Article Details

કરશે કોણ એ ચિંતા છોડી, પ્રભુનું ચિંતન કરો

મારું-તારું ભૂલી જાવ, પ્રેમ-આનંદથી જીવન જીવો તો થશે મન ચિંતાઓથી મુક્ત;

મન મળ્યું છે પ્રભુ સ્મરણની અનુકૂળતા માટે, જે છોડે આડંબર તે કરે સ્મરણ;

સ્મરણમાં ન હોય ગદ્ય કે પદ્યની ભાષા, સ્મરણ તો આપમેળે થયાં કરે ભાવભીના હૃદયથી;

એક દી હૃદયગમ્ય સ્મરણ અંતર દ્વાર ખોલશે, પછી પ્રભુ પ્રતીતિમાં મન ખોવાઈ જશે.

 

         ચિંતા કે અનિશ્ર્ચિતતામાં સામાન્ય રૂપે માનવીનું મન આળોટતું રહે છે. કારણ મનને સાત્ત્વિક વિચારોનું બળ મળતું નથી. મનનું માનસ વિશાળ થાય એવાં ઉમદા વિચારોની સંગમાં જેમ જેમ પ્રગતિ તરફ ઢાળતું બળ મનમાં વધતું જાય, તેમ તેમ ભવિષ્યની ચિંતા ઓછી અનુભવાય. ચિંતાના ઓથારને (સતત ભય) ઓગાળવા માટે સાત્ત્વિક વિચારોની સંગાથે મન જો સ્વયંની ભાળ કરાવતાં ચિંતનનો પુરુષાર્થ કરતું રહે, તો પ્રભુ સ્મરણનું સ્ફુરણ આપમેળે થતું જાય. જિજ્ઞાસુ ભક્ત પ્રથમ પ્રભુએ અર્પણ કરેલી સ્મરણ શક્તિની મહત્તાને સમજવાનો પ્રયત્ન કરે. જેથી સ્મરણ શક્તિના સહયોગથી સ્વમય ચિંતનની સહજતા ધારણ થતી જાય. મંત્રો બોલવા, સ્તુતિ-ભજન ગાવાં, કે પૂજા-જપ કરવા, એવી સાત્ત્વિક પ્રવૃત્તિઓ રૂપે સર્વવ્યાપક પ્રભુનું સ્મરણ કરવાની શરૂઆત કરી કહેવાય. એવી પ્રવૃત્તિઓ સાત્ત્વિક ભાવથી થતી જાય, પછી ધીમે ધીમે સ્મરણનું અંતર સ્ફુરણ આપમેળે થાય એવી જાગૃતિ તરફ પ્રયાણ કરવું જોઈએ. અંતર સ્ફુરણની જાગૃતિ એટલી સરળ નથી. કારણ સ્મરણની સાત્ત્વિક પ્રવૃત્તિઓમાં મોટેભાગે મન એકાગ્ર થતું નથી. મનમાં સંસારી વિચારોની આવનજાવનનાં લીધે પ્રભુ સ્મરણનાં વિચારો ટકી શકતાં નથી. એટલે સત્સંગ રૂપે શ્રવણ કરેલું ભૂલી જવાય, ત્યારે સ્મરણ રૂપે ભજન-સ્તુતિના શબ્દોનું માત્ર રટણ થાય અથવા એનાં અર્થોને સમજવાનો પ્રયત્ન થાય. એવાં પ્રયત્નમાં અહંકાર વચ્ચે આવે કે,‘હું સમજીને સત્સંગ કરું છું, સમજવાનો પ્રયત્ન કરું છું,’ વગેરે અહમ્ પ્રેરિત વિચારોનું આવરણ મનમાં ગૂંથાતું રહે એટલે અંતર સ્ફુરણ પ્રગટતું નથી.

         માનવીને સ્મરણ શક્તિની કૃપા પ્રભુએ અર્પી છે. તે વિશેષ કૃપાનું તાત્પર્ય જાણવું જોઈએ. મનનાં વાહનની અમુક વિશેષ પ્રકારની કાબેલિયત કે પ્રાવીણ્ય છે. તેનાંથી માનવી જ્યાં સુધી જાણકાર ન થાય, ત્યાં સુધી તે કાબેલિયતના આધારે થતાં કોઈ પણ કાર્યનું ઉચ્ચ સ્તરનું પરિણામ પ્રાપ્ત થતું નથી. મનની સ્મરણ શક્તિ એટલે સવારે ઊઠતાંની સાથમાં પથારીમાંથી પગ કેવી રીતે નીચે મુકવો, કે ઘડિયાળમાં કેટલાં વાગ્યાં તેની સમજ લેવાની બાકી ન હોય, પણ સ્મરણ રૂપે મનમાં સમજ અંકિત હોવાંથી એક પછી એક રોજિંદા કાર્યો આપમેળે થતાં જાય. બાળપણથી આપણે રોજિંદા કાર્યો કરવાની રીતને શીખી લીધી છે અને શીખ્યાં પછી તેની સમજ મનમાં સ્મરણ રૂપે અંકિત રહે છે. તે અંકિત થયેલી સમજનો આંક પણ ધીમે ધીમે વધતો રહે છે, એટલે કે નાના હતાં ત્યારે જે રીતે રોજિંદા કાર્યો કરતાં હતાં અને હવે મોટા થયાં પછી જે રીતે કરીએ છીએ, એની સમજણ વધુ સારી રીતે મનમાં ખીલતી રહે છે. આમ કોઈ પણ ક્રિયાની કે પ્રવૃત્તિની રીતને એકવાર જાણ્યાં પછી એની સમજ મનમાં સ્મરણ રૂપે સ્થાપિત રહે છે. વારંવાર પછી તે પ્રવૃત્તિ થયાં કરે, ત્યારે તે પ્રવૃત્તિ કરવાની રીતનું સ્મરણ કરવું ન પડે પણ આપમેળે થયાં કરે. એ જ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની ઓળખ, એનાં નામનું સ્મરણ મનમાં પરોવાઈને રહે છે. મનની આવી સ્મરણ શક્તિની વિશેષતાને જાણીએ તો સૂક્ષ્મ સમજની બુદ્ધિ ખીલતી જાય તથા સમજ રૂપે સ્વયંને જાણવાની નિષ્ઠા અને એકાગ્રતા વધતી જાય.

         ભક્ત હંમેશા સ્વમય ચિંતનનો પુરુષાર્થ સ્મરણ શક્તિના સહયોગથી કરતો રહે. જેથી પ્રભુ સ્મરણની ધારામાં મનનું સ્નાન થતું રહે અને સ્નાન રૂપે અહંકારી વૃત્તિઓનું શુદ્ધિકરણ થતું રહે. ચિંતનનો પુરુષાર્થ પ્રેમભાવથી  થાય તો મનનાં શુદ્ધ સ્વરૂપની જાગૃતિથી એટલે કે હૃદય ભાવની જાગૃતિથી અંતર પ્રયાણ થતું જાય. સ્વમય ચિંતનની અંતર યાત્રા કરનારા ભક્તનું મન સંસારની ચિંતાના ઓથારથી કદી દિશાહીન ન થાય અથવા ઈર્ષ્યા કે રાગ-દ્વેષની વાતોમાં અટવાઈ ન જાય. કારણ સંસારની અસારતાને તે જાણે છે તથા રાગ-દ્વેષના વર્તનથી શરીરના અંગોની ક્રિયાઓ પર જે હાનિકારક માઠી અસર થાય છે, તેનાંથી જાણકાર હોવાંથી તે મનની સ્વસ્થતાને જાળવવા પ્રભુ સ્મરણ રૂપે સ્વમય ચિંતનના સહારે જીવન જીવે છે. આમ સ્મરણ શક્તિનાં સથવારે સત્સંગ રૂપે જે પણ ગ્રહણ થાય તેને યાદ કરી શકાય છે. યાદ કરવાના પ્રયત્નમાં સ્વયંની ઓળખ કરાવતી સૂક્ષ્મ સમજ મનમાં અંકિત થતી જાય. પછી લૌકિક જીવનના વ્યવહારિક કાર્યો જ્યારે મન કરતું હોય ત્યારે તે અંકિત થયેલી સમજ, સ્મરણ રૂપે ડોકિયાં કરે કે ‘હું કર્તા નથી, હું આત્મીય ચેતના છું. પ્રભુની આત્મીય ચેતનાનો સંગાથ હોવાંથી આ શરીરની જીવંત સ્થિતિ છે અને મનની વિચારવાની, સમજવાની, કે સ્મરણ કરવાની કાબેલિયત છે.’ આવાં સ્મરણના ડોકિયાં વારંવાર થાય તો અહંકારી વર્તનનો આડંબર ઓગળતો જાય અને રાગ-દ્વેષની વાતોને બદલે પ્રેમ ભાવથી વ્યવહાર થતો જાય.

         ચિંતા ચિતા સમાન છે, એ જાણવા છતાં માનવી પોતાના મનને ચિતા જેવું બનાવી દે છે. ચિતા એટલે જેનાં પર મૃત્યુ પામેલા શરીરને મૂકીને બાળવાનું હોય. ચિંતા કરી કરીને મનને જો ચિતા જેવું બનાવી દઈએ, તો એવાં મનથી જે પણ સાત્ત્વિક વિચાર થાય તે ચિતા રૂપી મનમાં બળી જશે. એટલે કે એની સૂક્ષ્મ સમજનો ભાવાર્થ મનમાં સ્મરણ રૂપે અંકિત નહિ થાય. તેથી સત્સંગમાં જે સાત્ત્વિક વિચારો ગ્રહણ કરીએ, તે થોડાં સમયમાં જ ભૂલી જવાય છે. ચિંતા કે રાગ-દ્વેષનું અહંકારી વર્તન મનની સ્મરણ શક્તિને ઘટાડી દે છે. તેથી જ પ્રૌઢ ઉંમરે કે વૃદ્ધ વયમાં મનની સ્મરણ શક્તિ જર્જરિત થાય છે અને યાદ રાખવાનું યાદ નથી રહેતું. જેનું (પ્રભુનું) સ્મરણ કરવાનું હતું તેને ભૂલીને જીવન જીવ્યાં અને જેને (સંસારી રાગ-દ્વેષને) ભૂલી જવાનું હતું તેનું જ સ્મરણ વારંવાર કરતાં રહ્યાં. એટલે પ્રભુ સ્મરણનું સ્ફુરણ આપમેળે થતું નથી અને પ્રભુ પ્રતીતિમાં મન અંતરધ્યાનસ્થ થતું નથી.

 

         કરાવે છે કોઈ, કહે હું કરું છું, એ હું ને કાઢી કર્મો કર્યા કર;

         કર્તવ્યભાવના રાખીશ નહિ તું, એ હું ને કાઢી કર્મો કર્યા કર;

         કરશે કોણ એની ચિંતા છોડી દે, ચિંતન એનું કરતો જા;

         ચિત્ત તારું એક જ ધ્યેય તારું એક જ, કેશવ કરાવે સૌ કામ.    (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા