Article Details

વ્યથાની કથા ભુલાય ત્યારે ભગવાન સાથે સંબંધની સ્મૃતિ થાય

ભગવત્ ભાવ રૂપી તીર્થ છે ભક્તનો સમર્પણ ભાવ, તે તીર્થમાં જ્ઞાન-ભક્તિનાં નીર વહે;

તે નીર પ્રસરાવે પ્રેમ ભાવનાં ઊર્જા સ્ત્રાવને અને સમતોલ દૃષ્ટિની જાગૃતિને;

તે નીરની આચમની જેને મળે, તે મન સંસારી વ્યથાઓના ભારથી મુક્ત થાય;

વ્યથાની કથા પછી ભુલાતી જાય અને ભગવાન સાથેના આત્મીય સંબંધની સ્મૃતિ થાય.

 

         ભક્તિ એટલે કોઈક પ્રવૃત્તિ કરવાનું કાર્ય નથી. કારણ ભક્તિનું સ્વરૂપ ભગવાનની ભગવત્ ભાવની શક્તિનું છે. તે શક્તિ સર્વેમાં ઊર્જાની ચેતના સ્વરૂપે પ્રસરતી રહે છે. એટલે ભગવાનની શક્તિનું ભક્તિ સ્વરૂપ દરેક જીવંત કૃતિઓની ભીતરમાં સમાયેલું છે. તેથી કોઈ કાર્ય કરીને પરિણામ રૂપે મેળવવાની તે પ્રવૃત્તિ નથી. જે સૌની ભીતરમાં છે, જેનાં સૂક્ષ્મ તરંગો સર્વત્ર પ્રસરતાં રહે છે, તે ભગવાનની ઊર્જાની ચેતનાનો જો અહોભાવની શરણાગતિથી સ્વીકાર થાય, તો ભગવાનનો ભગવત્ ભાવ મનમાં નિ:સ્વાર્થ ભાવની ભક્તિ રૂપે જાગૃત થાય. જેમ રાત્રિના અંધકારમાં સૂર્યનો પ્રકાશ નથી જણાતો, એટલે એવું નથી કે સૂર્યની ગેરહાજરી છે. એ તો પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિનાં લીધે દિવસ-રાતનો અનુભવ પૃથ્વીવાસીઓને થાય છે. તેમ સૂર્ય રૂપી ભગવાનની ભગવત્ ભાવની શક્તિ દરેકના મનની ભીતરમાં સમાયેલી છે. પૃથ્વી રૂપી મન બાહ્ય જગતનાં વિચારોમાં ફરતું રહે છે. એટલે ભગવાનની શક્તિનો અહેસાસ થતો નથી અથવા ભગવત્ શક્તિનો દિવ્ય ભાવ મનથી અનુભવાતો નથી. ભીતરમાં સમાયેલાં ભગવત્ ભાવની પ્રતીતિ જો સ્વ જ્ઞાન રૂપે થાય, તો અહોભાવથી ભગવાનની હાજરીનો સ્વીકાર દરેક કાર્યમાં થાય. પછી પ્રતીતિ રૂપે ઊર્જાની ચેતનાના વિદ્યુતિ સ્પંદનોનું સંવેદન ઝીલી શકાય અને વ્યવહારિક કાર્યો નિષ્કામ ભાવથી થતાં જાય.

         જ્ઞાની ભક્તમાં ભગવત્ ભાવનું સંવેદન ધારણ થાય, તેને કહેવાય ભક્તિનું સદાચરણ. એવાં સંવેદનથી સ્વ જ્ઞાનમાં સ્નાન થતું જાય અને વિચારવાની રીતિ પછી બદલાતી જાય. અર્થાત્ પહેલાં જે વિચારોમાં કામ, ક્રોધ, રાગ-દ્વેષ વગેરે અજ્ઞાની સ્વભાવનો અહંકાર હતો, તે વિચારોમાં ભક્તિના આચરણથી ભગવત્ ભાવની સાત્ત્વિકતા પરોવાતી જાય. આમ માનવીએ માત્ર જાણવાનું છે કે, સર્વવ્યાપક ભગવાનની શક્તિ સર્વેમાં સમાયેલી છે. જાણકાર મનમાં ભગવાનના ભગવત્ ભાવને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગે. સ્વયંમાં સુષુપ્ત રહેલાં ભગવત્ ભાવને જાગૃત કરવાની જિજ્ઞાસા ગુરુના સાંનિધ્યમાં શ્રવણ, અભ્યાસ, અધ્યયનથી તૃપ્ત થાય ત્યારે ભગવત્ ભાવની ચેતનાનો અહેસાસ થાય. જે મનને સૂક્ષ્મ સૃષ્ટિની સમજમાં તરાવે અને મનની અજ્ઞાનતા વિલીન થતી જાય. તેથી ભીતરમાં સુષુપ્ત રહેલાં ભગવત્ ભાવને જાગૃત કરવાની તડપ એટલે કે સ્વ અનુભૂતિની તરસ જિજ્ઞાસુ ભક્તમાં સદા રહે છે. એવી અંતર જાગૃતિ માટે એનું મન તડપે કે, ‘મારી ભીતરમાં જ ભગવાનનો અમૂલ્ય ભગવત્ ભાવનો સ્ત્રોત છે. તે સુષુપ્ત હોવાં છતાં અલ્પ અંશમાં ઊર્જાની ચેતના રૂપે તન-મનમાં પ્રગટતો રહે છે. આ ચેતનાના લીધે જ હું જીવંત જીવન જીવી શકું છું. તે સુષુપ્ત ભગવત્ ભાવ જો જાગૃત થાય, તો મારું મન જે ભગવત્ ભાવની ચેતનાનો અંશ છે, તે પોતે જ ભગવત્ ભાવનું એટલે કે ભક્તિનું આસન બની જાય.’

         મન જો ભક્તિનું આસન બની જાય તો ઈંટ-સિમેન્ટના મંદિરોમાં ભગવાનના દર્શન કરવા જવું નહિ પડે. કારણ ભગવાનનો ભગવત્ ભાવ જાગૃત થતાં મન પોતે જ ભગવાનનું મંદિર બની જાય. આવી જાગૃતિની તરસને તૃપ્ત કરાવતાં જ્ઞાન-ભક્તિનાં આચરણમાં, કે સ્વમય ચિંતનમાં મન લીન થાય પછી અહંકારી વૃત્તિઓનું પરિવર્તન થતું જાય. આકારિત કૃતિઓના બાહ્ય દેખાવનો તોલમાપ કરવાનું પછી મનને ગમશે નહિ. પરંતુ આકારોની ભીતરમાં સમાયેલી નિરાકારિત ચેતનાની હાજરીનો અહેસાસ થતો જાય. એવાં અહેસાસ રૂપે મનમાં સાત્ત્વિક વિચારોની પુરવણી થતી જાય અને ભગવાન સાથેની અભિન્નતા કે ઐક્યતાની પ્રતીતિ કરાવતો ભગવત્ ભાવ જાગૃત થતો જાય. આવી ભક્તિ ભાવની સાત્ત્વિકતામાં અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનો ભાર હળવો થતો જાય. કારણ ભગવત્ ભાવની જાગૃતિના લીધે લૌકિક ઈચ્છાઓની તૃપ્તિનો સંતોષ મળે છે. ભાવની સાત્ત્વિકતામાં પ્રેમની પરિભાષાનો ભાવાર્થ હોય, જે અતૃપ્તિને, ઊણપને, ખોટને સંતોષમાં સમાવી દે છે.

         ભગવત્ ભાવની જાગૃતિમાં ભક્ત રૂપી પંખી જ્યારે ભક્તિની પાંખોથી અંતરની વિશાળતામાં વિહાર કરે, ત્યારે સત્ ભાવની સૂક્ષ્મ આંખોનું દાન ધારણ થાય. સત્ ભાવ એટલે સમતોલ ભાવની દૃષ્ટિ, જે દ્વૈત જગતની ઘટનાઓની આવનજાવનમાં વિચલિત ન થાય. તે નિષ્ફળતાથી અકળાઈ ન જાય, પણ ભાવની સૂક્ષ્મતાનું ફળ ધારણ થાય એવી જાગૃતિની સફળતામાં સ્થિત રહેવાનો પુરુષાર્થ કરે. ભાવની જાગૃતિના લીધે ભક્તના કાર્યો પરમાર્થી વૃત્તિથી થતાં જાય અને સૂક્ષ્મ અહમ્ વૃત્તિ વિલીન થતી જાય. જ્યાં સુધી સૂક્ષ્મ અહમ્ વૃત્તિનું હું પદ વિલીન થતું નથી, ત્યાં સુધી અંતરની વિશાળતામાં પ્રભુની પ્રકાશિત ગતિ સાથે એકરૂપ થવાતું નથી. એટલે ભગવત્ ભાવની જાગૃતિ માટે ભક્ત પોતાના હું પદનું સમર્પણ થાય એવી જ્ઞાન-ભક્તિમાં સ્થિત રહે છે. આમ જ્ઞાની ભક્તનું અનન્ય સાંનિધ્ય મહત્ત્વનું છે. એવાં સાંનિધ્યમાં જો જ્ઞાન-ભક્તિથી સત્સંગ થાય, તો આપણાં મનની અજ્ઞાનતાને, અસમતોલતાને, અતૃપ્તિને વિલીન કરાવતી ભક્તિની પાંખો ધારણ થતી જાય.

        

         ભક્તિની પાંખો લઈ પ્રભુ પાસે જઈએ, તો રાગ-દ્વેષના વિચારોમાં પ્રેમ ભાવ પરોવાતો જશે;

         વિચારવાની મનની રીતિ પછી બદલાતી જશે અને પ્રેમની પરિભાષાથી સંસારી પ્રશ્ર્નો ઉકેલાશે;

         મનનાં મંદિરમાં થશે પછી પ્રભુની આરતી અને સેવા પરોપકારનો પરમાર્થી પ્રસાદ વહેંચાશે;

         ભક્તિનો આનંદ ધરશે પ્રેમની સુવાસ અને પ્રભુના આત્મીય નિવાસનો થશે ભીતરમાં અહેસાસ.

 (ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા