સ્વયંને જાણો અને પ્રભુ સાથેની ઐક્યતાને માણો
સ્વયંને જાણવાની લગની અથવા જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણથી જીવવાની લગની લાગે, ત્યારે સંસ્કારી વર્તનની કેળવણી કે સદ્ગુણી સ્વભાવનું ઘડતર સહજતાથી થતું જાય. મોટે ભાગે ભૌતિક જગતના વિચારોમાં કે વસ્તુઓનાં ભોગમાં મન ઝડપથી પરોવાઈ જાય છે. એટલે સ્વયંને જાણવાની કે સત્સંગની વાત આવે ત્યારે એવું મન તર્કબદ્ધ દલીલ વધુ કરે કે, "એ બધું તો માત્ર વિચારોમાં રહે છે, જવલ્લે જ સાત્ત્વિક વર્તનમાં મન સ્થિત થાય અને સત્સંગ એ તો નવરાં કે રીટાયર્ડ માણસોની પ્રવૃત્તિ કહેવાય.” એવું દલીલબાજ મન, આધુનિક સુખ સગવડની ભૌતિક વસ્તુઓને ખરીદવા માટે સસ્તુ કયાં મળી શકે તે જાણવાનો પ્રયત્ન ઊંડાણપૂર્વક ખૂબ અધીરાઈથી કરશે. પરંતુ એવો પ્રયત્ન કરાવનાર મનનું જે વાહન મળ્યું છે, તેની વિશિષ્ટતાને જાણવાનો અથવા મનની નિરાકારિત સ્વરૂપની ક્રિયાને જાણવાનો પ્રયત્ન નહિ કરે. કારણ તર્ક કરીને મનના સાત્ત્વિક સ્વભાવની પ્રતિભાને નકારતાં માનવીઓ ભૌતિક જગતના મોજશોખને જ મહત્વનું ગણે છે. મોજશોખના સાધનોનાં ગુલામ બની તેઓ માત્ર ખાવું, પીવું, ફરવું અને નિતનવાં વસ્ત્રો પરિધાન કરી, એકબીજા સાથે સરખામણી કરતાં રહે અને ઉચ્ચ-નિમ્ન કક્ષાના ભેદભાવથી જીવે. ભૌતિક વસ્તુઓનાં કે વસ્ત્રોનાં વિચારોમાં વ્યસ્ત રહીને, સરખામણીના સ્વભાવથી મનને અસમતોલ કરનારા માનવીઓ એટલું સમજી નથી શકતાં કે, પોતાના શરીરને ઢાંકવા માટે એકીસાથે કેટલાં વસ્ત્રોની જરૂરિયાત હોય?
એવું મન જે નવાં નવાં વસ્ત્રોને કે વસ્તુઓને ખરીદવાના વિચારોમાં જ ફરતું રહે છે, તે જો પ્રભુએ અર્પણ કરેલાં શરીર રૂપી વસ્ત્રની મહત્તાને સમજે, શરીરમાં સતત થતી ક્રિયાઓની ડીઝાઈનને (રચનાને) સમજવાનો પ્રયત્ન કરે, તો જીવંત જીવનનો મહિમા જાણવાની ઈચ્છા ક્યારેક જાગી શકે. માનવ શરીર એ કંઈ યાંત્રિક રોબોટ જેવું નથી. શરીરની અકલ્પનીય અદ્ભુત રચના એટલે જ અટ્કયાં વગર થતી વિવિધ અંગોની ચેતનવંત ક્રિયાઓ. દરકે અંગોની ક્રિયા જુદી જુદી હોવાં છતાં તે એકબીજા સાથે જોડાયેલી છે અને સુમેળ ભાવ રૂપે સ્નેહના તારથી બંધાઈને અંગો પોતાની ક્રિયા કરતાં રહે છે. એ સ્નેહાળ તાર છે પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાનો. તે ચેતનાનું ધન દરેક માનવીના તન-મનમાં શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે પ્રસરતું રહે છે. માનવ દેહ તથા પશુ, પક્ષી, જળચર, જંતુ તથા વનસ્પતિ જગતની વિવિધ કૃતિઓમાં પ્રભુની ચેતનાનું ધન વહેતું રહે છે. એટલે સર્વત્ર ચેતનાની ઊર્જા શક્તિના તરંગો છે, જેનાં આધારે જીવંત સ્વરૂપની ક્રિયાઓ થતી રહે છે. ચેતનાનું ધન શ્ર્વાસ રૂપે આપણને સતત મળતું રહે છે, એવી ઉત્કૃષ્ટ રચના કરીને પ્રભુએ એમની સાથેની ઐક્યતાનો અણસારો ધર્યો છે. તે ઐક્યતાનો આનંદ માણવા માટે જ આપણને મનનું શ્રેષ્ઠ વાહન મળ્યું છે. જેથી પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાને, એની સાત્ત્વિક ગુણોની પ્રતિભાને મન અનુભવી શકે તથા અનુભવ રૂપે એકરૂપ થઈ શકે.
સ્વયંને જાણવાની અથવા પ્રભુ સાથેની ઐક્યતાને જાણવાની લગની લાગે, તો જાણવાના પુરુષાર્થ રૂપે અહંકારી સ્વભાવનો અવરોધ ઓછો થતો જાય. અહંકારી સ્વભાવના અવરોધક પડદાં મન પરથી હઠતાં જાય, તો મનમાં સમાયેલી પ્રેમ ભાવની નિ:સ્વાર્થતા જાગૃત થાય. પ્રેમ ભાવની કે સાત્ત્વિક ગુણોની જાગૃતિને કહેવાય મનનું હૃદય સ્વરૂપ જાગૃત થવું. મનનો હૃદય ભાવ જાગે ત્યારે સાત્ત્વિક ગુણોની પ્રતિભા વર્તનમાં જણાય. હૃદય ભાવની જાગૃતિમાં સંસારી વિચારોનું ઘર્ષણ આપમેળે ઓગળતું જાય અને નિ:સ્વાર્થ ભાવનું સંવેદન પ્રગટતું જાય. નિ:સ્વાર્થ પ્રેમ ભાવનો અનુભવ દરેક માતા-પિતા જ્યારે પોતાના નવજાત શિશુનું લાલનપાલન કરે છે ત્યારે અનુભવે છે. ઘણીવાર આપણે અનુભવ્યું છે કે જ્યારે ત્રણ-ચાર મહિનાના બાળકને હાથમાં લઈએ, ત્યારે તે બાળકનાં નિર્દોષ ભાવમાં આપણાં મનના સંસારી રાગ-દ્વેષના વિચારો થોડીવાર અટકી જાય છે અને માત્ર પ્રેમ ભાવની નિર્મળતાનો આનંદ અનુભવાય છે. એવાં આનંદને ભક્ત ત્યારે અનુભવે છે જ્યારે તે સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં હૃદય ભાવની જાગૃતિથી તલ્લીન થાય. તે ક્ષણે પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ થાય. આવાં દર્શનની પ્રતીતિમાં વિચારો ન હોય, તે ક્ષણે માત્ર નિષ્કામ ભાવનું સંવેદન હોય. એવાં સંવેદનની અંતર ધ્યાનસ્થ સ્થિતિમાં અંતર સ્ફુરણ થાય અને ભક્તમાં અનંત અંતર યાત્રાનું માર્ગદર્શન ધારણ થતું જાય.
અંતર યાત્રાની ધ્યાનસ્થ અવસ્થામાં માર્ગદર્શન રૂપે શબ્દો ન હોય પણ સૂક્ષ્મ અંતર સ્તરોનું પ્રકાશિત દર્શન હોય. એવાં દર્શનથી અમુક અવરોધક મનોવૃત્તિઓનો જે સૂક્ષ્મ અહમ્ હોય તેનો અહેસાસ થાય અને એમાંથી મુક્ત થવાંની વિનંતિનો શરણ ભાવ આપમેળે પ્રગટતો જાય. એવી વિનંતિના ભાવમાં શબ્દોના અર્થ સાથેની સમજણ મેળવવાની બાકી ન હોય, પણ પ્રભુ સાથેની ઐક્યતાના સંગાથને માણવાનો શ્રદ્ધા ભાવ વધુ દૃઢ થતો જાય. શ્રદ્ધા ભાવ આપમેળે જાગે છે. કોઈના કહેવાંથી કે વારંવાર મનને સમજાવવાથી શ્રદ્ધા જાગૃત થતી નથી. સામાન્ય રૂપે માનવી જ્યારે એવું માને અથવા બીજાને જણાવે કે મને શ્રદ્ધા છે, ત્યારે તેવી શ્રદ્ધા અનુકૂળ સંજોગોને આધીન રહે છે. જો પ્રતિકૂળ દુ:ખદ ઘટના ઘટે, તો એવાં માનવીની શ્રદ્ધા ડગમગવા લાગે છે. એટલે શ્રદ્ધાનું આસન મન ત્યારે જ બની શકે જ્યારે પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા થાય. અંતર યાત્રા એટલે સ્વ જ્ઞાન રૂપે સ્વયંથી પરિચિત થયેલાં મનનો સમર્પણ ભાવ જાગૃત થવો. સમર્પણ ભાવની જાગૃતિમાં ભક્તનું મન સૂક્ષ્મ નિરાકારિત સ્વરૂપની પ્રતીતિ કરતું જાય. પ્રતીતિના અનુભવમાં શંકા કે સંદેહ વગરની સ્થિતિ મનની હોય, તે છે શ્રદ્ધા ભાવની જાગૃતિ. ભક્તનો શ્રદ્ધા ભાવ સત્ સ્વરૂપની ચેતનામાં ઓતપ્રોત કરાવતી અંતર યાત્રામાં લીન રહે, ત્યારે મનોભાવ અને હૃદય ભાવનો સંવાદ ક્યારેક ઉદ્ભવે. અંતર યાત્રાના એવાં સંવાદને આપણે શબ્દોથી જાણીએ, જેથી ભક્તિ ભાવમાં લીન થઈ શકાય.
હૃદયને મેં પૂછ્યું કે તારે ક્યાં જવું છે, તો હૃદય કહે કે મારે પ્રભુ સાથે રહેવું છે;
પ્રભુને મેં પૂછ્યું કે, ક્યારે લાવું હૃદય મારું, તો પ્રભુ કહે કે હૃદય તો છે મારો જ અંશ;
હવે હૃદયને પૂછ્યું કે ક્યારે જવું છે પ્રભુ પાસ, તો હૃદય કહે કે વચ્ચે આવે છે તારો સૂક્ષ્મ અહમ્;
પ્રભુને ફરીથી સંદેશો મેં મોકલ્યો કે,
આપના ભગવત્ ભાવની ભક્તિમાં ડુબાડો જેથી અહમ્ વૃત્તિ ઓગળતી જાય. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા