સ્વયંના શાંત સ્વરૂપમાં સ્થિરતા : ભક્તિ
આપણે એટલું તો જાણીએ છીએ કે શાંત સ્થિતિનો અનુભવ થાય ત્યારે વિરોધી વિચારોનું ઘર્ષણ ન હોય, અથવા એકબીજા સાથે તુલના કરવાની હુંસાતુંસી ન હોય, અથવા પોતે જે પ્રમાણે વિચાર્યું હોય એવું પોતાની ઈચ્છા અનુસાર કાર્ય થાય અને ઈચ્છિત પરિણામ મેળવી શકાય. પરંતુ એવી શાંત સ્થિતિ ક્યારેક જ અનુભવી શકાય છે. કારણ રોજિંદા જીવનનાં કાર્યો પરિવારના સભ્યો સાથે, કે નોકરી-ધંધામાં સહકાર્યકરો સાથે જોડાઈને થાય છે. એટલે એકબીજા સાથે કાર્ય કરતી વખતે પોતાનો અભિપ્રાય રજૂ કરવાની, કે પોતે જે વિચારે છે તે જ સાચું છે એવી દલીલો રજૂ કરવાની ખેંચતાણ રહે છે. તેથી દલીલ કે આક્ષેપ કરવાનો આક્રોશ અથવા દલીલ કરવાનું ના છૂટકે સ્વીકારી લેવાનો ઉશ્કેરાટ મનમાં ધુમાડાની જેમ ફેલાય, ત્યારે અશાંત મન પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકતું નથી. પોતાની ઈચ્છા મુજબના વિચારોનું પરિણામ મેળવવું અને પોતાની મરજી મુજબ એને ભોગવવામાં શાંતિ અનુભવાય એવી માન્યતા સામાન્ય રૂપે માનવીની હોય છે. આવી મરજી મુજબ વર્તન કરવાની સ્વતંત્રતાને સૌ કોઈ ઝંખે, જ્યાં બીજા કોઈની દખલગીરી ન હોય. પરંતુ એવી શાંતિનો અનુભવ જવલ્લે જ મળે અને જો મળે તો તે શાંતિ થોડી ક્ષણો માટે જ રહે છે. કારણ માનવી મન લૌકિક વિચારોની એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતું જ રહે છે. એવાં વિચારોમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ધિક્કાર, વેરઝેર વગેરે નકારાત્મક વૃત્તિ હોવાંથી શાંત સ્થિતિનો મનમાં ઉદ્ભવ થતાંની સાથમાં જ વિલીન થઈ જાય છે.
વર્તમાન સમયમાં શહેરી જીવનની વ્યસ્તતામાં શાંતિથી પોતાનું કાર્ય કરવા માટે સમય ઓછો પડે છે. એટલે મનની અકળામણને દૂર કરવા મોબાઈલ ફોનનો સહારો લે છે. મોબાઈલ વગર જીવવાનું અટકી જાય એટલી હદે માનવી મોબાઈલમાં ગૂંથાઈ ગયો છે. શહેરમાં અનેક પ્રકારે રૂપિયા રળવાની સુવિધા હોય તથા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ માટેના સાધનોની પણ સગવડતા હોય છે. એટલે જ શહેરમાં નોકરી-ધંધો કરવા માટે ગામની શાંત સ્થિતિના વાતાવરણને છોડીને માનવીને શહેરમાં રહેવાનું ગમે છે. શહેરી જીવનની સુવિધાઓથી મન એટલું ટેવાઈ જાય છે કે, ટ્રાફિકના ઘોંઘાટભર્યા વાતાવરણથી પણ અકળાતું નથી. મન અકળામણ ત્યારે અનુભવે જ્યારે અને પોતાની ઈચ્છા મુજબ વર્તન કે કાર્ય કરવાની સ્વતંત્રતા ન મળે. આવી અકળામણને મોટેભાગે મધ્યમ વર્ગના માનવીઓ વ્યવહારિક કાર્યો કરતી વખતે અનુભવે છે. કારણ મુખ્યત્વે રૂપિયાની કમાણી કરતાં ખર્ચા વધુ હોય છે. ઘરખર્ચ ઉપરાંત જો કોઈ વ્યવહારિક પ્રસંગના ખર્ચા હોય, અથવા માંદગીમાં ડોકટરની દવાના ખર્ચા હોય, ત્યારે ખૂબ મહેનતથી કરેલી બચત વપરાય જાય, તેની અકળામણનું બયાન શબ્દોથી કરી ન શકાય. એવી અકળામણને કે મુંઝવણને માનવી મોટેભાગે બીજા સમક્ષ દર્શાવવાનું ટાળે છે. એટલે મનમાં એવો ઉશ્કેરાટ કે અજંપો રહે જે ન સહેવાય અને ન કોઈને કહેવાય. આજકાલ તો સ્કુલની ફી એકીસાથે છ મહિનાની ભરવાની હોય. એટલે બે-ત્રણ છોકરાંઓ જો હોય, તો ફી ભરવાની મથામણમાં મધ્યમ વર્ગના માનવીઓ અછતની તાણમાં પીસાતાં રહે છે.
રૂપિયાની જ્યાં અછત નથી તે ધનિક વર્ગનું માનસ પણ શાંત સ્થિતિને ઝંખે છે. એટલે શાંતિના અનુભવ માટે શહેરના ઘોંઘાટભર્યા કલબલાટથી દૂર થોડા સમય માટે કોઈક હીલ સ્ટેશન પર જઈને રહે છે. થોડા સમય માટે એવી શાંતિના અનુભવમાં મનનાં રાગદ્વેષભર્યા સ્વભાવનો અવરોધ હોવાંથી, શાંત વાતાવરણમાં પણ મન શાંતિને અનુભવી શકતું નથી. આમ બાહ્ય વાતાવરણની શાંતિ હોય, કે અધિક રૂપિયાથી મેળવાતી સગવડોની શાંતિ હોય, કે ઘરમાં વૈભવી વસ્તુઓના સંગાથની શાંતિ હોય. તે છતાં મન શાંત સ્થિતિમાં સ્થિત થઈ શકતું નથી. કારણ જ્યાં સુધી સ્પર્ધાત્મક વિચારોની રસાકસી હોય, અથવા તુલનાત્મક વિચારોથી ઉદ્ભવતી પીડા હોય, ત્યાં સુધી શાંત સ્થિતિ મનની થતી નથી. તેથી મન જો પોતાના સ્વ સ્વરૂપની મહેલાતથી જાણકાર થાય તો ભીતરમાં સમાયેલી શાંતિને અનુભવવાની જિજ્ઞાસા જાગી શકે. પ્રભુની આત્મીય ચેતનાના લીધે આપણાં સૌના તન-મનની ક્રિયાઓ થાય છે. તે વાસ્તવિકતાને સ્વીકારીને જીવીએ તો રાગ-દ્વેષના ભેદભાવ ઓગળતાં જાય. જે ચેતનાના લીધે હું જીવું છું, તેજ બીજાને પણ જિવાડે છે અને તેજ ચેતનાની ઊર્જા જગતમાં સર્વત્ર પ્રસરેલી છે. એવી સમજથી જીવન જિવાય તો મારું-તારું-પરાયુંના વિચારોથી મન મોકળું થતું જાય. પછી નિષ્કામ ભાવથી, સહકાર ભાવથી વ્યવહાર થાય અને પ્રેમાળ સંબંધોની પ્રસન્નતામાં મનની શાંત સ્થિતિ જાગૃત થાય.
ભક્ત માટે શાંત સ્થિતિ એટલે રાગ-દ્વેષભર્યા વિચારોની આવનજાવન ન હોય, પણ પ્રેમ ભાવની નિ:સ્વાર્થતાથી જીવવાની પ્રસન્નતા હોય. ભક્તના મનની શાંત સ્થિતિમાં, અતૃપ્ત ઈચ્છા વૃત્તિના વિચારોનો અંત કરાવતું ભક્તિ ભાવનું આસન હોય. વિષયોને ભોગવવાની અતૃપ્તિ જેમ જેમ ઓછી થતી જાય, તેમ તેમ મન સ્વયંની સાત્ત્વિક ગુણોની મહેલાતનો ભોગ કરાવતી અંતર ભક્તિમાં સ્થિત થતું જાય. અંતર ભક્તિ એટલે નિ:સ્વાર્થ ભાવનું સમતોલ વર્તન. હું પદનો અહંકાર એવાં સમતોલ ભાવમાં ‘હું તે છું’ એવાં સોઽહમ્ ભાવની જાગૃતિમાં ફેરવાઈ જાય. પ્રભુની ચેતનાનો અંશ હું છું, એવી મનની જાગૃતિમાં સમતોલ વર્તનની સમદૃષ્ટિથી ભક્ત જીવન જીવે. ભક્ત માટે ભક્તિ એટલે સ્વયંના શાંત સ્વરૂપની ગુણિયલતામાં સ્થિત કરાવતું નિ:સ્વાર્થ પ્રેમ ભાવનું વર્તન. તેથી બીજા માનવીના અયોગ્ય સ્વભાવને બદલવાની તે કોશિષ ન કરે, પણ તેને જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક વર્તનની પ્રેરણા ધરવાનો અને વર્તનમાં ઢાળવાનો પુરુષાર્થ પોતે કરે. જેથી તે માનવી સમતોલ સ્વભાવની શાંતિને અનુભવી શકે. એટલે ભક્ત હંમેશા અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહેવાની વિનંતિ પ્રભુને કરતો રહે કે,
"મારી ભક્તિના ભાવમાં શાંતિની ધારા વહેતી મૂકો અને તે શાંતિમાં વૃત્તિઓને વીંટાળી દો;
મારી ભક્તિમાં અહમ્ના વાદળાં વરસી જાય, એવાં પ્રકાશિત જ્ઞાનમાં મનને સ્થિત રાખો;
હે પ્રભુ, સંસારનું માંગવાનું કંઈ રહ્યું નથી, માંગુ પ્રભુ તારો ભાવ અંતર યાત્રાના પગલે પગલે;
અંતર ભાવની જાગૃતિથી અંતર ધ્યાનસ્થ રહેવાય, એવી અંતર ભક્તિમાં તલ્લીન રાખજો.”
(ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા