ ભક્ત અકળાઈ ન જાય. કારણ એનું મન પરિસ્થિતિ સાથે બંધાતું નથી, પણ પરિસ્થિતિનો અનુભવ કરાવતી આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતા સાત્ત્વિક ભાવની જાગૃતિમાં સ્થિત રહે છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે આપણું મન સાત્ત્વિક ભાવનું સમતોલ આસન બની શકે એવી જ્ઞાન-ભક્તિમાં ધ્યાનસ્થ રહે. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા